Mann Woman

મારે શું પંચાત!

20131001-092424.jpg

નંદિતા ને સંદીપ ફેસબુક ફ્રેન્ડઝ બન્યાં. એ પછી ધીરે ધીરે ચેટિંગની શરૂઆત થઈ. નંદિતા રહે સુરત. સંદીપ રહે કલકત્તા. નંદિતા ને સંદીપ વચ્ચે સામ્યતા એટલી કે બંનેનો ધર્મ વૈષ્ણવ, પણ સંદીપ મારવાડી કુટુંબનું ફરજંદ. એક-દોઢ વર્ષનો પરિચય પરિણયમાં પરિણમ્યો એટલે બેઉ કુટુંબ મળ્યાં.

નંદિતાનું ઘર સંસ્કારી, નંદિતા પોતે ગ્રેજ્યુએટ થઈ ગયેલી. સંદીપનું કુટુંબ પણ શ્રીમંત,સંદીપ પણ સારું ભણીગણીને ફેમિલી બિઝનેસમાં જોડાઈ ગયેલો. બંને કુટુંબોને થયું કે સંબંધ જોડવામાં કોઈ વાંધો નથી એટલે સગાઈ થઈ ને ચાર મહિનામાં લગ્ન લઈ લીધાં.

લગ્ન પછી નંદિતા સાસરવાસી થઈ. કલકત્તા જેવું શહેર અને મારવાડી કુટુંબની વહુ. લોકો બહુ સારાં, કામ-કાજ માટે રસોયા, નોકર-ચાકરનો કાફલો, સાસરિયાંની પણ વિના કોઈ કારણ ઝાઝી લપ નહીં. તોય સમસ્યા તો ખરી જ. એ વળી શું?

તો એ સમસ્યા એવી કે સમય જ પસાર ન થાય.
કલકત્તા જેવા શહેરમાં ન કોઈ સગાં-સંબંધી, ન મિત્રો, જ્યારે મન થાય કે મોપેડ લઈને બહાર નીકળી પડવાની આઝાદી નહીં. સંદીપ તો સવારે સવા નવના ટકોરે નાસ્તાપાણી પતાવી નીકળે તે આવે સાંજે સાતે. બપોરના લંચ માટે પણ ટિફિન મોકલી દેવાનાં. સાસુ સ્વભાવે ભલાં, પણ આખો દિવસ કંઈ જપમાળા કરે કે પછી નોટબુકમાં કંઈ મંત્ર લખે જાય. નણંદ તો હતી નહીં, દૂરનાં કાકાજી, કાકીજી એવું બધું ગણો તો પોદાર ફેમિલીમાં કાફલો પંચોતેર પર પહોંચે પણ ઘરમાં વસ્તી જ નહીં.

લગ્નનો થોડો સમય તો નીકળી ગયો. વારે વારે વોટસએપ મેસેજીસ, સ્કાઈપ પર બહેનપણીઓ સાથે વાત કરવાની મથામણમાં, પણ બધાં થોડાં નંદિતા જેટલાં નવરાં હોય. પુસ્તકો વાંચવાનો આયામ કર્યો, જિમમાં જવાનું શરૂ કર્યું.

સમય વીતતો ગયો. લગ્નને લગભગ વર્ષ જેવું થઈ ગયું. એક વર્ષના લગ્નજીવનમાં તો જાણે શું નું શું થઈ ગયું. વાચાળ, વાતે વાતે હસી પડતી, પતંગિયાની જેમ ઉડાઉડ કરતી નંદિતા જાણે માછલીઘરમાં અકાળે વૃદ્ધ થઈ ગયેલી માછલી જેવી થઈ ગઈ.

સંદીપ પણ આખી પરિસ્થિતિથી નાખુશ. અરે! રોજ કંઈ લોકો બહાર ફરવા, ભટકવા જાય ખરાં? આવું કંઈ ચાલે? એ એનું લોજિક.

“બાળક થઈ જાયને તો આ બધાંનું સમાધાન એક ઘડીમાં થઈ જાય…” સાસુજીનું એકદમ સરળતમ લોજિક.

નંદિતા પણ ચોવીસની થયેલી, સંદીપ છવ્વીસનો, આર્થિક રીતે, સામાજિક રીતે બધું જ સેટ તો બાળક લાવવામાં શું કામ વિલંબ કરવો? એવો વિચાર નંદિતાને જ આવેલો.

ફેમિલી પ્લાનિંગ તો પહેલાં પણ વિચાર્યું નહોતું પણ હવે બાળક આવી જાય તો સારું એવી ભાવના બળવત્તર થતી ચાલી. બીજુ વર્ષ વીત્યું, નંદિતાને પ્રેગ્નન્સી રહેતી જ નહોતી. એક પછી બીજા ડોક્ટરોના ધક્કા, ખ્યાલ આવ્યો કે આમ તો બધાં રિપોર્ટ નોર્મલ છે પણ ગર્ભ રહે જ નહીં તે માટે જો કોઈ કારણ હોઈ શકે તો તે હોર્મોનલ હોવું જોઈએ.

હોર્મોનલ ટેસ્ટમાં ખ્યાલ આવ્યો કે પ્રોજેસ્ટેરોન લેવલ ખૂબ ઓછું છે. હોર્મોનલ થેરાપીથી એ સરખું થઈ જાય તો ખાસ વાંધો ન આવે. એ ટ્રીટમેન્ટ તો શરૂ થાય તે પૂર્વે નંદિતાએ પોતાના આ હોર્મોન પ્રકરણે અભ્યાસ આદરી દીધો અને એના આશ્ચર્યજનક ઉત્તર પણ મળવા લાગ્યા.

એક તરફ હોર્મોન થેરાપી શરૂ જ થવાની હતી તે પૂર્વે નંદિતાએ સોસાયટીમાં પાડોશી મિત્રોની થતી કિટ્ટી પાર્ટીમાં શામેલ થવાનું નક્કી કર્યું.

શહેર ભલે અજાણ્યું હતું પણ સોસાયટીની મોટાભાગની સ્ત્રીઓ હિંદી, અંગ્રેજીમાં જ બોલતી હતી. કોઈનું પિયર મુંબઈ હતું તો કોઈનું કોચીન. ગુજરાતી ખરી પણ ગુજરાતની નહોતી. એમાંની થોડી કિટ્ટીઓએ નંદિતાના સુઝાવથી જિમ પણ જોઈન કર્યું.

સાસરિયાંની મર્યાદા ચૂક્યા વિના નંદિતાએ ખુશ રહેવાનો, વ્યસ્ત રહેવાનો આયામ શરૂ કર્યો. આખી વાતથી સૌથી વધુ આશ્ચર્ય સંદીપને થતું. કારણ કંઈ સમજાતું નહીં પણ ઘરે આવતાં નંદિતાના સોગિયા મોઢા ને ઘરની વાતોને બદલે હવે સોસાયટીમાં કોણે નવી કાર લીધી ને કોના છોકરાં વિદેશ કઈ યુનિર્વિસટીમાં ભણવા જવાનાં છે તે વાતોએ લઈ લીધું.

હોર્મોન થેરાપી તો શરૂ પણ થઈ, નંદિતા નોર્મલ રીતે પ્રેગ્નન્ટ પણ થઈ. ડિલિવરી પણ આવી ગઈ. બાળક નર્સરીમાં જાય તે ઘડીઓ ગણાઈ રહી છે પણ નંદિતા હવે પેલી મૂંગી-મંતર, ઓછાબોલી નંદિતા નથી. એ તો બે કિટ્ટી ગ્રૂપ સાથે, રોટરી સાથે સંકળાયેલી છે. સમાજ-સેવાને નામે હોસ્પિટલમાં ક્વચિત્ જઈ ફળ આપવાની કામગીરી પણ એ ગ્રૂપ કરે છે. હવે તમે પૂછશો કે આમાં રાઝની વાત શું છે?

રહસ્ય છે હોર્મોન્સમાં.
પેલી જાહેરખબર યાદ છેને. “દાગ અચ્છે હૈ…” એ જ રીતે કહી શકાય “થોડી ગોસિપ અચ્છી હૈ…તંદુરસ્તી કે લિયે…”

વાત ખરેખર સમજબહારની લાગે પણ વાસ્તવિકતા છે.
આધુનિક વિજ્ઞાને પુરવાર કર્યું છે કે સ્ત્રીઓની માનસિક અને શારીરિક તંદુરસ્તી માટે ગોસિપ એટલે કે પંચાત મેડિસિનનું કામ કરે છે. પુરુષોને હંમેશ એ વાતનું ભારે અચરજ રહે છે કે સ્ત્રીઓ પાસે વાતોનો સ્ટોક કેમ નહીં ખૂટી પડતો હોય? પણ આ આખી વાત કુદરતી છે. બ્રહ્માએ કદાચ સ્ત્રીનો પિંડ જ એવો ઘડયો છે કે આ પંચાતપ્રવૃત્તિ સ્ત્રીની ઓવરીઝ (અંડાશય?)માં ઉત્પન્ન થતાં હોર્મોન્સ પ્રોજેસ્ટેરોનનું લેવલ જાળવે છે. આ હોર્મોન ર્ફિટલિટી હોર્મોન છે, જેને કારણે સ્ત્રી ગર્ભ ધારણ કરી શકે. વૈજ્ઞાનિક પ્રયોગ તો એ પણ પુરવાર કરે છે કે આ હોર્મોન લેવલ ઘટવાથી સ્ત્રી માતૃત્વ તો ન ધારણ કરી શકે પરંતુ એનો આનંદી સ્વભાવ, લોકો સાથે હળવા-મળવાની વૃત્તિ પણ ગુમાવતી જાય છે. આ હોર્મોન્સ રોગપ્રતિકારક શક્તિ પણ આપે છે.

જો કોઈ વ્યક્તિ સાથે હળવા-મળવાની વૃત્તિ ન હોય, કોઈ પ્રકારનું બોન્ડિંગ પણ ન હોય તે લોકોની અંગત જિંદગી વિષે ભાગ્યે જ કંઈ કહેવાનું રહે. એટલું જ નહીં આ હોર્મોન બીજા હોર્મોનલ અસંતુલનને સ્થિરતા પણ આપવાનું નવી શોધો કહે છે. એટલે હવે તમારે આખા ગામની પંચાત કર્યા પછી “મારે શું પંચાત!” એવું કહી શરમ અનુભવી ઢાંકપિછોડા કરવાની જરૂર જ નથી. પંચાત આપણે નહીં કરીએ તો માંદા ન પડીએ??

છેલ્લે છેલ્લેઃ
બધાં કહે છે કે સૌથી સારો ટાઈમપાસ એટલે બેઝબોલ કે ક્રિકેટ, હું કહું છું ગોસિપ.

– એમા બોમ્બેક (અમેરિકન લેખિકા)

Advertisements

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

w

Connecting to %s