Mann Woman

રેશમી મોજાંની પાંચશેરી : એ તો જેને વાગે એ જ જાણે!

20130910-133958.jpg

આનંદ અને દિશા એટલે પરફેક્ટ કપલ. પંદર વર્ષનું લગ્નજીવન. તેર વર્ષની દીકરી રિયા. આનંદ મલ્ટિનેશનલ કંપનીમાં સારી પોસ્ટ પર. દિશા ગૃહિણી. રિયા સ્કૂલમાં ભણે, એમ કહો કેટલાં વર્ષ બાકી તે ગણે, કારણ કે વધુ અભ્યાસ માટે વિદેશ જવાનાં, ત્યાં જ સેટલ થવાનાં સપનાં દિશાએ રિયા નાની હતી ત્યારથી જ વાવી દીધેલાં.

ત્રણ વ્યક્તિઓના આ કલ્લોલતાં કુટુંબને કોની નજર લાગી તે ખબર ન પડી. એક દિવસ આનંદ અને દિશાએ ડિવોર્સ લેવાનો નિર્ણય કર્યો. સગાંસંબંધી, મિત્રો, ઓળખીતાં-પાળખીતાં સૌ સ્તબ્ધ.

આનંદને પોતાની સક્સેસફુલ કરિયરનું અભિમાન તો પહેલેથી જ હતું. હશે કંઈક લફરું, બિચારી દિશા… સૌને મોઢે આ પહેલો સંવાદ. દિશાની તો કોઈ ભૂલ જ ન હોઈ શકે, કારણ કે એ તો ર્વિંકગ વુમન પણ નહોતી. આનંદ આખી વાત પર ચૂપ. થોડા સમય પછી, છ મહિનાના સેપરેશન પછી કાઉન્સેલિંગનો સમય આવ્યો ત્યારે રાઝ ખૂલ્યો, ડિવોર્સ આનંદને નહીં, દિશાને ખપતા હતા. આનંદ તો આ આઘાતથી જ એટલો તૂટી ગયેલો કે એક સ્થિતિ એવી આવી ગયેલી કે નોકરીમાંથી પાણીચું મળી જતું!

પણ દિશાને એવું તો શું નડી ગયું કે પંદર વર્ષના લગ્નજીવન પછી આ રીતે ડિવોર્સ લેવા પડે? એ જ સૌથી મોટો આશ્ચર્યજનક પ્રશ્ન હતો.

આજકાલ સામાન્ય રીતે લોકોની સહાનુભૂતિથી લઈ કોર્ટના કાયદાઓ પણ સ્ત્રીની જ તરફેણ વધુ કરે છે. એ પછી સાચી હોય કે ખોટી, એવું જ અહીં થયું હતું. પતિનો તગડો પગાર મનફાવે તેમ ઉડાડતી દિશાને આનંદે વારંવાર ટોકવી પડતી. રિટાયરમેન્ટ પછી ચોક્કસ લાઇફસ્ટાઇલ રાખવી હોય ને રિયાને વિદેશમાં ભણાવવાનાં સપનાં પૂરાં કરવાં હોય તો થોડી બાંધી મુઠ્ઠી રાખવી પડે. પતિની માત્ર એટલી અરજ દિશાને મંજૂર નહોતી. એ વાત માત્ર અરજ જ ને દિશા બેફામ બનતી ગઈ.

આનંદ તો ઊંઘતો રહ્યો અને આનંદના જ એક તાલેવંત વિધુર મિત્ર સાથે દિશાએ ચોકઠું ગોઠવી દીધું. જો કોઈ આ વાતને ‘પ્રેમ’ કહે તો એ એક અપશબ્દ લેખાય, કારણ કે આ સંબંધ દિશાએ માત્ર ને માત્ર પોતાના અમન-ચમન અને ઐયાશી માટે જાણીજોઈને વિકસાવ્યો હતો.

એક સાંજે દિશા ઘરની ચાવી સાથે ચિઠ્ઠી મૂકીને ફિલ્મી ઢબે ભાગી ગઈ. હવે આ સમસ્યાનો એક જ ઉકેલ હતો ડિવોર્સ.

આવા કેટકેટલાય કેસ રોજેરોજ ફેમિલી કોર્ટમાં આવે છે. પોલીસ, કોર્ટ, સમાજ, નારીવાદી સંગઠનો બધાંને લાગે છે કે હંમેશાં વાંક પુરુષનો જ હોય છે ને સ્ત્રી તો બિચારી રાંક જ હોય છે. જે વાત સત્યથી એટલી બધી વેગળી છે તે આવનાર વર્ષોમાં સમાજે સમજવાની છે.

આવા કિસ્સા જ્યારે નજર સામે બને ત્યારે એમ થાય કે આખરે સ્ત્રીને જોઈએ છે શું?
પુરુષ હંમેશાં પોતાની દૃષ્ટિએ સ્ત્રીને જુએ છે ને સ્ત્રી પોતાની દૃષ્ટિએ પુરુષને.

ફેસબુક હોય, વોટ્સએપ હોય કે વર્ષો પૂર્વે થતાં હસાયરા-મુશાયરા, જોક્સનો કેન્દ્રવર્તી વિચાર સ્ત્રી જ હોય છે. સ્ત્રીની સ્ત્રીઓએ નહીં, પુરુષોએ વધુ પડતી સરાહના કરી છે. સાહિત્યકાર, વિદ્વાનોએ સ્ત્રીઓની જે વ્યાખ્યા બાંધી છે તે પ્રમાણે અને કુદરતની રચના પ્રમાણે સ્ત્રી ખરેખર શક્તિનું પ્રતીક છે, તો એ શક્તિ આ કળિયુગમાં આસુરી કેમ થઈ રહી છે?

જે સ્ત્રી એક દીકરી તરીકે જન્મે, પત્ની તરીકે, મા તરીકે પુરુષના પડછાયા તરીકે ઊભી રહે (આ સામાન્ય સ્થિતિની વાત છે, અપવાદરૂપ નહીં) તે સ્ત્રી ખરેખર પિતાથી, પતિથી, સંતાનોની શેહમાં જિંદગીભર હોય છે? વર્ષો પૂર્વે કદાચ આ પ્રશ્નનો ઉત્તર હકારમાં હશે, પણ હવે નહીં.

બાયોલોજી એટલે કે જીવનશાસ્ત્ર, ન્યુરોલોજી એટલે કે મગજનું વિજ્ઞાન, માનસશાસ્ત્ર તમામ સ્ત્રી-પુરુષને ઉત્તર-દક્ષિણ ધ્રુવ પર મૂકે છે. એમ કહેવાય છે ઓપોઝિટ એટ્રેક્ટ્સ એ જ કારણ છે સ્ત્રી-પુરુષ વચ્ચેના કુદરતી આકર્ષણનું. એ આકર્ષણને લગ્ન પછી બરકરાર રાખવાના પ્રયત્નો બંને પક્ષે જરૂરી છે, પરંતુ વિદ્વાન લેખકો, સાહિત્યકારો ને નારી મુક્તિવાદીઓ માને છે તે પ્રમાણે આ બધી જહેમત માત્ર પુરુષે જ કરવી જોઈએ. પત્નીને સતત મહત્ત્વ આપવાની, પ્રેમ કરવાની, અધિકારો આપવાની વાત બિલકુલ યોગ્ય અને માન્ય, પણ એનો અર્થ એવો ખરો કે પુરુષે આત્મસમર્પણના નામે પોતાની મિલકતથી લઈ સ્વતંત્રતા સુધ્ધાં સ્ત્રીને લખી આપવી પડે?

સૌથી મહત્ત્વની વાત છે સ્ત્રીનો મૂળભૂત સ્વભાવ સમજવાની. દરેક સ્ત્રી ઓછેવત્તે અંશે પોતાનું આધિપત્ય જમાવવા ઇચ્છતી જ હોય છે. એ સત્તા ને ખેંચાખેંચની ટકાવારી સ્ત્રીના વ્યક્તિત્વ પર આધારિત હોય છે.

લગ્ન શું થયાં, પત્નીને ગમે એ જ કપડાં પહેરવાં, એ કહે એ જ રીતે કાર્યક્રમો ઘડવા એવા વણલખ્યાં નિયમોને મોટાભાગના પુરુષો અનુસરે છે, (હા, અપવાદ પણ હશે). વાત માત્ર કપડાં કે વ્યવહારની ન રહેતાં ઘરના મહત્ત્વના નિર્ણયો, આર્થિક રોકાણો ને રાચરચીલાંની કે ટીવી, કારની પસંદગી સુધી પહોંચે છે.

‘સુખી થવું હોય તો હામાં હા કરી દેવી.’ આ મંત્ર ઘણા પુરુષો વિના કોઈ હિચકિચાટ સ્વીકારી પણ લે છે. કારણ? કારણ કે તેમને લાગે છે કે એ જ સુખી સંસારની ચાવી છે, પરંતુ ખરેખર તો ભૂલ ત્યાં જ થાય છે.

વિક્ટર હ્યુગોએ આ વિષે અદ્ભુત અવલોકન ટાંક્યું છે. એમણે કહેલું કે સ્ત્રીનો મૂળભૂત સ્વભાવ જ દરગુજર કરવાનો છે. ગમે તેટલી પ્રતિભાશાળી સ્ત્રી મનોમન ઇચ્છે છે કે તે કોઈને સર્મિપત રહે. નારીવાદીઓ આ વિધાન સાથે કદાચ સહમત નહીં થાય, પણ આ વાસ્તવિકતા છે, કારણ કે એ સહજ પણ છે ને કુદરતી પણ એટલે કે અઢળક પ્રેમ સાથે થોડી ઘણી જરૂર સખ્તાઈ પણ માન્ય.

આ અઢળક પ્રેમ જરૂર પડે સખ્તાઈનું પરિણામ શું આવે?
હા, એ જ લગ્નની ગોલ્ડન જ્યુબિલી.

છેલ્લે છેલ્લે :
પ્રેમ જરૂર કરો, પણ તમારાં હથિયાર ન વેચી મારતા.
– પાઉલો કોએલો

Advertisements

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

w

Connecting to %s