Mann Woman

સંબંધને ગોળ-કુંડાળાં સાથે શું લાગેવળગે?

20130528-004805.jpg

તાજેતરમાં જ એક ૬૩ વર્ષ જૂની તે જમાનાની સુપરહિટ એવી ગુજરાતી ફિલ્મ ‘મંગળફેરા’ જોવા મળી. એ ફિલ્મે મને ક્ષણભર વિચારતી કરી મૂકી.

ફિલ્મની નાયિકા શોભા (નિરુપા રોય) નવા જમાના સાથે તાલ મેળવીને ચાલવા ઇચ્છતાં પોતાના પિતા સામે માથું ઊંચકે છે, પોતાના બાળપણમાં થયેલા વિવાહ માટે પહેરેલે કપડે ઘરબાર છોડી પોતાના ભરથારને શોધતી કોઈક ગામે પહોંચે છે. શોભાની બહેન ચંદ્રિકા વિલાયત ભણીને આવી છે. તે પિતાની મરજીના મુરતિયાને પરણવા બેઝિઝક ના પાડે છે. ફિલ્મમાં શું થાય છે તે વાત અહીં અપ્રસ્તુત છે, પરંતુ સાડા છ દાયકા પૂર્વે આવી રહેલા પરિવર્તનને આવકારતો પવન જ આવકારદાયક કહેવાય. વિચારવા મજબૂર કરે તે મુદ્દો એ છે કે ખરેખર છ દાયકામાં સામાજિક ક્ષેત્રે આ પરિવર્તન આવ્યાં? સામાજિક મૂલ્યો બદલાયાં? જવાબ નિરાશાવાદી છે. મોટાં શહેરો પણ આમાંથી બાકાત નથી. ખરેખર તો પરિસ્થિતિ પણ વત્તેઓછે અંશે દાયકાઓ પુરાણી જ છે. હજી પણ નાત, જાત, સંપ્રદાય, ગોળ, કુંડાળાં જેવી પરંપરાગત માન્યતા હેઠળ પરજ્ઞાતિની કન્યા કે મુરતિયા બાધિત જ મનાય છે.

પોતાની જ્ઞાતિ, જાતિમાં બંધાયેલો સંબંધ જ શ્રેષ્ઠ, બાકી અન્ય જ્ઞાતિ, કોમ ઊતરતાં એવા ખ્યાલ હજી ભારતીય માનસમાં સેટ જ છે.

વર્ષોથી હું એવા જ એક વકીલ પરિવારને જાણું છું, સુરેશભાઈ વકીલ. તેમની દિલથી ઇચ્છા કે દીકરો વૈભવ પણ વકીલ બને. જોકે, વૈભવને બનવું હતું સંગીતકાર પણ સુરેશભાઈના કરડા સ્વભાવ સામે વૈભવ સંગીત વિશે શબ્દ ન બોલી શકે.

સુરેશભાઈનું જ ધાર્યું થયું ને વૈભવે પણ લો જ કર્યું. કોલેજમાં ભણતાં ભણતાં નિધિ ગમી ગઈ. નિધિ પણ લો જ કરતી હતી એટલે વૈભવના મનમાં હાશકારો હતો કે પિતા વકીલ વહુ લાવવા તો ના નહીં જ ભણે.

વૈભવ માટે છોકરીઓ જોવાનું શરૂ થયું કે વૈભવે મોટી બહેનને નિધિવાળી વાત કહી દીધી. મોટી બહેન પરણીને સાસરવાસી થઈ ગઈ પણ સુરેશભાઈની લાડકી. વળી,સુરેશભાઈની વહેમીલી માન્યતા પ્રમાણે મોટી દીકરી પ્રાપ્તિના જન્મ પછી જ પોતે બે પાંદડે તો થયેલા અને નામના પણ ઘણી મેળવેલી. વૈભવને હતું કે મોટી બહેન પપ્પાને કહેશે તો વાત બહુ સાહજિકતાથી પતી જશે.

પ્રાપ્તિએ સુરેશભાઈને વૈભવની ચાહત વિશે કહ્યું. સુરેશભાઈને વૈભવે જાતે છોકરી પસંદ કરી છે તેનો કોઈ વિરોધ નહોતો. માત્ર જાણવું હતું કે તેની જ્ઞાતિ શું છે? “પપ્પા, એ લોકો બ્રાહ્મણ નથી, જૈન છે.” વૈભવ થોડો સહેમીને બોલ્યો જાણે એને ખબર હતી કે આ વાતનું શું રિએક્શન આવવાનું હતું.

“એટલે?, પરનાતની છોકરી આ ઘરમાં લાવશે? મંદિર તો જતો નથી પણ દેરાસર તો જરૂર જશે એમને?” સુરેશભાઈ જ્યારે અતિશય ધીમા અવાજે, ધીરે ધીરે એક એક શબ્દ છુટ્ટો પાડીને બોલે એટલે સમજી જવાનું વાત ખલ્લાસ.

વૈભવ મૂંઝાયો. બહેન ભાઈની વહારે આવી એટલે સુરેશભાઈએ એને પણ ઉતારી પાડી. “સાસરવાસી દીકરીઓએ પિયરમાં આવીને મર્યાદા જાળવવી જોઈએ સમજી…” સુરેશભાઈના પ્રાપ્તિને કહેવાયેલા આ શબ્દોનો એકમાત્ર અર્થ થતો હતો પ્લીઝ, માઇન્ડ યોર બિઝનેસ ઓર ગેટ આઉટ.

પ્રાપ્તિ જતી રહી. વૈભવની મા સુશીલાબહેન પતિની રગેરગ જાણતાં હતાં. તેમનું આમેય કંઈ ઉપજતું નહીં છતાં બોલ્યાં “જમાનો બદલાયો છે. વૈભવ પોતે વકીલ છે, પોતાનું સારું-નરસું સમજે છે તો…”

“એ તો તું સમજે છે કે તે બધું સમજે છે, પણ વાસ્તવિકતા એ છે કે જો તું બાવન વર્ષે કંઈ સમજતી નથી તો આ પચીસ વર્ષનો છોકરો શું સમજવાનો?” સુરેશભાઈએ કોઈની વાત ન સાંભળી ને વૈભવ માટે પોતાની રીતે ‘કન્યાશોધ અભિયાન’ માથે લીધું.

સુરેશભાઈએ ઝાઝો પરિશ્રમ પણ ન કરવો પડયો. પોતાના જ સર્કલમાંથી તેમને કોઈક કન્યા બતાવાઈ. એક જ જ્ઞાતિ, એક જ ગામ બંને પરિવારો એકમેકને ઓળખતાં જરૂર હતા, પિછાણતાં નહોતા.

વૈભવે ફરી એક વાર પિતાને મનાવવાની કોશિશ કરી. માનવામાં ન આવે પણ હકીકત છે કે સુરેશભાઈ જેવા બાહોશ વકીલે પોતાના ઉભરતાં, જુસ્સાવાળા વકીલ દીકરાને લાકડીયે ધબેડી નાખ્યો.

વૈભવ સામે બે જ વિકલ્પ હતા. એક, પિતાનાં ઘરબાર, ઓફિસ છોડી એક સ્ટ્રગલરની જિંદગીનો સ્વીકાર કરે કે પછી પિતાની મનમાની સામે ઝૂકી જાય ને સાહ્યબીમાં રાચે.

વૈભવે મોટાભાગનાં છોકરાંઓ પસંદ કરે તેવો બીજો વિકલ્પ પસંદ કર્યો અને લગ્ન કરી લીધાં પિતાએ પસંદ કરેલી કન્યા અમીષા સાથે. વૈભવની પ્રિયતમા નિધિ તો એટલી સ્તબ્ધ રહી ગઈ કે એ બોલી નહોતી શકતી. વૈભવનાં લગ્ન લેવાયાં ને નિધિ પછી ક્યાં ખોવાઈ ગઈ મને કંઈ જ જાણ નહોતી.

એ વાતને ચાર વર્ષ વીતી ગયાં હતાં ને થોડા દિવસ પૂર્વે જ વૈભવ કંકોત્રી આપવા ઘરે આવ્યો. ખુશખુશાલ ચહેરો જોઈને મને થયું કે ચાલો સારું, લગ્નજીવન સુખી જ હશે ત્યારે જ આવી રોનક ચહેરા પર હોયને!!

વૈભવે મારા હાથમાં કંકોત્રી આપી. મને હતું કે કદાચ તેના નાના ભાઈની કંકોત્રી હશે. એન્વલપ પર સોનેરી સ્ક્રીન પ્રિન્ટિંગથી નામ જોયું તો લખ્યું હતું વૈભવ વેડઝ નિધિ. મારા આશ્ચર્યનો મોક્ષ કરવો હોય તેમ વૈભવે કહ્યું, “જી મેમ, પપ્પા ફાઇનલી માની ગયા.”

મને તો કંઈ સમજાયું નહોતું પરંતુ વૈભવે આખી વાત કરી ત્યારે ખબર પડી કે જેમ વૈભવના પિતાએ તેને મારી-દબડાવી મંડપમાં બેસાડેલો તેમ તેની પત્નીનાં પિયરિયાંઓએ પણ એ જ કરેલું. અમીષાને લગ્ન કરવાં હતાં ક્યાંક બીજે, પરંતુ નાત-પરનાતના ચક્કરમાં તેનાં મા-બાપે મારી દબડાવી વૈભવ સાથે બેસાડી દીધેલી.

માતા-પિતા સામે ચૂં કે ચાં ન કરી શકેલી અમીષાએ પોતાનું ખુન્નસ કાઢયું દેસાઈ કુટુંબ પર, તે પણ એકદમ સિસ્ટમેટિક રીતે. વહેલા ન ઊઠવું, ઘરકામ ન કરવું, કરવાનું આવે તો રસોઈમાં બરાબર વેઠ ઊતરે અને રાંધેલાં ધાન ગટરભેગાં થાય અથવા રોજ શોપિંગ કરવું. ફોન પર ચીટકીને રહેવું.

સુરેશ દેસાઈ જેવો બાહોશ વકીલ તોબા પોકારી ગયો પોતાની પસંદગીની પુત્રવધૂથી. એ પણ વળી વકીલની દીકરી હતી. વારેવારે કલમના ખાંડા ખખડાવીને દબડાવતી રહેતી, અને ત્યારે સુરેશભાઈને પોતાની ભૂલનો પસ્તાવો થવા લાગ્યો.

આખરે સેટલમેન્ટ થયું. સુરેશભાઈએ પોતે જ પોતાના દીકરાના ગળામાં બાંધેલો ઘંટ દૂર કરવા ભારેખમ એલિમની અને વળતર આપવું પડયું, ને તેમાં વૈભવનાં તકદીર ઊઘડી ગયાં.

એવું કહેવાય છે કે લગ્ન ઘરમાં નક્કી થાય છે, તો કોઈ કહી શકે ખરું કે ડિવોર્સ ક્યાં નક્કી થતા હશે?

સુરેશભાઈની ભૂલ, ગેરમાન્યતા એટલા જીવલેણ પુરવાર થાત તે તો હવે કોઈ કલ્પી શક્વાનું નથી, કારણ કે એક કહેવત પ્રમાણે ઘીના ઠામમાં ઘી પડી રહ્યું, પરંતુ ધારો કે વૈભવની નિધિ આ સમય દરમિયાન અન્ય ક્યાંય પરણી ગઈ હોત તો? કે પછી અમીષાનો પ્રેમી ક્યાંય બીજે પરણી ગયો હોત તો?

તો સુરેશભાઈ જેવા વડીલોના હઠાગ્રહને કારણે ચારેચાર જિંદગીઓ બરબાદ થઈ ગઈ હોત!

આ છે સંસ્કૃતિ ને સંસ્કાર? આ પ્રશ્ન દરેક માતા-પિતાએ પોતાની જાતને પૂછવા જેવો ખરો કે નહીં?

Advertisements

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

w

Connecting to %s