Mann Woman

શક્ય છે તમે પણ હો તેમનો નવો શિકાર

20130611-093721.jpg

નેટર્વિંકગ સાઇટ્સ પરથી કોઈની પણ તસવીરો ઉઠાવી તેને કોઈકના દેહ સાથે મોર્ફ્ડ કરી દેવાય છે. જેનો ઉપયોગ ક્યાં થાય છે તે કહેવાની જરૂર છે ખરી?
થોડા સમય પૂર્વે જ જસ્સીનો નિર્દોષ રોલ નિભાવી ચૂકેલી એક્ટ્રેસ મોનાસિંહની પોર્ન ક્લીપ વોટસએપ પર ફરતી થઈ ગઈ હતી. એ માટે અભિનેત્રીએ પોલીસફરિયાદ પણ કરી હતી. આખરે એ ક્લીપ મોનાની નહોતી, પણ મોર્ફ્ડ ઇમેજથી ઊભી કરાયેલી હતી, તેવા સમાચાર આવ્યા હતા, છતાં તેની વાત હજી પણ ચર્ચાયા કરે છે.
આવું જ પહેલાં મનીષા કોઈરાલા સાથે પણ થયું હતું. આવા બે-ચાર બનાવ બને એટલે એક સામાન્ય ધરપત એવી લઈ લેવાય કે એ તો બધું સેલિબ્રિટી અને બિગટાઇમ શો-બીઝ સાથે સંકળાયેલા લોકો સાથે જ થાય. વળી એમાં તેમના કેરેક્ટર માટે પ્રશ્નાર્થ પણ મૂકી દેવામાં આવે.
વાસ્તવિકતા એ છે કે જરૂરી નથી કે આવું બધું માત્ર સેલિબ્રિટી હિરોઇન કે ટીવી સ્ટાર્સ સાથે જ થાય. એ તો તેમના સ્ટેટસ અને લોકપ્રિયતાને કારણે વાત અખબાર ને ઇલેક્ટ્રોનિક મીડિયાની સુર્ખિયાં બની જાય, બાકી આ તમામ ઘટનાઓ કોઈ પણ ઉંમરની, કોઈ પણ સામાજિક સ્તરમાંથી આવતી સ્ત્રી સાથે સંભવી શકે છે.
આ નિવેદન વધુ પડતું લાગે છે? તો પછી અખબારમાં છપાતાં સમાચારો વધુ ધ્યાનથી વાંચવાની જરૂર છે.
કેરળમાં એક એવી જ સીધી સાદી ગૃહિણીની સ્નાન કરતી વીડિયો ક્લીપ ફરતી થઈ ગઈ. ગભરાયેલી ગૃહિણીએ પોલીસમાં ફરિયાદ કરી. પોલીસને એટલું તો લાગ્યું કે બિચ્ચારી નિર્દોષ મહિલા વિના કોઈ ગુનાએ ભેરવાઈ ગઈ છે. પણ વીડિયો ક્લીપ તો તે મહિલાની જ હતી તે તો સાફ હતું. તો પછી એક સીધી સરળ મહિલાની, તેના ઘરના બાથરૂમમાં આવી જે કોઈ વીડિયો ક્લીપ કઈ રીતે ઉતારી જાય તે પ્રશ્ન સૌથી પેચીદો હતો.
આખરે પોલીસનો શક જ સાચો ઠર્યો. ફરિયાદી મહિલાનો ટીનેજર દીકરો જ આ કરતૂત માટે જવાબદાર હતો. બિચ્ચારી આધેડ વયે પહોંચેલી માને તો દીકરાના કારનામાની જાણ પણ નહોતી. પોલીસે ત્રીજી આંખ બતાવતાં દીકરાએ ગુનો કબૂલી લીધો. મોજશોખમાં ઉડાડવા જરૂરી પૈસા ઊભા કરવાનો કોઈ માર્ગ ન દેખાતાં દીકરાએ માની જ ફિલ્મ ઉતારીને થોડા રૂપિયામાં વેચી મારી હતી. ત્રણ જ દિવસમાં આ ક્લીપ આગની જેમ કેરળનાં નાનાં-નાનાં ગામ સુધી પહોંચી ગયેલી.
આખી વાત વાંચી, સાંભળીને સ્તબ્ધ થઈ ગયા હો તો એ પણ જાણી લેવું જરૂરી છે કે આ વાત પણ અહીં નથી પતતી. એટલે કે માત્ર સ્ત્રીઓ સુધી નહીં પુરુષો સુધી આ દોર લંબાય છે.
ત્રણેક મહિના પહેલાં જ આંધ્રપ્રદેશના મુખ્યપ્રધાન કિરણકુમાર રેડ્ડીની આવી અભદ્ર વાંધાજનક તસવીરો તરતી થઈ હતી. ખુદ ચીફ મિનિસ્ટરે પોલીસને ત્રસ્ત ફરિયાદી તરીકે કડકમાં કડક પગલાં ભરવાની તાકીદ કરી હતી છતાં આ અભદ્ર તસવીરના જનકનું પગેરૂં પોલીસ શોધી શકી નહોતી. એમ મનાતું હતું કે અલગ તેલંગણાની માગણી કરનારાઓનું આ કામ હતું, પરંતુ જોવાની ખૂબી એ હતી કે સીએમની તસવીર જે મોર્ફ્ડ કરાઈ હતી, તે એક જાણીતી સોશિયલ નેટર્વિંકગ સાઇટ્સ પરથી લેવાઈ હતી.
જે સોશિયલ નેટર્વિંકગ સાઇટ પરથી ખુદ ચીફ મિનિસ્ટરની તસવીરો લઈ, મોર્ફ્ડ કરાય તો સામાન્ય યુવતીઓની શી વિસાત?
અને બાકી હોય તેમ એ વાત પણ પર્દાફાશ થઈ ગઈ છે કે આ પ્રકારની નેટર્વિંકગ સાઇટ્સ પરથી કોઈની પણ તસવીરો ઉઠાવી તેને કોઈકના દેહ સાથે મોર્ફ્ડ કરી દેવાય છે. જેનો ઉપયોગ ક્યાં થાય છે તે કહેવાની જરૂર છે ખરી? પોર્નોગ્રાફિક સાઇટ પર આ તસવીરો ખડકાય છે. વીડિયો ક્લીપ તરીકે યુ-ટયૂબને વોટસએપ ને બીબીએમ તરીકે ફરે છે.
હવે આ ચોરકળા બિગટાઇમ બિઝનેસ બની ગઈ છે. તાજેતરમાં જ ઘટસ્ફોટ થયો છે તે પ્રમાણે પશ્ચિમી દેશોથી ઓપરેટ થતી સેક્સ સાઇટ્સ માટેનાં સોફ્ટવેર એટલે કે કન્ટેન્ટ, દક્ષિણ એશિયાના દેશોમાંથી આઉટસોર્સ કરવામાં આવે છે.
અત્યારે આ ક્ષેત્રે સૌથી વધુ કાર્યરત હોય તો તે છે શ્રીલંકાનું એક ઓનલાઈન ગ્રૂપ. જે બહુધા ફેસબુક પરથી જ યુવાન, સુંદર છોકરીથી લઈ વયસ્ક સ્ત્રીઓની તસવીરોનું માથું કટ કરી તેને બીજાના દેહ પર પેસ્ટ કરી સેક્સ-સાઇટોને વેચે છે. આંતરરાષ્ટ્રીય બજારમાં દરેક ફોટોગ્રાફની કિંમત માત્ર દસ યુ.એસ ડોલર છે. આ કારણે સંખ્યાબંધ ડિવોર્સ થાય છે અને સંબંધો તૂટી ગયા છે.
જોવાની ખૂબી તો એ છે કે હજી સાઇબર લો એવા મજબૂત પણ નથી અને વિદેશમાં બેઠેલી ગેંગ સાથે પનારો પાડવો કોઈ આસાન કામ પણ નથી કે જેથી આ ગતિવિધિ પર કોઈ રોક લાગી શકે.
આખરે તો માત્ર એક જ વિકલ્પ બાકી રહે છે. તે છે ‘ચેતતો નર સદા સુખી’. ફેસબુક પર વધુ ને વધુ લાઇક મેળવવાની ઝંખના ક્યાંક એકાઉન્ટ ડિએક્ટિવેટ કરવાની નોબત ન લાવી દે તે તો યુઝરે પોતે જ વિચારવું રહ્યું.
તો પછી હવે કયું પ્રોફાઇલ પિક્ચર રાખ્યું છે?
છેલ્લે છેલ્લે
જો ઇન્ટરનેટ ટીનએજરો માટે વરદાન છે તો શાપ પણ છે જ.
– જે.કે. રોલિંગ (હેરી પોટરની લેખિકા)
pinkidalal@gmail.com
.

Advertisements

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

w

Connecting to %s