Mann Woman

તું સાચો એટલે હું ખોટી?

20131008-005146.jpgરીટા અને કુણાલ કોલેજમાં સાથે ભણતાં ત્યારથી જ એકબીજાંનાં ખાસમખાસ દોસ્ત. રીટાને કુણાલનો સૌથી મોટો ગુણ લાગતો તેની મૂંગાં પ્રાણીઓ પ્રત્યેની અનુકંપા. રસ્તા પર બિલાડી વિયાય તો ઘરે શીરો કરીને ખવડાવે. રસ્તે રઝળતાં કૂતરાંઓને જો અકસ્માત નડયો જુએ તો પશુ-પક્ષીની હોસ્પિટલે લઈ જવાની નૈતિક જવાબદારી પોતાની સમજે. રીટા કુણાલના આ સ્વભાવથી ભારે પ્રભાવિત. જે સમયમાં લોકો મા-બાપને જૂનું ફર્નિચર લેખતાં હોય તેવા સમયમાં પ્રાણીમાત્ર માટે આટલો સદ્ભાવ ને અનુકંપા?

મૈત્રી પરિણયમાં પલટાઈ. રીટાનો સ્વભાવ સાલસ. કુટુંબો પણ બધી રીતે મેળ ખાતાં. રીટા ને કુણાલ બંને આઈટી ક્ષેત્રમાં. બંને સક્સેસફુલ તો ખરાં, ને જાણે હજુ વધુ સફળતા પ્રાપ્ત કરવાની હોય તેમ રેસમાં દોડી રહેલાં. આઠ વર્ષના પ્રેમ-સંબંધને હવે લગ્નસ્વરૂપ આપવું તેવું માત્ર માતા-પિતાને જ નહીં બંનેને ખુદને લાગવા માંડયું. બંનેએ એક દિવસ તો લગ્ન કરવાનાં જ હતાં. તો પછી હમણાં કેમ નહીં?

લગ્ન થયાં ને બંનેએ વિદેશ વસવાનું નક્કી કર્યું. કુણાલને એક અતિ પ્રખ્યાત કંપનીએ મલાઈદાર પેકેજ આપ્યું હતું. રીટાને કારકિર્દીમાં રસ નહીં એમ તો નહીં પણ હવે સત્તાવીસ વર્ષ થયાં તો માતૃત્વ ક્યારે એ પ્રશ્ન પજવતો હતો. રીટાની જિંદગીમાં બાળક પહેલાં અને કારકિર્દી બીજે સ્થાને હતાં. આમ પણ કુણાલની જોબ એવી હતી કે રીટા જોબ કરે કે ન કરે એથી કોઈ ફરક પડતો નહોતો.

કુણાલનું થિંકિંગ અલગ. એને પહેલેથી ફેમિલી બિઝનેસમાં ખાસ રસ નહોતો. વળી, સ્ત્રીસ્વાતંત્ર્યનો હિમાયતી. રીટાએ નોકરી શા માટે ન કરવી? માત્ર બાળક માટે? આ તો રીટાની સ્વતંત્રતા પરની તરાપ કહેવાય એવું તે માનતો.

લગ્ન પછીનો બે વર્ષનો ગાળો સુખમય વીત્યો. રીટાની બાળકની ઇચ્છા ધીરે ધીરે બળવત્તર થવા લાગી ને કુણાલ તો એ જ મસ્તીથી જીવી રહ્યો હતો. હવે તેને લાગતું કે આ ઉંમરમાં કારકિર્દી અને સફળતા સિવાય ત્રીજા કોઈ પરિબળને સ્થાન ન હોય.

રીટા માતૃત્વ ઝંખતી હતી તો કુણાલને પિતા બનવાની ઇચ્છા ક્યારેય નહીં થતી હોય? એવો પ્રશ્ન પણ સ્વાભાવિક છે, પરંતુ કુણાલને પિતૃત્વની અહેમિયત જણાઈ જ નહીં, કારણ કે તેના વાત્સલ્યને એક સરનામું મળી જતું.

અમેરિકામાં હાઉસના બેકયાર્ડમાં આવી જતાં હરણાં, સસલાં, ખિસકોલી અને ડઝનબંધ બિલાડીઓ. આ હતાં કુણાલનાં સંતાનો. વહેલી સવારે તેમને અલપઝલપ મળ્યા પછી સાંજે અને વીક-એન્ડમાં આ મિત્રો સાથે જ સમય વીતતો.

આ પ્રેમ, સમભાવ આજે રીટાના ગૃહત્યાગનું કારણ બની ગયા છે, કારણ કે આ બધાંને કારણે જ રીટાએ ઈન્ડિયા સેટલ થવાની જીદ પકડી. રીટાને થયું કે ઈન્ડિયા જઈશું તો સમાજ ને મિત્રો માટે, તેમના દબાણથી ઝૂકી કુણાલ બાળક માટે તૈયાર થઈ જશે. તેના બદલે થયું છે ઊલટું. આટલાં વર્ષો અમેરિકા રહ્યા પછી કુણાલને મહાનગરની પ્રદૂષણભરી હવાએ અસ્થમાનો દર્દી બનાવી દીધો. એટલે હવે એક સેટેલાઈટ ટાઉનમાં બંગલો લઈ આ દંપતી શિફ્ટ થયું, અને તે સાથે જ ફરી શરૂ થયો જૂનો સિલસિલો. ઘરમાં પહેલાં અવરજવર કરતાં રહેતાં મહેમાનો હવે જાણે ઘરના સભ્ય જ બની ગયાં. બિલાડી, કૂતરાં, કાગડા, કબૂતર, ચકલી, પોપટ બધાં માટે કુણાલનું ઘર ખુલ્લું.

કુણાલનો પ્રેમ માત્ર પ્રેમ અને અનુકંપા સુધી સીમિત ન રહી જીવન જીવવાનું એક કારણ બની ગયો અને ત્યાંથી શરૂઆત થઈ લગ્નજીવનની ગાડી ખરાબે ચઢવાની. રીટાને આમ તો કુણાલના પ્રાણીપ્રેમ માટે ન ક્યારેય વાંધો હતો કે વિરોધ, પણ તેને માટે થઈ સંતાનસુખ જતું કરવું? આ તે ક્યાંની વાત? એ સમજાતું નહોતું.

કુણાલના વડીલો પણ માને છે કે પોતાના દીકરાનું વળગણ થોડે અંશે ખોટું છે પણ કુણાલના પ્રાણીપ્રેમ પર કોઈ બ્રેક લાગી શકે તેમ નથી.

પશુ-પક્ષી, મૂંગાં જીવો પ્રત્યે અનુકંપા અને વાત્સલ્ય ખૂબ ઉમદા વાત છે તે વાત નિશંકપણે સાચી પણ આખી વાત જો રીટાની નજરે જુઓ તો થોડી સંવેદનાવિહીન પણ લાગે.

જો કુણાલનો પ્રથમ પ્રેમ એવાં પશુ-પક્ષીઓને ખુલ્લામને રીટા આવકારતી હોય તો કુણાલ રીટાની માતૃત્વ પામવાની ઇચ્છાને આદર ન આપી શકે? બસ, આ જ વાત પર એક સમયની સારસબેલડી નંદવાય તેવી પરિસ્થિતિ ઊભી થઈ ગઈ. પ્રાણી માટે પ્રેમ, અનુકંપા યોગ્ય પણ તે માટે હું માતૃત્વ તો જતું નહીં જ કરૂં એ રીટાની હઠ છે. સામે વનરાજી, ઝાડપાન, પશુ-પક્ષી જ આપણાં છે તેવો આદર્શ હઠાગ્રહ કુણાલનો છે. જેને કારણે તેને બાળક જોઈતું જ નથી.

હવે આ વાત કોર્ટ સુધી પહોંચી છે. રીટાની દલીલ છે કુણાલનું આ વર્તન ક્રૂર અને અમાનવીય છે. જેને કારણે પોતે માતૃત્વથી વંચિત રહી જશે. કુણાલને છૂટાછેડા માગતી રીટાની માનસિકતા જ સમજાતી નથી કે પછી સમજવા માગતો નથી.

એક સાવ નાની લાગતી વાત કેટલી હદે હૃદયવેધક બની શકે તેની જીવતીજાગતી મિશાલ કુણાલ-રીટા છે.

આખરે જે નિયતિએ ધાર્યું તે જ થઈને રહ્યું છે. પતિ, પત્ની ઔર વહ જેવી વાત, જેમાં વહની ભૂમિકામાં છે આ મૂંગાં મિત્રો. તાજેતરમાં જ ડિવોર્સ માટે કટિબદ્ધ આ કપલ રોજેરોજ મળે છે પણ દોસ્તોની જેમ.

કદાચ રીટા યોગ્ય સાથી મળી જાય તો પરણી જશે, પોતાને લાગતી માતૃત્વની અધૂરપ પૂરી શકશે ને કુણાલ તો મસ્તમૌલાની જેમ પોતાનાં મૂક સ્વજનો સાથે ખુશ છે ને રહેશે. પણ, આ આખા કિસ્સાને જોયા પછી દિલ રંજથી ભરાઈ જાય તે સ્વાભાવિક છે. ત્યારે એવો વિચાર પણ આવે કે કદાચ પાંચ વર્ષ પછી બંને ફરી સાથે રહેતાં હોય તો પણ નવાઈ નહીં.

રીટા ને કુણાલમાં સાચું કોણ ને ખોટું કોણ?
અમે તો હજી કોઈ નિષ્કર્ષ પર નથી આવી શક્યા, તમને શું લાગે છે!

છેલ્લે છેલ્લે:

પૂજા મેં, નમાઝોં મેં, ભજન મેં
યે લોગ કહાં અપના ખુદા ઢૂંઢ રહે હૈં,
પહલે તો જમાને મેં ખો દિયા ખુદ કો
આઇને મેં અબ અપના પતા ઢૂંઢતે હૈં

– રાજેશ રેડ્ડી

Advertisements

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

w

Connecting to %s