Dear Me

તારું જિંદગીમાં આવવું નિશંકપણે એક સુંદર સંયોગ પણ….

20130903-215305.jpgપ્રિય ….

મને ખબર નથી આવું સંબોધન મેં કેમ કર્યું ! કારણ કે જયારે છેલ્લીવાર મળ્યાં ત્યારે પણ ગેરસમજ , નાદાનિયત અને એક ખોટાં અહમના ટુકડાં ક્યાં ઓગળ્યાં જ હતાં ? આપણે બંનેએ સ્વતંત્રરીતે , નક્કી કર્યું હતું કે જે શાણપણ છૂટાં પડવામાં છે તે ભેગાં રહેવામાં નથી જ. ચલો એક વાત તો માનવી પડેને કે આપણે આ વાત પર તો બેઉ સહમત હતાં … વિના કોઈ હિચકીચાટે …
મને હંમેશ કેમ એવું લાગતું રહ્યું છે કે માણસે દિલથી લેવાના નિર્ણયો લેવાની પાવર ઓફ એટર્ની પણ દિમાગને જ આપવી જોઈએ. કદાચ તને મળ્યાં પછી , નહીવત સમયમાં જ આ સ્કીલ મારામાં વિકસી ચૂકી હશે.

તને કદાચ ખ્યાલ પણ નહિ હોય કે તારી પાસે ફક્ત પ્રશંશાનાં બે શબ્દ સાંભળવા મેં શું ઉધામા નહોતા કર્યા . પણ , ના તને નહીં જ ખ્યાલ આવ્યો હોય કારણ કે તારામાં પોતાનાં સિવાય અન્ય કોઈને જોવાં, સાંભળવા કે સરાહવવા એવી માનસિકતા જ ક્યાં વિકસી હતી ?

તારા માટે પ્રેમમાં પડવું એટલે દર થોડે દિવસે ગિફ્ટ આપવી , અલબત્ત વિચાર વિનાની, જે મળી તે….કે પછી ગુલાબી ગુલાબનો ગુલદસ્તો અને એક કેડબરી થમાવી દેવી તે… પ્રેમ. કદાચ તને નહીં ખબર હોય કે તે મને જે મારી વર્ષગાંઠ પર બુકે આપેલો તેના ગુલાબી ગુલાબ બિચારા માંદા પેશન્ટ જેવાં લાગતાં હતા, અને તેની નીચે લગાવેલી ફોઈલ ચુથાઈને ચૂત્થો થઇ ગયેલી. મારું ધ્યાન ગયું છે એમ લાગતાં જ તે વાત સાચવી લેતા કહેલું , ” બોલ, પેલો પુષ્પ મિલનવાળો ફ્લોરીસ્ટ … મેં ચાર દિવસ પહેલાં ઓર્ડર આપેલો તો ય તૈયાર ન રાખ્યો, ને આવાં ફૂલ પકડાવ્યા ..”

તને તો મને પ્રિય ગુલાબ નહી ગુલછડી છે તે કદાચ ક્યારેય ખબર ન પડી હોય. ક્યાંથી પડે ? તને તો મારો ફેવરીટ કલર પણ ક્યાં ખબર હતી ? યાદ છે એક દિવસ તું એક લીલા રંગનું કફ્તાન ક્યાંકથી ઉંચકી લાવેલો . કોઈક ઈમ્પોર્ટેડ સામાન વેચતાં આંટી પાસે. એ જમાનો હતો ફોરેનની ચીજોના ગાંડપણનો . એ પછી ક્રાફ્ટ ચીઝ હોય કે પેલું ચાર્લી પરફ્યુમ . યાદ છે ને બધાએ રૂ ૧૫૦ કાઢીને ખરીદેલું , એમ કહેલું ભાઈ આ તો ઓરિજિનલ છે. જાણે સોનું ખરીદ્યું હોય તેમ… તને તો એ પણ ખબર નહોતી કે સિન્થેટીક કપડાંથી મને કેટલી એલર્જી છે. સ્ટ્રેચેબલ મટીરીયલનું એ કફતાન મને તો નહીં પણ મારી બાર વર્ષની ભત્રીજીને પણ નહોતું થયું .

તને કાયમ એવો ભ્રમ રહ્યો કે મને ક્યારેય કઈ સમજાતું જ નહીં , એ વાત પણ સાચી , થોડે ઘણે અંશે ….
કદાચ એટલે જ તે કહ્યું મારે આગળ ભણવા વિદેશ ન જવું એટલે મેં નક્કી કર્યું મારે જવું જ. કારણ કે તારી સામે રહીને તે દોરી આપેલાં કેદખાનામાં ઘવાયેલી વાઘણની જેમ ઘૂર ઘૂર કરીને ગોળ ગોળ ફરતાં રહેવું મને મંજૂર નહોતું..
આજે જ્યાં ઉભી છું ત્યાંથી અતીતમાં નજર કરું છું તો મને સમજાય છે કે આપણાં લગ્ન માટે નાસમંત થનારા માબાપ કેટલાં સમજદાર હતા. એ લોકો એ જોઈ શકતા હતા જે આપણે બેઉ જોવા અસમર્થ હતા કે પછી જોવા જ નહોતા માંગતા.

ખુશીએ વાતની છે કે આપણી કહાણીમાં ન તો ખાધું પીધું ને રાજ કર્યું એવી નાટકીયતા છે ન તો દેવદાસ ને પારોની તડપ. આજે હું ખુશ છું મારી જિંદગીમાં , સાંભળ્યું છે તને પણ એવી જ પત્ની મળી છે જે તારી હામાં હા કરે. તને પણ જિંદગીએ ફરિયાદનો મોકો આપ્યો નથી તો આજે આ પત્ર શા માટે ? એવો પ્રશ્ન થયોને ? મને પણ થયેલો…

મારે તો જત જણાવવાનું હતું કે જો તે મને સમજવાનો એક પ્રયાસ કર્યો હોત કે પછી આપણે બંને થોડા પુખ્ત વિચારશીલ હોત તો? તો એક વાત નક્કી છે કે મારું આકાશ તારા કિચનની સિલિંગ સુધી જ હોત. દરરોજ સાંજે કંઇક સુંદર અભિવ્યક્તિ કાગળ પર ઉતરવાને બદલે હું ધોબીની ડાયરીમાં કપડાં લખતી હોત.
એ વાતનો આનંદ પણ ખરો કે ધારો કે એક સાંજ આપણે મળ્યા…પણ આખા એ આયખાનું શું ? સાચે જ આખું આયખું આપણે એકમેક સાથે રહીને રોળી નાખ્યું હોત.

તારું મારી જિંદગીમાં આવવું નિશંકપણે એક સુંદર સંયોગ પણ આપણું સમજદારીથી છૂટાં પડવું એથીય સુંદર. આજે આ પત્રનો અર્થ જ છે કે ખરાં અર્થમાં તને થેન્ક યુ કહેવું.. કારણ કે તને જણાવવાનું કે તારાથી દૂર જતી મંઝિલ મારી પોતાની હતી અને જો તારું વર્તન પ્રેમાળ હોત તો ગર્લ ફ્રેન્ડ બોય ફ્રેન્ડમાંથી કદાચ આપણે પતિ પત્ની જરૂર બન્યા હોત પણ હું તારી અર્ધાંગિની બનવાને બદલે તારી પરછાઈ થઈને રહી ગઈ હોત..
હવે સમજાય છે કે આપણાં હિતેચ્છુઓને પ્રિય જ સંબોધાય. કદાચ જાણીને કદાચ અજાણતાં મારાં હિતેચ્છુ બનવા બદલ બિગ થેન્ક યુ…..

એ જ લિ…..

Advertisements

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

w

Connecting to %s