Mann Woman

દીકરી એટલે તુલસીક્યારો?

20130827-202127.jpg

દીકરી એટલે તુલસીક્યારો….
એટલે કે દીકરી વહાલનો દરિયો ખરી, પણ એને એક મર્યાદામાં જ રાખવાની. એ ભલે દીવડીની જેમ જ્યોત ફેલાવી મા-બાપનું નામ રોશન કરે, પણ એને રહેવાનું તો તુલસીક્યારાની જેમ જ. ઘરની બહાર, એક અંતરે…

આ વાત સાથે સહમત ન થનારા અપવાદરૃપ વીરલાઓ મળી પણ આવે. છતાં ગામ, શહેર કે મહાનગર હોય, થોડો વેરોવંચો તો જોવા મળે જ છે. કદાચ ઉછેરમાં નહીં તો મિલકતના ભાગલામાં તો ખરો જ.

એવા તો કેટલાય કિસ્સા નજરે જોયા છે, પણ યાદગાર કિસ્સો તો હર્ષા ને સુબોધભાઈનો છે. યાદગાર એટલા માટે કે પૈસેટકે ખાતાંપીતાં, સુખી, સુશિક્ષિત આદર્શ દંપતી વારે તહેવારે એક વાક્ય તો દોહરાવ્યાં જ કરે કે, અમારે મન તો દીકરો ને દીકરી બંને સરખાં. દંપતીને સંતતિમાં એક પુત્ર અમીત ને દીકરી ઝંખના.

બધી રીતે આદર્શ લાગતાં આ દંપતીની નેગેટિવ બાજુ જ એ કે

દીકરા-દીકરીને માત્ર સમાન લેખવાનાં, બાકી બે વચ્ચેની ભેદરેખા તો એવી જડબેસલાક કે અમીતનું એડમિશન શહેરની સર્વશ્રેષ્ઠ અંગ્રેજી માધ્યમની પ્રાઇવેટ સ્કૂલમાં લીધેલું. અમીતથી માત્ર સવા વર્ષ નાની ઝંખનાને મૂકેલી સરકારી ગ્રાન્ટ પર નભતી એક ગર્લ્સ સ્કૂલમાં.

અમીતને ભણવામાં જો હોશિયાર કહેવો હોય તો ઝંખના માટે તો બ્રિલિયન્ટ શબ્દ વાપરવો પડે.

અમીત કરતાં ઝંખના દરેકેદરેક વાતમાં એક ડગલું ચઢી જાય અને આ જ સરખામણી કદાચ અમીતને કઠતી હશે. એ જે હોય તે, પણ એણે મોંઘીદાટ ર્બોિડગ સ્કૂલમાં જવાની રઢ પકડેલી.

સુબોધભાઈ સંપન્ન ખરા, પણ એવા એક્સ્ટ્રા ઓર્િડનરી પૈસા નહીં કે મહાબળેશ્વર જેવા હિલ સ્ટેશનની ફાઇવસ્ટાર સ્કૂલ પોસાઈ શકે. છતાં ગમે તેમ કરીને અમીતને એ સ્કૂલમાં મૂકવો જ એવો નિર્ણય થઈ ગયો.

અમીત જેટલાં વર્ષ ત્યાં ભણ્યો એ જ મહાબળેશ્વર એમનું વેકેશન ડેસ્ટિનેશન. દર વર્ષે મહાબળેશ્વર સિવાય ક્યાંય જવાય જ નહીં. વેકેશન પડે એટલે અમીતને લેવા જવાનું ત્યારે બે-ત્રણ દિવસ રહી લેવાનું ને પછી ઊઘડતી સ્કૂલે મૂકવા જતી વખતે બે દિવસનું રોકાણ. ઝંખનાની ન કોઈ મરજી પુછાય ન સમજવાનો પ્રયત્ન કરાય.

વેકેશન પછી સ્કૂલ ખૂલે ત્યારે દરેક બાળક હોંશથી પોતે ક્યાં ફરી આવ્યા તેની વાત કરે ત્યારે ઝંખનાનું મોઢું પડી જાય.

હર્ષાબહેન વ્યવહારકુશળ ને ભારે સૂઝબૂઝવાળાં. એમને દીકરીના સંતાપનો ખ્યાલ આવે, પણ પુત્રમોહ સામે બધું જોયું ન જોયું કરી દે.

બંને સંતાનો ભણી રહ્યાં અને હાયર એજ્યુકેશનની વાત આવી ત્યારે ફરી એ જ વાત દોહરાવાઈ. અમીત એમબીએ કરવા વિદેશ ગયો ને ઝંખનાએ પોતાના જ શહેરની નામાંકિત કોલેજમાંથી ગ્રેજ્યુએશન કરવું તેમ નક્કી થયું. અમીતના વિદેશ ખર્ચા કોલેજ ફી અને રહેવા માટે એપાર્ટમેન્ટ એટલા હદ બહારના હતા કે ઝંખનાએ એમબીએ ન કરતાં પાર્ટટાઇમ નોકરી સાથે કોઈક ડિપ્લોમા કોર્સ થાય તો બહેતર એમ મનાયું.

ઝંખનાએ ત્યાં મનને મારી બેસી રહેવું ઉચિત સમજ્યું, પણ એક કડવાશ જરૃર ઘોળાઈ ગઈ.

હર્ષાબહેન દીકરીના સંતાપને સમજી શકતાં હોવાથી હંમેશાં પોતાના આ વર્તનને વાજબી ઠેરવવાનો કોઈ પ્રયાસ બાકી રાખતાં નહીં.

આ તમામ વાતની હું વર્ષોથી સાક્ષી છું, પરંતુ કોઈની કૌટુંબિક વાતમાં ડબકું કેમ મૂકવું એવું વણલખ્યા ઔચિત્યને જાળવી ચૂપ જ રહેતી.

હર્ષાબહેન મારી પાસે ઘણી વાર પોતાના આ વર્તનને જાયજ ઠેરવતાં કહેતાં કે, “ઝંખના તો પરણીને સાસરવાસી થઈ જશે, પણ અમીત પાછળ ખર્ચેલો પૈસેપૈસો ઊગી નીકળવાનો છે. હવે બોલો, આ વાત કોઈને કહેવાય છે?”

મારી પાસે એનો જવાબ તો હતો, પણ આપવો નહોતો.

પરંતુ સમયે સુબોધભાઈ અને હર્ષાબહેનને બહુ સરસ જવાબ આપ્યો.

વિદેશ ભણવા ગયેલો અમીત પાછો તો આવ્યો, પણ ક્યાંય નોકરીનું ગોઠવાય જ નહીં. ક્યાંક પગાર ઓછો હોય, ક્યાંક વર્ક એન્વાયર્નમેન્ટમાં ‘મજા’ ન હોય, ક્યાંક કામના કલાકો ખૂબ વધારે લાગે, તો ક્યાંક ‘ફ્યૂચર’ જ ન દેખાતું હોય!

આ દરમિયાન ઝંખનાએ ફેશન ડિઝાઇનિંગમાં કરેલા ડિપ્લોમાને કેશ કરવાનું શરૃ કરી દીધેલું. શરૃઆત કરી હતી ડિઝાઇન કરી માસ્ટર પાસે કપડાં સિવડાવી આપવાથી. એ પછી ચાલ્યો દોર એક્ઝિબિશન સેલનો.

એમબીએ થયેલો ભાઈ ઘરે નેટ પર સર્ફ કરતો રહેતો ને બહેન અઢાર કલાક કામ કરતી રહેતી.

ઝંખનાએ આ તમામ સમય દરમિયાન એક વાત બહુ બારીકાઈથી નિહાળી લીધી હતી, તે હતી તકને રોકડી કરવાની કળા. હવે લાગતું હતું કે ઝંખના સોનાનાં ઈંડાં મૂકતી મરઘી બની રહી હતી, એટલે સુબોધભાઈ અને હર્ષાબહેન પોતાના એમબીએ પણ બેકાર બેઠેલા દીકરા માટે છોકરી જોતાં, પણ ઝંખના તો હજી નાની છે તેમ કહી વાત જ નહોતાં કરતાં. આ વાત ઝંખનાની નજર બહાર નહોતી.

ઝંખનાએ પોતે જ પોતાના સર્કલમાંથી છોકરો શોધી લીધો. ઝંખનાની તલાશ જ એવા સાથી માટે હતી જે તેની સાથે ખભેખભા મિલાવી કામ કરી શકે. ઝંખનાએ શોધેલો યોગેન હતો ભારે ખટપટિયો. સ્ટોર્સમાં, બુટિકોમાં ફરી ઓર્ડર લાવવાથી લઈ અકાઉન્ટિંગ ને ટેક્સેશન બધું સંભાળી લેવા સક્ષમ.

ઝંખના-યોગેનનાં લગ્ન પછી જાણે એક નવી જ દિશા ખૂલી. અલબત્ત, ઝંખના ક્યારેક જ દિલ ખોલતી. એને ઊંડે ઊંડે રંજ હતો પોતાની સાથે સતત થતાં રહેલા અન્યાયનો, પણ યોગેનને મળ્યા પછી સફળતાનાં પગથિયાં એટલાં ઝડપથી ચડવાની શરૃઆત થઈ કે તેમાં બધી કડવાશ વિસરાઈ ગઈ.

આજે પરિસ્થિતિ એવી છે કે ઝંખના યોગેને ભેગાં મળીને કરેલી મહેનત એક જાણીતી બ્રાન્ડ છે. સુબોધભાઈ હવે થાક્યા છે. તેમના નાનકડા બિઝનેસમાં વિદેશની નામાંકિત યુનિર્વિસટીમાંથી એમબીએ થયેલા અમીતને કામ કરતાં નાનમ લાગે છે. અમીત પાસે આજની તારીખે પણ હાથમાં કોઈ કામ નથી. છતાં, દેશ-વિદેશના આર્િથક અખબારો વાંચી વાંચીને એ દેશના અર્થતંત્રથી લઈ ઝંખનાના બિઝનેસમાં એ ક્યાં શું ચૂકે છે ને શું વધુ સારું કરી શકે તેની ટિપ્પણી કરવા સિવાય તેની પાસે બીજું કોઈ કામ પણ નથી.

અમીત બેશક ટેલેન્ટેડ છે. ઝંખનાને યોગેનનો સાથ જેમ ચાર ડગલાં આગળ લઈ ગયો તેમ ભાઈ અમીતનો સાથ મળ્યો હોત તો નિશંકપણે વધુ હરણફાળ ભરી શકી હોત, પણ એવું થયું નહીં અને કોઈ કાળે થવાનું પણ નથી.

એ પાછળનું એકમાત્ર કારણ છે ઝંખનાના સુષુપ્ત મગજમાં અંકિત થઈ ગયેલી જુદાઈની ભાવના. જેમાં ન તો વાંક ઝંખનાનો છે ન અમીતનો. વાંક છે હર્ષાબહેન ને સુબોધભાઈનો, જેમણે પુત્રમોહના અંધાપામાં હોનહાર દીકરીનું હીર જ ન પારખ્યું.

દીકરીને ખરેખર પારકું ધન બનાવનાર છે કોણ? સમાજ કે પછી માતા-પિતા પોતે? દીકરીનાં મા-બાપ કદી પોતાને આ પ્રશ્ન પૂછે છે ખરાં?

છેલ્લે છેલ્લે
દીકરો મા-બાપને સ્વર્ગમાં લઈ જતો હશે, પણ સ્વર્ગને ઘરમાં લઈ આવે તે દીકરી!

pinkidalal@gmail.com

Advertisements

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

w

Connecting to %s