Mann Woman

પંખીનો ધર્મ છે ઊડવું!!

૫૦વર્ષની એકલે હાથે પુત્રને ઉછેરીને સેટલ કરનાર સુહાસિનીને અનિદ્રાનો રોગ લાગુ પડયો છે. હું સુહાસિનીને છેલ્લાં બાર-તેર વર્ષથી ઓળખું છું. બેન્કમાં તદ્દન બોરિંગ,નીરસ એવી કેશિયર કમ કલાર્ક તરીકેની નોકરી કરતી હતી ત્યારે પણ હંમેશાં હસતી ને હસતી. તેના ચહેરા પર લગીરે ચિંતાની રેખા ન જણાય. બેન્કના તેના સહકર્મચારીઓમાં તેનું માન ઘણું હતું. બધાંને જરૂર પડે મદદ કરે. ક્લાર્કની તો ક્યારેક પ્યૂનની ડયૂટી પણ કરી નાખે.

સુહાસિનીનાં લગ્ન થયાં ત્યારે તેને કદાચ સ્વપ્ને પણ કલ્પના નહીં કરી હોય કે તેને નોકરી કરવી પડશે. પતિને અસાધારણ અસ્થમાં હતો. સાસરિયાંઓએ છેલ્લે સુધી વાત જણાવી જ નહીં. લગ્નની પહેલી રાતે રોમેશને અસ્થમાનો સિવિયર એટેક આવ્યો ત્યારે જાણ થઈ. પણ હવે શું? જેવાં નસીબ કહી સુહાસિનીએ વાત ત્યાં જ ધરબી દીધી, પરંતુ આંખ, કાન ખુલ્લાં રાખીને સમય વર્તે સાવધાન રહેવાની શરૂઆત કરી દીધી.

અસાધારણ અસ્થમાએ રોમેશની કારકિર્દી પર પૂર્ણવિરામ મૂકી દીધું. લગ્નના નજીવા સમયમાં જ નોકરીને તિલાંજલિ આપી રોમેશ ઘરે બેઠો ત્યારે સુહાસિનીના પેટમાં એક જીવ શ્વાસ લેતો હતો. એક તરફ નોકરી નહીં ને બીજી તરફ પુત્રજન્મ. સુહાસિનીને દીકરાના જન્મનો હરખ કરવો કે બેકાર થયેલા પતિ વિશે રડવું એ સમજાયું નહીં.

સુહાસિનીનાં નસીબ સારાં તે રોમેશના બોસે એક શિડયુલ બેન્કમાં નોકરી અપાવી. બસ ત્યારથી સુહાસિનીના ચહેરા પર સદાકાળ સ્મિત સ્થાયી થઈ ગયું હતું. સુહાસિનીનું જીવનધ્યેય હતું પુત્ર રોહનને શ્રેષ્ઠ શિક્ષણ આપી, રોમેશે જે ખોયું તે હાંસલ કરવું.

સુહાસિનીને ન દિવસ દેખાતો ન રાત, ન બેન્ક હોલી ડે દેખાય ન રવિવાર. કામ, કામ ને કામ. ઘરકામ ને નોકરી તો ખરાં જ, પણ વધુમાં બે-એક ટયૂશન મળી જાય તો થોડો હાથ છૂટો રહે તેવા આશયથી ટયૂશનો પણ કરે. શનિ-રવિમાં ટયૂશનો સવારથી સાંજ ચાલે. બાકી હતું તેમાં રોમેશની તબિયત દિવસ-રાત લથડતી ગઈ. દવાનું બિલ અને બીજી તરફ રોહનનો અભ્યાસ.

આ સુહાસિનીને સૌએ વીરાંગનાની જેમ લડતાં જોઈ છે. અર્જુનને જેમ પક્ષીની આંખ જ દેખાતી હતી તેમ સુહાસિનીનું લક્ષ્ય હતું રોહન ભણીગણીને વેલસેટલ થઈ જાય.

પોતાના સહકર્મચારીઓને, મિત્રોને, સંબંધીને સુહાસિની એક જ વાત કહેતી, રોહન એક વાર સેટ થઈ જાય પછી પગ વાળીને બેસીશ. પછી જો જો ને નોકરી પણ નહીં કરું ને ઘરકામ માટે પણ કામવાળી બાઈ રાખીશ. સુહાસિની જ્યારે આવું બોલતી ત્યારે તેના ચહેરા પર બારસો વોટનું ઝગમગતું સ્મિત આવીને બેસી જતું.

સમય પોતાનું કામ કરતો રહ્યો. રોહનને પોતાની માતાના સ્વપ્નનો ખ્યાલ હોય તેમ હંમેશાં અવ્વલ નંબરે પાસ થતો. રોમેશ દવા-દારૂથી નહીં પોતાના દર્દથી થાકી ગયો હતો. એક દિવસ તેણે સૌને અલવિદા કહી દીધું. ખરેખર તો ત્રણ માણસના કુટુંબમાં આ સૌથી દુઃખદ ઘટના હોય, પરંતુ સાચું કહીએ તો રોહનની તો ખબર નહીં પણ સુહાસિનીને ઊંડે ઊંડે જરા હાશકારો થયેલો. એ વાત એણે અમારી પાસે નિખાલસતાથી કબૂલેલી પણ ખરી. રોમેશ પર થતો ખર્ચ રોહનના અભ્યાસ અને ઘરમાં થવા લાગ્યો.

મધ્યમવર્ગીય વિસ્તારમાં આવેલો બે બેડરૂમ હોલ કિચનનો ફ્લેટ હવે લાખોનો થઈ ગયો હતો, એટલે થોડી ફેસ લિફ્ટિંગ કરી ખરેખર રૂપકડો બનાવી દીધેલો.

હવે સુહાસિનીને તકદીર સામે કોઈ ફરિયાદ પણ નહોતી. પોતે તો સિનિયોરિટી પ્રમાણે સારું કમાતી ને હવે તો રોહન પણ કમાતો થઈ ગયો હતો. આઈટી ગ્રેજ્યુએટ રોહનને ફર્સ્ટ બ્રેક જ મળ્યો રૂ.૫૦,૦૦૦થી એટલે કે સુહાસિનીને જ્યાં પહોંચતાં વર્ષો લાગ્યાં ત્યાં રોહન એક જ ઝટકામાં પહોંચ્યો હતો. સુહાસિની સૌ મિત્રોને કહ્યાં જ કરતી કે ભગવાનને ત્યાં દેર હોય, અંધેર નહીં. હવે રોહન જરા વ્યવસ્થિત સેટ થાયને એટલી જ વાર, મારે ક્યાં સુધી આ વેઠ કરવી?

ખરેખર અમને સૌને લાગતું કે સુહાસિનીના વેઠના દિવસો પૂરા થયા. સુહાસિનીએ ત્રીસ વર્ષ સુધી ન કોઈ ઘરેણાં ઘડાવ્યાં ન સાડીના સેલમાં જઈ ખરીદીઓ કરી હતી. હા,બચત સારી એવી કરી હતી. છતાં એમાંથી મોટો ભાગ પોતાના દીકરાને મોટો માણસ બનાવવાના યજ્ઞામાં હોમતી ગઈ હતી, જેનું ફળ હવે એને મળવાનું હતું.

એક દિવસ અચાનક સુહાસિની મને મળી ગઈ. બેન્કમાં તેની જગ્યા પર જ, એ સુહાસિની જાણે સુહાસિની જ નહીં, સદાય મલકતી રહેતી સુહાસિનીનો ચહેરો તદ્દન નિર્લેપ, મૂંગીમંતર. જોકે આ વાતની જાણ મને અમારા એક કોમન મિત્રે કરેલી એટલે જ હું ત્યાં મળવા ગઈ

હતી. હું સુહાસિનીને મહામુસીબતે ઉડિપીમાં લઈ ગઈ.

અચાનક જ શું થઈ ગયું? એ પ્રશ્ન મારે પૂછવો જ ન પડયો. લાંબા સમયથી દાબી રાખેલો ધૂંધવાટ તેની આંખોમાં છવાઈ ગયો. મારા હાથને તેના બે હાથે પકડી લઈ કહે, રોહન તો જાય છે જર્મની હવે? સાચું પૂછો તો મારા માટે આ કોઈ આશ્ચર્યકારક વાત નહોતી. સુહાસિનીએ કદાચ મારી પાસે એવા વ્યવહારની આશા નહોતી રાખી. તેને હતું કે હું સુહાસિનીને બિચ્ચારી, બિચ્ચારી કહી સાંત્વન આપીશ. કદાચ ફોન કરીને રોહનને કહીશ કે બેટા, તારી માએ આ દિવસ માટે તને ભણાવ્યો?

પણ ના. સુહાસિની જેવી કેટલીય માતાઓ આવી ભાવાત્મક ભૂલ કરે છે.

પ્રશ્ન તો ખરેખર માતા-પિતાએ પોતાની જાતને કરવો જોઈએ કે ખરેખર એવું કહીને તેઓ યોગ્ય કરે છે?

પંખીનાં બચ્ચાંને પાંખ આવે તો ઊડવું એનો ધર્મ બને છે. એને ઊડવું જ રહ્યું તો પછી આ વાત સમાજમાં હીણપતભરી રીતે શા માટે જોવી જોઈએ?

પોતાનાં સંતાન મોટાં થાય, પરણે, કુટુંબ વિસ્તારે છતાં એ લોકો પોતાના જ અંકુશમાં રહે તેવી સ્વાર્થી માનસિકતા રોગિષ્ઠ નથી?

સંતાનની માતા-પિતા માટે ફરજો છે તે વાત કબૂલ, પરંતુ માત્ર માતા-પિતા માટે પોતાની કારકિર્દી, જિંદગી, સપનાં વિષે સ્વતંત્ર નિર્ણય લેવાનો તેમને અધિકાર જ નહીં?

સુહાસિની જેવી તો અસંખ્ય માતાઓ સમાજમાં છે જે ચાહે છે પોતાનાં બચ્ચાં પાંખ આવે છતાં ફફડાવે નહીં, ઊડે નહીં. તમે તો એમાંના એક નથી ને?

છેલ્લે છેલ્લે : મારી માએ મને કહ્યું હતું કે, જો તું સૈનિક બનશે તો સેનાપતિ હશે, તું સાધુ બનશે તો મહંત બનશે અને હું પેઇન્ટર થયો ને પિકાસો બની ગયો…

પાબ્લો પિકાસો (વિશ્વપ્રસિદ્ધ પેઇન્ટર)

Advertisements

2 thoughts on “પંખીનો ધર્મ છે ઊડવું!!”

  1. ખરેખર માહિતી સભર અને ઐતિહાસિક ચિત્રોની સાથોસાથ. આશા રાખું કે વધુ લીટરેચર વાંચવા મળે … આભાર.. રીતેશ
    hhtp://riteshmokasana.wordpress.com

    Like

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

w

Connecting to %s