Mann Woman

ભગવાન આવી ક્રૂર જોક કેમ કરતાં હશે?

20130928-193056.jpg

એક નામાંકિત કંપનીમાં સિનિયર એક્ઝિક્યુટિવ પોસ્ટની વરણી માટે ઇન્ટરવ્યૂ ચાલી રહ્યા હતા. આજની તારીખે મોટી મેનેજરિઅલ પોસ્ટ પર સ્ત્રીઓ હોય કે પુરુષ કોઈ ફરક સામાન્ય સંજોગોમાં પડતો નથી, પરંતુ કોઈક કામ એવાં હોય છે જ્યાં ખરેખર સ્ત્રીઓની હાજરી વિચિત્ર સિચ્યુએશન ઊભી કરી દે છે. આ કંપની હતી એક વિશાળ નેટવર્ક ધરાવતી ટ્રાન્સપોર્ટ કંપની. લગભગ સાડા સાતસો ટ્રકનો કાફલો અને જબ્બર નેટવર્ક ધરાવતી, એટલે મેનેજમેન્ટનો આગ્રહ થોડો એવો ખરો કે સિનિયર કે જુનિયર લેવલ પર સ્ત્રી ઉમેદવાર કરતાં પુરુષને વધુ પ્રાધાન્ય આપવું, કારણ કે કંપનીનાં ઓપરેશન્સ ૨૪ કલાક ને સાતે દિવસ ચાલે છે અને આ ચોક્કસ પોસ્ટ તો એવી હતી કે તેમને ટ્રક્સના ડ્રાઈવરો સાથે પણ ડીલ કરવાનું રહેશે તો પછી સ્ત્રી ઉમેદવારના ઇન્ટરવ્યૂ કરવાનો પણ અર્થ શું?

મેનેજમેન્ટ સમક્ષ તે જ વખતે એક ઉમેદવાર હાજર થઈ. ચૂડીદાર – કુરતામાં સજ્જ, વાળ સરસ રીતે સેટ કરેલા, આછો મેકઅપ.
“સોરી બહેન, પણ અમે આ જગ્યા માટે બહેનોને નથી લેતાં…” મેનેજમેન્ટમાંના એક સભ્યે નમ્રતાપૂર્વક કહ્યું.

” હા, પણ મારો ઇન્ટરવ્યૂ લો તો ખરાં…”
પેલી મહિલા બોલી. નખશિખ મહિલા દેખાતી આ બાનુનો અવાજ તો જાણે મર્દાના. કોઈ પુરુષ બોલતો હોય તેવો.

ખરેખર વેલ-ક્વોલિફાઈડ, અનુભવી, બધી જ રીતે પોસ્ટ માટે યોગ્ય એવા આ ઉમેદવારને નોકરીએ રાખવી કે નહીં એ પ્રશ્ન મેનેજમેન્ટને માટે શિરદર્દ થઈ ગયો.

કારણ હતું એક જ કે એ સ્ત્રીના લિબાશમાં પુરુષ હતો, પરંતુ સંપૂર્ણ પુરુષ પણ નહીં. લિંગ પરિવર્તનની પ્રક્રિયામાંથી પસાર થઈ રહેલો પુરુષ જે થોડા સમયની હોર્મોનલ થેરાપી અને ઓપરેશન પછી સંપૂર્ણપણે સ્ત્રી બની જશે તેવી આશા રાખતો પુરુષ. નવીનવાઈની વાત લાગે એવું તો આ કંઈ છે નહીં, કારણ કે હવે તો ગુજરાતી ફિલ્મોમાં પણ આવી ‘બોબી ડાર્લિંગ’ આવી ગઈ છે.

જ્યારે કુદરત ક્યારેક ભૂલ કરી બેસે ત્યારે આવા જીવો બિચારાં ખરેખર ફસાઈ જાય છે. એટલે કે સ્ત્રીનું શરીર, પુરુષની વૃત્તિ. કે પછી પુરુષનું શરીર અને અંદર રહેલો સ્ત્રીનો જીવ. આ વાત તો માનવજાતના અસ્તિત્વથી થતી રહી છે, પરંતુ ક્યારેય જાહેર નહોતી થતી. હવે આધુનિક વિજ્ઞાને માણસને પોતાની શારીરિક કારાવાસની મુક્તિ માટેનો માર્ગ મોકળો કરી જ આપ્યો છે તો શા માટે ન જોઈતા ખોળિયામાં તડપ્યા કરવું એ ન્યાયે લિંગ પરિવર્તનના કિસ્સા ભારતમાં પણ વધવા લાગ્યા છે.

તાજેતરમાં જ વડોદરાના એક યુવકનો કિસ્સો ચમક્યો હતો. જે બે વર્ષથી શહેરની એક હોસ્પિટલમાં ધક્કા ખાઈ રહ્યો હતો કે જેથી તે યુવતી હોવાનો સત્તાવાર દરજ્જો ભોગવી શકે. અખબારી અહેવાલો પ્રમાણે હોસ્પિટલના તબીબોએ પણ સ્વીકારેલું કે આ યુવક સ્ત્રી તરીકેનાં તમામ લક્ષણો ધરાવે છે છતાં હોસ્પિટલના સત્તાધીશો તેના લિંગ પરિવર્તન માટે હિચકિચાટ અનુભવી રહ્યા હતા. એ યુવકે એવી ભાળ કાઢી લીધેલી કે ૨૦૦૫ની સાલમાં આ હોસ્પિટલમાં લિંગ પરિવર્તનનું ઓપરેશન પાર પડયું હતું. એટલે હોસ્પિટલના મેનેજમેન્ટે મનોચિકિત્સક માટે કાઉન્સેલિંગ અને ડિપ્રેશનની સારવાર અપાવી. સતત છ મહિનાના કાઉન્સેલિંગ પછી બોડી સ્કેનિંગ રિપોર્ટમાં લાગ્યું કે તેના શરીરમાં પુરુષ અને મહિલાના સરખા જીન્સ છે. હવે કામ શરૂ થતું હતું પ્લાસ્ટિક સર્જ્યન, યુરોલોજિસ્ટનું. ૨૦૧૦માં ઓપરેશનની તૈયારીઓ પણ થઈ છતાં હજી આ યુવકનું યુવતીમાં પરિવર્તન નથી થતું. હા, એ વાત જુદી છે કે એ યુવકના વેશ-પરિધાન, મેનરિઝમ, નામ, આઈડી સ્ત્રીના નામનાં છે. હવે આગળ શું થાય તે જોવાનું છે પણ વાત કેટલી વિચિત્ર છે.

જ્યારે માણસને એક તરફ કુદરત ખેંચે છે ને બીજી તરફ સમાજ ત્યારે તેની શારીરિક, માનસિક અને ભાવનાત્મક સ્થિતિ શું હોઈ શકે તેનો અંદાજ પણ લગાવી શકાય છે?

પહેલી નજરે સામાજિક ઉપહાસનો ભોગ બનતી આ પરિસ્થિતિ જેટલી નાજુક છે એટલી ભાવાત્મક પણ છે. આ લોકો પર હસતાં, તેમને ઠઠ્ઠાનું સાધન બનાવતાં લોકો કેટલાં ક્રૂર અને મૂર્ખ હોય છે તેનું તેમને ભાન જ નથી, કારણ કે આ પુરુષ કે સ્ત્રીના દેહમાં ટ્રેપ થયેલો જીવ પોતાની મરજીથી આ પરિસ્થિતિનો ભોગ બન્યો હોતો નથી.

થોડાં વર્ષો પહેલાં આવી જ એક યુવતીને મળવાનું બનતું. બોયકટ હેર, પરિધાન પણ ખાસ્સાં બોયીશ, એકદમ યુવાન છતાં સૌંદર્ય પ્રસાધન સામે ચીડ, વોચ પણ પુરુષ જેવી, પરફ્યૂમ પુરુષનાં, સનગ્લાસીસથી લઈ હાથરૂમાલ પણ પુરુષના. હુલામણું નામઃ ભાઈ. પહેલાં એવું લાગેલું કે બે બહેનો પછી છોકરાની આશામાં આ ત્રીજા નંબરની દીકરી જન્મી એટલે મા બાપે છોકરા તરીકે કરેલો ઉછેર આ બધાં માટે જવાબદાર હશે પણ વીસ વર્ષ સુધીમાં તો પિક્ચર ક્લિયર થઈ ગયું.

શારીરિક રીતે પણ એસ્ટ્રોજનને બદલે ટેસ્ટોસ્ટેરોનનું પ્રમાણ વધુ લાગવા લાગ્યું. છોકરીઓને કોઈ ને કોઈ છોકરો મનોમન ગમવા માંડે તેવી ઉંમરમાં ‘ભાઈ’ને છોકરી જ ગમવા માંડતી. પોતાના જ ગ્રૂપની એક છોકરી પર જીવ આવી ગયેલો પણ કહે તો કહે કેવી રીતે? એ તો ઘણી લાંબી પ્રેમકહાણી, પ્રેમત્રિકોણ પાર પાડયા પછી ‘ભાઈ’ પેલી છોકરીને પોતાના મનની વાત જણાવી શક્યા. ખરી સમસ્યા હવે શરૂ થઈ. બંનેએ વિચાર્યું કે ભાઈ લિંગ પરિવર્તન કરાવી છોકરો બને અને તો લગ્ન કરી સેટલ થવાય.

આ આખી કરમકહાણી સાપેક્ષભાવે જોઈ છે. એ માટે થતી સાઇકોલોજિકલ ટ્રીટમેન્ટ, હોર્મોન્સ થેરાપી, ઓપરેશન્સ. જો કોઈ એમ માને કે વિજ્ઞાને આ બધી શોધ કરી બધી સીમાઓ તોડી નાંખી છે તો એ પણ મોટી ભૂલ છે.

લાંબી હોર્મોનલ થેરાપી પછી આ યુવતીને દાઢી, મૂછ તો આવવા શરૂ થયા પણ ઓપરેશન જે રીતે સફળ થવું જોઈએ તે ન થઈ શક્યું. કરુણતાની ચરમસીમા કોને કહેવાય તેનો ઉત્તર આ ‘બૃહનલ્લા’ને જોતાં મળતો. આજે પરિસ્થિતિ એવી છે કે આ યુવતી ન સ્ત્રી છે, ન પુરુષ. ટ્રીટમેન્ટની સફળતા, નિષ્ફળતાનાં ઝોલાં ચાલતાં હતાં ત્યારે જેને પરણવાના ઉધામામાં આ બધું કર્યું તે સખીએ વિદેશી મુરતિયાને પરણી જવામાં શાણપણ સમજ્યું છે. એટલે હવે પુરુષ બનવાના ધ્યેય પાછળની પ્રેરણા જ નથી. દાઢી-મૂછ આવે છે એટલે પુરુષ જેવા વસ્ત્ર પરિધાનમાં તો વાંધો નથી પણ મસલ્સ કે અવાજ હજી કેળવાયા નથી. ચહેરાની કુમાશ હજી સ્ત્રીસહજ છે. એટલે કે ચોકલેટી હીરો જાણે.

સૌથી મોટી વિષમતા છે – આઈડેન્ટિટી ક્રાઈસીસ. પોતે સ્ત્રી છે કે પુરુષ એ પોતાને જ ન સમજાય તો આખું જીવતર જીવવું કઈ રીતે?

છે કોઈ જવાબ?
છેલ્લે છેલ્લે :
એમાં કોઈ શક નથી કે સ્ત્રીઓ થોડી પાગલ હોય છે. સવાલ માત્ર ડિગ્રીનો છે.
– ડબલ્યુ સી.ફિલ્ડઝ

Advertisements

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

w

Connecting to %s