Mann Woman

કેડર ઓનેસ્ટી’ના અન્ય ઓફિસરો, પનિશમેન્ટ પોસ્ટિંગ જ તેમની નિયતિ છે?

20130820-021601.jpg

20130819-234341.jpg

દુર્ગાશક્તિ આઇએએસ.
એવું નામ, જાણે લાગે વિધુ વિનોદ ચોપડાની ફિલ્મ હશે. ખરેખર જોવા જઈએ તો આ એવું બળકટ નામ છે જેણે ભલભલા રાજકારણીઓની ફિલ્મ ઉતારી કાઢી છે. સ્ત્રીશક્તિ અને તે પણ પોઝિટિવ એનર્જી શું પરિણામ લાવે તે નજર સામે છે. આ લખાય છે ત્યારે દુર્ગાશક્તિના ભાવિનો કોઈ ફેંસલો થયો નથી. પણ, એક વાત નક્કી છે સરકાર ગમે તે પક્ષની હોય હિંમતવાન અને પ્રામાણિક આ બે ગુણવાળા આઇએએસ, આઇપીએસ અધિકારી કોઈ રાજકારણીને ગમતાં નથી.

દુર્ગાશક્તિ નાગપાલ એટલી નસીબદાર કે પંજાબના ડેપ્યુટી ચીફ મિનિસ્ટર સુખબીર સિંહ બાદલે તેને પોતાની મૂળ કેડર એટલે કે પંજાબમાં આવવાના નિમંત્રણ પાછળ પોતાના સ્ટેટમાં આવકારી પણ ખરી.

દુર્ગાશક્તિની મૂળ કેડર પંજાબ. કમ્પ્યુટર સાયન્સ ટેક્નોલોજીમાં ઇન્દિરા ગાંધી ઇન્સ્ટિટયૂટ ઓફ ટેક્નોલોજી ફોર વીમેનમાંથી બી.ટેક કરીને દુર્ગાશક્તિ ૨૦૧૦માં આઇએએસ બન્યાં. આઇએએસ પરીક્ષામાં ઉત્તીર્ણ થવું પૂરતું નથી તેમાં કયો રેંક આવે છે તે મહત્ત્વનું છે, કારણ કે નોકરીનું ક્લાસિફિકેશન એના પર જ આધારિત હોય છે. દુર્ગાશક્તિનો રેંક આવેલો ૨૦મો. એટલે કે ટોપર.
સામાન્ય મધ્યમવર્ગની દીકરી. પિતા ઇન્ડિયન ડિફેન્સ એસ્ટેટ ર્સિવસીઝમાં ઓફિસર હતા, પણ દુર્ગામાં દાદાજીનો વારસો ઊતર્યો હશે. દુર્ગાશક્તિના દાદા પોલીસ ઓફિસર હતા. દિલ્હીના સદર બજારમાં ડયૂટી દરમિયાન તેમની હત્યા થઈ ગયેલી. એટલે મરવું કે મારવું લોહીમાં હશે તેવી ધારણા બંધાય.

યુવાન દુર્ગાશક્તિ પંજાબ કેડરમાં રહી ફરજ બજાવતાં હતાં ને ત્યાં ઓળખ થઈ એક આઇએએસ ઓફિસર અભિષેક સિંઘ સાથે. એ મૂળ છત્તીસગઢ કેડરના, બંનેએ લગ્ન કરવાનું નક્કી કર્યું. અહીં પણ નોંધવા જેવી વાત એ જ છે કે સ્ત્રીનાં લગ્ન થાય એટલે એને જ બદલી માગવાની કે પછી કાર્યક્ષેત્ર છોડવાનું. દુર્ગાશક્તિએ લગ્નના ગ્રાઉન્ડ પર કેડર માટે બદલી માગી. પંજાબ કેડરની બદલી થઈ ઉત્તર પ્રદેશ કેડરમાં. સપ્ટેમ્બર ૨૦૧૨માં ગૌતમબુદ્ધ નગરના સબ ડિવિઝનલ મેજિસ્ટ્રેટ તરીકે નિમાયાં અને શરૂઆત થઈ દુર્ગાશક્તિનાં શક્તિશાળી પાનાં લખાવાની. નાની ઉંમર, દેશ માટે કંઈક કરી છૂટવાની ભાવના અને કુટુંબના સંસ્કાર શું પરિણામ લાવ્યા એ આખા દેશે જોયું.

દુર્ગાશક્તિ પોતાની ફરજમાં મક્કમ. એણે આવીને જોયું કે યમુના અને હિંડોન નદીમાંથી રેતી કાઢવાનું રેકેટ ફુલ જોરમાં છે. પગલાં લેવા માંડયાં તો દિવસે ચકલું ન ફરકે ને રાત્રે ધમધમાટી બોલાવતાં ડમ્પર્સ અને ટ્રોલી આખો તટ ઉલેચી નાખે. દુર્ગાશક્તિએ રેતમાફિયાની શેહમાં આવ્યા વિના સપાટો બોલાવવા માંડયો. શું એ વખતે તેમને ધમકી,લાલચ નહીં મળ્યા હોય? એ વાત જ શક્ય નથી પણ દુર્ગાને ન લાલચ ઝુકાવી શકી ન ધમકી. એણે ૨૪ ડમ્પર્સ, ૩૦૦ ટ્રોલી તો જપ્ત કરી લીધાં પણ કોઈની શેહશરમમાં આવ્યા વિના ૧૫ લોકોને અંદર કરી દીધા અને આ જ પ્રામાણિકતા, બહાદુરી દુર્ગાને નડી ગઈ.

રેતમાફિયા હોય કે કોલમાફિયા એ તમામ રાજકારણીનાં ભાઈ, ભાંડું કે ભાગીદાર જ હોવાનાં. ઉત્તરપ્રદેશમાં સમાજવાદી પક્ષનાં ઘણાં મોટાં માથાંઓને તકલીફ થયેલી. હવે આ દુર્ગાનું કરવું શું?

બાબુશાહી એટલે કે આ આઇએએસ ઓફિસરોની જમાતમાં એક વણલખ્યો નિયમ છે સમય વર્તે સાવધાન. પ્રામાણિક ઓફિસરોએ હકાલપટ્ટી, ડિમોશન, ટ્રાન્સફર તમામ પ્રકારની કનડગતની તૈયારી રાખવાની જ હોય. દુર્ગાશક્તિ અને તેના પતિએ પણ રાખી જ હશે. એક નેતાએ શેખી કરતાં જાહેરસભામાં કહ્યું, “મેં દુર્ગાશક્તિને ૪૧ મિનિટમાં સસ્પેન્ડ કરી નાખી.” એટલે કે એક પ્રામાણિક ઓફિસરની ઇમાનદારીની હત્યા ૪૧ મિનિટમાં. આ દુર્ગાશક્તિ હતી કે તેની ઇમાનદારી જીવિત રહી શકી અન્યથા આ પ્રકારના દબાણ હેઠળ ભલભલા પ્રામાણિક ઓફિસરો હથિયાર હેઠાં નાખી દે છે.

એક રાષ્ટ્રીય દૈનિકે આ ઓફિસરની વાત પહેલે પાને ઉજાગર કરી એટલે દેશને આ આખા પ્રકરણની જાણ થઈ, પરંતુ રોજબરોજ આવાં તો કેટકેટલાંય પ્રકરણો અને ઓફિસરોની ઇમાનદારીનું પડીકું વળી જતું હોય છે તેનું શું?

થોડા સમય પૂર્વે આવો જ ઇશ્યૂ પશ્ચિમ બંગાળની એક આઇએએસ ઓફિસર સાથે કહેવાતાં આદર્શવાદી મુખ્યપ્રધાને જ ઊભો કર્યો હતો. એ નીતિમત્તાને વરેલી મહિલા આઇએએસ અધિકારીનો ગુનો માત્ર એટલો જ હતો કે તેણે સત્તાધીશ મુખ્યપ્રધાનના તઘલખી આદેશની સામે દલીલ કરી. બસ, ખલ્લાસ. એ મહિલાની રાતોરાત ટ્રાન્સફર થઈ. એમ કહો પનિશમેન્ટ પોસ્ટિંગ. વાત અહીંથી પૂરી થતી નથી. મુખ્યપ્રધાનના મીડિયા મેનેજરોએ એવા વિકૃત અહેવાલો વહેતાં કર્યા કે આ મહિલાની બદલી ચરિત્રહીન હોવાને કારણે કરાઈ છે. આ સંજોગોમાં તે ઓફિસર લાંબી રજા પર ઊતરી હતી. એ લોંગ લીવને પણ વિકૃતિ સાથે રજૂ કરાઈ. હકીકત તો એ હતી કે એ મહિલાને ફેફસાંનું કેન્સર હતું. રજા સારવાર માટે લીધી હતી.

વાત માત્ર મહિલા ઓફિસરોની નથી. કેટકેટલાંય પુરુષ આઇએએસ ઓફિસર આ તાનાશાહીનો સામનો કરે છે. જે દુર્ગાશક્તિ માટે બધાં રાજકારણીઓ સહાનુભૂતિ બતાવવા ઉમટયાં છે તે લોકો આઇએએસ અશોક ખેમકાના પ્રકરણમાં ક્યાં હતા એ કોઈ બોલશે?

ખેમકા હોય કે દુર્ગાશક્તિ, નખશિખ ઇમાનદાર ઓફિસર ભ્રષ્ટ વાતાવરણમાં તો શું ક્યાંય એક જગ્યાએ ઠરીઠામ થઈ શકતો નથી. સરકારશ્રીની કઠપૂતળી થઈ નાચો તો તમારી આન, બાન, શાન સલામત અન્યથા બદલી તમારી રાહ જુએ છે. અશોક ખેમકા નામના આઇએએસ ઓફિસરે ૧૯ વર્ષમાં ૪૩ બદલી જોઈ છે. સરકારી નિયમ એવો છે કે બે પોસ્ટિંગ વચ્ચે બે વર્ષ સુધીનો સમયગાળો રખાય છે. તો ખેમકાનું ગણિત માંડો.

આ વાતાવરણમાં એક વાત યાદ આવી. થોડા સમય પૂર્વે દિલ્હીમાં એક કેબિનેટ સેક્રેટરી લેવલના અધિકારીના મહેમાન થવાનું બનેલું. તેમના ચાણક્યપુરીના ચાર બેડરૂમ,હોલ, કિચન, બે ગાર્ડનવાળા બંગલામાં માત્ર હોલ, કિચન અને ગાર્ડન જ ફંક્શનલ હતાં. બાકીના રૂમમાં બધો પેક સામાન.

અમારું અચરજ પામી જઈ આઈએએસ અધિકારીનાં પત્નીએ કહ્યું કે બદલી એમની બીજી પત્ની છે. એમનો તડ અને ફડ કરવાનો સ્વભાવ અને પ્રામાણિકતા બેઉ આ’બાબુ વર્લ્ડ’માં અનફિટ છે એટલે બદલીની તૈયારી રાખવી પડેને!!

દુર્ગાશક્તિ હોય કે ખેમકા કે એ જ ‘કેડર ઓનેસ્ટી’ના અન્ય ઓફિસરો. પનિશમેન્ટ પોસ્ટિંગ જ તેમની નિયતિ છે.

છેલ્લે છેલ્લે:
જ્યારે તમને કોઈ નિર્માલ્ય સમજે ત્યારે સમજજો કે આ એ જ દુનિયા છે જે માત્ર મૂર્ખ જ નહીં, ભૂલકણી પણ છે.

– જે.કે.રોલિંગ (હેરી પોટરની લેખિકા)

Advertisements

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

w

Connecting to %s