Opinion

ભાષાને શું વળગે ભૂર ?

યુરોપના ટચૂકડા દેશો હોય કે દૂર પૂર્વના દેશો, આરબ-આફ્રિકન દેશો, ઘણા પ્રવાસ કરી ચૂકેલા લોકોને જે અવનવા અનુભવો થાય તેમાં ભાષાનો તો હોય જ, તે વાત તો સૌથી જાણીતી છે. પેરિસમાં રસપૂરી ને પાતરાંની જ્યાફત માણવા કરતાં પેરિસની ગલીઓ ખૂંદવા બેગ પેક અને મેપ લઈને નીકળી પડ્યા હોય અને ક્યાંક ભૂલા પડ્યા તો રસ્તો બતાવનાર ફ્રેંચ નાગરિક ભાંગ્યુંતૂટ્યું અંગ્રેજી સમજી-બોલી શકતો હોવા છતાં વાત તો ફ્રેંચમાં જ કરશે. આવી જ પરિસ્થિતિ લગભગ તમામ યુરોપિયન દેશોમાં છે તેનાથી આપણે જ્ઞાત જ છીએ. આ વાત સાબિતી છે અંગ્રેજી ભાષા સર્વોપરી છે તેવી ભૂલભરી માન્યતાની.

એ વાત અલગ છે કે ભારતમાં લગભગ તમામ સ્થાનિક ભાષાઓ ભયજનક હાલતમાં ઘસડાઈ રહી છે. દિનબદિન અંગ્રેજી ભાષાનું ચલણ કહો, ભવિષ્યની ભાષા કહો, બિઝનેસની વ્યાખ્યા કહો અંગ્રેજી તમામ ભાષાને ઠેકાણે પાડવા કમર કસી રહી છે, તે પણ આપણી પોતાની માનસિકતાના જોરે, પરંતુ અંગ્રેજી ભાષાની અસાધારણ તરફેણ કરનાર, અંગ્રેજીને જ ભવિષ્યની, બિઝનેસની ભાષા લેખનાર લોકોને ૧૨૦ વૉટનો ઝટકો લાગે તેવા સમાચાર એ છે કે હવે અંગ્રેજી પણ અન્ય સ્થાનિક ભાષાઓની જેમ હળવેકથી હાંસિયામાં મુકાઈ જાય તેવી પરિસ્થિતિ આકાર લઈ રહી છે. વિશ્વભરમાં બ્રિટિશ કોલોનીઓના અસ્તિત્વના લોપ પછી પણ અંગ્રેજી ભાષાનો દબદબો ક્યારેય ઓછો થયો નહોતો જે હવે કહેવાતી ભવિષ્યની, બિઝનેસની ભાષા ચીનની ભાષાઓને ખાસ કરીને મેન્દ્રીનને કારણે થઈ રહ્યો છે. કદાચ આજે નહીં તો વીસ વર્ષે અંગ્રેજી ભાષાને ધરખમ ઘસારો પહોંચે તેવી સ્થિતિ છે.

માનવામાં ન આવે તેવી આ વાત વાસ્તવિકતા બની રહી છે, અને તેનું એકમાત્ર કારણ છે ચીનની મહાસત્તા બનવાની દોટ, ત્યાં વિકસતી જતી બજારો, અફાટ વસ્તીવિસ્ફોટ.

જે સ્થાન અમેરિકા અને બ્રિટન સહિતના સાત બળિયા દેશો ભોગવતા રહ્યા તે પૈકી ચીને મેદાન માર્યું છે અને એ જ કારણ છે વિશ્વના રડાર પર ચીની ભાષાના મૂળાક્ષરો પ્રગટ થવાનું. છેલ્લા બે દાયકામાં ચીન જે રીતે હરણફાળ ભરી રહ્યું છે તેને વર્તી જઈ ખુદ અંગ્રેજ પ્રજાએ જ લંડન સ્કૂલ ઑફ ઈકોનોમિક્સમાં ચીનની મેઈનસ્ટ્રીમ લેંગ્વેજ મેન્દ્રીન અને કેન્ટોનીઝ, હાક્કાના વર્ગો શરૂ કર્યા છે. આજે મોટા ભાગની મહાસત્તા ભલે જાહેરમાં ન સ્વીકારે, પરંતુ ચીનના વધતા જતા પ્રભાવથી જ્ઞાત તો છે જ. એક અહેવાલ કહે છે તેમ લંડન સ્કૂલ ઑફ ઈકોનોમિક્સના સિલેબસમાં એ વાત પડઘાય છેઃ ચાઈના ઈઝ ફ્્યુચર. જર્મની પછી ઈંગ્લેન્ડનો સૌથી વધુ વ્યાપાર ચીન સાથે થાય છે. ઈંગ્લેન્ડના લક્ઝરી સ્ટોર્સ હેરડ્ઝ અને બરબેરીઝ ગ્રુપના સ્ટોર્સ સૌથી વધુ આયાત ચીનથી કરે છે. જેનું પ્રમાણ ઈંગ્લેન્ડ અને અન્ય દેશોના પ્રમાણની સરખામણીમાં ૩૦ ટકા જેટલું છે.

ચીન મહાસત્તા તરીકે ઊભરી રહ્યું છે તે વાત જાણે વિના કંઈ વિરોધે સ્વીકારી લેવી હોય તેમ આખા વિશ્વને પોતાની ભાષા બોલતી કરનાર યુનાઈટેડ કિંગ્ડમે જ ચીની ભાષાઓ સ્વીકારી લીધી છે. આજની તારીખમાં માત્ર બ્રિટનમાં જ લાખથી વધુ બ્રિટિશરો ચીની ભાષા શીખી રહ્યા છે. ઈંગ્લેન્ડના નેશનલ સેન્ટર ઑફ લેંગ્વેજીઝના ડેટા પ્રમાણે છેલ્લા એક વર્ષમાં ચીની ભાષાઓના વર્ગમાં વિદ્યાર્થીઓનો ૩૭ ટકા વધારો

નોંધાયો છે.

વાત માત્ર બ્રિટન પૂરતી સીમિત નથી. ચીન સાથે વેપારવાણિજ્યમાં જેને પાછળ ન રહી જવું હોય તેવાં તમામ રાષ્ટ્રોએ એક બરોબરિયા ખેલાડી તરીકે કે પછી માત્ર ચાંપલૂશી કરી ચીનની ‘ગુડ બુક’માં રહેવા માટે આવી ભાષાની પ્રયોગશાળા પોતાના ઘરઆંગણે ખોલી છે.

ચીનની ભાષાઓમાં મુખ્યત્વે ત્રણ બોલીઓનો ભારે પ્રભાવ છેઃ એક મેન્દ્રીન, બીજી કેન્ટોનીઝ અને ત્રીજી હાક્કા. અત્યાર સુધી ચીની ભાષા પાવરફુલ તો લેખાતી હતી, પરંતુ માત્ર તે ચીન પૂરતી સીમિત હતી. હવે છેલ્લા બે દાયકાથી જાપાન, કોરિયા, વિયેટનામમાં પણ પગપેસારો કરી ચૂકી છે. એ માટેનું સજ્જડ કારણ એટલું જ કે મેન્દ્રીનમાં જાપનીઝ, કોરિયન અને વિયેટનામી શબ્દભંડોળનો શંભુમેળો થયો છે તેથી તેમને માટે આ ભાષા ફ્રેન્ચ, લેટિનની જેમ તદ્દન અજાણી નથી, પરંતુ ગુજરાતી બાવન, હિંદી બાવન મૂળાક્ષરો અને અંગ્રેજી ૨૬ આલ્ફાબેટની સરખામણીમાં મેન્દ્રીનના ૬૦૦૦ મૂળાક્ષરો શીખવા અશક્ય લાગે. અરે! ખુદ ચીની પ્રજાનું ભાષાભંડોળ સીમિત હોય છે. ૬૦૦૦ અક્ષરો શીખવા ચીની પ્રજા માટે પણ સહેલું કામ નથી. તે છતાં આવી અઘરી ચીની ભાષાની બોલીઓ મેન્દ્રીન, કેન્ટોનીઝ અને હાક્કા દુનિયામાં લગભગ ૯૦૦ કરોડ લોકો બોલે છે જે પ્રમાણ અંગ્રેજીની સરખામણીમાં અતિશય વિશાળ છે. એક સામાન્ય નિયમ એવો રહ્યો છે કે વેપારવાણિજ્યની ભાષા જ આખરે સંસ્કૃતિની મુખ્ય ભાષા બનીને રહી જાય છે. અંગ્રેજી ભાષાએ આ ઉદાહરણ વધુ બળવત્તર રીતે સિદ્ધ કરી બતાડ્યું છે. અંગ્રેજોની વ્યાપાર વિનિમય માટે થયેલી કોલોનીઓએ અંગ્રેજીને વિશ્વભરમાં ફેલાવી તે છતાં ચીની ભાષા બોલનારાની સંખ્યા વધુ છે. એટલું જ નહીં, ચીની ભાષા તેના મૂળાક્ષરોને કારણે એટલી બધી વિકટ છે તે છતાં જે રીતે વ્યાપ વધારી રહી છે તે અંગ્રેજીના અસ્તિત્વને ડરાવવા પૂરતી છે.

અંગ્રેજીના ઘટતા ચલણનું મૂળ માત્ર ચીની ભાષા છે તેમ માની લેવું જરૂરી નથી. ઈઝરાયલ જાઓ તો હિબ્રૂ, જર્મની, સ્વિટ્ઝરલેન્ડ, ઑસ્ટ્રિયા જેવા દેશોમાં જર્મન, આરબ દેશોમાં ત્યાંની સ્થાનિક ભાષાઓ જેમ કે અરબી, પર્શિયન, પુશ્તુને મહત્ત્વ મળી રહ્યું છે. જોવાની ખૂબી તો એ છે કે વિશ્વભરને ક્રાંતિના જુવાળમાં ઘસડી જનારી ઈન્ટરનેટ સુવિધા પહેલાં અંગ્રેજી પૂરતી સીમિત હતી, હવે ઈન્ટરનેટ પર પણ સ્થાનિક ભાષાઓએ હલ્લાબોલ કર્યું છે. એટલે ફેસબુક હોય, ટ્વીટર હોય, યાહૂ મેસેન્જર હોય કે જીમેઈલ, તમામ એપ્લિકેશન્સ અને ફંક્શન માટે ભારતીય ઉપરાંત વિશ્વભરની ભાષાના ઓપ્શન ખુલ્લા છે. કદાચ એ જ કારણ છે હવે વિશ્વભરના ૧૯૬ દેશોમાં અંગ્રેજી માત્ર બાવન દેશોની કાયદેસરની ભાષા રહી છે. જગતભરની વસ્તીના ૧/૩ થી ૧/૪ ભાગના લોકો ભલે અંગ્રેજી બોલી-સમજી શકતા હોય તેવો દાવો થતો હોય, પણ વાસ્તવિકતા એ પણ છે કે યુનાઈટેડ નેશન્સના ૧૮૯ સભ્ય દેશોમાં ૧૨૦ દેશોની એમ્બેસીઓએ સંવાદિતા માટે ઓફિશિયલ માધ્યમ તરીકે અંગ્રેજી, ૪૦ દેશોએ ફ્રેંચ અને ૨૦ દેશોએ સ્પેનિશ ભાષા પર પસંદગી ઉતારી હતી. આ વાત છે ૨૦૦૧ની, આજે દસ વર્ષ પછી પરિસ્થિતિ બદલાઈ ચૂકી છે. અંગ્રેજી પર પસંદગી ઉતારનાર રશિયા અને એક સમયે યુએસએસઆરના ઘટક રહી ચૂકેલા દેશોએ હવે રશિયન ભાષાને પોતાની ભાષા માની લીધી છે. સંદેશ, વિચારવિનિમય માટે પણ તેનો જ આગ્રહ રાખ્યો છે. આવી જ વાત આફ્રિકન દેશો અને આરબ દેશોએ પકડી રાખી છે. વાત ત્યાંથી જ પૂરી નથી થતી. ભારત અને એશિયાના ગણતરીના દેશોની વાત ન કરતાં વિશ્વભરમાં ઊંચી નોકરી માટે એકથી વધુ ભાષાઓ જાણવી જરૂરી બની જાય છે. જેમ કે અમેરિકામાં સ્પેનિશ ભાષાનું મહત્ત્વ વધી રહ્યું છે. સાથે સાથે અન્ય યુરોપિયન ભાષા જેવી કે જર્મન કે ફ્રેન્ચ શીખવી પણ અનિવાર્ય લેખાય છે.

દુનિયા ફરી એક સ્વરચિત કોલોનીમાં પરિવર્તિત થઈ રહી છે. પશ્ચિમનો એક વર્ગ અંગ્રેજી ઉપરાંત યુરોપિયન ભાષા શીખવી જરૂરી માને છે તો એશિયામાં આણ પ્રસરાવનાર દેશની શેહમાં નાનકડાં રાષ્ટ્રો ચીની ભાષાને મહત્ત્વ આપવા લાગ્યાં છે. આમાં સૌથી પહેલા ક્રમાંકે છે પાકિસ્તાન અને નેપાળ. ચીને પોતાના ભાષાપ્રચાર માટે લગભગ ૩૫૦ કન્ફ્્યુશિયસ ઈનિ્સ્ટટ્યૂટ સ્થાપી છે. તેમાંથી ૧૩ તો માત્ર બ્રિટનમાં છે, એ પછી વારો છે નેપાળનો. છેલ્લા એક દાયકાથી રસ્તાથી માંડીને સિટી સેન્ટર બાંધવામાં, આર્થિક મદદ સ્વીકારવામાં અવ્વલ ટચૂકડું નેપાળ ચીની ભાષા શાળામાં શીખવવી જરૂરી માને છે. અમેરિકા જેવા ગોડફાધરને નારાજ કરવાની ધાસ્તી વિના પાકિસ્તાન પણ આ બેન્ડવેગનમાં જોડાયું છે. ૨૦૧૩ના વર્ષથી પાકિસ્તાનમાં, ખાસ કરીને સિંધ પ્રાંતની તમામ શાળામાં ચીની ભાષા ફરજિયાત બનાવવાનું સત્તાવાર નિવેદન સિંધના મુખ્ય પ્રધાન ક્વાઈમ

અલીશાહ બહાર પાડી ચૂક્યા છે. તે પાછળનું કારણ સાફ છે અને પાક શાસકોએ તે જાહેર કરવામાં કોઈ ક્ષોભ અનુભવ્યો નથી. ચીન સાથેના ગાઢ સંબંધો અને વિશ્વભરમાં આર્થિક સત્તા તરીકે વિસ્તરતી ભૂમિકા આની પાછળ જવાબદાર લેખાઈ છે.

ભાવનાથી ન જોતાં માત્ર ને માત્ર લોજિકથી જોઈએ તો વાત કંઈ ખોટી નથી. જો અંગ્રેજી હવે આપણને ગુલામીની ભાષા ન લાગતાં, ભવિષ્યની ભાષા લાગે, બિઝનેસની, પ્રગતિની ભાષા લાગે તો પછી ચીની ભાષા માટે પક્ષપાત શા માટે રાખવો? ચીની ભાષા શીખવામાં સમર્થક આજે બ્રિટન છે, નેપાળ, પાકિસ્તાન પછી દેશોની યાદી લંબાતી જશે, ભારતે પણ ચાહતાં ન ચાહતાં સામેલ થવું પડે તો નવાઈ નહીં, બસ વાત સમયની છે.

શરૂઆત કાલે કરવાની હોય તો આજે જ કરી દઈએ.

ની હાઓ મા… હીં, હા, શે… શે…

અરે! અમે તો પૂછી રહ્યા છીએ હાઉ આર યુ? તમે શું સમજ્યા? શું શાં પૈસા ચાર?

છેલ્લે છેલ્લે :

તું તારી ભાષા ભૂલી જજે.

– ચીની ભાષાની એક શ્રાપભરી ઊક્તિ

20130517-180820.jpg

Advertisements

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

w

Connecting to %s