Mann Woman

લેટ ઇટ બી…? NO way….

20130903-101358.jpgથોડા સમય પહેલાં એક મિત્રની ખબર કાઢવા એના ઘરે જવાનું થયું. તબિયત તો એની નરમગરમ રહેતી હતી એટલે બેડ પર સૂતાં સૂતાં વાત કરી રહી હતી. એક્યૂટ ડિપ્રેશનનો શિકાર બનેલી આ બાવન વર્ષની સ્ત્રીને બધે જ અંધારું દેખાતું હતું એ એની મુખ્ય ફરિયાદ હતી. ન કોઈ આર્થિક તકલીફ, સંતાનો સેટ થઈ ગયેલાં, વળી કહ્યાગરાં પણ હતાં.

મિત્રો પણ ઘણા. શહેરમાં થતી બધી પ્રવૃત્તિમાં અગ્રેસર, છતાં ડિપ્રેશન?

જો એને મળવાનો યોગ એના બેડરૂમમાં ન આવ્યો હોત તો એના ડિપ્રેશનનું કારણ પણ જણાયું ન હોત. જ્યાં સૂતી હતી તે બેડ પર પણ બે-ત્રણ પુસ્તકો, બે સામયિકો, એ જ દિવસનાં પાંચ અખબારો પડેલાં. સાઇડ ટેબલ તો જાણે દવાની દુકાન! રૂમમાં લેટેસ્ટ ટીવી, ડીવીડી પ્લેયર, મ્યુઝિક સિસ્ટમ ખરાં, પણ બધું અસ્તવ્યસ્ત. મોટાભાગની સીડી અને ડીવીડીનાં કવર રખડતાં પડેલાં. ડ્રેસિંગ ટેબલ પર પરફ્યૂમની બોટલોની સાથે સાંધાના દુખાવા માટેનાં સ્પ્રે, બામની બાટલી ને બીજો એવો કચરો…

જ્યાં જુઓ ત્યાં નજરે ચઢે માત્ર ને માત્ર ત્રસ્તતા. એનો ઇલાજ કઈ રીતે કરવો?
જોકે, આ વાત સાથે મોટાભાગના લોકો અસહમત થશે કે શારીરિક સમસ્યાને આપણા આસપાસના વાતાવરણ સાથે શું લાગેવળગે? પરંતુ સાચો જવાબ એ જ છે કે આપણા અસ્તિત્વનું પ્રતિબિંબ જ આપણી આસપાસનું વાતાવરણ હોય છે. જેના પર ઘણાં સંશોધનો થયાં પણ છે અને હજુ થઈ રહ્યાં છે. આ વાત છે આપણા આંતરિક અને ભાવાત્મક આરોગ્યની, જેના જોખમાવા સાથે શારીરિક આરોગ્ય પર અસર પડે છે. આ બધી વાતો મનમાં ચાલી રહી હતી ને મારી મિત્રે પોતાનાં ભાઈ-ભાભીની વાત કરી.

વર્ષો સુધી પરામાં બે બેડરૂમ, હોલ, કિચનના ફ્લેટમાં રહેલો શાહ પરિવાર રિડેવલપમેન્ટ થયેલા પોતાના બિલ્ડિંગમાં રહેવા ગયો. ડેવલપર સાથે એગ્રિમેન્ટ કરી કાયદેસર વધુ સ્ક્વેર ફીટ માટે પૈસા ચૂકવેલા. હજાર સ્ક્વેર ફીટ અને ત્રીજા માળનું ઘર હવે અઢી હજાર સ્ક્વેર ફીટ ને બાવીસમા માળે તબદીલ થઈ ગયું.

અફલાતૂન વ્યૂ, સાંજે બેઠા હોવ તો સમાધિ લાગી જાય એવી ટેરેસ. લિવિંગ રૂમમાં તો જાણે ક્રિકેટ રમી શકાય. સૌ રાજીના રેડ. ઇન્ટીરિયર ડેકોરેટરને બોલાવી ઇન્ટીરિયર કરાવેલું, પણ જૂના ઘરનું બધું જવા કેમ દેવાય? જગ્યા તો ઘણી છે, ઘણી છે કરીને એ સામાન પણ આવી ગયો, ત્યારે લાગ્યું કે અરે! આ તો ત્યાંના ત્યાં જ.’

જોકે, શાહ પરિવારનો સ્વભાવ જોતાં આ શક્ય ખરું. કારણ કે આનંદીબહેન અને તેમના પતિ બંને એમ માને કે સંઘરેલો સાપ પણ કામમાં આવે. બંને મધ્યમવર્ગીય કુટુંબનાં. લગ્ન કર્યાં, સંતાનો થયાં બે પાંદડે થયાં. પછી તો પાંદડે પાંદડે પૈસા બેઠા, પણ પેલી જૂની આદતો એમ કંઈ જાય ખરી?

આમ જોવા જાવ તો જૂની વસ્તુ સંઘરી રાખવી એમાં કંઈ ખોટું પણ નથી.
જૂના પત્રો, જૂનાં કપડાં, જૂતાં-ચંપલથી લઈ ન્યૂઝપેપરમાંથી કાપેલાં કતરણો, મેગેઝિન, જૂનાં વાસણો… કોઈ પૂર્ણવિરામ જ નથી. માત્ર આ ચીજવસ્તુઓ જ સંગ્રહખોરીનું પ્રમાણ નથી. માત્ર જૂની, નકામી ચીજવસ્તુઓ, ભંગાર, પસ્તી-રદ્દી જ નહીં, નવી, ન જોઈતી, ભવિષ્યમાં ખપ પડશે એવી માનસિકતાથી ખરીદાયેલી, સંઘરાતી જતી ચીજવસ્તુઓ આમાં શામેલ છે.

આ તો વાત થઈ એવી ચીજવસ્તુઓની જે જગ્યા રોકે, પરંતુ આપણાં મનમાં, કમ્પ્યુટરમાં, ફોનની મેમરી રોકી રાખતી ચીજોને કઈ કક્ષામાં મૂકી શકાય?
આજકાલ એક નવો ટ્રેન્ડ પ્રસ્થાપિત થતો ચાલ્યો છે, લેટ ઇટ બી… એટલે જેમ છે તેમ રહેવા દો, ચાલવા દો…

ટીનેજર સંતાનોના રૂમમાં અચાનક જઈ ચઢો અને જે હાલહવાલ હોય! વિખરાયેલાં ચોપડાં, કપડાં, અસ્તવ્યસ્ત સીડી, ડીવીડીનાં કવર્સ. ક્યારેક તો અઠવાડિયાં સુધી ન બદલાયેલાં ચાદર, કુશન કવર્સ અને એને ટીનેજરની ભાષામાં કહેવાય કૂલ.

આ ‘કૂલ’ એવો છેતરામણો શબ્દ છે જે ઊગીને ઊભા થતા યુવાનોને એમના પાયામાં જ લૂણો લગાવી દે. શિસ્તબદ્ધતા ન રાખવી એટલે ‘કૂલ’, સ્વચ્છતા ન રાખવી તે ‘કૂલ’ એટલે પછી સરવાળે પરિણામ એ આવે કે ઉછેરમાં રહી જતી આ ખામીઓ મોટા થયા પછી પણ સુધારી શકાતી નથી.

આવી બે વ્યક્તિઓ મળે ને પછી તેમના ઘરમાં, જીવનમાં જે અસ્તવ્યસ્તતા, ત્રસ્તતા વર્તાય તે એકબીજા સમજી શકે, પરંતુ બે વિરોધાભાસી વ્યક્તિત્વ સાથે જોડાય તો?

‘લેટ ઇટ બી’ અને ‘કૂલ’નાં ઓઠાં નીચે પોષાતી રહેતી આ પ્રમાદવૃત્તિ દરેક પોતપોતાની ફૂટપટ્ટીથી માપે એ વધુ યોગ્ય છે, પરંતુ એક કરવા જેવો પ્રયોગ આ બધાં એટેચમેન્ટ વિના કેટલા ‘ફ્રી’, હળવાશભર્યાં રહી શકાય એ છે.

સામાન્ય રીતે આપણે ત્યાં વર્ષભરની સફાઈ દિવાળીના આગમન પૂર્વે કરવાનો શિરસ્તો છે જ. આ ર્વાિષક વ્યાયામને થોડો મોડિફાઇડ કરી એને માસિક, પખવાડિક કરી જોવાનો પ્રયત્ન કરવા જેવો ખરો!

દર બીજા રવિવારે કે પછી દર ચોથા રવિવારે માત્ર ન જોઈતાં પસ્તી, પુસ્તકો, કપડાં કે ભંગાર જ નહીં ફોનમાં, કમ્પ્યુટરમાં સંઘરાયેલી, ન વંચાયેલા ઈ-મેઇલ, મેસેજીસ પણ ડિલીટ કરવાનો કાર્યક્રમ બનાવવા જેવો છે. જૂનો ભાર હળવો કર્યા પછી શું ફીલિંગ્ઝ અનુભવાય છે તે જાણવાની નહીં માણવાની હોય છે.

છેલ્લે છેલ્લેઃ
આદર્યાં અધૂરાં રહે, હરિ કરે સો હોઈ.
pinkidalal@gmail.com

Advertisements

3 thoughts on “લેટ ઇટ બી…? NO way….”

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

w

Connecting to %s