સુર્યાસ્તે મધ્યાન્હ

20130731-085833.jpgમાધુરી મહેતાની ૫૧મી વર્ષગાંઠ નજીક આવી રહી હતી. સુખી, સંપન્ન કુટુંબની આ ગૃહિણીએ જિંદગીમાં ન કોઈ તડકો-છાંય જોયા હતા, ન હાયવોય ને ઉત્પાત. નાનું, સુખી કુટુંબ. ઘરનો સારો બિઝનેસ, આદર્શ પતિ, કહ્યાગરી દીકરીઓ એકંદરે બધું જ સેટ. ફરિયાદનું કોઈ દેખીતું કારણ જ નહીં.

પિસ્તાળીસમું બેઠું ત્યારે સ્મિત કરવાથી અંકાતી રેખાઓ ગાઢી થઈ ચહેરાને વૃદ્ધ દર્શાવે છે તેવું મનમાં લાગી આવેલું. એનું શું કરવું તેની ગડમથલમાં હતી ત્યાં તો આંખ પાસે ‘ક્રોઝ ફીટ’દેખાયેલા. માધુરીએ દુઃખી થઈને પતિદેવે એરેન્જ કરેલી નાનકડી ડિનર પાર્ટી કેન્સલ કરી દીધી હતી.

આમ, કોઈ પણ જાતની આર્થિક, શારીરિક, માનસિક સમસ્યા નહીં છતાં ચહેરા પર ઉઝરડા કરી જતી આ રેખાઓએ માધુરીની રાતની નીંદર અને ચહેરાનું સ્મિત હરી લીધું.

બે દીકરીઓ માની આ વ્યથાથી પરિચિત. બંનેને લાગ્યું કે માની બર્થ ડે પર એવી ગિફટ આપીએ કે મમ્મી રાજીની રેડ થઈ જાય.

શહેરના સર્વશ્રેષ્ઠ લેખાતાં બ્યુટી સલૂનમાં એપોઇન્ટમેન્ટ લેવાઈ ગઈ. એ દીકરીઓની ગિફટ હતી મમ્મીને તેની જુવાની પાછી આપવાની. આ એવી તો ગિફટ નહોતી જ કે જે સરપ્રાઇઝ તરીકે આપી શકાય. બંને દીકરીઓએ માને પોતાની ગિફટ સમજાવી બોટોક્સ ટ્રીટમેન્ટ, એટલે કે ૫૦ વર્ષે ત્રીસના હોય તેવા દેખાવાની જડીબુટ્ટી.

માધુરી મહેતા પહેલાં તો જરા ખચકાયાં પણ ૫૧ વર્ષે ત્રીસીમાં હોય તેવા દેખાવનો મોહ એટલો મગજ પર હાવી થઈ ગયો કે પોતાની બર્થ ડેના એકવીસ દિવસ પહેલાં સલૂન પહોંચી ગયાં. માત્ર અડધા કલાકમાં આખો ખેલ ખતમ. એક સામાન્ય ફેશિયલને પણ પોણો કલાક લાગે છે પણ આ તો નવી ઉપલબ્ધિ. કપાળ પર અંકાયેલી કરચલી પર, ચિબૂક અને ગાલ પાસે હસવાથી પડેલી લાઇન, આંખ પાસે આવેલી કરચલી, જ્યાં જ્યાં રિઝલ્ટ જોઇતાં હતાં ત્યાં એકમાત્ર ઇંજેક્શનથી વાત પૂરી.

ડોક્ટર પાસે શું કરવું, શું ન કરવાની ટિપ્સ લઈને માધુરીબહેન ઘરે આવ્યાં. માથું ફાટ ફાટ થતું હતું. જરા થોડી બળતરા પણ થઈ રહી હતી. ડોક્ટરે કહ્યું હતું કે આ બધાં સામાન્ય લક્ષણો છે. માથું દુખવું, ઊંઘ આવવી, આંખો ભારે લાગવી વગેરે વગેરે, પરંતુ જે રીતે આંખો ઘેરાતી હતી માધુરીબહેનને ડર લાગવા લાગ્યો. પૂરા છ કલાકની ઊંઘ કાઢીને માધુરીબહેન ઊઠયાં તો લાગ્યું કે તેમની એક આંખ જ ખૂલતી નહોતી. મહામુસીબતે અસંખ્ય પ્રયત્ન પછી ખૂલી પણ અડધીપડધી. એક આંખ બરાબર ને બીજી ઢળેલી. પાંપણને જેમ કે લકવો ન લાગ્યો હોય!!

હવે, આજે માધુરીબહેનની વર્ષગાંઠ છે. સૌથી મહત્ત્વની વાત તો એ છે કે માધુરીના પતિએ ૫૧મી વર્ષગાંઠે પત્નીને આપવા ધારેલી સરપ્રાઇઝ પાર્ટી કેન્સલ કરી દેવી પડી છે, કારણ છે માધુરીબહેનનો બગડી ગયેલો ચહેરો. સૌંદર્યવાન માધુરીબહેનની એક આંખ જાણે લકવો લાગ્યો હોય તેમ ઢળેલી જ રહે છે.

સાથે સાથે દિવસ હોય કે રાત અચાનક એલર્જી એટેક આવે છે જેને કારણે શરીર પરનાં કપડાં સુધ્ધાં માધુરીબહેનને પરેશાન કરી નાખે છે, તો દાગીનાની વાત જ શું કરવી અને જેના વિના માધુરીબહેનનો મૂડ નથી બનતો તેવાં પરફ્યૂમ કે બોડી સ્પ્રે તદ્દન વર્જ્ય છે, કારણ કે તેના છંટકાવ સાથે આ એલર્જી ટ્રિગર થાય છે.

પોતાને માતાને અનોખી ગિફટ આપવા ગયેલી બેઉ દીકરીઓ શિયાંવિયાં છે.
આ માધુરી મહેતા જેવી કેટલીય સ્ત્રીઓ આ પીડાથી પરિચિત હશે. ઘણાંનું આ દુસ્વપ્ન પૂરું થઈ ગયું હશે અને જીવન પૂર્વવત્ ગોઠવાઈ ગયું હશે તો કોઈકનું દુસ્વપ્ન હજુ ચાલુ હશે. કેટલીય સ્ત્રીઓ આ તમામ વાતથી પરિચિત જ નહીં હોય અને બોટોક્સ ટ્રીટમેન્ટની ઝાકઝમાળ જાહેરખબરો અને લેખ વાંચીને કૂવામાં ભૂસકો મારવા તૈયાર હશે.

વાત માત્ર આધેડ વયે પહોંચેલી, ચિંતિત પ્રૌઢાઓની જ નથી. હવે આ રેસમાં ટીવી, ફિલ્મ, મોડલિંગ ક્ષેત્રે આવી રહેલી પચીસીએ પહોંચેલી છોકરીઓ પણ છે. ગૃહિણી અને સામાન્ય ક્લેરિકલ જોબ કરતી ર્વિંકગ વુમન પણ છે. રાતોરાત કેટરીના કૈફ જેવી દેખાવાના સ્વપ્નમાં રાચતી કોલેજિયન છોકરીઓ કે વયસ્ક પુરુષો પણ આ દોડમાં શામેલ છે.

ખાસ કરીને કિટ્ટી પાર્ટીનો આ હોટ ટોપિક હવે ઓફિસો સુધી પહોંચ્યો છે. મુંબઈ, દિલ્હી જેવાં મહાનગરોમાં ર્વિંકગ વુમન પોતાના કામકાજના દિવસમાં લંચ અવર લંબાવી આ ટ્રીટમેન્ટ લેવા પહોંચી જાય છે. જેની કિંમત હોય છે, ૬થી ૭ હજાર રૂપિયા. અલબત્ત, બોટોક્સ ટ્રીટમેન્ટની કોઈ ફિક્સ્ડ કિંમત નથી. એ વ્યક્તિની જરૂરિયાત પ્રમાણે (ચહેરાની) યુનિટ નક્કી કરીને અંકાય છે. સામાન્યપણે સારાં, નામી કહેવાતાં સલૂનમાં દસ યુનિટની કિંમત હોય છે ૬થી ૭ હજાર પણ હવે બિલાડીના ટોપની જેમ ફૂટી ગયેલાં ઘણાં બોટોક્સ પાર્લર આ જ કામ રૂ. ૨૦૦૦માં પણ કરી આપે છે.

સૌથી રસપ્રદ વાત તો એ છે કે આ સ્ત્રીઓ બોટોક્સ શું છે તે જાણવાની તસદી પણ લેવા માગતી નથી.

“હમ કો ભી બોટોક્સ કરવાના હૈ.” એવું કહેતી માનુનીઓને ખબર પણ નથી કે આ બોટોક્સ નામની બલા છે શું?

બોટોક્સ છે એક ન્યૂરોટોક્સિક પ્રોટીન જેનું નામ છે ક્લોસ્ટ્રીરીડિયમ બોટુલીનમ. સીધી સરળ ભાષામાં કહેવું હોય તો ફૂડ પોઇઝનિંગ કરતી એક ચીજ (ઝેર) જે મસલ્સને શિથિલ કરી નાખે છે. ફરી એક વાર સીધી ને સટ ભાષામાં કહીએ તો મસલ્સને પેરેલાઇઝડ કરવાનું કામ કરે છે. એટલે તેની માત્રા ખૂબ જ ચીવટથી, નિપુણતાથી નક્કી કરવી પડે છે.

એનો અર્થ હરગિજ એવો નથી કે મોંઘીદાટ બોટોક્સ ટ્રીટમેન્ટ કદીય નુકસાન પહોંચાડે જ નહીં. બોટોક્સ ટ્રીટમેન્ટનો આવિષ્કાર તો પછી થયો પણ મૂળ આ શોધ હતી માઇગ્રેનના અસહ્ય દુખાવાને હળવો કરવા માટેની. માથાનો દુખાવો દૂર કરવાની દવાની સાઇડ ઇફેક્ટ કહો કે બાય પ્રોડક્ટ પણ એ બોટોક્સ હવે વિશ્વભરમાં સુંદરતા માટે વળગણ ધરાવતી સ્ત્રીઓના માથાનો દુખાવો બની ગઈ છે.

બોટોક્સ ટ્રીટમેન્ટની કરામત તમને હેમા માલિનીથી લઈ પ્રિયંકા ચોપડા સુધી તમામ સુંદરીઓના ચહેરા પર દેખાશે. પ્રિયંકા ચોપડા જેવા હોઠ, કરીના જેવું કપાળ, કેટરીના જેવા ગાલ ને ચિબૂક મેળવવા દોટ મૂકતી માનુનીઓને આ ટ્રીટમેન્ટમાં ક્યારેક શું ફ્રી ગિફટ મળે છે ખબર છે?

આ ટ્રીટમેન્ટની સાઇડ ઇફેક્ટ છે એલર્જી, રેશીઝ, માથાનો દુખાવો, ગરદનનો દુખાવો, અશક્તિ, ઊબકા, આંખની પાંપણ પર કોઈ કંટ્રોલ ન રહેવો, અવાજ ઘોડા જેવો ઘોઘરો થઈ જવો, ગમે ત્યારે પરસેવો છૂટી જવો, હૃદયના ધબકારા અનિયમિત થઈ જવા.

આખરે આ વાત તો સૂર્યાસ્તે સૂર્યોદય મનાવવાની છે. ગુજરાતીમાં કહેવત છે વાળ્યાં ન વળે તે હાર્યાં વળે…

વળવું કે હારવું તે તો નિર્ણય તમારો પોતાનો જ હોયને!!
છેલ્લે છેલ્લે :
સ્મિત જેવું અદ્ભુત કોસ્મેટિક અન્ય કંઈ નથી.

20130731-085919.jpg

Leave a comment