musafir hun yaaro

પર્બતો કે પેડો પર શામ કા બસેરા હો….

20131002-161613.jpg
“ડેલહાઉસી? ત્યાં જઈને કરશો શું ? ”

દર વર્ષે કુટુંબકબીલા અને મિત્રો સાથે વિદેશ કે પછી વારે તહેવારે મહાબળેશ્વર લોનાવાલા ઉપડી જતાં અમારા મિત્રે અમારો અમૃતસર ડેલહાઉસીનો કાર્ય્ક્રમ સાંભળીને મોઢું બગડતાં કહેલું .
એમનું કહેવું એક ચોક્કસ વર્ગ માટે બિલકુલ યથાયોગ્ય , નો શોપિંગ , નો હાયધૂસ, કોઈ પોઈન્ટ્સ જોવાનાં ચક્કર નહિ. બાળકો માટે ઘોડેસવારી જેવું ય કંઈ નહી … લો બોલો એને કોઈ રીતે વેકેશન ડેસ્ટીનેશન કહી શકાય ?

જો તમે આ જ માપદંડથી હિલ સ્ટેશનને માપતાં હોવ તો ડેલહાઉસી તમારે માટે એક્દમ અયોગ્ય જ . પણ તમારો ક્વોલિટી ટાઇમ દૂર દેખાતાં હિમાચ્છાદિત શિખરવાળાં પર્વતોને ચૂમતી સવારને સાંજને માણતાં કોફી પીવાનો હોય, કે પછી જંગલની કેડીઓ પર મોર્નિંગ વોક કરવામાં હોય તો ડેલહાઉસી છે તમારે માટે …

ટ્રીપ એડવાઈઝર પર હોટેલો શોધવાનું ભગીરથ કામ શરુ કર્યું. ભગીરથ એટલે કે ડેલહાઉસીની લગભગ મોટાભાગની હોટેલો બજારની કે ગામની વચોવચ … એમાં વળી ટુરિસ્ટોની જેન્યુઈન કમેન્ટ .. જે માનીએ તો થોડી હોટેલોના રુમ બજારફેસિંગ ને હોટેલનો પાછલો ભાગ પર્વતોવાળો વ્યુ ધરાવે … હવે કરવું શું?
એ બધી જફા એક વિશ્વસનીય મિત્ર પર નાખી અમે તો બેગ પેક કરી ફ્લાઈટ પકડી લીધી. મુંબઈ અમૃતસર . અમૃતસર બે દિવસનું રોકાણ ને ત્યાંથી બાય કાર ડેલહાઉસી .

હવે ગુગલ મેપની મિસ્ચીફ જુઓ . ચેક કર્યું તો અમૃતસરથી ડેલહાઉસીનું અંતર , લગભગ ૧૯૧ કિ.મી . અંદાજિત સમય ૩ કલાક ૪૫ મિનીટ . પોણાચારના કાકા , લે ને સાડા ચાર કલાક ગણ્યાં , બસ? પણ પંજાબ પસાર કરતાં જ સાડા ત્રણ કલાક થઇ ગયા ને પછી શરુ થયો હેરપીન બેન્ડનો સિલસિલો .
મળવા જવું હોય કે તેની આગોશમાં , હિમાલય એમ કંઇક રેઢો નથી પડ્યો . પૂરા સાત કલાકની મુસાફરી પછી ડેલહાઉસી પહોંચ્યા એટલે થાકીને ડૂચો થઇ ગયેલાં એવું તો હરગીઝ નહીં કારણ કે રસ્તામાં પંજાબની બોર્ડર પર આવેલાં રોડસાઈડ ધાબાના આલૂ મટર ને કડક તંદૂરી રોટી , દાલ તડકા ને પ્યાજ નિમ્બૂ માર કે પેટમાં પધરાવેલા એટલે એનર્જી લેવલ ફૂલ હતું. અને હા આખે રસ્તે ગોસિપનો સ્ટોક વણખૂટ્યો રહેલો એ પણ થાક ન લાગવાનું સજ્જડ કારણ કહી શકાય .

અને ફાઈનલી પહોંચ્યાં ડેલહાઉસી . બજારમાંથી પસાર થતાં જોયું કે મોટાં ભાગની હોટેલો બજારનાં હાર્દમાં છે. કોઈ બસ સ્ટેશનની બગલમાં તો કોઈ બસ સ્ટેશનની સામે, કોઈના રૂમ્સ ઓવર લુકિંગ બજાર વ્યુ. વાહ. મનમાં ઘડીભર પ્રાથર્ના સ્ફૂરી , આપણી હોટેલ આવી તો હરગીઝ ન હોજો .. ને ભગવાને પ્રાથર્ના માન્ય પણ રાખી…

ડેલહાઉસીથી ખજિયાર જવાને રસ્તે લગભગ મુખ્ય ગામથી ૮ કિ મી દૂર એવી આલા ગામની , સી લેવલથી ૭૫૦૦ ફીટ હાઇટ પર અમારી રિસોર્ટ આમોદ આલા ખરેખર હતી તો અલા ગ્રાંડ … એને જોઇને સાડા સાત કલાકની ડ્રાઈવની એક એક મિનિટ વસૂલ .
એ દિવસ તો ગયો અન્વાઇન્ડ થવામાં . બીજો દિવસ હતો ખજીયારને નામે.

20131002-163743.jpg
ખજિયાર માટે સાંભળ્યું તો ખૂબ હતું ને ફોટોગ્રાફમાં તો લાગે કે જાણે હિમાચલનું ઇન્ટરલાકેન . ઈન્ટરનેટ પર ખજિયાર સર્ચ કરશો તો એક વિશેષણ દર વખતે વાંચવા મળશે , ઇન્ડિયાનું સ્વિટઝરલેન્ડ … હિમાચલની ધૌલાધાર રેન્જમાં ચમ્બા ડીસ્ટ્રીકટમાં ડેલહાઉસીથી માત્ર ૨૪ કિ મી દૂર , ને અમારી હોટેલથી માંડ ૧૫ કિ મી દૂર . સી લેવલથી ૬૫૦૦ ફીટ ઉંચાઈ પર , ઉલ્કાએ સર્જેલા ક્રેટર જેવું બાઉલ આકારનું ખજિયાર તેના આગવા આકાર માટે જ જોણું છે . આખો વિસ્તાર કાલા ટોપ સેન્ચ્યુરીને નામે ઓળખાય છે પણ લગભગ ૨૧ કી મી ના પરિઘમાં પથરાયેલો ફ્લેટ લેન્ડ તે પણ આખો હરિયાળો , વચ્ચે નાનકડું એક સરોવર જે કહેવાય છે તો ખજિયાર લેક પણ અમે ગયા ત્યારે તેમાં પાણી નહિ બલકે કીચડનું સામ્રાજ્ય હતું .
આંખો ભરાઈ જાય એવું પીક્ચરસ પણ ખજીયારમાં રાત રોકાવું હોય તો કોઈ ખાસ સારી હોટેલો નથી. હિમાચલ ટુરિઝમના થોડાં સરકારી ટાઈપ અકોમોડેશન છે ખરાં , બે એક ગેસ્ટ હાઉસ પીડબ્લ્યુડીના છે. થોડી સસ્તી હોટેલો પણ આસપાસ જ , પણ વ્યુ કરોડ રૂપિયાનો તેમાં કોઈ શંકા નહીં. એક સ્વિસ શેલે જેવું કોટેજ એકલુંઅટુલું ઉભું છે . તેની બાંધણી જ તમને વિચારવા મજબૂર કરે કે અંગ્રેજના સમયનું જ હશે , ને છે પણ.. બંધ પડ્યું છે પણ સ્થાનિક લોકો મને છે કે એમાં ભૂત વસે છે . ભરબપોરે પણ તેની આસપાસ કોઈ ફરકતું નથી. જો કે આ થોડી ગપ્પાબાજી છે જેને સ્થાનિક લોકો બઢાવી ચઢાવી કહે છે કદાચ સ્પોટના માર્કેટિંગના ભાગરૂપે હોય શકે . વળી એક તરફ નાગ મંદિર પણ છે જેને ૧૦મી કે ૧૨મી સદીનું હોવાનો દાવો થાય છે . ખજ્જી નાગ જે નાગના અને સ્થાનિક લોકોના દેવ મનાય છે. અલબત્ત થતાં દાવા જેટલું જુનું મંદિર તેની બાંધણી પર થી લાગતું નથી.
ખજીયારમાં જો એકમેવ આકર્ષણ હોય તો તે છે લેન્ડસ્કેપિંગ બ્યુટી . ઢોળાવ પર ચારે બાજુ ઘટઘોર દેવદાર અને પાઇન વૃક્ષોનું સામ્રાજ્ય . વચ્ચે ક્યાંક ગ્રીન ઓક પાઇન પણ ખરાં . હરિયાળાં એવા આ સ્વર્ગમાં બે કલાક વીતે એટલે ભયોભયો. વળી ત્યાંથી વળાવવાનું કામ વરસાદે કર્યું. હવે વારો હતો ઘણાંના મોઢે બેસુમાર વખાણ પામેલા કાલા ટોપનો.

.

20131002-164054.jpg

20131002-164200.jpg
કાલા ટોપ વિષે સાંભળેલું પણ અમને ખબર જ નહોતી કે અમારો મુકામ જ કળા ટોપ અભયારણ્યની બોર્ડર પર છે . માત્ર બે કિ મી દૂર આવેલાં કાલા ટોપ જવા માટે કોઈ તૈયારી તો કરવાની નહોતી એટલે સવારે હોટેલની પાછળ જ પથરાયેલાં ગીચ વનમાં જંગલવોકનો . અમારો ગાઈડ હતો બાજુના જ ગામનો રહેવાસી , જે રોજ ચાર કિલોમીટર જંગલવોક કરી હોટેલ પર નોકરીએ આવતો.
તેની પાસે જાણવા મળ્યું કે દરરોજ જેમ આપણે ઓફીસ જવા ટ્રેન બસ કે ટેક્સી લઈએ તેમ અહીંના લોકો જંગલની શોર્ટ કટ ટ્રેઈલ લે છે. ખાસ કરીને સ્કૂલ જતાં વિદ્યાર્થીઓ . કામકાજે જતાં મહેનતકશ લોકો.
અમારા માટે એ ટ્રેઈલ સખત થકવી દેનારી તો નહોતી પણ સહેલી પણ નહોતી. સવા કલાકે જંગલમાં રઝળપાટ કરી થાક્યા ત્યારે ખબર પડી કે અમે તો પૂરું એક કિલો મીટર પણ ચાલ્યા નહોતા. રસ્તે પડેલા પાઈનકોન્સ અને અવનવા લગતાં પાંદડા એકઠાં કરવામાં સારો સમય ગયો હશે એવું લાગ્યું.
હોટેલ પર આવી ફ્રેશ થઈને સવારી ઉપડી કાલા ટોપ માટે. ઓહો, આ તો એ જ નઝારો જે અમારી હોટેલની રૂમમાંથી નિહાળતાં અમારી કોફીની ચૂસકીને રમ જેવી માદકતા આપી દેતો હતો. કદાચ એ પણ ઠોસ કારણ હોવું જોઈએ કે કાલા ટોપ અમનેએવું કંઈ હટ કે ન લાગ્યું.
બાકી હતું તેમ એક સમયે અંગ્રેજોનું માનીતું રહ્યું હશે એવી નિશાની જેવા થોડા કોટેજીસ અને કોઈક ન સમજાય, ન ગમે તેવી નિશબ્દતા. ચારે બાજુથી જાણે કોઈ વ્યુ વિનાનું પોઈન્ટ એટલે જ કહેવાતું હશે કાલાટોપ ?
ડેલહાઉસીમાં આ બે ફીચર્સ કાઢી નાખો તો પછી કેવું ગમે એનો આધાર તમારી હોટેલ અને કંપની પર રહે છે.

એ પછી વારો પડ્યો બજારનો. બેંગકોક જઈએ કે ટિમબક્ટુ પણ ગામની બજારમાં તો આંટો મારવો જ પડે ને. લોકલ ગાઈડને પૂછ્યું તો કહે તિબેટીયન બજારમાં શોપિંગ બઢિયા રહેગા. સુભાષ ચોક પાસે જ છે . સારું, ઉપડ્યા ત્યાં. આ તિબેટીયન માર્કેટ એટલે ૨૫ થી ૩૦ નાની નાની દુકાનો પતરાના શેડ ઊભાં કરીને બનાવી દેવાઈ છે. અને શોપિંગ માટે વિકલ્પનું વરાઈટીનું પૂછતાં હો તો એક જ વાક્યમાં મગજમાં પ્રકાશ થઇ જાય તેમ કહેવું પડે કે જે ચર્ચગેટ સ્ટેશનના સબવેમાં મળે તે બધું મળે … સમજી ગયા ?
તિબેટીયન માર્કેટે તો ભારે નિરાશ કર્યા પણ છતાં આશા અમર છે ને ન્યાયે આગળ વધ્યા. ડાબી બાજુ થોડી નજીવી લગભગ ૧૫ ફીટની ઉંચાઈ પર એક કલોનિઅલ મકાન , નામ હોટેલ મહેર . આ હોટેલ હિસ્ટોરિકલ લેખાય છે કારણ કે સુભાષ ચંદ્ર બોઝ જયારે ટીબીનો ભોગ બન્યાં હતાં ત્યારે છૂપાવા અહીં આવીને આ હોટેલમાં ઉતરેલાં . એટલું જ નહીં ત્યાંની એક ઝીલનું પાણી પીધેલું ને એક જ મહિનામાં ટીબીથી મુક્ત થઇ શકેલાં એવી બધી ઘણી કહાણીઓ સાંભળવા મળી . એક સજ્જને તો એ ઝિલનું પાણી અમારે પીવું એવો અનુરોધ પણ કર્યો હતો. પણ હવે મુંબઈ પાછાં ફરવાનું કાઉન્ટ ડાઉન શરુ થઇ ચુક્યું હતું એટલે નજર દુકાનો શોધી રહી હતી. પુરુષોએ ખુશ થવા જેવી વાત એ છે કે ડેલહાઉસીમાં શોપિંગ માટે કોઈ સ્કોપ જ નથી , પણ હા, હિમાચલ સરકારની એક માન્યતાપ્રાપ્ત દુકાન છે . અને ત્યાં જો ચડ્યાં તો ભલે ને મુંબઈ ગુજરાતમાં ભાગ્યે જ ઠંડી પડતી હોય પણ એસ્કિમો બનાય એટલાં ઉની શાલ , સ્ટોલ કે મફલર ખરીદાઈ જાય તો નવાઈ નહીં.
સામાનમાં વગર વિચારે ખરીદાયેલાં ઉની સરંજામ , લાકડાની અનુપમ કારીગીરીવાળી ચીજોની સાથે સમય આવી ગયો છે ડેલહાઉસીને બાય બાય કહેવાનો .

છેલ્લાં ૨૪ કલાકથી હળવે હળવે હોમસીક થઇ રહેલાં મનને એક ઝટકો લાગે છે . ઉની વસ્ત્રો, મધ, ચીજવસ્તુઓની જેમ કાશ આલાના સુર્યોદ્ય ને સુર્યાસ્ત બેગમાં પેક કરીને લઇ જઇ શકતે તો? એ ઠંડી, કરીસ્પ હવા ને એમાં ભળેલી વનરાજી ની સુગંધ , દૂર દેખાતી પીર પંજાલ રેન્જના હિમાચ્છાદિત શિખરો … એને કેવી રીતે ગુંજે ભરવા?
હા, અમે પણ એ જ જવાબ આપ્યો અમારા મન ને …
ગમતું ગુંજે ન ભરીયે , ગમતાંનો કરીએ ગુલાલ.

એક છેલ્લી નજર આ નઝારા પર નાખું છું ને જાણે એ બોલી ઉઠે છે:
ફિર મિલોગે કભી ઇસ બાત કા વાદા કર દો …
હમ સે એક ઓર મુલાકાત કા વાદા કર લો…

20131002-164432.jpg

Advertisements

2 thoughts on “પર્બતો કે પેડો પર શામ કા બસેરા હો….”

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

w

Connecting to %s