Mann Woman

કોઈ ગોરી કોઈ સાંવરી : આ કેવી ગુલામી ?

20130805-235324.jpgજોઈએ છે આઈવીએફ ટ્રીટમેન્ટ માટે ડોનર. ખૂબ જ સારું વળતર, માત્ર ગોરી ત્વચાવાળી કે વિદેશી (ગોરી) યુવતીઓ સંપર્ક કરો. પત્રવ્યવહાર ખાનગી રહેશે. ઈ-મેલ : xxxxxxxxx@xxxxxxx.com

આ હતી જાહેરખબર એક નામાંકિત અંગ્રેજી અખબારમાં એટલે કે કોઈક સંતાનવાંછું જોડીએ આઈવીએફ ડોનર માટેની જાહેરખબર આપેલી. પણ શરત એટલી કે અંડદાન કરનારી યુવતી વ્હાઇટ કે ગોરી જ જોઈએ, છેને ચક્કર આવી જાય એવી વાત?

અંગ્રેજો તો ગયા પણ સરેરાશ ભારતીયોનાં માનસમાં કઈ હદે ગુલામીનાં બીજ વાવતાં ગયા છે, તેનો આ એક ઉત્તમ નમૂનો.

જોકે, એવું નથી કે આવી એકલ-દોકલ જાહેરખબરો કે પછી કોઈકના અભિગમ આ વાતને પુષ્ટિ આપે.

માત્ર ટીવી સિરિયલો વચ્ચે આવતી જાહેરખબરો જુઓ તો ખ્યાલ આવે કે ગોરી સ્કિનનું વળગણ કેટલું જબરદસ્ત છે. આજે બજારમાં દરેક કોસ્મેટિક કંપની વ્હાઇટનિંગ ક્રીમ સ્ત્રી અને પુરુષ બંને માટે મૂકે છે. રિઝલ્ટ જે આવે તે પણ સૌથી નફાકારક આ સેગમેન્ટ જ છે.

એક તરફ ગોરી અને બીજી તરફ સાંવરી, શામળી, વ્હીટીશ (ઘઉંવર્ણી) ભીનેવાન…કાળી ત્વચાને છાવરવા કેવાં કેવાં વિશેષણ?

તાજેતરમાં જ મુસાફરી દરમિયાન એક યુવતી મળી ગઈ. ઊંચી, તંદુરસ્ત, હસમુખ, આકર્ષક અને ટેલેન્ટેડ. એરપોર્ટ પર વરસાદને કારણે ખોડંગાયેલી ફલાઇટને લીધે આ ડાયલોગ કરવાનો મોકો મળ્યો. એ યુવતી હતી મેનેજમેન્ટ એક્ઝિક્યુટિવ કમ સિસ્ટમ એનાલિસ્ટ. લગભગ ત્રીસીએ પહોંચી હશે પરંતુ અપરિણીત હતી. સામેની વ્યક્તિ પરિણીત છે કે નહીં તે નહીંવત્ ઓળખાણમાં પૂછી લેવું અતિશય અસભ્યતા છે છતાં એણે પોતે જ વાત કાઢી. ખરેખર તો એ ટોપિક નીકળવા પાછળ જવાબદાર હતું એક ફેરનેસ ક્રીમની જાહેરખબરનું હોર્ડિગ.

આટલી સરસ છોકરીનાં લગ્ન ન થવા પાછળનું કારણ હતું તેના પ્રેમીના કુટુંબીજનોનો વિરોધ. એ વિરોધ કોઈ નાત, જાત કે ધર્મ માટે નહોતો, માત્ર આ છોકરીના વર્ણ એટલે કે ઘઉંવર્ણી ત્વચા માટે હતો. આટલી ટેલેન્ટેડ અને કારકિર્દીમાં સફળ હોવા છતાં આવું રિજેક્શન એવું ઘા કરી ગયું હશે કે તેના કહેવા પ્રમાણે કોઈ પણ ફેરનેસ ક્રીમ બાકી નહોતું કે જે તેણે ટ્રાય નહોતું કર્યું.

આ વાત કદાચ ઘણી નાની કે ક્ષુલ્લક લાગે પણ મને વિચારતાં કરી ગઈ.

થોડા સમય પહેલાં જ મારી પારસી ફ્રેન્ડ શહેનાઝની (નામ બદલ્યું છે) વાત યાદ આવી. શહેનાઝનાં બે સંતાનો એક દીકરો, એક દીકરી. બંને વિદેશ ભણે. એક દિવસ શહેનાઝનો ફોન આવ્યો. એકદમ વ્યગ્ર. દીકરાએ હિંદુ છોકરી જોડે લગ્ન કરવાનું નક્કી કરેલું.

“અમારામાં તો ચાલે જ નહીં…”

“આવું તો કરાય જ નહીં.” રટતી શહેનાઝને મેં પૂછયું કે આટલી ફોરવર્ડ પ્રજા આ યુગમાં આવી નાત-જાતની વાડાબંધી કેમ કરી શકે? મને યાદ છે કે મારી મિત્રે તો મને ૧૨૦૦ વર્ષ પૂર્વે પારસીઓ સંજાણ ઊતર્યા ત્યારે ત્યારના જાદિરાણાને આપેલા ‘રોટી-બેટી’ના વ્યવહારની વાત કહેલી. ૧૨૦૦ વર્ષ પૂર્વે અપાયેલું વચન કે અમે સ્થાનિક પ્રજા સાથે વટલાવવાની, પરિવર્તનની ગુસ્તાખી નહીં કરીએ. તે મુજબ હિંદુ છોકરીને પરણી શકાય નહીં કે દીકરી આપી શકાય નહીં. વળી, ઘટતી જતી વસતી, બીજા કંઈકેટલાં કારણ આપ્યાં. છોકરો માની વાતથી માન્યો કે બીજા કોઈ કારણસર ખબર નહીં પણ છેવટે બ્રેક-અપ થયું ને વાત ત્યાંથી પતી ગઈ. બે વર્ષ પછી શહેનાઝની દીકરીની એ જ સમસ્યા થઈ. સમસ્યા સૌથી વિકટ એટલે હતી કે આ તો વળી સાઉથ-ઇન્ડિયન છોકરાના પ્રેમમાં પડી હતી. છોકરી ચાલાક, ભાઈના કિસ્સામાં જે થયું તેનાથી જ્ઞાત. વિદેશમાં ભણીને કમાતી પણ થઈ ગયેલી એટલે એણે લગ્ન કરી લીધાં પછી જ મા-બાપને ખબર આપી.

શહેનાઝનો વલોપાત ચાલુ, પેલાં બધાં જૂનાં કારણો આ વખતે ગાયબ થઈ ગયેલાં. અમે સૌએ સમજાવવાનો પ્રયત્ન કર્યો. સાઉથ ઇન્ડિયન જમાઈ જેવોતેવો નહોતો. જીનેટિક એન્જિનિયર હતો. ખરેખર જિનિયસ કક્ષામાં આવે તેવો. કુટુંબ ખૂબ જ સંસ્કારી, પૈસેટકે સુખી, ખાનદાની છોકરાનાં માતા-પિતાના વાણી-વર્તનમાંથી દેખીતી દેખાય, તો પછી શા માટે હૈયાહોળી કરવાની?

પરંતુ, એ હૈયાહોળીનો રાઝ ત્યારે ખૂલ્યો જ્યારે શહેનાઝે કહ્યું, “મારો જિમી માની ગયો ને આરમાઇટી નહીં માની…હવે આવનારી પ્રજા કાળી આવશે તો…?” ત્યારે અમને બત્તી થઈ કે આ પરંપરા અને ધર્મ, નાત, જાતને આગળ કરી કયા માપદંડો છુપાવવામાં આવી રહ્યા હતા.

વાત માત્ર પારસી કે હિંદુધર્મી થોડી ચોક્કસ જ્ઞાતિની જ નથી. છેલ્લા એક દાયકાથી આ ગોરા-શામળાં વર્ણનું તૂત જોરથી ચાલવા લાગ્યું છે. તેમાં તેમની તીવ્રતા વધારે છે કોસ્મેટિક કંપનીઓ. તેમને તો પોતાની પ્રોડક્ટ વેચવાની છે એટલે છોકરી કાળી હોય તો જાણે આસમાન તૂટી પડયું હોય તેમ દર્શાવે છે.

એક તો સદીઓથી ગુલામ રહેલું માનસ અને તેમાં બાકી રહી જાય એમ હોય તેવી જાહેરખબરો. પરિણામે શ્યામ કે ઘઉંવર્ણાં યુવક-યુવતીઓના આત્મવિશ્વાસને ઘસરકો કરી જાય છે. બાકી હોય તેમ હવે કૃત્રિમ ગર્ભાધાન માટે માતા પણ ગોરી જ જોઇએ એ વળગણને કારણે આઇવીએફ ટ્રીટમેન્ટ કરનારા ડોક્ટરો આવી ‘ડોનર મા’ શોધવા કાશ્મીર સુધી લાંબા થાય છે.

ત્યાં પણ વાત ન જામે તો યુરોપના ગરીબ દેશોમાં જરૂરિયાતમંદ ગોરી સ્ત્રીઓ સુધી અપ્રોચ કરે છે. એક અંદાજ પ્રમાણે ૭૦ ટકાથી વધુ સંતાનવાંછું લોકોને માત્ર ગોરી સ્ત્રીનાં જ બીજ ખપે છે, કારણ કે તો જ બાળક ગોરું અવતરે જે માટે તેઓ ટ્રીટમેન્ટમાં એક્સ્ટ્રા ખર્ચ ભોગવવા પણ તૈયાર હોય છે.

એવું મનાય છે કે હવે ડિઝાઇનર્સ બેબી એટલે કે મા-બાપને ગમે તેવાં મનગમતાં બાળકો ટૂંક સમયમાં જન્માવી શકાશે, તો પછી આ ગોરાં ગોરાં, સોનેરી વાળ ને ભૂરી આંખોવાળાં બાળકોને આપણે કઈ

કેટેગરીમાં મૂકીશું? ગોરી ત્વચાનું વળગણ આપણી સ્વયં સ્વીકારેલી માનસિક ગુલામી નથી?

છેલ્લે છેલ્લે:

શારીરિક સૌંદર્ય જીવનપર્યંત સાથ આપતું નથી, પણ આંતરિક સુંદરતા જીવનભર રહે છે.

Advertisements

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

w

Connecting to %s