Mann Woman

મારું એટલું સોનાનું, પારકું એટલું ગારાનું?

20130709-014514.jpg

“ઓહો હો… મધુરીબહેન, આજે કેમ મોડાં?” મોર્નિંગ ઇવનિંગ વોક માટે રોજ મળનારાંઓની જાણેઅજાણ્યે જ એક ક્લબ બની જાય છે. એવી જ એક નાનકડી વાત.

“અરે! ભાનુબહેન શું વાત કરું? તમે તો બધાં છુટ્ટાં, અમારા જેવું થોડું છે?” મધુરીબહેને મણનો નિસાસો મૂકતાં કહ્યું.
“બહેન, મારે એક પળોજણ છે?” મધુરીબહેને સખીઓની આગ્રહભરી કુતૂહલવૃત્તિને ધ્યાનમાં રાખીને કહ્યું. “આ મારે તો વહુ આવી તોય ઢસરડા એમ ના એમ જ.” બધી પચાસી વટાવી ગયેલી મહિલાઓનો આ કદાચ ફેવરિટ ટોપિક હોય છે.

પોતાનાં દીકરા-દીકરી વિદેશમાં ભણે છે કે સ્થાયી છે તે રોજ રોજ થોડું ચર્ચાય? એટલે પછી દીકરા-દીકરીના કે પોતાના વેકેશન પ્લાનથી લઈ મહારાજ, કામવાળી બાઈ, ડ્રાઇવરની વાત એટલે હોટ ટોપિક એવું જ કંઇક મધુરીબહેનની વાતમાં હતું. આજે વાત કામવાળાં નોકર-ચાકરોની નથી તે જાણીને બધાંનાં મોઢાં મરક મરક થવાં લાગ્યાં.

મધુરીબહેન જેવી કેટલી બધી સાસુઓની આવી જ કંઈક ફરિયાદો હશે.
“આ અમારી મોના વહેલી ઊઠે જ નહીંને! જાણે ઓફિસમાં શું કામ કરીને આવતી હશે તે એની સવાર આઠ પહેલાં ન પડે.” મધુરીબહેને હૈયાનો વલોપાત ઠાલવવાનો જેવો શરૂ કર્યો કે ઉષાબહેને થોડું જીરું-મીઠું ઉમેરતાં હોય તેમ શરૂ કર્યું, “હેં, પણ મધુરીબહેન તમારે ત્યાં તો ઘરમહારાજ છેને. તે તમારે ક્યાં સવારની પળોજણ કરવાની હોય તે ફિકર? મારી વાત જ જુદી. મારી વહુ દેવાંશીને તો નવને ટકોરે ઓફિસમાં હાજર થવાનું હોયને વળી મારે તો છૂટક મહારાજ રસોઈ કરવા આવે એટલે ચા-દૂધ-નાસ્તાની જવાબદારી તો હજીય મારે જ માથે, તમારે ક્યાં એવું છે તે આટલાં આકળાં થાવ છો?”

એ પછી સૂર્યબાળાબહેન, સુષ્માબહેન, મંજરીબહેન, લતિકાબહેન પોતપોતાની વ્યથાભરી સ્પીચ સાથે તૈયાર હતાં. કોઈકની ફરિયાદ હતી વહુ વહેલી નથી ઊઠતી. કોઈકની ફરિયાદ હતી ઓફિસ જતી હોવાથી ઘરકામ જ નથી કરતી તો વળી કોઈની ફરિયાદ હતી દર રવિવારે જાણે રસોડામાં વણલેખી રજાનો નિયમ જ બનાવી દીધો છે. આ વહુઓની મોબાઈલ પરની લાંબી-લાંબી વાતો કેટલીય સાસુઓને એલર્જી કરાવે છે તે જુવાન વહુઓ શું જાણે?

આમ જોવા જઇએ તો આ પચાસીએ પહોંચેલી બહેનોની વ્યથા સાવ ખોટી હૈયાવરાળ નહોતી. આખી જિંદગી ઘડિયાળના કાંટા સાથે પોતે ખડેપગે પતિ અને સાસરિયાંઓને સાચવ્યાં હોય એટલે આવનારી વહુ પણ પોતાની જેમ આદર્શ પત્ની, પુત્રવધૂ, ભાભી, માના રોલમાં પુરવાર થાય એવો આગ્રહ-દુરાગ્રહ અકારણે જ સેવાતો રહે છે. આવનાર વહુ તે પ્રમાણે જો સાસરિયાંમાં સેટ થઈ જાય તો સારું જ છે પણ જો નહીં થઈ શકે તો એ કંઈ અક્ષમ્ય અપરાધ છે? એવો પ્રશ્ન તો સ્હેજે સૌ સાસુઓએ પોતાની જાતને પૂછવા જેવો ખરો.

અમારા જમાનામાં તો…
અમારાં સાસુ-સસરા તો…
અમારાં જીવનમૂલ્યો તો… એવું બધું કહી કહીને દીકરા-વહુને ખડેપગે રાખનારાં મા-બાપનાં સ્ટાન્ડર્ડ દીકરીની વાતમાં તદ્દન નોખાં હોય છે.

br />
20130709-014322.jpg

આ ઇવનિંગ વોક કંપનીના જ સભ્યોની વાત કરીએ તો સૂર્યબાળાબહેનને તેમની પુત્રવધૂ લીના સામે આમ તો કંઈ ખાસ વાંધો નથી. લીના ર્વિંકગ નથી એટલે ઘરમાં જ હોય, ઘરરખ્ખુ પણ ખરી, સૂર્યબાળાબહેનને કામ પણ ન કરવા દે તે છતાં તેમને અજંપો થઈ જાય. વહુની રવિવારની રજાનો ‘બિચ્ચારો મારો અતુલ્ય અઠવાડિયું આખું કામ કરી કરીને ડૂચો થઈ ગયો હોય તો પણ આ લીના એને રવિવારે તો બહાર લઈ જઈને જ છૂટકો કરે. પહેલાં ફિલ્મ કે ડ્રામા પછી ડિનર ને સન્ડે પત્યો. આવું કંઈ હોય? આપણે કંઈ જવાન નહોતા?”

હવે આ જ સૂર્યબાળાબહેનની દીકરી પણ નજીકમાં જ પરણાવેલી છે. દીકરીનું સાસરિયું ભારે મોડર્ન હોવાનો હરખ કરતાં સૂર્યબાળા થાકે નહીં. “મારી હીરલ તો બચ્ચારી નોકરી કરેને એટલે આખું અઠવાડિયું બીઝી ને બીઝી પણ અમારા આશિષકુમાર ખરેખર બહુ જ સમજુ હતા. એમણે તો પહેલથી જ કહી દીધું કે હીરલ ઘરકામ નહીં કરે. રવિવારે તો બિચ્ચારાં સવારથી રખડપટ્ટી કરે ને! મોલમાં જાય, પિક્ચર જુએ. ખાઈ-પી ઘરે આવે તે થાકી જાય. એટલું સારું છે કે હીરલને સેટરડે, સન્ડે ઓફ્ફ હોય એટલે શનિવારે બરાબર આરામ મળી જાય.”

સૂર્યબાળાબહેનની જેમ પોતાની વહુના મોડા જાગવાના કારણથી પરેશાન મધુરીબહેનનો અભિગમ દીકરીની વાતમાં થોડો જુદો છે. મધુરીબહેનની અમી પત્રકાર છે. રાત્રે નવ-દસ પહેલાં ઘરભેગી ન થાય એટલે બિચ્ચારી સવારે ઊઠે કઈ રીતે? પણ, આ અમીનાં સાસુ પોતે પણ ભણેલાં ને સમજુ એટલે અમી ઊઠે ત્યારે ગરમાગરમ ચાનો કપ પણ હાથમાં આપે ખરાં હં…” વેવાણની સારપની કબૂલાત ખરી પણ પોતાની વહુ સાથેના વ્યવહારની કોઈ સરખામણી નહીં.

મંજરીબહેનનાં દીકરો ને દીકરી પણ પરણીને ઠરીઠામ થયાં છે. મંજરીબહેનની વ્યથા એ છે કે વહુ આમ તો સારી છે પણ જ્યારે જુઓ ત્યારે બસ ફોન પર જ ચોંટેલી રહે છે. વાત ન કરતી હોય ત્યારેય મેસેજ જ કરે છે.

વહુના લાંબા ચાલતાં ફોનને કારણે પરેશાન મંજરીબહેનની દીકરી મેઘા અમેરિકા વસે છે જમાઈ પ્રથમ પણ ડાહ્યો અને સમજુ છે. બંને જોબ કરે છે. ઘરે આવે એટલે પ્રથમકુમાર કિચનમાં જાય છે ને મેઘા સ્કાઇપ પર મંજરીબહેન સાથે ચેટ કરવા બેસી જાય છે.

સ્માર્ટ મોબાઇલ ફોન ન વાપરી શકનાર મંજરીબહેન દીકરી જોડે રોજ વાત કરવા કમ્પ્યુટર ચલાવતાં (અલબત્ત, સ્કાઇપ પૂરતું) શીખી ગયાં છે. મંજરીબહેનને દીકરી કિચનમાં ન જાય તેમાં કશુંય અજુગતું નથી લાગતું. “બિચારી સોરાય છે ત્યાં, પ્રથમ તો પાંચ વર્ષથી ત્યાં રહે છે. બચ્ચારી મા સાથે દિલ હળવું ન કરે તો શું કરે?”

આ મધુરીબહેન, સૂર્યબાળાબહેન, ઉષાબહેન, મંજરીબહેન તો દરેક સ્ત્રીમાં વસે છે. દીકરો પરણાવ્યો નહીં કે વહુ પાસે અપેક્ષાનું પોટલું ખોલ્યું નહીં. જોવાની ખૂબી એ છે કે આ જ માતાઓ દીકરીની વાતમાં બેવડાં ધોરણો ધરાવે છે.

વહુ પણ માણસ છે મશીન નહીં એ વાત આ હવે સાસુ બનેલી વહુઓ કેમ ભૂલી જાય છે?
આ ડબલ સ્ટાન્ડર્ડ લગભગ દરેકેદરેક ઘરમાં જોવા મળશે. દીકરો જુદો થવાનો નિર્ણય કરે ત્યારે માત્ર તેને સ્વાર્થી ચીતરતાં પૂર્વે એક નજર પોતાના વર્તન પર નાખવી પણ જરૂરી હોય છે.

પુત્રવધૂને માત્ર પારકી જણી ન જોતાં દીકરાની સાથી, દીકરી જ માની લેવાય તો સમીકરણ સુખદ પરિણામ આપશે. બાકી તો પોતાના ઘરમાં કેવી સ્થિતિ, પરિસ્થિતિ નિર્માણ કરવી તે માત્ર ને માત્ર બે સ્ત્રીઓના જ હાથમાં હોય છે.

છેલ્લે છેલ્લે : દીકરો ત્રણ યુવતીઓ સાથે ઘરે આવ્યો ને માને કહ્યું, “મા, બોલો, આમાંથી મારી પસંદ કોણ હશે?” માએ તરત જ પોતાના દીકરાની પસંદ ઓળખી કાઢતાં કહ્યું. “આ, છેલ્લી ઊભી છે તે…”

“અરે, મા… તેં કઈ રીતે ધારી લીધું?” દીકરાએ માની કાબેલિયતથી ચકિત થઈને પૂછયું માનો જવાબ કાબિલે તારીફ હતોઃ “કારણ કે મને એ જ દીઠી નથી ગમી એટલે…”

Advertisements

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

w

Connecting to %s