Mann Woman

“મને સાચા હોવાનો વહેમ..”

20130618-111903.jpg

થોડા દિવસ પહેલાં લોનાવાલાની માર્કેટમાં ફરતા કોઈકે મને ખભા પર ટપલી મારી, એવું કોઈ કરે એ વાત જરા અજુગતી એટલે લાગી કે ત્યાં કોઈ એવા મિત્રો તો છે નહીં તો આમ કરવાની હિંમત કોણ કરે?

પાછળ ફરીને જોયું તો એક વયસ્ક જણાતી સ્ત્રી મરક મરક હસી રહી હતી. મારા ચહેરાના ભાવ જોઈને બોલી, “કેમ? ભૂલી ગઈ?”

“મને ઓળખી નહીં.”
ચહેરો જરા જાણીતો લાગ્યો, પણ મનમાં ગડ બેસતી નહોતી.

“અરે, હું ભાવના.” મને યાદ કરાવવાના છેલ્લા પ્રયાસરૂપે એ બોલી.

ઓહ, ભાવના!

મને અચાનક જ યાદ આવી ગઈ.

મારી સ્કૂલની સખી, પણ એ…

આ ભાવના કેવી રીતે હોય?

પણ ના, એ મારી સ્કૂલની મિત્ર ભાવના જ હતી. લગભગ ત્રીસેક વર્ષે મળ્યાં એટલે વાતોનો ખજાનો બજારમાં જ ખૂલું ખૂલું થઈ રહ્યો હતો.

વાતચીતમાં જાણ્યું કે ઉનાળામાં પૌત્ર-પૌત્રીઓને લઈ ચાર દિવસ લોનાવાલા આવ્યાં હતાં અને કોઈક હોટલમાં ઊતર્યાં હતાં.

વાતોનો દોર સાંજે મારા ઘરે ચલાવવો એવી વાત સાથે છૂટાં તો પડયાં, પણ બપોર આખી મને ભાવનાના વિચારોએ બુક કરી દીધી.

ભાવના સ્કૂલટાઇમ મિત્ર ખરી, પણ મારી સિનિયર. વળી ઘર પણ પાસે-પાસે એટલે સ્કૂલ પછી પણ મળવાનું થતું. એ સમયે ભાવનાનો ઠસ્સો જોવા જેવો હતો.

તેમાં પણ એ સમય હતો બંગાળી ફિલ્મોનો. કોલેજમાં પણ ઢાકાઈ, તાંગાઈલ સાડી પહેરીને છોકરીઓ આવતી. ભાવના એમાં નંબર વન. ભાવના કોલેજમાં જતી થઈ તે પણ સાડીમાં. વળી ઢીલો બંગાળી ચોટલો ને કાનની ઉપર ઝૂલતી લટના છોગામાં ફૂલ પણ. મારી સ્મૃતિમાં આ જ ભાવના હતી.

ને આજે મળેલી ભાવના? જાણે મારી કલ્પનાની ભાવનાને ધક્કો મારી ગઈ.

સાંજે ભાવના આવી, પણ એકલી જ. સ્કૂલ-કોલેજના દિવસો યાદ કર્યા. થોડી ઇધર-ઉધરની ગોસિપ કરી. બીજા મિત્રો ક્યાં છે, શું કરે છે તે બધી ગપસપ કરી, પણ મારા મનમાં તો એ જ ચાલી રહ્યું હતું કે ભાવનાને શું થઈ ગયું!

એણે કદાચ મારા મનની વાત પકડી લીધી. આખરે તો મિત્ર હતી તે. “મને ખબર છે તારે શું પૂછવું છે, પણ વર્ષોએ એક ફોર્માલિટીનું આવરણ સર્જી દીધં છે કે તું પૂછી શકતી નથી, ખરું ને?” ભાવનાએ નિખાલસતાથી કહ્યું.

ચાલો, એટલું આશ્વાસન તો હતું કે તેની નિખાલસતા તો અકબંધ હતી. હા, મને એટલી ખબર જરૂર હતી કે ભાવનાએ જીદે ભરાઈને, મા-બાપની વિરુદ્ધ જઈ, ઘરેથી ભાગી પોતાના પ્રેમી અનિરુદ્ધ સાથે લગ્ન કર્યાં હતાં અને ત્યારે મને એમાં કંઈ ખોટું નહોતું લાગ્યું. એન્જિનિયર છોકરો માત્ર પોતાની જ્ઞાતિનો ન હોય એટલે માતા-પિતા ના પાડે એ વાત મને ત્યારેય ગળે નહોતી ઊતરી.

મા-બાપને સંતાપવાનો સંતાપ કંઈ ત્રણ દાયકા સુધી ન ચાલે અને માણસને અકાળે વૃદ્ધ ન બનાવી દે.

પણ ભાવનાની વાત જ જુદી હતી.

“મેં અનિરુદ્ધ સાથે ભાગીને લગ્ન કર્યાં એ જિંદગીની સૌથી મોટી ભૂલ…” ભાવના આંખમાં આંખ પરોવીને બોલી. આંખો તો કોરીધાકોર હતી. ન તો શબ્દ ગળામાં રૃંધાતા હતા, પણ એવું લાગ્યું કે ભાવનાની વેદના પારાવાર હતી.

“તને તો ખબર છે ને કોલેજમાં મને બધા શું કહેતાં?” ભાવનાએ જરા મલકાઈને પૂછયું.

મને ખબર હતી કે ભાવનાને કોલેજમાં છોકરાઓ બ્યુટીક્વીન કહેતાં, પણ છોકરીઓ ‘ર્શિમલાનો વહેમ’ કહેતી.

આજથી ત્રીસ વર્ષ પહેલાં આ એકદમ સામાન્ય વાત હતી. હિરોઇનોના વહેમમાં રહેવાવાળી આજે સાસુ, દાદી, નાની થઈ ગયેલી ઘણી મહિલાઓને આ વાત બિલકુલ યાદ હશે. કોઈકને ર્શિમલા ટાગોરની રિપ્લિકા હોવાનો વહેમ હોય, તો કોઈને જયા ભાદુરી(બચ્ચન તો હવે). આ બે વહેમ મોટેભાગે દરેકે દરેક છોકરીને હા, કોઈ અલ્ટ્રામોડર્ન છોકરીઓને ઝીનત હોવાનો વહેમ થતો હતો ખરો.

એવો વહેમ આ અમારી ભાવનાને, એટલે જ કોલેજમાં પણ ઢાકાઈ, તાંગાઈલ સાડીઓ પહેરીને જતી. વળી, હાથમાં શંખની સફેદ અને કાચની લાલ બંગડી અને કપાળે કોરા કંકુનો ચાંદલો પણ ખરો.

એવા સમયે હીરોમાં લોકપ્રિય રાજેશ ખન્ના. કોઈક છોકરાઓને કાકાનો વહેમ. ભાવનાને મળ્યો અનિરુદ્ધ. કપડાં પણ પહેરે ‘કાકા’ની સ્ટાઇલમાં. સ્મિત ને હેરસ્ટાઇલમાં પણ નકલ.

કહેવાની જરૂર ખરી કે આ બે નકલખોરો પ્રેમમાં પડયાં. અનિરુદ્ધે ભાવનાને કહ્યું કે એ એન્જિનિયર છે. સરકારી નોકરી છે. ભર્યાભાદર્યા કુટુંબમાંથી આવે છે. કુટુંબ વળી સંસ્કારી છે, બહારગામ રહે છે વગેરે વગેરે.

અનિરુદ્ધ સાથે લગ્નના કોલની રસમ પૂરી થઈ કે ભાવનાએ ઘરમાં બોંબ ફોડયો. ભાવનાનું કુટુંબ પણ સુશિક્ષિત. જાતિ-જ્ઞાતિના ભેદ કરે તેવું તો નહોતું, પણ જમાનાના ખાધેલ પિતાએ કહ્યું કે અનિરુદ્ધ દાવો કરે છે તેવું કંઈ છે નહીં. એક સામાન્ય, મધ્યમવર્ગનો છોકરો છે. એ ઘરમાં ભાવનાને આર્િથક અને સામાજિક બેકગ્રાઉન્ડનો મેળ પડશે નહીં.

હવે વાત હિન્દી ફિલ્મ જેવી થઈ ગઈ. સાજન ગરીબ, સજની અમીર. ભાવનાએ પેલા હિન્દી ફિલ્મોના ડાયલોગ ઘરમાં બોલી સંભળાવ્યા.

પણ ભાવનાનાં માતા-પિતા ટસથી મસ ન થયાં. ભાવનાએ તો અનશનનું હથિયાર પણ અજમાવેલું. પિતા તોપણ નહોતા માન્યા.

“ચોથો ઉપવાસ હતો ને મારી ધીરજ ખૂટી ગઈ, એટલે મેં ભાગી જઈ અનિરુદ્ધ સાથે મંદિરમાં લગ્ન કરી લીધાં ને બાકી હતું તેમ સ્થાનિક પેપરમાં ‘લગ્નગ્રંથિથી જોડાયાં છીએ’ તેવી ફોટા સાથે જાહેરખબર પણ આપી દીધી હતી. બસ, પપ્પાએ ભાઈ-ભાભી સાથે કહેવડાવ્યું કે હવે તારા નામનું નાહી લીધું છે, અમને ભૂલી જજે.”

અલબત્ત, ભાવનાની આટલી સ્ટોરીથી આખું ગામ વાકેફ હતું, પણ સૌથી મોટો આંચકો તો મળવાનો હજુ બાકી હતો.

ભાવના-અનિરુદ્ધ પરણીને ગયાં અનિરુદ્ધના ગામે, તેનાં માતા-પિતાને મળવા સ્ટેટ ટ્રાન્સપોર્ટ બસમાં. પોતાની જાતને એન્જિનિયર લેખાવતા અનિરુદ્ધ પાસે લગ્ન પછી પત્નીને પ્રાઇવેટ વાહનમાં ગામ લઈ જવાની તેવડ નહોતી. આ બધું પણ માન્ય હોત, પણ સૌથી મોટી બનાવટ તો એ નીકળી કે અનિરુદ્ધ એન્જિનિયર હતો જ નહીં. એ સરકારી નોકરીમાં જરૂર હતો, પણ ઓવરસિયર તરીકે.

ભાવનાએ જે ઇમારત ઊભી કરી તેના પાયા જ માટીના હતા.

પહેલી વાર મેં ભાવનાની આંખમાં ભીનાશ જોઈ.

“શું કરવાનું? જ્યારે મારા જ પગ માટીના નીકળ્યાં?” ભાવનાના અવાજમાં ડંખ, સંતાપ, કડવાશ એટલી બધી લાગણીમિશ્રિત હતી કે મને શું કહેવું તે જ ન સમજાયું.

ભાવનાએ આવી છેતરપિંડી કેમ નિભાવી તેવો પ્રશ્ન અસ્થાને છે. કારણ છે આજથી ત્રણ દાયકા પહેલાંનો માહોલ. માતા-પિતા જોડે કરેલા હઠાગ્રહ કરતાં અનિરુદ્ધે કરેલી છેતરપિંડીએ ભાવનાને તોડી નાખી.

પડયું પાનું નિભાવવાના ન્યાયે સંસાર ચાલી ગયો. સંતતિ પણ થઈ ને તેમના પણ ગૃહસ્થાશ્રમ વસ્યા, પણ બધું મિથ્યા.

“તને ખબર છે મને શું નડી ગયું?”

ભાવનાએ થોડા કડવાશભર્યા વ્યંગથી મને પૂછયું, જેનો મારી પાસે જવાબ જ નહોતો.

“મને નડયો મારા સાચા હોવાનો વહેમ…” ભાવનાએ સપાટ સ્વરે કહ્યું, પણ તેની ઊંડાઈ એટલી ગહેરી હતી કે તેમાં ડૂબવા સિવાય કોઈ પર્યાય જ નહોતો.

આજની પરિસ્થિતિ જુદી છે. આજે લગ્ન અને છૂટાછેડા જીવન-મરણના પ્રશ્ન નથી, પણ છતાં પાણી પહેલાં પાળ બાંધવાની રીત ખોટી તો નથી જ.

વડીલો હંમેશાં ખોટાં અને પ્રેમીઓ સાચા એવો કોઈ માપદંડ પણ નથી. એમ કહેવાય છે કે પ્રેમમાં પડે ત્યારે આંધળાં થઈ જવાય છે, પણ બહેરાં તો નથી થવાતુંને! ભાવિ વર્તારાને ઝીલવાની સિકસ્થ સેન્સ પ્રેમીઓમાં ન હોય તો વડીલો પાસે ઉછીની તો લેવી જોઈએને!!

છેલ્લે છેલ્લે :
ના જાને કહાં જાયેગી યે રાહ લે હમેં, હર રાહ કી મંઝિલ હો જરૂરી નહીં.

Advertisements

2 thoughts on ““મને સાચા હોવાનો વહેમ..””

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

w

Connecting to %s