musafir hun yaaro

નવરાત્રિ , દશૈન ને દક્ષિણકાલી

ઓક્ટોબર મહિનો બેઠો અને નવરાત્રીના ઢોલ વાતાવરણમાં ગુંજ્યા ને અચાનક થોડાં વર્ષો પૂર્વે નેપાળની મુલાકાત સમયે લીધેલી દક્ષિણ કાળી મંદિરનું સ્મરણ થઇ આવ્યું.

સામાન્ય રીતે ઓક્ટોબર મહિનામાં નેપાળનો સૌથી મોટો, એટલે કે પૂરાં ૧૫ દિવસ ઉજવાતો ઉત્સવ દશૈન હવે શરુ થશે , જેમ કે આપણી નવરાત્રિ . નેપાળી કેલેન્ડર પ્રમાણે સામાન્ય રીતે ૧૫ દિવસ પણ આ વર્ષે ૫ ઓક્ટોબર થી ૧૮ ઓક્ટોબર એમ ૧૩ દિવસ છે . એમ મનાય છે કે નેપાળના રાજવી પ્રતાપ મલ્લાએ ઈ. સ ૧૬૨૩માં નિર્માણ કરાવેલું. એટલે તમે મંદિરની સ્થાપત્યકલા કે શૈલી વિષે વિચારતાં હો તો નિરાશ થશો . ચારે બાજુ ગીચ જંગલ વચ્ચે એક નીચાણવાળા ભાગમાં મોટું ચોગાન અને વચ્ચે નાનકડું દેહરી જેવું મંદિર છે. પણ એટલું ફેમસ કે વિશ્વભરના ડોક્યુમેન્ટરીમેકર્સ કે મેગેઝિનના પત્રકારોનાં ધાડાં ઉતારે આ ૧૫ દિવસ દરમિયાન . કાઠમંડુની ગતિવિધિ લકવાગ્રસ્ત થઇ જાય કારણકે માહોલ જ રજાનો હોય.
નવરાત્રી જેવો જ ઉત્સવ, શક્તિ આરાધનાનું પર્વ પણ એ શક્તિપીઠ અને સાધના પાસેથી જુઓ તો થથરી જવાય. અને એ મોકો અમને થોડાં વર્ષ પહેલાં મળ્યો હતો.
હતી તો એક સામાન્ય ટ્રીપ , જેમાં નેપાળના સુંદર અને અતિસુંદર સ્થળો જ શામેલ હતાં. પૂરાં ૧૦ દિવસની ટ્રીપ હતી ને છેલ્લાં બે દિવસ કાઠમંડુ પાસે આવેલી એક હિલ રિસોર્ટમાં પ્લાન થયેલા. ત્યાં પહોંચ્યા ત્યારે જાણવામાં આવ્યું કે નજદીકમાં દક્ષિણકાલીનું પુરાણું સ્થાનક છે . પછી ખબર પડી એ કોઈ જેવું તેવું નવું રાતોરાત ઉભું થઇ ગયેલું મંદિર નથી, બલકે શક્તિપીઠ છે. કુતુહલતા જગાવતી બીજી થોડી વાતો હોટેલનાં સ્ટાફ પાસે જાણવા મળી તે હતી કે આજના યુગમાં પણ દશૈન સમયે એટલી મોટી સંખ્યામાં પશુબલિ અપાય છે , એટલું જ નહીં આ દિવસો દરમિયાન પાસે વહેતાં વહેણનું પાણી જાણે રક્ત વહેતું હોય એવું લાલ થઇ જાય છે .

20131005-083902.jpg

20131005-083911.jpgનેપાળનરેશથી લઇ મુંબઈ દિલ્હી જેવાં શહેરમાં કોઈ મકાનમાં વોચમેન કે ડ્રાઈવરની નોકરી કરતો માણસ આ દિવસો દરમિયાન પોતે કોઈ બાધા આખડી લીધાં હોય તે મનોરથ પૂરા થયે મૂકવા આવે છે .

એ બિલકુલ શક્ય કે વાત કહેનારે પોતે ભારે અહોભાવમાં આવી અમને કહેલું પણ એટલે આ સ્થળની મુલાકાત તો લેવી તેમ પાકું થઇ ગયું. અમારું ગ્રુપ હતું પત્રકારોનું . આ પ્લાન સાંભળતાં અમુકતમુક કૂલ ડ્યુડ્ઝનાં મોઢાં બગડ્યાં . ચિલ આઉટ કરવાને બદલે આ શું ધતિંગ ? તે પણ વહેલી સવારે?
બીજે દિવસે અમે નીકળી પડ્યા, મારી સાથે હતા જનસત્તા મુંબઈના મેગેઝીન એડિટર વર્માજી . જે સારા લેખક , એડિટર તો ખરાં જ પણ ઉમદા ફોટોગ્રાફર પણ ખરાં . ગીચ પાઇન વૃક્ષો વચ્ચેથી જતો રસ્તો મોહક ,પણ વચ્ચે વચ્ચે કાચો બિસ્માર થઇ જતો હતો. આમ તો ખાસ અંતર ન કહેવાય છતાં ત્યાં પહોંચતા બેએક કલાક જેવો સમય થઇ ગયેલો.

અમારું સ્વાગત કર્યું થોડી ,અધખુલ્લી પૂજાપાની દુકાનોએ . લાલ રંગની ભરતી નજરે ચડતી હતી. જરી ને તુઇવાળી લાલ ચુંદડી, લાલ ધાગા, લાલ કુમકુમની ઢગલીઓ , લાલ ચૂડીઓનાં તોરણો . ક્યાંક ક્યાંક હળદર ને ચોખાની ઢગલી પણ હતી. લાલ ફૂલો જે ન તો જાસૂદ હતાં ના કરેણ , કોઈક જુદી જ જાતનાં જેનું નામ મને હજી સુધી નથી મળ્યું , શ્રીફળ, અગરબત્તી , મીણ સાથે થીજાવેલી દિવેટો… નાની નાની અત્તર ભરેલી શીશીઓ અને મકાઈનો લોટ , જે દુકાનદાર ગ્રાહકની માંગ પ્રમાણે જોખીને પાણીથી આપણે કણક બાંધીએ તેમ બાંધી આપતો હતો.
અમારી સાથે ગાઈડ તો નહોતો પણ પેલો ઉત્સાહી હોટેલબોય આવ્યો હતો તેણે સ્વેચ્છાએ ગાઈડ્ગીરીની જવાબદારી માથે લઇ લીધી હતી.

20131005-084020.jpgઅમે ગયા તે દિવસ કયો હતો તે તો ચોક્કસપણે યાદ નથી પણ મંગળ કે શનિ તો નહોતાં જ . કારણકે જો હોત તો અમારું આમ ટહેલવું શક્ય જ નહોતું. મંદિરમાં , પરિસરમાં કોઈ માણસ ન દેખાય. બપોરનો લગભગ એકનો સુમાર હશે પણ વાતાવરણમાં એક એવો સન્નાટો કે વિના કોઈ કારણે ફફડાટ થઇ જાય. પાઇન અને દેવદારના જંગલ વચ્ચે પથ્થરનું મંદિર. વચ્ચેનો ચોક પણ એ જ હાથે કોરેલાં પથ્થરોનો . એક તરફ સંખ્યાબંધ પિત્તળના ઘંટ. ઘડીભર લાગ્યું કે આ તો જાણે રામસે બ્રધર્સની હોરર ફિલ્મના સેટ પર આવી ગયા …

20131005-084124.jpgઅમારો ગાઈડ બનેલો નેપાળી યુવક અમને નાનામાં નાની વિગતો આપતાં લઇ જઈ રહ્યો હતો, અચાનક કોઈ કર્તાધર્તા જેવા લાગતાં માણસે અમારી પાસે આવી નેપાળી ભાષામાં કશુંક પૂછ્યું . અમને ભાષા તો નહોતી આવડતી પણ એટલું તો સમજાયું કે એ કેમેરા લઇ જવાની ના પાડી રહ્યો છે . ઘણીબધી રકઝક અને માથાઝીક પછી પણ કંઈ ન વળ્યું . એક પૂજાપો વેચતી દુકાનમાં જ્યાં અમે ચપ્પલ મૂક્યા હતા કેમેરા છોડવાં પડ્યા. હવે થોડાં પગલાં ઉતરી ખરેખર અંદર પ્રવેશ્યા . નીચે પથ્થરની લાદી એટલી ચીકણી અને ભૂખરી, લાલાશભરી કાળી હતી કે અમારે આજુબાજુ કંઇક પકડવાલાયક સહારો હોય એવી તકેદારીથી નજર દોડાવવી પડી . એવો કોઈ સહારો તો હતો નહિ અને નાનું મુખ્ય મંદિર જેમાં મા કાળી બિરાજે છે નજર સામે જ હતું . જો ઉપરથી જ બરાબર જોયું હોત તો ચોક્કસ નજરે ચડતે. મંદિરમાં મૂર્તિના દર્શન તો થતાં નહોતાં કારણ હતું ચઢાવો. ચુંદડી અને ફૂલ સિવાય કંઈ ન દેખાય.
હળવાં પગલે ધીરે ધીરે પાસે જઈ દર્શન કર્યા ને બહાર પણ નીકળી આવ્યા. તો એવું તો શું હતું પેલા માણસે ૧૫ મિનીટ સુધી મગજમારી કરી?

આમ પણ મારી કુતુહલતાનો મોક્ષ થઇ ચૂક્યો હતો એટલે હું એક દુકાનમાંથી પાણી ખરીદી પગ ધોઈ રહી હતી. વર્માજી ન જાણે ક્યાં ગૂમ થઇ ગયેલાં . અચાનક મારી નજર પડી, વર્માજી પોતાનાં છુપાવી રાખેલાં પોકેટ કેમેરાથી ચોરીછૂપી ફોટાં પાડી રહ્યાં હતા. પેલો રખેવાળ તો કયાંય હોય જણાતું નહોતું. મારીને વર્માજીની નજર એક શું થઇ એમને મને ત્યાં બોલાવતાં હોય એવી સંજ્ઞા કરી. શુઝ પહેરવાનું પડતું મૂકી ફરી હું તે તરફ ગઈ.
અને જે દ્રશ્ય જોયું…
મને ઘડીભર થયું કે હું તો ત્યાં જ ફેર ખાઈને પડી જઈશ.
મંદિરની ડાબી તરફ હતું બલિસ્થાન .જે સામાન્ય રીતે મંદિરમાં પ્રવેશ કરતી વખતે પણ દેખાય ખરું ,પણ ખબર હોય તો….

20131005-084352.jpgવળી અમે ગયેલાં એ સમય આવાં કોઈ તહેવાર ઉત્સવ કે ચૌદશ અમાવાસ્યાનો નહોતો, વાર પણ મંગળ કે શનિ નહીં એટલે આ મંદિરની ખરેખર સ્થિતિ શું હોય શકે એનો અમને અંદાજ સુધ્ધાં નહોતો.
“તો કહેવું હતુંને આપણે કાલે શનિવાર છે ત્યારે આવતે … ” મારો સહજ પ્રતિભાવ હતો.
ત્યારે પેલો હોટેલબોય હળવેથી પરિસ્થિતિનો ચિતાર આપતાં બોલ્યો કે મંગળ કે શનિ હોત તો , મેમ તમે ઉપર જબેહોશ થઇ જાત …
વર્માંજીની તો નહિ પણ અમારી અજ્ઞાનતાનો મોક્ષ કરતાં એ નેપાળીએ જણાવ્યું તે પ્રમાણે દર મંગળ અને શનિવાર બલિના દિવસો હોય છે . જેવી મન્નત એવાં બલિ. મરઘાં , બતકાં , બકરાં, ડુક્કર…અને તેમાં પણ તહેવાર,અમાવાસ્યાના દિવસોમાં આખું મંદિર રક્તરંગી … મહિલાઓના વસ્ત્ર લાલ, કપાળ આખાને ભરી દેતો ટીકો લાલ, ફૂલ લાલ, ચૂડી , ચૂંદડી, કુમકુમ લાલ………. અને જીવતાં પશુઓને એક ઝાટકે વહેરી નાખવાની વિધિ. મંદિરની ફર્શ લાલ, આજુબાજુની દિવાલો રક્તના છંટકાવથી લાલ. હવે મને ખ્યાલ આવ્યો પેલાં કાર્યકર્તાએ અમારા કેમેરા કેમ મુકાવી દીધાં હતા.

20131005-084536.jpgને અચાનક અમને ખ્યાલ આવ્યો કે જે પગમાં ચિકાશ ચોટી હતી તે પણ આ વિધિ દરમિયાન વહેલાં રક્તનો એક અંશ જ હતી.
એ બધું જાણ્યા પછી પણ વર્માજી તો શાંત ચિત્તે ફોટોગ્રાફી કરતાં રહેલાં પણ મેં દોટ મૂકેલી પગ ધોવાં.
શેક્સપિયરની લેડી મેક્બેથની જેમ મને એવું જ લાગતું રહ્યું કે મારાં પગની પાની સાફ જ નથી થતી….

હિંદુ ધર્મની ઉપાસક ખરી , દેવીપૂજક પણ ખરી છતાં આ બલિદાનની વાત ક્યારેય જસ્ટિફાય કરી શકાતી નથી.

20131005-084635.jpg

20131005-085135.jpg

Advertisements

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

w

Connecting to %s