મુંબઈ મેરી જાન : ગઝની આવ્યો જ ન હોત તો ?

આપણે ફિલમેકર્સને કોસવામાં શૂરા છીએ. એમાં પણ ખાસ તો ઐતિહાસિક કે પછી કોઈક મહાન ક્લાસિક કૃતિ પર આધારિત ફિલ્મોમાં લેવાતી છૂટછાટ તો કોઈ હિસાબે માન્ય નથી હોતી. જોવાની ખૂબી તો એ છે કે આપણી માહિતી સાથે બંધબેસે તો જ એ ઇતિહાસ સાચો બાકી નહીં એવું જડત્વ પણ ખરું. પણ, મહાન ઇતિહાસકારોની માહિતી ખોટી હોય શકે એ સ્વીકારવી રહી.

એક ઉદાહરણ છે રાજા ભીમદેવ સોલંકી , એમના વિષે લખાયેલી વિગતો અને માહિતી માની લેવા ચાહિયે તો પણ એમનું જન્મવર્ષ આપણને વિચાર કરતાં મૂકી દે.

એ હકીકત છે કે મુંબઈ ભીમદેવનું નિવાસસ્થાન રહ્યું , પણ કયા ભીમદેવ ? ભીમદેવ પહેલા વિષે ઇતિહાસ લેખે છે.

ઘંટારવ માટે ઉપયોગમાં લેવાતી 200 મણની સોનાની સાંકળ (1 મણ = 20 કિલોગ્રામ ), કિંમતી રત્નો , સોનાચાંદીની મૂર્તિઓ ,રત્નજડિત આભૂષણો. આ વિગતો સર્વવિદિત છે પણ હવે એમાં પણ મતમતાંતર થઇ રહ્યા છે. એક મત એવો છે કે ગઝનીને કોઈ ખજાનો સોમનાથમાંથી હાંસલ થયો નહોતો એટલે એને ગુસ્સામાં મંદિરનો ખાત્મો બોલાવી દીધો

સાલ ઈ.સ 1025, જાન્યુઆરી મહિનો. મહંમદ ગઝનીએ આક્રમણ કર્યું હતું ગુજરાતના હાર્દ એવા સંસ્કૃતિધામ સોમનાથ મંદિર પર.મંદિરનો અઢળક ખજાનો ગઝનીના મોઢામાં લાળ લાવ્યો હશે એ હકીકત છે. લૂંટના આશયથી જ આવેલા ગઝનીએ લૂંટફાટ તો ચલાવી પણ સાથે લોકોને વટલાવ્યા. 30,000 ઊંટના કાફલા ને લાવલશ્કર સાથે આવેલા આ લૂંટારુનો સામનો કરવાને બદલે લોકો સોમનાથ પોતે જ ચમત્કાર કરશે એવી આશામાં હાથ પર હાથ જોડી બેઠા રહ્યા .somnath_statue

આ વાત પર્શિયન વિદ્વાન ફિલોસોફર પ્રવાસી અલ બિરુનીએ પોતાના સંસ્મરણોમાં ઉલ્લેખી છે. વધુમાં એ નોંધે છે કે સોમનાથના મંદિરમાં ભારે રક્તપાત સર્જાયો હતો.અંદાજે પચાસ હજારથી વધુ હિંદુઓને રહેંસી નાખ્યા હતા. સામે પક્ષે ગઝનીની છાવણીમાં પણ ખુવારીનો આંક ઓછો નહોતો.

ગઝનીનો સામનો કરી રહેલા રાજા ભીમદેવ પાસે હવે એક જ વિકલ્પ બાકી રહેતો હતો , ભાગી છૂટવાનો. ગઝની જયારે લૂંટમાં મસ્ત હતો ત્યારે ભીમદેવ સોલંકી પોતાના પાટનગર અણહિલવાડ પાટણ ન જતાં દાહોદ ગોધરા (અત્યારના ) રાજપીપળા , ડાંગનું વન વટાવી મુંબઈના વગડાઉ ટાપુ પર પહોંચી ગયા. તેમની સાથે હતા બચી ગયેલા સૈનિકો , પુરોહિતો અને પાટણના પ્રભુ લોકો(જે હવે પાઠારે પ્રભુ તરીકે જાણીતા છે , અને એટલી હદે મહારાષ્ટ્રીયન છે કે ગુજરાતીનો અંશ ન દેખાય, પહેલું એરોપ્લેન આવિષ્કાર કરનાર રાઈટ બંધુ નહીં આ પાઠારે પ્રભુ હતા , એ વાત પછી ક્યારેક).

લૂંટ દરમિયાન ગઝનીને જે ખજાનો મળ્યો તેની આછેરી નોંધ ઇતિહાસે લીધી છે. ઘંટારવ માટે ઉપયોગમાં લેવાતી 200 મણની સોનાની સાંકળ (1 મણ = 20 કિલોગ્રામ ), કિંમતી રત્નો , સોનાચાંદીની મૂર્તિઓ ,રત્નજડિત આભૂષણો. આ વિગતો સર્વવિદિત છે પણ હવે એમાં પણ મતમતાંતર થઇ રહ્યા છે. એક મત એવો છે કે ગઝનીને કોઈ ખજાનો સોમનાથમાંથી હાંસલ થયો નહોતો એટલે એને ગુસ્સામાં મંદિરનો ખાત્મો બોલાવી દીધો અને એટલું જ નહીં 400 જેટલી કન્યાને બંદી બનાવી સાથે લઇ ગયો હતો.

આ વાતમાં વજન એટલે લાગતું નથી કારણ કે જો ખજાનો ન મળ્યો હોત તો ગઝની આમ ધામા નાખીને બેસી ના રહ્યો હોતે . મુસ્લિમ લેખકોએ પોતે જ ગઝનીના પ્રેમની વાતો આલેખી છે તે પ્રમાણે ગઝની પોતાના એક ગુલામનો પ્રેમી હતો (યસ, હોમોસેક્શ્યુઅલ) અને એ જમાનામાં એ ખાસ કરીને સેન્ટ્રલ એશિયામાં નવી નવાઈની વાત નહોતી. ગુલામનો ગુલામ શબ્દપ્રયોગ ત્યારથી જ અસ્તિત્વમાં આવ્યો.

આ લખનાર અન્ય કોઈ નહીં અને મુસ્લિમ લેખકો જ છે જેમના અંદાજ પ્રમાણે એ ગઝનીએ લૂંટેલી સંપત્તિની કિંમત એ વખતે થતી હતી વીસ લાખ દીનાર.

લૂંટ પછી ગઝની ભાગી ન ગયો. એ ધામો નાખીને પડ્યો તો રહ્યો ને ત્યાં મસ્જિદ બનાવી, એને લોકોને પોતાના નામ પરથી મોહમદીન બનાવ્યા. મુંબઇનો પ્રામાણિક તવારીખ આલેખનાર ઇતિહાસકાર ગાર્સીયા દાકુન્હા ‘ઓરિજીન ઓફ બોમ્બે ‘માં નોંધે છે કે મુંબઈને મંદિરો, મહેલો, ન્યાયાલયોની સંસ્કૃતિ જો મળી હોય તો તેનું શ્રેય જાય છે રાજા ભીમદેવને .

ઇતિહાસકારોમાં આજે પણ વિવાદસ્પદ ચરિત્ર આ રાજા ભીમદેવનું છે.
મરાઠી મહાકાવ્યો પ્રમાણે આ બિમ્બાદેવ (ભીમદેવ) દક્ષિણના દેવગિરિથી આવેલા શાસક હતા ત્યારે પર્શિયન અને મુસ્લિમ ઇતિહાસકાર બામ્બાશાહ એટલે કે ગુજરાતના ભીમદેવ સોલંકીને માને છે.

આ બંને વાત ગળે ઉતારવી મુશ્કેલ છે. દેવગિરિના બિમ્બાદેવ 13મી સદીમાં આવે છે , ગુજરાતના ભીમદેવ 11મી સદીમાં , એટલે વધુ નિકટ છે પરંતુ એક સમસ્યા ત્યાં છે કે તો પછી જયારે ગઝનીએ સોમનાથની લૂંટ કરી ત્યારે એમની ઉંમર હશે ચાર વર્ષ. એક જ શક્યતા હોય શકે કે ભીમદેવના જન્મવર્ષમાં કોઈક ભૂલ હોય કે પછી નાના ભીમદેવે આ ટાપુ પર એક દાયકો વટાવી રાજદંડ હાથમાં લીધો હોય.

એલિફન્ટાની આ બૌદ્ધ ગુફાઓ કાળથી પર છે. એ કેટલી જૂની છે તેનો નિર્ણય થઇ શક્યો નથી.

અલબત્ત , ગુજરાતથી આવેલા ભીમદેવની થિયરી વધુ સચોટ એટલે લાગે છે કે એમની સાથે આવેલા લોકો હવે પૂરેપૂરા મહારાષ્ટ્રીયન છે છતાં એમની કુળદેવીને માને છે , એ કુળદેવી જે પાટણના પરિવારના કુળદેવી છે.

રાજા ભીમદેવે સમગ્ર મુંબઈના ( તે વખતે એને મુંબઈ નામ મળ્યું નહોતું ) સાત ટાપુની ઉપર કબ્જો જમાવવાને બદલે માત્ર ઉત્તરના ટાપુ પર જ આધિપત્ય જમાવ્યું અને રાજધાની સ્થાપી મહિકાવતી , એટલે કે આજનું માહિમ .

ભીમદેવના આગમન પૂર્વે મુંબઈની ઓળખ હતી તાડી અને વાડીથી .ભીમદેવે પોતાની સાથે લાવેલા હાથીના કાફલા માટે એક શેલ્ટર નિર્માણ કર્યું . માતંગ એટલે હાથી અને હાથીનું નિવાસસ્થાન એટલે માતંગાલય , એતળે કે આજનું માટુંગા .

ભીમદેવે સહુ પ્રથમવાર ન્યાયાલય સ્થાપ્યા , જે આજે અપભ્રંશ થઈને લેખાય છે નાયગાંવ.

જ્યાં એક સમયે માત્ર આમલી ચીંચ , તાડ , બાવળ અને ખેરના ઝાડનું સામ્રાજ્ય હતું એ હવે મહેલો, બગીચા ન્યાયાલય ને રસ્તાવાળું નગર બની રહ્યું હતું .

(મુંબઈ આવનાર પાટાણે પ્રભુ પાઠારે પ્રભુ બની ગયા , તેમના કુળદેવી આજે પણ મુંબઈમાં જાણીતા વિસ્તારનું નામ છે … એ વિષે વાતો હવે પછી )

This slideshow requires JavaScript.


મળો આ સુનિલ મહેતાને , આ 10મી જુલાઈએ પૂરાં 60ના થશે. કોઈને થાય કે 60 વર્ષના તો સહુ કોઈ થાય તો આ ભાઈએ શું મોટી ધાડ મારી ?

એટલે વાત કરવી છે એમના જુસ્સાની. પોતાની સાથે કરેલ કમિટમેન્ટને નિભાવવાની શક્તિ ભાગ્યે જ કોઈમાં હોય શકે.
એકદમ ટૂંકમાં કહેવું છે. આ સુનિલભાઈની સગાઇ થઇ નીલાબેન સાથે . ઉંમર હશે જે સામાન્યરીતે સગાઇ સમયે હોય , પણ જુઓ તો ખરા , એમને તો એમની વાગ્દત્તાને ત્યારે જ કહી દીધું હતું કે , લગ્ન કરીશું, સંસાર માંડીશું , પરિવાર હશે એ બધું ખરું પણ 50 વર્ષે જે પણકામકાજ કરતો હોઈશ નિવૃત્ત થઇ જઈશ , અને પછી ? ….
પછી માત્ર ફરીશું .
કોઈ માની શકે કે કોઈ આવી વાત કરે એ પણ સગાઇટાણે ને પછી બરાબર 50 વર્ષે ચારે તરફ ફેલાવેલા બિઝનેસને સંકેલીને માત્ર ફરવાનું કામ કરે ? કામ શબ્દ એટલા માટે વાપર્યો છે કે આ સુનિલભાઈના પ્રવાસ અને તેમની આઇટનરી જુઓ તો ટ્રાવેલ એજન્ટ કરતાં વધુ ઝીણવટથી પ્લાન થઇ હોય. (એક જોવા જેવું સ્થળ , પ્રખ્યાત ખાણીપીણી છૂટી ન જાય એવી તકેદારી સાથે. એ વાત હું દાવા સાથે કહી શકું કારણકે મેં એમની સાથે પ્રવાસ કર્યો છે.) છેલ્લાં દસ વર્ષમાં ઇન્ડિયામાં કુલ 173 પ્રવાસ અને 54 વિદેશ પ્રવાસ. એટલે સરેરાશ દર મહિને એક પ્રવાસ .અલબત્ત, નાની ટ્રીપ કાઢી નાખો તો 10 વર્ષના કુલ પ્રવાસ 99 અને નંબર 100 મંદારમણિ , પશ્ચિમ બંગાળ , એ પણ એકલા કે સજોડે નહીં બલ્કે એમના વિશાળ પરિવાર ને મિત્રમંડળ સહિત , સંખ્યા કુલ 60 .

સુનિલ ભાઈના પ્રવાસ વળગણનું માત્ર એક ઉદાહરણ , એક પ્રવાસ ઉત્તરાખંડમાં માના વિલેજનો , બદરીનાથ તો સહુ જાય છે પણ ત્યાંથી માત્ર ત્રણ કિલોમીટર દૂર આવેલ માના ગામનું નામ સુધ્ધાં કોઈએ સાંભળ્યું ન હોય. આ માના વિલેજ માં બે ગુફા છે એક ગણેશ ગુફા અને એક વેદવ્યાસ ગુફા , મનાય છે કે જ્યાં મહાભારતનું સર્જન થયું તે ગણેશજી પોતાની ગુફામાં ને વેદ વ્યાસજી એમની ગુફામાં ટેલીપથીથી થયું હતું . માના ગામ તિબેટની સીમાને અડોઅડ , જ્યાં સરસ્વતી નદીનું ઉદગમસ્થાન પણ અને ભીમે બાંધેલો એક શિલાવાળો પુલ પણ છે. ક્યાંય ન જોવા મળે એવો ઘાટીનો વ્યુ માત્ર અહીંથી જોઈ શકાય .
હવે બોલો આ માહિતી ક્યાં વાંચવા મળે ?

અલબત્ત , આ માણસ જે રીતે , જે જગ્યાઓએ પહોંચી જાય છે એ જ હેરાતભરયું છે.એનાથી પ્રોત્સાહિત થઇને આપણે અનુકરણ કરવા જઈએ તો થઇ રહ્યું .

મને તો અનુભવ થઇ ચુક્યો છે. બે વર્ષ પહેલા હું અઠવાડિયા માટે ગૌહાટીમાં હતી. સુનિલભાઈ કહે , અરે આ બધું તો ઠીક પણ લાઈવ રુટ બ્રિજ જોઈ આવ્યા કે નહીં ? ચેરાપુંજી જતાં પહેલા આ જગ્યા આવે છે. જો જો ભૂલ્યા વિના જજો ..
અમે ટેક્સીવાળાને કહ્યું અમે આ લાઈવ રૂટ બ્રિજ જોવા જવું છે. દિવસોથી અમારી સાથે હતો એટલે ડ્રાઈવરભાઈ અમારી સાથે ભળી ગયેલો. એ તો અમારો ચહેરો તાકી રહ્યો . એને થયું હસશે કે આ લોકો હોશમાં તો છે ! ખબર છે એ ક્યાં છે? જાણો છો તમે?

અમે તોરમાં હતા. હા, ખબર છે , ચેરાપૂંજી જવાના રસ્તે , 3000 પગથિયાં ઉતરી ને લગભગ 5 કિલો મીટર ચાલવાનું છે. બચારો ડ્રાઈવર સમજાવવા મથતો રહ્યો કે એ જોવા જવાનું કામ આપણાં ઇન્ડિયન ટુરિસ્ટનું નહીં. ગોરા લોકો જ જાય છે.

પણ, ના. અમે તો ટસથી મસ ન થયા. અમારાથી મોટા સુનિલભાઈ એન્ડ કંપની જો આ જગ્યા એ પહોંચી શકે તો અમે તો એમનાથી કેટલા નાના,અમને શું થાય ? ને પાંચ કિલોમીટર ? હડડ , અમે તો વૈષ્ણોદેવી યાત્રા ચાલીને કરીએ તો આ તો શું ચીજ છે ?

અને કોઈની ધર્યા વિના અમે ઉતારવા માંડ્યું , સાંકડી પગદંડી ,એક જ વ્યક્તિ ચાલી શકે એવા સળંગ પગથિયાં , સીધા સીધા ઉતરતાં જ જાય. આરો નહીં, ઓવારો નહીં, અંત જ ન આવે.
સુનિલભાઈની વાત સાચી હતી કે રુટ બ્રિજ વિશ્વમાં એક જ અનોખો અજોડ છે. પણ , ઉતરતાં ઉતરતાં ભગવાન યાદ આવ્યા, પુલ ખરેખર વન ઓફ આ કાઈન્ડ , ને પછી જોઈને ચાલુ થયું ઉપર આવવા ચઢાણ શરુ કર્યું . મા , ભગવાન સિવાય કોઈ યાદ ન આવે. રસ્તામાં ન કોઈ પાણીનો પ્યાલો મળે તો ઠંડુ પીણું તો વિચારી પણ ન શકાય , ચારે કોર જંગલ . ફોટોગ્રાફમાં તો એવું રમણીય લાગે ને અત્યારે યાદ કરવાથી સારું તો લાગે છે , યાદગાર … પણ ત્યારે ?

ત્યારે એક સમય આવ્યો કે ફસડાઈ પડ્યા. મોબાઈલથી કોલ કરવા પ્રયત્ન કર્યો કે જે થાય તે પણ અમને અહીંથી એરલિફ્ટ કરો પણ ત્યારે ખ્યાલ આવ્યો નેટવર્ક જ નહોતું . એનીવે , લાંબી સ્ટોરી ટૂંકી કરું તો જેમ તેમ ઉપર આવ્યા પણ હું ને મારા બંને સાથીદાર પાંચ દિવસે મુંબઈ આવ્યા ત્યારે પણ લંગડાતા હતા. રોજ રૂપિયા 2000 ખર્ચીને મસાજ કરાવ્યો ત્યારે પાંચમે દિવસે સરખી રીતે ચાલી શક્યા.
એટલે કે ટૂંકમાં આ કેવા પ્રવાસી છે એ એક નમૂનો .

આ પ્રવાસોની નોંધ લેવી એટલે ગમે કારણ છે તેમને પસંદ કરેલા પ્રવાસસ્થળ અને તેની સાથે જોડાયેલી નાની નાની , મોટી રસપ્રદ વાતોની ઝીણવટભરી નોંધ.
મને એવું લાગે છે કે કોઈ તંત્રીએ એમની પાસે ગન પોઇન્ટ પર પ્રવાસવર્ણન લખાવવા જોઈએ. અને હા, એક વાતની ગેરંટી કે જો એ લખે તો ગુજરાતીમાં કે લોન્લી પ્લેનેટ જેવી દળદાર માહિતીની શ્રેણી તો જરૂર મળે.
એવા રસિકજનની પાર્ટી પણ થીમ પાર્ટી જ હોય ને , હમણાં તો એમાં મ્હાલી આવીએ પછી મળીએ એક બ્રેક કે બાદ.

Dil Chahta Hai
સામાન્યરીતે કોલમ કે બ્લોગ રીડરને ધ્યાનમાં રાખીને લખાય છે. વિષય, લંબાઈ, ફોર્મેટ , ફોટોગ્રાફની સંખ્યા, ભાષા બધું જ ફિક્સ્ડ . બરફીનાં ચોસલાંની જેમ બરાબર ગોઠવાયેલું , પણ, જરા કશુંક જુદું , પોતાને માટે , પોતાને મજા પડે તેવું લખવાનું હોય તો ??
ન ઉમ્ર કી સીમા હો ન જન્મો કા હો બંધનની જેમ ન કોઈ સીમા , ન બંધન .મનની મસ્તી . એમાં વાત મળવા જેવા માણસોની હોય કે પછી લિજ્જતદાર ફાલુદાની . દિવસો સુધી ન ભૂલાય એવી ફિલ્મની કે પછી દિલોદિમાગ પાર છવાઈ રહેતા ગીતની કે મન પરથી હટવાનું નામ ન લેતા પુસ્તકની , તવારીખનાં કદીય ન ભૂલાયેલા જાજરમાન વ્યક્તિત્વની , તેમની સાથે જોડાયેલા પાત્રોની , તેમની અસલિયતની , તેમને લખાવેલાં નકલી ઇતિહાસને કારણે વટલાઈ ગયેલા ઇતિહાસની રહેલી વાયકાઓની .

વિષય કોઈ પણ હોય , લંબાઈ ,ફોટોગ્રાફ્સ, વિષય બસ માત્ર મનને સ્પર્શવા જોઈએ , અને એની એક વાત ,એવી એક બિલકુલ મનમૌજીની કોલમ જે ખરેખર લખી છે મેં મારા માટે પણ મને મારા રસિકજન મિત્રો સાથે શેર કરવી જરૂર ગમશે. મનમાં આવે, મઝા આવે તો વાંચવાની , સમય હોય તો પ્રતિભાવ આપવાનો.. નહીં તો? ખાયાપીયા કુછ નહીં , ગિલાસ ફોડા બાર આનાની જેમ પૈસા ક્યાં દેવાના છે ?

અત્યારે મનમાં તો શું લખું શું ન લખવું એટલા બધા વિષય હિલ્લોળે ચઢ્યા છે પણ તમને પણ કોઈક મસ્ત ચીજ મળે તો શેર જરૂર કરજો .

ચલો તો ફિર મિલતે હૈ ….

સેન્ટ્રલ એશિયાનું માણેક : ઉઝબેકિસ્તાન

Registan-Samarkand-Uzbekistan

હિન્દુસ્તાનની તારીખ તવારીખમાં કોતરાઈ ગયેલા મુઘલ રાજથી કોણ અજાણ હોય શકે ?
બાબર , હુમાયું , અકબર, જહાંગીર , શાહજહાં ને ઔરંગઝેબ એકેય નામ અજાણ્યું લાગે છે ?
લગભગ ત્રણ શતાબ્દી સુધી રાજ કરનાર આ તૈમુર ડાયનેસ્ટી આવી ક્યાંથી એવો પ્રશ્ન થાય તો તેના મૂળ છે ઉઝબેકિસ્તાનમાં , તાશ્કંત , સમરકંદ બુખારામાં .જોવાની ખૂબી એ છે કે હિન્દુસ્તાનમાં મુઘલોની છ સાત પેઢીના નામ સહુકોઈને યાદ છે પણ મૂળ ઉઝબેક વંશના તૈમુર વિષે તો ઉઝબેક પ્રજા જાણે છે પણ એ લોકોને અકબર કે ઔરંગઝેબ સાથે કોઈ લેવાદેવા નથી. એ પ્રજા માટે હુમાયુ અને તે પછીના તમામ હિન્દુસ્તાની છે.unnamed (6)

રશિયાની લોખંડી તાકાત કહો કે જે પણ હોય તે તાશ્કંતમાં ન તો કોઈ કટ્ટર મુસ્લિમ જોવા મળે ન ગલીને નાકે બાંગ પોકારતી મસ્જિદો. જો યાદ ન હોય કે આ ઇસ્લામિક દેશ છે તો રશિયામાં જ ઘૂમી રહ્યા હોવાની પ્રતીતિ થાય. એક સરખા રસ્તા , એક સરખા મકાનો , હા, હવે ક્યાંક ક્યાંક પોશ વિલા નજરે ચઢે , જેના માલિક ક્યાં તો રશિયામાં સ્થાયી હોય કે પછી અમેરિકામાં .

 

તાશ્કંતનું પડે એટલે પ્રત્યેક ભારતીયને લાલ બહાદુર શાસ્ત્રીનું સ્મરણ થાય. જયારે ઉઝબેકિસ્તાન યુએસએસઆરનો ભાગ હતું ત્યારે તાશ્કંત મંત્રણા દરમિયાન શાસ્ત્રીજીનું આકસ્મિક રહસ્યમય નિધન ભારતીયોએ યાદ નથી રાખ્યું પણ આજે પણ તાશ્કંતમાં એક મુખ્ય માર્ગનું નામ લાલ બહાદૂર શાસ્ત્રી માર્ગ છે , એટલું જ નહીં ત્યાં એમની પ્રતિમા પણ છે અને સૌથી પ્રભાવિત કરતી વાત એ છે કે ટુર ગાઈડ સહુ પહેલા શાસ્ત્રીજીનો જ્યાં ઉતારો હતો એ હોટેલથી સિટી ટુરની શરૂઆત કરે છે.

તાશ્કંતમાં બીજું જાણીતું નામ હોય તો તે છે રાજ કપૂર , એક હોટેલે તો પોતાની એક રેસ્ટોરન્ટનું નામ જ રાજ કપૂર રાખ્યું છે. એ સિવાય ઓળખ છે વિશ્વભરમાં ઇન્ડિયાને પંકાતું કરનાર બ્રાન્ડ એમ્બેસેડરથી.unnamed (1).png5

ચહેરા પરથી ઇન્ડિયન જાણીને મળતાવડા લોકો અભિવાદન કરે :આર યુ ફ્રોમ ઇન્ડિયા ? ‘અમિતા બચન (અમિતાભ નહીં અમિતા ,બચ્ચન બોલવું અશક્ય છે) , શાહરુખ ખાન , સલમાન ખાન …..’

હિન્દી ફિલ્મોએ પોતાની આગવી ઓળખ તો આખી દુનિયામાં બનાવી જ છે, પણ હવે એમાં એક નવું નામ ઉમેરાયું છે, પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીનું. કેન્યા જાઓ કે ટર્કી કે પછી બાલી કે ઉઝબેકિસ્તાન મોદી આમલોકોમાં જાણીતા છે , ફિલ્મસ્ટારની જેમ. ખરેખર હેરત કરનારી વાત છે.

આ પ્રવાસ માટે પાંચ દિવસથી સાત દિવસ પૂરતા છે. દેશ નાનકડો છે. કુલ વસ્તી જ છે ત્રણ કરોડની , એટલે કે મુંબઈ દિલ્હી ભેગા કરો એટલી વસ્તી એક દેશની છે. સ્વાભાવિક છે ન તો કોઈ બહુમાળી મકાનો હોય ન કોઈ ભીડભાડ . પારસીઓનો તહેવાર નવરોઝ એમનો મુખ્ય તહેવાર, એટલે લાગ્યું કે કદાચ રજાનો માહોલ હશે પણ આખી ટ્રીપ દરમિયાન સુમસામ રસ્તા જ નજરે પડ્યા , ન હોર્ન ના ટ્રાફિક , એને શહેર કહેવાય ?

સૂમસામ ગલીઓ ને નાના નાના મકાનોની બહાર મહોરી રહેલા ચેરી બ્લોસમ ને મેપલ . વસંત બેસી રહી હતી એટલે સફરજન ને જરદાલુ ના ઝાડ પર ફૂટી રહેલી કૂંપળો …હવામાં ઓક્સિજનનું લેવલ તમારા ટેરવાં પર અને નખમાં વ્યાપેલી રતાશથી માપી શકાય .તાશ્કંતમાં શું જોવાનું છે એ વિશેનું લિસ્ટ તો મળી જાય પણ એમાં કેટલા ફીચર મસ્ટ કરીને માર્ક કરવા એવી પરેશાની હોય તો એમાં સહુથી પહેલા સ્થાને આવે ચીમગન માઉન્ટન અને ચર્વાક લેક.ChimgonSkiResort

મિની સ્વિટ્ઝર્લેન્ડ કહી શકાય એવા ચીમગન પર્વત પ્રમાણમાં ભીડભાડથી મુક્ત છે પણ શહેરીકરણથી મુક્ત નથી. સ્નો રાઈડથી લઈને કેમલ સફારી , ડબલ હંપવાળા ઊંટ ને અરબી ઘોડા , કેબલ કાર રાઈડથી પહાડની ઊંચાઈ પાર પહોંચવાની મજા આંખને ઠંડક સાથે દિલમાં થોડી ગભરામણ કરાવી નાખે ખરી. કારણ છે કેબલ કાર પ્રમાણમાં જુનવાણી છે. હાઈફાઈ શબ્દ સાથે કોઈ લેવાદેવા ન હોય એવી. જે દેશની આર્થિક હાલતનું પ્રતિબિંબ પડે ખરી. જોવાની વાત તો એ છે કે 1991માં રશિયાથી છૂટાં પડેલા આ દેશના લોકો ભારે આશાવાદી છે. એટલું જ નહીં ધર્માંધ નથી બલ્કે ત્રાસવાદીઓ માટે કોઈ જગ્યા ન હોય તેમ પાકિસ્તાની પાસપોર્ટ ધરાવનારની એન્ટ્રી પર પ્રતિબંધ છે. જોવાની ખૂબી એ છે કે ઉઝબેકિસ્તાનની એક સરહદ અફઘાનિસ્તાનને જોડે છે તે છતાં આ tashkent1-620x245.jpgનીતિ અમલી રાખવી ખરેખર તાજ્જુબીભરી છે.

ઇતિહાસના પ્રેમીઓને તાશ્કંત કરતા વધુ રસ સમરકંદ અને બુખારામાં પડે છે. મોટાભાગના ટુરિસ્ટ આખી ટ્રીપ લગભગ આ બે શહેરોમાં જ કરે છે.

એક સમયે સમરકંદ એ ઉઝબેકિસ્તાનનું મુખ્ય શહેર હતું. સિલ્ક રોડનો એક મણકો. સિલ્ક રોડ એટલે કે ચીનથી પર્શિયા ,હિન્દ ,અરબસ્તાન ,ઇજિપ્તથી થઇ યુરોપ પહોંચતો ટ્રેડ રૂટ.જેમાં મરીમસાલાથી લઇ રેશમ , ચા , અફીણ , મોતી , અરબી ઘોડાંનો વ્યાપાર મુખ્ય હતો. સમરકંદ વિશ્વવ્યાપારનું કેન્દ્ર હતું , ત્યાં વિકસેલી સાંસ્કૃતિક અને કળાના નમૂનારૂપ કેલિગ્રાફી કરેલી ઇમારતો અને પિરોજી રંગના મિનારા ગવાહ છે. સમરકંદ ઇસ્લામિક શિક્ષણનું કેન્દ્ર મનાય છે જ્યાં સદીઓ જૂની પ્રભાવશાળી ઇમારતોમાં મદ્રેસા ચાલે છે. એ સાથે ટુરિસ્ટ માટે એક આકર્ષણ છે તૈમુરનો મકબરો . કળા કારીગીરી

3620910826_c199cc4054_z

નો આબાદ નમૂનો છે.મસ્જિદ, મદ્રેસા અને અન્ય ઐતિહાસિક ઇમારતોસહિત આખા સિટીને યુનેસ્કોએ એને વર્લ્ડ હેરિટેજમાં દરજ્જો આપ્યો છે.

વિદેશી ટુરિસ્ટના કેમેરાની ક્લિક ક્લિક પૂરી ના થાય ત્યાં ભારતીય (ગુજરાતી એમ વાંચો) ટુરિસ્ટ એક ખાસ માર્કેટમાં જવા ઊંચાનીચા થઇ જાય. એ છે સાયેબ બાઝાર, ટિપિકલ આરબ બાઝાર હોય એમ. જ્યાં જુઓ ત્યાં જાત જાતના ભાત ભાતના સુકામેવાના ખડકલાથી શોભતું , મમરો બદામ રૂ 500 પ્રતિ કિલો , અખરોટ 700 રૂપિયે સાંભળીને દંગ રહી જવાય ..ઘડીક થાય કે બદામ , અખરોટ થી લઇ જરદાલુ , અંજીર , કિશમિશ, કેસર બધું પચાસ પચાસ કિલો લઇ લેવું જોઈએ . પ્રશ્ન વેઇટ લિમિટનો થાય એટલે મોટાભાગના ભારતીયો વિલાયેલા મોઢે નિસાસા નાખીને માત્ર દસ પંદર કિલોની ખરીદી કરીને સંતોષ માની લે છે.


દેશ નાનો છે ગરીબ છે છતાં લોકો ખુશહાલ ને સંતોષી છે. દેશ ગરીબ છે પણ ચોખ્ખાઈ આંખે ઉડીને વળગે એવી છે. નાના ને ગરીબ દેશમાં હાઈ સ્પીડ ટ્રેઈન . તાશ્કંતથી સમરકંદ વચ્ચેનું 344 કિલોમીટરનું અંતર માત્ર બે કલાકમાં પહોંચી શકાય છે. ટ્રેનનું ભાડું છે લગભગ એક લાખ સોમ , જેનો ઉચ્ચાર સુમ થાય છે. એક લાખ સાંભળીને ચોંકી જવાની જરૂર નથી , એક લાખ સુમ એટલે આપણાં હજાર રૂપિયા .

જો કે બેંકમાં અને બહાર માર્કેટમાં ફોરેન કરન્સીના અલગ ભાવ ચાલે છે. પહેલીવાર એવું જોવા મળ્યું કે શેરી શેરીએ લોકો ચલણી નોટના થપ્પાં પ્લાસ્ટિક બેગમાં ભરીને ઉભા હોય. એ પછી કોઈ મોલ હોય કે બજાર, જાણે દર બીજો માણસ મની એક્સચેન્જર હોય છે.
ઉઝબેકિસ્તાનના ચલણને ધ્યાનમાં રાખીએ તો ગરીબી અને બેહાલી નજરે ચડવી જોઈએ પણ એવી કોઈ વાત નજરે તો ન ચઢી. લોકો સાદગીભર્યું સંતોષી જીવન જીવે છે. હા, એમને માટે સહુથી મોટી નવાઈનો વિષય છે કે ખરેખર કોઈ માણસ માંસ ખાધા ભાજીપાલા પર (વેજિટેરિયન) આખી જિંદગી કાઢી શકે ? મરી ન જાય ?

અમને ઓથેન્ટિક ઉઝબેક ફૂડ ટેસ્ટ કરવું હતું એ મુરાદ તો વેજિટેરિયન હોવાથી પૂરી ન થઇ પણ વચ્ચેનો માર્ગ નીકળી શકે એમ હતો.એમના નોન (નાન ), ગ્રીક સેલડ , સાર ક્રીમ ,ટોમેટો શોરબા , રાઈસ , બટાટાનું કોઈક સ્પેશિયલ વાનગી , આઈસ ટી અને આઈસ્ક્રીમ આ થયું વેજિટેરિયન ફૂડ. સહુથી મોટી સ્પેશિયાલિટી છે ઉઝબેક નોન (નાન ), અને જિંદગીમાં ન ,માણ્યાં હોય તેવા તાજાં શાકભાજી , નાન જે દેખાવમાં જ ભારે લોભામણાં હોય છે અને એ ગૃહિણી ઘરમાં ન બનાવતાં બેકરીમાંથી જ ખરીદે છે. નાની મોટી સાઈઝમાં એ ખાસ આકારના પીરસાય તે પહેલા તાકીદ કરી દેવાય છે કે એ નાન ભૂલેભોગે પણ ઉલ્ટા ન મુકવા. એ અત્યંત ગંભીર અપશકુન લેખાય છે. વેજિટેરિયન લોકો માટે કદાચ ખાવાપીવામાં તકલીફ થઇ શકે જો બરાબર રીતે સમજાવી ન શકો તો , અને ત્યાંનું લોકલ ફૂડ ખાવું હોય તો વ્યવસ્થિતપણે સમજાવવું જરૂરી છે. વેજિટેરિયન લોકો માટે એક ખાસ વાનગી છે માંશાકીચરી , આપણી ખીચડી જેવી ખીચડી પણ દાળ ને ચોખા નહીં, પૂરાં સાત પ્રકારના ધાન્ય ને દાળ સાથે પાણી અને દૂધમાં ચઢવેલી હોય છે. સાથે તાજાં શાકભાજી પણ મિક્સ કરવામાં આવે છે. ખરેખર આ કીચરી નવરોઝ સ્પેશિયાલિટી છે.


અક્બરનામામાં અન્ય સંદર્ભગ્રંથમાં આવતા ઉલ્લેખ પ્રમાણે અકબરના માનીતા ભોજનમાં ખીચડી અવ્વલ સ્થાને રહેતી, એટલે ખીચડીનું મૂળ હિન્દુસ્તાની હશે કે પછી ઉઝબેકી એવો પ્રશ્ન જરૂર ઉઠે.
નવરોઝ પારસી તહેવાર છે. એટલે કે પર્શિયાનો , ઉઝબેકિસ્તાનનો રાષ્ટ્રીય તહેવાર છે. કારણ એટલું જ કે પર્શિયન લોકો પર તુર્કમેનિસ્તાન, મોંગોલના આક્રમણે સંસ્કૃતિનું કોકટેલ કરી નાખ્યું છે. એટલે નાગરિક ભલે ઉઝબેક હોય પણ એમના ફીચર્સ મોંગોલિયન પણ હોય શકે અને પારસી જેવા પણ , અને હા , તુર્કી પ્રજા જેવા શાર્પ પણ.

ઇતિહાસપ્રેમીઓ માટે , પ્રાકૃતિક સૌંદર્ય માણી શકે એ લોકો માટે ઉઝબેકિસ્તાન સસ્તું ભાડું ને સિદ્ધપુરની યાત્રા છે. જો શોપિંગની મગજમારી વિનાની બસ ટુર કરવી હોય તો શ્રેષ્ઠ વિકલ્પ ,દિલ્હીથી માત્ર સાવ બે કલાકની ફ્લાઇટ તમને તાશ્કંત પહોંચાડી દે છે. વિન્ડોમાંથી એક નજર નાખો તો નીચે પથરાયેલા હિમાચ્છદિત પહાડો આપણને વિચારવા મજબૂર તો જરૂર કરી દે કે આજથી હજારો વર્ષ પૂર્વે ટર્ક, મોંગોલ અને તૈમુર આ હિમરણ કેમ કરીને પાર કર્યું હશે ?

કઈ રીતે જવું :
દિલ્હી થી તાશ્કંત ઉઝબેકિસ્તાન એરની ડાયરેક્ટ ફલાઇટ છે.
તાશ્કંતથી સમરકંદ માટે હાઈ સ્પીડ ટ્રેન , બે કલાક (જેનું રિઝર્વેશન પહેલેથી કરાવવું જરૂરી છે. ) અન્યથા ટેક્સીથી પણ પહોંચી શકાય જે સફર લગભગ ચારથી પાંચ કલાકની રહે છે.
તાશ્કંતથી બુખારા અંતર છે 600 કિલો મીટર , એ માટે હાઈ સ્પીડ ટ્રેન વધુ યોગ્ય રહે છે.
સમય : જૂન થી ઓક્ટોબર , ઉનાળામાં ટેમ્પરેચર 42 થી 42 પર પહોંચે છે અને શિયાળામાં માઇનસમાં.

હેપ્તનેશિયા ટુ મુંબઈ વાયા બોમ્બે

એક સાંજ છે. અમારી કાર સી લિંક પસાર કરી બાંદરા જઈ રહી છે, માત્ર દસ મિનિટમાં , જે અંતર સામાન્યરીતે વર્લીથી પહોંચતા એક કલાક લાગતો હતો એ દસ મિનિટમાં સમેટાઈ ગયું છે. એક તરફ નજર ચડે છે દક્ષિણ મુંબઈનો શાંઘાઈની વરવી પ્રતિકૃતિ જેવો નઝારો . બીજી તરફ સામે કિનારે નજરે ચઢે છે વરલીનું કોલીવાડા , માછીમારોનું એ જ વર્ષોના કોશેટામાં ઢબુરાઇને શ્વસી રહેલું ગામ.જેને જોઈને લાગે છે કે મુંબઈ પાર વહેતી હવા આ ગામને સ્પર્શ્યા વિના જ પસાર થઇ જતી હશે.
આ છે આજનું મુંબઈ ,21મી સદીનું વર્ડક્લાસ બનાવના હવાતિયાં મારતું , થાકતું , હારતું છતાં મક્કમતાથી આગેકૂચ કરવા ઝઝુમતું ….

આજે મુંબઈની ઓળખ બોલિવૂડથી છે , પચરંગીપણાંથી છે. વસ્તીથી ફાટફાટ થઇ રહેલા આ મહાનગરીને જોતાં 350 વર્ષ પૂર્વે મુંબઈના ગવર્નરે ભાખેલું ભાવિ તાજું થઇ આવે. ઈ.સ 1669ની સાલ અને એ વખતે અંગ્રેજ ગવર્નર જતા જિરાલ્ડ ઑન્જીયર. એમના શબ્દો હતા : આ જગ્યાને મહાનગર બનાવવાનું નિયતિએ મન બનાવી લીધું છે. જો એ વખતનું મુંબઈ જોયું હોય એ કદાચ જિરાલ્ડ ઑન્જીયરને પાગલ સમજી બેસે!!

જિરાલ્ડ ઑન્જીયરે એવું તો શું જોઈ લીધું હશે આ સાત વગડાઉ ટાપુની સૃષ્ટિમાં ? પણ, એ દીર્ઘદ્રષ્ટા અંગ્રેજ ઓફિસરની દૂરંદેશી , સૂઝબૂઝને સલામ આપવી જ પડે.
અહીં એવી કોઈ નાની મોટી , જાણીતી , અતિજાણીતી , સાવ અજાણી વાતોનો ખજાનો વહેંચવાનો પ્રયાસ છે.
કોઈ પાસે શેર કરવા જેવી એવી કોઈ વાત , પિક્ચર્સ , ડોક્યુમેન્ટ્સ કે કિસ્સા હોય તો જરૂરથી મોકલશો .
pinkidalal@gmail.com પર.

તો બસ મળીશું અહીં જ …મન ચાહે ત્યારે …. ડિજિટલ દુનિયાને ક્યાં સમય , સ્થળ કે સંજોગોની પાબંદી નડે છે !!