Mann Woman

આ નમાલાઓનું કરવું શું? May 21, 2013

20130521-002729.jpg

સોશિયલ મીડિયા એટલે કે ફેસબુક ને ટ્વિટરની તાકાતથી કોઈ અજાણ નથી, પરંતુ આ જ માધ્યમનો ઉપયોગ ડરાવવા ધમકાવવામાં થાય તો? કદાચ પહેલી નજરે ઈ-ક્રાઇમ, ઈ-ધમકી, ઈ-અભદ્રતાને આપણે ગંભીરતાથી લેતાં નથી, પરંતુ જેમની સાથે આ ઘટે છે તેમની રાતની ઊંઘ અને દિવસનું ચેન છીનવાઈ જાય છે.

તાજેતરમાં જ એક અતિપ્રતિષ્ઠિત મહિલા પત્રકારે આવી ધમકીથી વાજ આવી પોતાના અભિગમ ટ્વિટ કરવાનું પડતું મૂક્યું. આ જ પત્રકારના પત્રકારપતિએ પણ ટ્વિટર પર સૌને રામરામ કહી દીધું. આવી અભદ્રતા આપણે ત્યાં જ કેમ? એ પ્રશ્ન ક્યારેય કોઈને નથી થતો. કારણ? કારણ કે આ પજવણી માત્ર ને માત્ર સ્ત્રીઓને થાય છે પુરુષને નહીં.

અહીં જે મહિલા પત્રકારની વાત કરી તે કોઈ જેવીતેવી ભીરુ પત્રકાર નથી. પોતાના સ્વતંત્ર ઓપિનિયન માટે જાણીતી, વારંવાર ટ્વિટ કરતી આ પત્રકારને છેલ્લાં ત્રણ વર્ષથી ધમકી મળી રહી હતી. તે પણ કેવી ધમકી? જાનથી મારી નાખવાની તો ખરી જ પણ સાથે સાથે તેની પર બળાત્કાર કરવાથી લઈ ‘વેશ્યા’ જેવા અભદ્ર વિશેષણથી નવાજી તેને ચોક્કસ રાજકીય નેતાઓ સાથે સંબંધ હોવાની વાત ટ્વિટ થયે રાખતી હતી.

આટલી ગંદકીભર્યાં ટ્વિટ્સથી પણ એ પત્રકાર જ્યારે ન હારી, ન થાકી ત્યારે તેની ઉપર નવા જ પ્રકારનો હુમલો થયો. બનાવટી નામ (આઇડી) લઈને આ પત્રકારને તેની સ્કૂલ જતી દીકરી સાથે કુવ્યવહાર કરાશે તેવી ધમકી અપાઈ.

પોતાનો જંગ ખેલી રહેલી આ ભડ મહિલા પત્રકાર દીકરી માટે થયેલાં ધમકીભર્યાં ટ્વિટ્સ સામે હારી ગઈ. સ્કૂલે જતી દીકરીને સ્કૂલબસ બંધ કરાવી કારમાં મૂકવા-લેવાની વ્યવસ્થા કરવી પડી, છતાં ધમકીભર્યાં ટ્વિટ્સ બંધ ન થયા. આખરે પોતાની દીકરી માટે થઈને આ પત્રકારે રાજનીતિ પર ટિપ્પણી કરતાં ટ્વિટ્સ કરવાના જ બંધ કરી દીધા.

આ પગલાં સાથે જ મળતી ધમકીઓ પણ બંધ થઈ ગઈ. એટલે કે આ આખું ષડ્યંત્ર હતું પત્રકારની નિર્ભિક વાણી ઘોંટવાનું. જે અભિયાન પાર પાડવામાં પત્રકારના અનામી દુશ્મનો કામિયાબ રહ્યા.

એવું નથી કે આ પ્રકારના ઈ-એટેકનો ભોગ બનનાર આ પત્રકાર જ છે. દુનિયાભરમાં સ્ત્રીઓ આવા પ્રકારના એટેકનો ભોગ બને જ છે. એ પછી નિર્ભિક પત્રકાર હોય કે સ્કૂલમાં ભણતી નાની છોકરી.

પેલી ટીવી જર્નલિસ્ટ તો ડરી ગઈ પણ નામાંકિત લેખિકા મીના કંડાસામી પણ આ જ સમસ્યાનો ભોગ બની છે.

મીના કંડાસામી એક દલિત લેખિકા છે, જે પોતાના સ્પષ્ટ વલણ માટે એક ચોક્કસ વર્ગમાં ભારે અપ્રિય છે. મીનાનાં ઘણાં પુસ્તકોની હોળી તો થઈ જ છે, પરંતુ તેમને જાનથી મારી નાખવાની ધમકી પણ વારંવાર મળે છે.

આંતરરાષ્ટ્રીય સ્તર પર પોતાની કવિતાને માટે પ્રખ્યાત એવી મીના કંડાસામી પોતાના વિચારો ટ્વિટ કરતા રહેતાં તે તેમનો ગુનો. ગયા વર્ષે લગભગ આ જ સમય દરમિયાન ઉસ્માનિયા યુનિવર્સિટીમાં બીફ ફેસ્ટિવલના આયોજન પછી તેમની પર આવતી ધમકીઓ એટલી વધી ગઈ કે છેલ્લે છેલ્લે તો તેમને કહેવાતું કે જો તે ટ્વિટ કરવાનું બંધ નહીં કરે તો તેમની પર સામૂહિક બળાત્કાર કરવામાં આવશે અને એટલું જ નહીં, આ કૃત્યનું જીવંત પ્રસારણ ટીવી પરથી પણ કરાશે.

મીના કંડાસામી આમ તો ડરી જાય તેવી મહિલા નથી. પહેલાં પણ તેમનાં ઘણાં પુસ્તકોની હોળી થઈ ચૂકી છે. ઘણાં ટીકાકારોએ ખુલ્લેઆમ તેમની આલોચના કરી છે. ત્યારે ન ડરનારી મીના આવા નનામા ટ્વિટ્સથી ડરી ગઈ તે વાતની નવાઈ લાગે. પણ મીનાનો વ્યૂ સાંભળ્યા પછી ખરેખર આ વાત ડરામણી લાગે.

આ વર્ચ્યુઅલ વર્લ્ડનો ડર ખરેખર તો ન લાગવો જોઈએ છતાં એ લાગે છે, કારણ છે અજાણ યુદ્ધ.

પુસ્તકો હોળી કરનાર કે કોર્ટમાં ઢસડી જનાર વિરોધીની ઓળખ તો મળે છે. મીનાને ડર લાગે છે આ અજાણ્યાઓનો, અજાણ યુદ્ધનો, જેમાં સામે લડનાર કોણ છે તેની જાણ થતી નથી.

દિલ્હીની ટીવી જર્નલિસ્ટ, લેખિકા મીના કંડાસામી તો માત્ર બે-ચાર ગણતરીનાં નામ છે જેમણે પોતાની સામે થઈ રહેલા આવા ગંદા યુદ્ધને જગજાહેર કર્યું, પરંતુ ફેસબુક, ટ્વિટર પર ઘણી મોટી સંખ્યામાં સ્ત્રીઓ આ અત્યાચારનો ભોગ બને છે.

આજે પણ સંકુચિત માનસ ધરાવનાર વર્ગ કહેશે કે તો પછી આ સાઇટ્સ પર જવાનું જ ટાળો ને…!!! પણ ના, સોશિયલ સાઇટ્સ પર પોતાના વિચારો વ્યક્ત કરવા કોઈ ગુનો નથી. તેમાં પણ હવે જાગૃતિ મેળવવા, અત્યાચાર સામે અવાજ ઉઠાવવા માટે આ માધ્યમે બહુ મોટું કામ કર્યું છે.

ગયા ડિસેમ્બરમાં દિલ્હીમાં જે હિચકારી બળાત્કારની ઘટના બની તેના સંદર્ભમાં આવી જ એક સાઇટ પર ચર્ચા ચાલી રહી હતી જેમાં ભાગ લેનાર હતી દિલ્હીની જાણીતી સમાજસેવિકા, જે સ્ત્રીઓના હક્કમાં ઘણું કામ કરી ચૂક્યાં છે તે છે કવિતા કૃષ્ણનન્.

કવિતા સાથે પણ એ જ થયું જે દિલ્હીની પત્રકાર ને લેખિકા મીના કંડાસામી સાથે થયું.

કવિતાએ જેવા પોતાના વિચારો રજૂ કર્યા તેને બળાત્કારની ધમકી આપવામાં આવી.

ભાષા અને આક્ષેપો એટલા ગલીચ કે કોઈ પણ સ્ત્રી ચર્ચામાંથી બહાર નીકળી જવાનું જ પસંદ કરે. કવિતા કૃષ્ણનને પણ એ જ કરવું પડયું.

એટલે આ ત્રણ જાણીતા કિસ્સાને ન જાણવા મળેલાં ન જાણે કેટલાં બનાવો નિર્દેશ કરે છે કે ઇન્ટરનેટ પર પણ પુરુષવાદી માનસિકતા જ કામ કરે છે.

આ પુરુષવાદી માનસિકતા એટલે કે સ્ત્રીઓ ચર્ચા કરે, પોતાના તર્ક, ઉત્તરો રજૂ કરે તે પુરુષોને માન્ય નથી. આ વિષય પર તામિલનાડુના ક્રિમિનોલોજી પ્રોફેસર ડો. જયશંકર અને વકીલ દેબરતી હલ્દરે એક રસપ્રદ પુસ્તક પણ લખ્યું છેઃ ‘ક્રાઇમ એન્ડ ધ વિક્ટિમાઇઝેશન ઓફ વિમેન’. જેનો સૂર પણ આ જ છે. મહિલા પત્રકારનો દાખલો લેખાવીને તેઓ કહે છે કે આજની તારીખે પણ સરેરાશ ભારતીય પુરુષ સ્ત્રીને પોતાના પગની પાની જ સમજે છે. જે સ્ત્રીઓ તેમની સામે તર્ક કરે, જવાબ આપે, બરાબરી કરે તેમને હરગિજ માન્ય નથી. અને ચોંકવાની વાત તો એ છે કે આ વર્ગ કોઈ અભણ, બીમાર (માનસિક રીતે) લોકોનો નથી. બલકે આ વર્ગમાં ડોક્ટર, વકીલ, શિક્ષક જેવા બૌદ્ધિકો પણ સામેલ છે. આ નમાલાઓનું કરવું શું?

સૌથી હતાશામય વાત તો એ છે કે ઇન્ટરનેટ પર થતી આવી અભદ્ર કમેન્ટ અને ધમકી માટે કોઈ જડબેસલાક કાયદા નથી કે જેના વડે આ ટીકાકારોને જડબાંતોડ જવાબ આપી શકાય.

છેલ્લે છેલ્લે…
નિરાશાવાદી માણસ વિચારે છે કે બધી સ્ત્રી નકામી જ હોય છે. આશાવાદી માણસ વિચારે છે કાશ, સ્ત્રીઓ ખરેખર નકામી હોત!!

pinkidalal@gmail.com

Advertisements

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

w

Connecting to %s