Dear Me

Thank u Dear Teacher

20130905-150957.jpg

ડિયર મિસ …..

હા, મિસ શબ્દનો પ્રયોગ એટલે જ કર્યો છે કારણ કે સ્કૂલમાં દરેક લેડી ટીચરને સંબોધન થતું : મિસ , અને મેલ ટીચર હતાં : સર.
તમને તો કદાચ હું , મારો ચહેરો યાદ પણ નહી હોય સ્વાભાવિક છે કારણ કે એક વાર સ્કૂલ છોડ્યાં પછી મેં ત્યાં ક્યારેય પગ જ નથી મૂક્યો , એ પછી પાસ્ટ સ્ટુડન્ટ ગેટ ટુ ગેધર હોય કે પછી દર પાંચ છ વર્ષે કોઈ અનિવાર્ય કારણે થયેલી પિયરવાટની અચાનક ગોઠવાઈ ગયેલી મુલાકાત હોય.
તમે અમારા દસમા ધોરણનાં ક્લાસ ટીચર તો ખરાં પણ બે સબ્જેક્ટ લેતાં હતાં એક ગુજરાતી અને બીજો વિષય હતો મોરલ સાયન્સ , જેની ટેક્સ્ટબુક નહોતી છપાઈને આવી એટલે વિના સિલેબસ તમે એ વિષય ભણાવેલો ( ઘણાં મહિનાઓ સુધી ) . સાચું કહું મિસ , હવે તો સાચ્ચું જ કહેવાય કારણકે ન તો એને માટે કોઈ માર્ક મળવાનાં છે ના મને એક ગેન્ગ ટીચરની ચમચી કહી નવાજવાની છે. એ બુક છાપીને આવીને ત્યારે હું એક જ બેઠકમાં આખે આખી વાંચી ગયેલી . કારણ એટલું જ કે મને એ વિષય મનગમતો હતો અને તમે જે રીતે ભણાવતાં હતા… હવે સાચી વાત, એ બુક પર નામ તો બહુ મોટાં ગજાનાં લેખકનું હતું પણ બુક એટલી બોરિંગ હતી કે મને થયેલું આ જો નીતિ શિક્ષણ કહેવાતું હોય તો કાયરતા કઈ બલાનું નામ હશે ? તારા ગાલે કોઈ એક તમાચો મારે તો તું બીજો ગાલ આગળ ધરી દેજે …વિ . વિ. વિ ….પછી અચાનક શું થયું ને તમે અમારો એ વિષયનો ક્લાસ લેવાનો બંધ કર્યું. તમારી જગ્યાએ બીજાં મિસ એ ક્લાસ લેવા આવતાં ને મને આવતાં ઝોલાં … પણ એ પછી ગુજરાતી મારો પ્રિય વિષય બની ગયેલો.
જો કોઈ એમ સમજે કે હું તમારી ફેવરીટ વિદ્યાર્થીની હોઈશ એટલે આવું લખતી હોઈશ તો કેટલી મોટી ભૂલ ! મને યાદ છે તમને મારા અક્ષરો સામે કેટલો વાંધો હતો , અને વારે વારે ક્લાસની બારીમાંથી બહાર વિના કોઈ કારણે તાકવાની મારી આદતને કારણે તમે કેટલાં પરેશાન થઇ જતાં ….તમે એકવાર આખા ક્લાસ સામે મને કહ્યું હતું કે મારાં અક્ષર મચ્છર ઉડતાં હોય એવાં દેખાય છે. એ પછી તમે નહોતું કહ્યું પણ મેં મારી જાતે જ કોપી રાઈટિંગ કરવું શરુ કર્યું, ગુજરાતી ,ઈંગ્લીશ બંને ભાષામાં. હવે તો ડિજીટલ યુગ છે ,અક્ષરો કોઈના ચારિત્ર્યનું મૂલ્યાંકન કરે એવી વ્યાખ્યા જ ઉડી ગઈ છે છતાં મને મારાં અક્ષરો જોઇને તમે સદા યાદ આવો છો. યેસ, હું કેમ ન કહું ? હું અભિમાન સાથે કહું છું કે મારાં અક્ષર બહુ સુંદર છે જેની પાછળ કારણરુપ તમે ,મિસ તમે ને તમે જ કારણરુપ છો.
જો કે મેં અક્ષર સુધાર્યા છતાં હું ક્યારેય તમારાં ફેવરીટ વિદ્યાર્થીઓનાં લિસ્ટમાં ક્યારેય નહોતી એ મને ખબર છે. કોઈક એવી વાત તો બની જ જતી કે તમે નારાજ થઇ જતા.

ક્લાસમાંથી એક વિશાળકાય ઝાડ દેખાતું. એની ઉંચાઈ આપણાં ચોથા માળે આવેલાં ક્લાસ સુધી પહોંચતી . એક વાર એમ જ ઝાડ સામે તાકવા માટે તમે ભારે ગુસ્સે થઇ ગયેલા ને કહેલું : “કેમ બહાર કોઈ રાહ જોઈ રહ્યું છે? ધ્યાન ક્યાં છે ? ” પાછળથી એક ટીખળીખોર બટકબોલી બોલેલી : બિંદીયા ચમકેગી….. અને આખો ક્લાસ ખડખડાટ હસતો રહ્યો ને તમે મને ક્લાસ બહાર ઉભાં રહેવાની શિક્ષા કરી હતી. ત્યારે તો મેં સાચી વાત કહેવાનો પ્રયત્ન પણ નહોતો કર્યો , મને ખબર હતી કોઈ માનશે જ નહીં. સાચી વાત હતી કે તે દિવસે તમે ક્લાસ વર્કમાં આત્મકથા લેખનની ચર્ચા કરેલી , જૂની ચપ્પલની આત્મકથા , કચડાયેલા ફૂલની આત્મકથા , ફાટેલાં પુસ્તકની આત્મકથા …. તે વખતે હું વિચારી રહી હતી ગુજરાત મિત્રની રવિવારની પૂર્તિમાં છપાયેલાં સંગીતકાર જયકિશનની મુલાકાતના અંશ. અને મને થયું એ વાત આત્મકથા વિષે લખાઈ શકે તો કઈ રીતે લખાય ? મને દુઃખ એ વાતનું જરૂર લાગ્યું કે મને બહાર ઊભાં રહેવું પડ્યું પણ જયારે હોમ વર્કમાં મેં જયારે એક સંગીતકારની આત્મકથા લખી ને તમે કશુંક જુદું કરવા બદલ મને શાબાશી આપેલી ત્યારે હું બધી કડવાશ ભૂલી ગયેલી . પણ તમે કહેલું છાપાં ભારે ગમતાં લાગે છે , જો આટલાં રસથી અભ્યાસ કરશો તો જિંદગીમાં કંઇક બની શકશો….

તે સમય હતો ઓટોગ્રાફ લેવાનો. બધી છોકરીઓ પાસે નાની નાની ઓટોગ્રાફ બૂક રહેતી . જેમાં ફ્રેન્ડઝ થી લઇ ટીચર્સ અને મહાનુભાવો મળી જાય તો એમનાં ઓટોગ્રાફ લેવાનો શિરસ્તો હતો. મારી સાથે ભણતી કેટલી મિત્રો પાસે એ ઓટોગ્રાફ બુક હજી છે એ વિષે હું તો શું કહી શકું ? પણ મારી પાસે એ હજી એ જળવાયેલી છે કારણ કે મેં એમાં જે મળ્યાં તે બધાનાં ઓટોગ્રાફ લેવાને બદલે મને ગમતાં , બહુ ગમતાં લોકોનાં જ ઓટોગ્રાફ લીધા હતા. જે લોકોનું મૂલ્ય ત્યારે પણ મારા માટે ઘણું હતું અને આજે પણ અમૂલ્ય છે. એમાં તમે માત્ર ઓટોગ્રાફથી વાત નહોતી પતાવી નાખી, તમે તમારી સહી કરતાં પહેલાં બે લાઈન લખી છે અને એક નાની નોંધ પણ :

જીવન મઝધારમાં નૈયા મારી હાલકડોલક થાય જો…
શ્રદ્ધાકેરો દીપક મારો ન કદી હોલ્વાજો …..

મેં તો તમને નીતિ શાસ્ત્ર શીખવ્યું છે ને ..

મિસ , ક્યારેક લાગે છે તમે શીખવેલું નીતિશાશ્ત્ર યાદ ન રાખ્યું હોત તો જિંદગીમાં જે હાંસલ કર્યું તેથી કંઈ ગણું અધિક હાંસલ કરવાની લલચામણી તકો આવી હતી , પણ જો એ રોકડી કરી લીધી હોત તો આવું નિર્ભાર જીવન ખરેખર ન મળતે. ટીચર તરીકે તમે મને ઘણીવાર બહુ કઠોર પણ લાગ્યા છો, તમને ખરેખર એનો ખ્યાલ પણ નહીં હોય પણ હવે ફક્ત એટલું જ જણાવવાનું કે આજકાલ ટીવી પર ચાલતી સિરીઅલ મહારાણા પ્રતાપ જોતાં રાણા પ્રતાપના ગુરુ રાઘવેન્દ્રજી ને જોઇને ક્યારેક ( હમેશ નહીં, ક્યારેક ) તમે યાદ આવી જાવ છો.

લિ .તમારી હમેશની ઋણી એવી

….

Advertisements

1 thought on “Thank u Dear Teacher”

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

w

Connecting to %s