Mann Woman

હમ સાયાદાર પેડ જમાને કે કામ આયેં જબ સૂખને લગે તો જલાને કે કામ આયેં

20131015-090222.jpgથોડાં વર્ષો પહેલાંની વાત છે. મુંબઈના એક પરામાં બનેલો એવો બનાવ સમાચારરૂપે અખબારમાં ચમક્યો હતો કે તે વાંચી મોટાભાગના વડીલ સભ્યો ઘા ખાઈ ગયા હતા અને યુવાન પુત્ર-પુત્રવધૂઓ પોતે કંઈ જ ન કર્યું હોવા છતાં ગિલ્ટી ફીલ કરી રહ્યાં હતાં.

થયું હતું એવું કે પતિ-પત્ની બંને નોકરિયાત હતાં. ઘર વહેલી સવારે છોડે ને મોડી સાંજે પાછાં આવે. કુટુંબ ખાધેપીધે સુખી, પણ જ્યારથી પતિની માતા સાથે રહેવા આવ્યાં ત્યારથી વહુના પેટનાં પાણી વલોવાઈ ગયાં.

વહુને હતું કે સાસુજી બે-પાંચ દહાડા રહી ગામ સિધાવશે, પણ માજીને વર્તાતી અશક્તિ ને એકલવાયા જીવથી ન થતાં ઘરકામને કારણે દીકરાને ઘરે જ રહી જવાનું નક્કી કરેલું.

દીકરાને માને પોતાની સાથે રાખવામાં રસ માત્ર એટલે હતો કે તો ગામનું મકાન ને જમીન વેચાય ને નગદ મળી જાય અને થયું પણ એવું જ. હવે માજી પૂરેપૂરાં નિર્ભર હતાં પોતાનાં પુત્ર અને પુત્રવધૂ પર અને ત્યારથી શરૂ થઈ માજીની કરમકહાણી.

મિલકત વેચાઈ ગઈ, પૈસા મળી ગયા, બધું પતી ગયું પછી વહુને સાસુ નડવા લાગી. ઘરમાં ગમે તે વસ્તુ ગમે ત્યાં મૂકી દે છે તેવી ક્ષુલ્લક વાતથી શરૂ થતાં ઝઘડા ખાવા-પીવાની વાત પર પહોંચ્યા. “હવે ઉંમર થઈ તો બે ટંક શેનું ઓરવા જોઈએ છે?” આ શબ્દો રોજના થયા. વાત ત્યાં ન અટકી. વહુને વહેમ થવા લાગ્યો કે પોતે નોકરી કરવા જાય છે ત્યારે ડોશી ફ્રિજમાંથી ફ્રૂટ્સ ખાઈ જાય છે.

કોઈ કપાતર દીકરો પણ ન કરી શકે તેવી વાત આ દીકરા-વહુએ કરી. નોકરી જતી વખતે માજીનો હાથ ગેલેરીની બોક્સ ગ્રિલ સાથે સાંકળથી બાંધી દેવાની. આ આખી વાતની કલ્પના પણ થઈ શકે ખરી? સવારના નવ વાગ્યે નોકરીએ ચડવા ટ્રેન પકડવા દોડતું દંપતી સાંજે છ-સાત વાગ્યે ઘરે આવે ત્યાં સુધી માજી ન પાણી સુધ્ધાં પી ન શકે ન કુદરતી હાજતે જઈ શકે.

ને મા પોતાના દીકરાની ઇજ્જત ઉઘાડી ન પડે તે માટે થોડા દિવસ તો સહન કરતી રહી. જ્યારે ન જ સહેવાતું ત્યારે બૂમ પાડી નીચે કમ્પાઉન્ડમાં રમતાં છોકરાંઓને જાણ કરી ને પછી આ કેસ પ્રકાશમાં આવ્યો.

એવું નથી કે આજકાલ આવા કિસ્સા નવીનવાઈના બને છે. મોટાં શહેરોમાં પૈસાની ભૂખ ને વિસરાતાં જતાં મૂલ્યોએ ફરજો તો ઠીક માનવતા પણ ઠેકાણે પાડી નાખી છે.

એક સમય હતો, કહેવત હતી દી’ વાળે તે દીકરો. સમય જતાં કહેવાતું થયું કે દી’ વાળે તે દીકરી. જ્યારે દીકરો પરણીને પરાયો થાય, પણ દીકરી? કોઈ કાળે નહીં. ના, હવે આ શબ્દોએ પણ કાટ પકડી લીધો છે.

આવા બધા કિસ્સાઓ જ્યાં સુધી અખબારને પાને ચમકે નહીં ત્યાં સુધી સંતાનોની આંખ ઊઘડતી નથી. પેલા માજીનાં તો નસીબ સારાં કે અખબારી અહેવાલે શરમને મારે દીકરાએ માજીને સંભાળી લીધાં, પણ આવા જ એક બનાવમાં દીકરીએ માતા પાસે ઘર-બાર વેચાવી તો દીધાં ને પોતાને ઘરે પણ લઈ ગઈ. આ દી’ વાળે તે દીકરીએ પોતાની માતાને ઘરમાં જગ્યા નથી એમ કહી ક્યાં રાખ્યાં હશે તેનો વિચાર પણ ન કરી શકાય. ચાલી સિસ્ટમમાં જે દાદર હોય ત્યાં અંધારિયા ખૂણામાં દાદરની નીચે,ગૂણપાટ અને તેની પર ચાદર નાખી માને જગ્યા કરી આપી હતી. આ કિસ્સામાં પણ અતિશયોક્તિભર્યું કંઈ જ નથી. ફોટોગ્રાફ સાથે અખબારોમાં ચમકેલો એક કિસ્સો જ છે. જે માતા સંતાનને પોતાની કૂખમાં નવ મહિના સુધી રાખે, પેટે પાટા બાંધી પિતા ભણાવે, ગણાવે, આર્થિક રીતે સધ્ધર બનાવે તેમની જીવનસંધ્યા કેટલી દયામણી હોઈ શકે છે તેનો તેમને અંદાજ સુધ્ધાં હોતો નથી.

કદાચ એટલે જ જે સંસ્કૃતિમાં માતા-પિતાને દેવ સમાન લેખાવામાં આવે છે ત્યાં ઓલ્ડ એજ હોમ, વૃદ્ધાશ્રમોની સંસ્કૃતિ આવી રહી છે.

કોઈ પણ વૃદ્ધાશ્રમમાં આંટો મારો. એ પછી મુંબઈનો હોય કે કચ્છના કોઈ ગામનો, પોતાનાં સંતાનોથી જ તરછોડાયેલાં વૃદ્ધોની વાર્તા જુદી જુદી હશે, પણ પીડા એકસમાન જ હશે. આ સમસ્યાનું સમાધાન જો આપણે માત્ર ઉછેર અને સંસ્કાર સિંચન જેવા શબ્દોમાં શોધીએ તો ભીંત ભૂલીએ છીએ. ખરેખર તો આ વૃદ્ધોની સમસ્યાનું સમાધાન માત્ર ને માત્ર તેમની જ પાસે છે અને તે શરૂ ને પૂરું થાય છે આર્થિક સ્વતંત્રતાથી.

સામાન્યપણે હિંદુ કુટુંબોમાં સ્ત્રીઓ ભાગ્યે જ આર્થિક બાબતો સમજવાની તસદી લે છે. પતિના જવા પછી સમીકરણો કેટલાં બદલાઈ જશે તેવી ચિંતા કર્યા વિના તેમને પોતાનાં સંતાનોમાં આંધળો વિશ્વાસ હોય છે. જો એ વિશ્વાસ ટકે તેવાં સંતાનો નીવડે તો ઈશ્વરકૃપા, અન્યથા ?

મોટી ઉંમરે પત્ની ગુમાવી ચૂકેલા પુરુષોની હાલત તો એથી પણ કપરી હોય છે. વળી આ જ સંતાનો પિતા મિલકતમાં ભાગલા પાડવાવાળી કોઈ નવી ન લઈ આવે તેની તકેદારી પણ સજાગપણે રાખતાં હોય છે. એટલે સ્ત્રી હોય કે પુરુષ, ઢળતી ઉંમરે જો કોઈ સાચો સાથી હોય તો તે માત્ર ને માત્ર આર્થિક સધ્ધરતા છે. એ હશે તો સંતાનોને તેનું ચુંબક આકર્ષવાનું છે તે વાત પણ એટલી જ સિદ્ધ છે.

એવું કહેવાય છે કે, ડાંગે માર્યાં પાણી જુદાં ન પડે. બ્લડ ઇઝ થિકર ધેન એનિથિંગ… પણ આ કહેવતોનું કોઈ વજૂદ જ નથી, એવું વૃદ્ધાશ્રમની હિસ્ટ્રીઓ બોલે છે.

છેલ્લે છેલ્લે
હમ સાયાદાર પેડ જમાને કે કામ આયેં
જબ સૂખને લગે તો જલાને કે કામ આયેં.

Advertisements

3 thoughts on “હમ સાયાદાર પેડ જમાને કે કામ આયેં જબ સૂખને લગે તો જલાને કે કામ આયેં”

 1. ધીમે ધીમે સમયની અનુકૂળતા પ્રમાણે આપની પોસ્ટ વાંચવાની શરૂ કરી છે. ઉપરોક્ત પોસ્ટના સંદર્ભમાં જો શક્ય હોય તો ૨૨ સ્પ્ટે. ની મારી પોસ્ટ “એક વ્યાવહારિક વિકલ્પ – વૃદ્ધાશ્રમ” પર નજર નાંખજો. અમેરિકાના મારા ૪૦ વર્ષના અવલોકન પરથી અમેરિકાના વૃદ્ધો માટે મારો અભિપ્રાય જણાવ્યો છે.

  Like

 2. પીન્કીબેન,
  ખુબ જ હ્રિદય સ્પર્શી લેખ હતો.
  જ્યાંરે સંતાનો માં-બાપને નથી રાખી શકતા ત્યારે વૃદ્ધાશ્રમો ઉભા થાય છે.
  અને જયારે માં-બાપ સંતાનોને નથી રાખી શકતા ત્યારે અનાથાશ્રમો ઉભા થાય છે. અને કરુણાની વાત એ છે કે આ બન્ને એક-બીજાને એવા સમયમાં નથી રાખતા જે સમયે તેઓ એકલા રહેવા માટે સક્ષમ નથી હોતા. ના સાઈઠ વરસની ઉમરે માં-બાપ અને ના ચાર-પાંચ દિવસની ઉમરે સંતાનો.
  આપને વિનંતી છે કે કંઇક એવું લાખો કે તમામ સંતાનોના અંતર આત્મ જાગી ઉઠે અને ભારતના તમામ વૃધાશ્રમો બંધ થઇ જાય. અને કંઇક એવું લાખો કે મા-બાપનો અંતર આત્મ રડી પડે ને તમામ અનાથ આશ્રમો બંધ થઇ જાય. જો એવું થશે તો કૃષ્ણ જરૂર ફરી આપના ભારતની મુલાકાત લેશે.
  ખરેખર કોઈ વિચાર સુજે તો મને જરૂર જણાવશો. મારા સર્કલમાં આ મુદ્દો હમેશા ચર્ચાનો વિષય હોય છે.
  જયશ્રી કૃષ્ણ.

  = વિષ્ણુ દેસાઈ

  Like

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

w

Connecting to %s