mann mogra

અજન્મા પુત્રીનો પત્ર

20131003-123146.jpg

વ્હાલી મા

તને સંબોધન કરીને આ અભિવ્યક્તિ તો વ્યક્ત કરું છું પણ મને ખબર છે કે એ તારા સુધી પહોંચે એ પહેલાં તો હું ઓપરેશન થિયેટરમાં રહેલી કિડની ટ્રે ભેગી થઇ ગઈ હોઈશ.
મા , તને મારું આ સંબોધન ખોટું તો નહીં લાગે ને ? મને ખબર છે તું કેવી પરિસ્થિતિમાંથી ગુજરી રહી હતી. મારાં જનમ માટે જવાબદાર પિતા જયારે રાત્રે તારા પેટ સામે જોઈ ઠંડી રોષભેર નજરથી તને વીંધી નાખતાં તેની ધાર મને પણ આરપાર સોંસરવી ઉતરી જતી.
સવાર પડે તે સાથે શરુ થઇ જતાં દાદીના વ્યંગ મને બરાબર સમજાતાં .
મને ખબર છે કે પપ્પા તેમના એકના એક દીકરા છે , જો બે બહેનો પછી ત્રીજીવાર પણ શેર માટી જ અવતરવાની હોય તો અત્યારથી જ વહેતી કરતી હોવાનાં તેમના અનુરોધ પાછળ સવા શેર માટીવાળા દીકરાની દાદી બનવાના કોડ જવાબદાર છે. દાદા તો આમ તો કંઈ બોલતાં નહોતાં , પણ એમનું મન પણ આવું જ કંઇક ઇચ્છતું હશે ને ? અને ફોઈ એ તો પોતે દીકરી છે પણ કાલે દાદીને કહેતાં હતા કે મેં તમને ચેતવ્યાં હતા કે આ ઘરની છોકરી ન લો, ભાઈઓ વિનાની બેનો, તપેલીનો સેટ જાણે, બે બેનો જ . એકેય ભાઈ નહીં? પણ તમને તે વખતે બધું દીકરીઓને મળશે એવી લાલચ હતી ને તો ભોગવો હવે…
મા , ફોઈ પોતે કોઈની દીકરી છે , દાદી પણ કોઈની દીકરી હશે તો તારાં માટે આવું વર્તન કેમ? કેમ કે તે એમની જેમ દીકરાને જનમ નથી આપ્યો? દાદીએ કુટુંબનું નામ રાખતો દીકરો આપ્યો, ફઇએ પણ પોતાનાં સાસરિયાંને નામ આપતો દીકરો આપ્યો . પણ મા , નામ રાખવું એટલે શું? ફોઈ તો કાયમ ઘરે આવીને રડીને પૈસા લઇ જાય છે. નહી તો ફુઆજી મારે . તેની બદલે માધવી માસી તો નાના નાનીને પોતાની જોડે જ રાખે છે. તું જયારે માસીઘરે જાય છે ને તો તને ખબર છે તું કેટલી ખુશ હોય છે?? તું , માસી ને નાની થોડી થોડીવારે ખિલખિલ કરતાં હસ્યાં કરો છો ને ત્યારે મારાં પગના તળિયામાં એવું સરસ કૈક ઠંડુ ઠંડું અનુભવાય છે. પછી રાત્રે જેવા પપ્પા લેવા આવે એ બધું ગાયબ થઇ જાય છે..
મને ખબર છે અમીતમાસા ને માધવીમાસી તને કહ્યું છે કે આ બેબી અમને આપી દેજે …પણ પપ્પા એ માટે તૈયાર નથી.
મા, મને નથી ખબર કે ખરેખર તું શું ઈચ્છે છે? મા , તું જ સાચે ઈચ્છે છે કે હું આ દુનિયામાં ન આવું?
છેલ્લો ફેંસલો તો તારો જ હશે પણ મા મને વિચાર આવે છે કે જો દાદીના માબાપે , દાદા દાદીએ , નાના નાનીએ બધાએ જ એવું વિચાર્યું હોતે તો જે દુનિયા મેં તો જોઈ જ નથી તે કેવી હોત? અને પપ્પા, દાદા,દાદી અને ફોઈ જે વિચારે છે તેવું બધાં જ વિચારશે તો દુનિયા કેવી હશે ?

એ જ લિ .

તારી અભાગી (?) કે આવાં માબાપને ત્યાં અવતરવાથી બચી ગયેલી ભાગ્યવાન અજન્મા પુત્રી …….

Advertisements

1 thought on “અજન્મા પુત્રીનો પત્ર”

 1. એક ગર્ભસ્થ દીકરીનો મા ને કાગળ……

  એક દીકરી એ કાગળ લખ્યો માતાને સરનામે,
  સરનામામાં પોસ્ટ કરુણા મુકામ મમતા ગામે.

  એક લાખ સપનાઓ માડી મેં તો ઉદરમાં જોયા,
  પણ મારી હત્યા પાછળ ના કોઇ હૃદયથી રોયા.

  હું ટળવળતી કે દીકરો ના બની શકે એ ડામે,
  સરનામામાં પોસ્ટ કરુણા મુકામ મમતા ગામે,
  એક દીકરી એ ……………..

  તું ય કોકની દીકરી, યાદ છે તું ય કોકની થાપણ.
  વાંક શું મારો, કાં આપ્યું આ જનમની પહેલા ખાપણ,

  તું દીકરા માટે ઝંખે , પણ કલંક માના નામે,
  સરનામામાં પોસ્ટ કરુણા મુકામ મમતા ગામે,
  એક દીકરી એ ……………..

  ભ્રુણની હત્યા નથી માત્ર આ છે મમતા નું મોત,
  તારા આ એક ક્રૂર વિચારે મારી બુઝી જીવન જોત,

  ઓળખી જજે આવીશ જલ્દી ડોક્ટર થઈને સામે,
  સરનામામાં પોસ્ટ કરુણા મુકામ મમતા ગામે,
  એક દીકરી એ ……………..

  મમ્મી હવે ભઈલો જન્મે ત્યારે દેજે ચુમ્મી મારી,
  આવજે મ્મી ક્યાંક હજી છે મારી ઈંતેઝારી,

  હવે તો દીકરો તારો વૃદ્ધાશ્રમ મોકલે તો જામે,
  સરનામામાં પોસ્ટ કરુણા મુકામ મમતા ગામે,
  એક દીકરી એ ……………..

  દીકરીને કોઈ જનમ ન દેશે દીકરા કેમ પરણશે,
  બંધ કરો આ પાપ માફ તો ઈશ્વર પણ ન કરશે.

  સાંઈ દીકરીનો કાગળ લઈને ફરતો ગામે ગામે,
  સરનામામાં પોસ્ટ કરુણા મુકામ મમતા ગામે.
  એક દીકરી એ ……………..
  = શ્રી સાંઈરામ દવે.
  “હસ્તાક્ષર”

  Like

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

w

Connecting to %s