Mann Woman

આપ તો ઐસે ના થે

20130624-235734.jpg

થોડા દિવસ પૂર્વે મુંબઈની બાંદ્રા ફેમિલી કોર્ટમાં એક ઐતિહાસિક ઘટના બની.
ઐતિહાસિક એટલે કે સામાન્ય રીતે આપણા મનમાં ફેમિલી કોર્ટ એટલે છૂટાછેડાની મહોર મારતી અદાલત એવો જ ખ્યાલ છે ને એ સાચો પણ ખરો, પરંતુ બાંદ્રા કોર્ટમાં અજબ જ વાત બની. કોર્ટના બિલ્ડિંગના પાંચમા માળે આવેલી જજની ઓફિસની બહાર થોડાં યુગલો માટે જજ સાહિબાએ જ મિલન સમારંભ ગોઠવ્યો હતો.

છૂટાં તો પડવું જ છે તો પછી એક બાર ફિર સહી, વાત કરવામાં શું જાય છે? એવા કંઈક ઇરાદાથી આ યુગલો જે એકમેકનાં મોઢાં જોવા રાજી નહોતાં, સામસામે વાતચીત કરવા બેઠાં પણ ખરાં.

જો ક્યારેય તમારે ફેમિલી કોર્ટમાં જવાનું થયું હોય તો ત્યાંનું વાતાવરણ યાદ જ હશે. ક્યારેક નહીં, હંમેશાં એવું જ લાગે કે કોર્ટના બિલ્ડિંગમાં પવન પણ આવતા ડરતો હશે.

એક સમયે એકમેકના ગળાડૂબ પ્રેમમાં હોય એવાં કે પછી સપ્તપદીના ફેરા ફરતાં જોયેલાં કોડ ને સ્વપ્ન તમામ ભસ્મીભૂત કરીને આવેલાં યુગલો એકમેક સામે ગંદા, વિકૃત આક્ષેપ કરતાં રહેતાં હોવાથી જ કદાચ કોર્ટના વાતાવરણમાં નેગેટિવિટી ઘૂમરાતી રહેતી હશે. એવા વાતાવરણમાં આવી પહેલ એક અનોખી શરૂઆત જ કહેવાય.

અલબત્ત, એ વાત અલગ છે કે ત્યાં પુર્નિમલન સમારંભમાં ભાગ લેનાર તમામ યુગલો ફરી એક ન થયાં, પરંતુ કોર્ટે ચઢેલાં, વર્ષોથી છૂટાં રહેતાં, અબોલાં લઈ બેઠેલાં આઠ યુગલો હાથમાં હાથ પરોવીને ફરી એક વાર પોતાના લગ્નજીવનને મોકો આપવાની આશા સાથે ગયાં.

આ આઠ યુગલોની કથની સાંભળો તો એક ગુજરાતી કહેવત યાદ આવ્યા વિના ન રહે. વાતમાં હિંગનો વઘાર નહીં ને…

પણ સૌથી મોટી સમસ્યા આ હિંગ વિનાનો વઘાર જ ઊભી કરે છે.
આજે ફેમિલી કોર્ટમાં નોંધાયેલા કેસની સમરી કાઢો તો ખ્યાલ આવે કે લોકોની એટલે કે સ્ત્રી અને પુરુષ બંનેની સહનશક્તિ કેટલી ખૂટી ગઈ છે. ત્રીસ ટકાથી વધુ કેસમાં તો લગ્નને વર્ષ પૂરું ન થાય તે પૂર્વે જ સેપરેશન ફાઇલ થઈ જાય છે.

જજ સ્વાતિ ચૌહાણના ધ્યાનમાં આ બધી વાતો આવી એટલે તેમણે તૂટેલાં મનના મોતીને રેણ મારવાનો એક સંનિષ્ઠ પ્રયાસ કરી જોયો. બાકી એવું બને ખરું કે બે-પાંચ વર્ષ સુધી અલગ રહેલાં પતિ-પત્ની માત્ર અડધા કલાકની મિટિંગમાં ફરી સાથે રહેવા તૈયાર થઈ જાય!

કેસની વિગતો તપાસો તો તમ્મર આવી જાય. સાસુએ કોફી પીવાને બદલે ચા પીવાની ટેવ પાડવાનું દબાણ કરી માનસિક ક્રૂરતા આચરી. તો બીજો કેસ કહે પત્ની લગ્ન પહેલાં નોકરી કરતી હતી. લગ્ન પછી છોડીશ તેવી બાંહેધરી પણ આપી હતી છતાં નોકરી છોડતી જ નહોતી. વળી એક કેસમાં પત્ની આખો દિવસ આત્મહત્યાની ધમકી જ આપે રાખતી હતી.

એક કપલ તો હતું ગધ્ધાપચ્ચીસીમાં. કોલેજમાં સાથે ભણતાં પ્રેમ થઈ ગયો ને મા-બાપે પણ હા પાડી દીધી. ચટ મંગની પટ બ્યાહ, પણ મુસીબત શરૂ થઈ લગ્ન પછી.

નાની ઉંમરમાં પરણી જઈ પતિ-પત્ની બની ગયેલાં આ યુગલ વચ્ચે નાની-નાની વાતોમાં તણખા ઝરી જતા. મા-બાપે તેમાં ફાયરબ્રિગેડની કામગીરી બજાવવાને બદલે નારદમુનિની ભૂમિકા ભજવી. નાની-નાની ક્ષુલ્લક વાતો એવા રાયજંગમાં પરિણમતી કે છેલ્લે ૨૪ વર્ષની પત્નીએ બે વર્ષના બાળક સાથે ઘર છોડીને પિયરવાટ પકડેલી. આ યુગલનાં મા-બાપ ધારત તો મધ્યસ્થી કરાવી શકતાં હતાં, પણ એ કામ મા-બાપની જગ્યાએ ફેમિલી કોર્ટના જજે કર્યું.

વાત ત્યાં જ આવીને અટકે છે. છૂટાછેડામાં આ બે પરિબળ ભારે મહત્ત્વની ભૂમિકા ભજવે છે. એક તો ઘરનું વાતાવરણ અને બીજા વકીલો.

ખુદ ફેમિલી કોર્ટના ન્યાયાધીશ અને સિનિયર વકીલો પણ માને છે કે પતિ-પત્નીના સંબંધને બહુ કડવા ને બટકણાં જો કોઈ બનાવતું હોય તો તે છે સ્વયં અસીલનાં મા-બાપ અને વકીલો.

ક્લાયન્ટના મનમાં ભરાયેલી કડવાશમાં પોતાના આર્થિક લાભ જુએ અને તેથી પોતાનું મીટર ચાલુ રહે તે રીતે ક્લાયન્ટને ઉશ્કેરતા રહેવાની વકીલોની માનસિકતા તો સમજાય એવી છે, પરંતુ ખુદ મા-બાપ એવી હરકત કરે તેને શું કહેવું?

રખેને દીકરો વહુઘેલો થઈ જશે તેવા ડરથી દીકરા-વહુને ઘોડાનાં ચશ્માં પહેરાવી વિના કારણે ધાકધમકી બતાવ્યા કરવી, પતિ-પત્ની વચ્ચે થતાં નાનાં-નાનાં ઘર્ષણને મોટું રૂપ કેમ આપવું એ તમામ વાતો કરવાથી દીકરો-વહુ કંટ્રોલમાં રહેશે તેવું મા-બાપ માની બેસે છે. સામે પક્ષે દીકરીનાં મા-બાપના મનમાં જુદી જ રીતે ‘ઓપરેશન જમાઈના જ’ પ્લાન થતા હોય છે. યેનકેન રીતે જમાઈ પોતાની મુઠ્ઠીમાં રહે તે માટે દીકરીને દિવસમાં ચાર વાર ફોન કરી ખબરઅંતર પૂછી, ઘરમાં કયું શાક રંધાયું તે પણ જાણી લેવાની જિજ્ઞાાસા ખતરનાક છે.

આ બધી રમતો રમાય છે શતરંજની જેમ, જેનાં મહોરાં હોય છે પતિ અને પત્ની.
અલબત્ત, એ વાત પણ નિશ્ચિત છે કે બે ખરેખર સારી વ્યક્તિઓ, યુગલ તરીકે સફળ જ રહે તે વાત પણ જરૂરી નથી. એવા સંજોગોમાં છૂટાછેડા કદાચ શ્રેષ્ઠ અને તંદુરસ્ત વિકલ્પ છે, પરંતુ મા-બાપ માટે, નાનાં ક્ષુલ્લક કારણો માટે, માત્ર ગેરસમજ અને થોડી સહનશક્તિના અભાવે થતા ડિવોર્સ ખરેખર એક કમનસીબી જ છે, માત્ર યુગલો માટે જ નહીં, પરંતુ તેમનાં (અગર જો હોય તો) સંતાનો માટે પણ…

છેલ્લે છેલ્લે
કુછ ઇસ તરહ સે મૈંને જિંદગી કો આસાં કર લિયા,
કિસી કો માફ કર દિયા, કિસી સે માફી માંગ લી…
– મિરઝા ગાલિબ

Advertisements

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

w

Connecting to %s