Mann Woman

Free… Free….Free

20130716-005334.jpg

માનવ અને પ્રિયાનાં લગ્નને બાર વર્ષ થઈ ચૂક્યાં છે, પરંતુ પ્રિયાના કહેવા પ્રમાણે તેમની સાચી ‘હેપી મેરિડ લાઇફ’ માત્ર ત્રણ વર્ષથી જ શરૂ થઈ છે.

આવી બયાનબાજી પાછળ છે પોતાના જોઇન્ટ ફેમિલી માટેની કડવાશ. લગ્ન પછી મનમાની ન કરી શકવાનો વસવસો. પ્રિયા પરણીને આવેલી ભર્યાંભાદર્યાં ફેમિલીમાં. સાસુ,સસરા, જેઠ-જેઠાણી, કુંવારી નણંદ. કુટુંબ અતિશય સમૃદ્ધ પણ સંસ્કારી, આદર્શવાદી. સંયમ અને કરકસરથી જીવવું તે જીવનમંત્ર અને એટલે જ પ્રિયા દુઃખી. પત્નીના દુઃખે માનવ પણ દુઃખી. છતે પૈસે સુપર લાઇફસ્ટાઇલથી જીવી ન શકવાનો વસવસો બાર વર્ષમાં પૂરો થઈ ગયો. સાસુ-સસરા ગુજરી ગયાં. નણંદ પરણી ગઈ. મોટા ભાઈ-ભાભીને વિદેશ સેટલ થવું હતું એટલે પોશ પ્રોપર્ટી વેચી બેઉ ભાઇઓએ સમજૂતીભર્યો નિર્ણય મનદુઃખ વિના લીધો અને બસ માનવ-પ્રિયાને લાગ્યું કે સોનાના દિવસ આવી ગયા.

માનવ પોતાના કામ-ધંધામાં વ્યસ્ત. આર્થિક વહીવટ બધો જ પ્રિયાના હાથમાં. પાવર પૈસાનો હોય કે સત્તાનો એની સાઇડ ઇફેક્ટ પણ હોય તે વાતથી પ્રિયા અજાણ હતી. ફોરેન ટૂર્સ, ડિઝાઇનર્સ કપડાં, દાગીના, ઘરમાં નોકરોનો કાફલો, સંખ્યાબંધ કારનો જમાવડો, નવું ફ્રેન્ડસર્કલ, દર અઠવાડિયે થતી

પાર્ટીઓ… માનવ-પ્રિયાની તો વાહ વાહ થઈ ગઈ. છતે પૈસે કેવી રીતે રહેતાં હતાં. હવે ભગવાનની દયાથી સમય આવ્યો છે તો એન્જોય કેમ ન કરવું? માનવ પ્રિયાની વાતમાં હા એ હા કરતાં કહેતો રહેતો.

“ભગવાનની દયાથી નવી એસયુવી લીધી. પછી હળવેકથી કહેતી છઠ્ઠી કાર…”
“ભગવાનની દયાથી હમણાં જ પચાસ લાખનો દાગીનો કરાવ્યો. સોનું તો મને ગમે જ નહીં. જૂનું સોનું તો કાઢી નાખ્યું તેના બદલે ડાયમન્ડ સ્ટડ જ્વેલરી…” પ્રિયા પોતાની હોશિયારી દર્શાવતાં કહેતી.

પણ આ સપનું લાંબું ન ચાલ્યું. માત્ર બે જ વર્ષમાં માનવ-પ્રિયા જમીન પર ફસડાયાં છે. પત્નીના સ્વભાવની ને તેના છુટ્ટા હાથની જાણ હોવા છતાં તેના હાથમાં આર્થિક વહીવટ સોંપવાની, પાસબુકમાં એન્ટ્રી જોવાની દરકાર પણ ન કરવાની, ફિકસ્ડ ડિપોઝિટની પાકતી તારીખો યાદ રાખવાની તકેદારી ન લેવાની ગુસ્તાખી કરનાર માનવને પોતાની પ્રાણપ્રિયાનાં કરતૂતે રસ્તા પર લાવી દીધો. આ વાત કોઈ સિરિયલનો એપિસોડ નથી, વાસ્તવિક્તા છે. આજે માનવ પાસે છ કારના ઇન્શ્યોરન્સનાં પ્રીમિયમ ભરવાનાં, દીકરીની લક્ઝુરિયસ બોર્ડિંગ સ્કૂલની ફી ભરવાનાં નાણાં હાથ પર નથી.

આ વાત માત્ર માનવ કે પ્રિયાની નથી આપણી સૌની છે. દરેકેદરેક સ્ત્રીઓ વત્તેઓછે અંશે આ શોપિંગ નામના રોગની શિકાર હોય છે. તે મનોરોગને માર્કેટિંગની દુનિયા બરાબર રોકડો કરે છે, સેલ અથવા ડિસ્કાઉન્ટને નામે.

જેવી આવક તેવા ખર્ચ. પણ પછી આવક આછી-પાતળી થાય પણ જાવક તો એમની એમ જ રહે. આ સમસ્યા માત્ર હાઈઇન્કમ ગ્રૂપ કુટુંબોની નથી. લગભગ દરેક કુટુંબમાં ઓછાવત્તા અંશે આ સમસ્યા હોય જ છે. તેમાં પણ ઓગસ્ટ મહિનો આવે ને વરસાદ સાથે શરૂ થાય તહેવારોની મોસમ પણ, સામાન્ય રીતે તહેવારો કરતાં સૌથી વધુ રાહ જોવાતી હોય તે સેલની મોસમ. જ્યાં જુઓ ત્યાં સેલ… સેલ… સેલ…નાં રંગબેરંગી બેનર્સ સેલ…ફ્રી…એક પર એક… ત્રણની ખરીદી પર પાંચ સાડી ઘરે લઈ જાવ કે પછી જૂનાં વાસણ કે ઇલેક્ટ્રોનિક ગેજેટ્સ આપી નવાં કૂકર, ફ્રાઇંગ પેનથી લઈ વોશિંગ મશીન, એરકંડિશનર, ટીવી લઈ જવાની એક્સચેન્જ ઓફર તો એડ વાંચનારની આંખમાં એવી ચમક લાવી દે જાણે બધું મફત મળવાનું હોય.

સામાન્યપણે એવું મનાય છે કે ખરીદીનો રોગ સ્ત્રીઓને જ હોય છે. આ સેલની મોસમને બાદ કરો તોપણ નાગપુર ગયા હો તો સંતરાંના ટોપલા લઈ આવવા કે શિરડીથી આવતાં ૨૦ કિલો કાંદાની ગૂણ ખરીદી લેવાની ગુસ્તાખી માત્ર સ્ત્રીઓ નહીં પુરુષો પણ કરતાં હોય છે.

ગજવામાં થોડુંઘણું વજન હોય એટલે જે જોયું ખરીદી લીધું એ ઇચ્છા ઘેલછા બને છે ને ઘેલછા પછી મનોરોગમાં પરિર્વિતત પામે છે. પાર્ટીમાં એકનાં એક કપડાં રિપીટ કરાય જ નહીં. ઘરના લગ્નપ્રસંગમાં દરેક પ્રસંગે જ્વેલરી, પરિધાન તો જુદાં જ હોવાં જોઇએ. બજારમાં આવતાં નવાં કોસ્મેટિક્સ હોય કે ફોન, કાર, ફ્રીજ, ટીવી કે કમ્પ્યુટર, એની અચાનક જ જીવનમરણ જેવી જરૂરિયાત લાગવી એ એક પ્રકારનો રોગ છે. જેનું ક્લિનિકલ નામ છેઃ ઓનિયોમેનિયા. ઓનિઓમેનિયા ગ્રીક શબ્દ છે. ઓનિઓ એટલે કે સેલ, વેચાણ અને મેનિયાનો અર્થ તો વિદિત છે ગાંડપણ. શોપિંગનું ગાંડપણ એટલે કે કમ્પલ્ઝિવ બાઇંગ ડિસઓર્ડર (સીબીડી) એટલે આ સિન્ડ્રોમ.

સૌથી નવાઈની વાત તો એ છે કે આલ્કોહોલ, ડ્રગ્ઝ, સેક્સમાં આ જ પ્રકારના ડિસઓર્ડરની ગણતરી હજુ નિર્દોષ રોગ તરીકે થાય છે. જે વાસ્તવિક્તામાં નિર્દોષ નહીં જીવલેણ છે.

સીબીડી એટલે કે કમ્પલ્ઝિવ બાઇંગ ડિસઓર્ડરનાં બે ત્રણ મુખ્ય લક્ષણ છે, એક તો સદાય શોપિંગના મૂડમાં રહેવું. પેરિસ ગયા હોય કે પુરી પણ મુખ્ય આકર્ષણમાં જીવ ન પરોવાય ને શોપિંગ શોપિંગની ચણચણ દિલમાં થયા કરતી હોય તો નક્કી સમજજો કે આ ડિસઓર્ડરના તમે શિકાર હોઈ શકો છો. જેની પણ ટકાવારી હોય છે. પચ્ચીસ-ત્રીસ ટકા સુધીના આવા સીબીડીના ભોગમાં લગભગ દુનિયાની તમામ સ્ત્રીઓ આવી જાય છે. (અપવાદ હશે પણ ખરાં) બીજું લક્ષણ છે જે ગમ્યું તે ખરીદવાનું ભૂત સવાર થવું. દિન-રાત એ જ ચીજવસ્તુ. પછી એ નવા હાઈટેક રમકડાં જેવાં મોબાઈલ ફોન હોય કે કપડાં, જ્યાં સુધી ખરીદી ન થાય ત્યાં સુધી બેચેનીગ્રસ્ત રહેવું. ત્રીજું લક્ષણ છે ખરીદી કર્યા પછી પસ્તાવો થવો. ખરીદી પછી તેની નિરર્થકતા સમજાવી. પોતાની જ ખરીદી આવેશમાં કે કરવા ખાતર કરી હોવાનું સમજાવું છતાં બીજે જ દિવસે ફરી લક્ષણ નંબર એકનું માથું ઊંચકવું.

આ મનોરોગ માત્ર વિશ્વભરની સ્ત્રીજાતિને જ થાય તેવી ભૂલભરેલી માન્યતામાં રાચવું નહીં. આમાં તો મોટા પ્રમાણમાં પુરુષો પણ શામેલ છે. એવાં તારણ સર્વેક્ષણનાં પરિણામો પરથી નીકળે છે.

વિશ્વભરમાં થતાં આવાં અનોખાં સર્વેક્ષણો ક્યારેક બહુ હેરતભર્યાં તારણો અને કારણો લઈને સામે આવે છે.

છેલ્લાં પચ્ચીસ વર્ષમાં આ સીબીડીના રોગી વધવાનું કારણ પણ હવે મળી ગયું છે. તે પ્રમાણે આ રોગમાં બેક્ટેરિયાની ભૂમિકા ભજવે છે પ્લાસ્ટિક મની એટલે કે ક્રેડિટ કાર્ડ.

આજે ખરીદો ને કાલે ચૂકવો એ ફિલોસોફીએ જગતના લોકોને કેટલાં સુખી કર્યા તે તો ચર્ચાનો વિષય છે પણ ભલભલાને ફતન દેવાળિયા બનાવ્યા છે તે વાસ્તવિક્તા છે. આપણાં વડીલો કહેતાં કે સુખી થવું હોય તો પછેડી પ્રમાણે સોડ તાણવી પણ એ ફિલોસોફી આપણને આજે આઉટડેટેડ લાગે છે અને માસિક પગાર જેટલી કિંમતના એક સ્માર્ટ મોબાઇલ ફોન ખરીદવા દેવું કરીને ઘી પીવાની ફિલોસોફી મધ પડાવે છે.

જિંદગીની જરૂરિયાતો અને એષણાઓ પર કઈ રીતે સંતુલન મેળવવું એ દરેકનો અંગત મામલો છે, આખરે તો જમાનો માર્કેટિંગનો છે, જેમાં આ મનોરોગ ફ્રી મળે છે.

છેલ્લે છેલ્લે :
જો તમે બિનજરૂરી ચીજો ખરીદતાં રહેશો તો એવો સમય જરૂર આવી શકે છે જ્યારે તમારે જરૂરિયાતની ચીજો વેચવી પડે.

~ વોરેન બુફે

Advertisements

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

w

Connecting to %s