Mann Woman

દિલ કા મામલા હૈ!!

૪૨વર્ષની આરાધના રાત્રે સિરિયલ જોઈને બેડરૂમમાં ગઈ. પતિદેવ નસકોરાં બોલાવતાં હતા. આરાધનાને થોડી બેચેની અકારણે જ વર્તાઈ રહી હતી પણ એવી કોઈ ગંભીર વાત ન લાગી કે તે માટે રાહુલની ઊંઘ ખરાબ કરાય. બંને વર્કિંગ. મહાનગરની દોડધામમાં રાહુલની રાત અગિયાર વાગ્યે થતી પણ સવારના પોણા છને ટકોરે ઊઠી આખો દિવસ ઘડિયાળને કાંટે ભાગતી આરાધનાની રાત એક પહેલાં ન પડે.

બીજા દિવસે ટિફિનમાં શું જશે તેની પૂર્વતૈયારીથી લઈ સ્કૂલે જતાં બંને બાળકોની સ્કૂલબેગ, યુનિફોર્મની ઈસ્ત્રી, નાસ્તાની તૈયારી… કોઈ કામનો અંત જ નહીં. પતિ થાકે, બાળકો થાકે પણ આરાધનાથી થકાય?

એવી એક રાત. લગભગ સાડા બારનો સુમાર અને આરાધનાને બેચેની વર્તાઈ રહી હતી. સોડા પીવાથી કંઈક રાહત લાગશે એમ માની સોડા પણ પીધી છતાં બેચેની ઓછી ન થાય. અચાનક ઊબકા જેવું લાગ્યું. આરાધના બાથરૂમમાં દોડી.

એક ઊલટી થઈ ગઈ. જરા રાહત લાગી.
કિચનમાં જઈ ગ્લાસ ભરી ઠંડું પાણી પીધું. બેડરૂમમાં આવી બેડ પર બેઠી ને શું થયું ખબર જ ન પડી.

બાજુમાં સૂતેલા રાહુલને પણ નહીં.
સવારે પોણા છના ટકોરે ઊઠીને રોજિંદી ઘટમાળમાં લાગી જતી આરાધના ઊઠી જ નહીં.
બાળકો પરેશાન. રાહુલને થયું આવી કેવી અશિસ્ત. પણ ત્યારે કોઈને સ્વપ્ને ખ્યાલ ન આવ્યો કે આરાધનાની આંખો ક્યારેય ન ખૂલવા બિડાઈ ગઈ. ઊંઘમાં ને ઊંઘમાં જ મેસિવ કાર્ડિયાક એટેક.

અત્યાર સુધી એવું મનાતું રહ્યું છે કે પુરુષોની સરખામણીમાં સ્ત્રીઓને હૃદયરોગની બીમારી ઓછા પ્રમાણમાં થાય છે. હવે જે આંક નોંધાઈ રહ્યા છે તે જોતાં લાગે છે કે હૃદયરોગના મામલામાં પણ સ્ત્રીઓએ પુરુષસમોવડી બનવા દોટ મૂકી છે. સ્ત્રી ખુલ્લા મનથી હસી શકતી હોય કે રડી શકતી હોય, પેટ ભરીને ગોસિપ કરી શકતી હોય કે પછી ઘડિયાળના કાંટે દોડવા સક્ષમ હોય તેમના શરીરને પણ પુરુષોને થાય તેવાં વ્યાધિ, ઉપાધિ બિલકુલ થઈ શકે છે, જેનું કારણ છે સ્ટ્રેસ. માનસિક તાણ. બલકે હવે તો એ સ્પષ્ટ થઈ રહ્યું છે કે સ્ત્રીઓ પુરુષ કરતાં વધુ તાણમય જીવન જીવે છે.

કારણમાં છે સ્ત્રીઓની આગેકૂચ. તાજેતરમાં જ દિલ્હીનાં મુખ્યપ્રધાન શીલા દીક્ષિતને હૃદયની ધમની અને શિરા બંનેમાં બ્લોક જણાયા હોવાથી ઈમરજન્સી બાયપાસ સર્જરી કરવામાં આવી હતી. એક મુખ્યપ્રધાન

તરીકે સ્ત્રી હોય કે પુરુષ તેમના સ્ટ્રેસની માત્રા તો સરખી જ હોવાની, પરંતુ સ્ત્રી સામાન્ય કારકુનીની નોકરી કરતી હોય કે શિક્ષિકાની, એના માથેની જવાબદારી વિચારીએ તો લાગે ભગવાને સ્ત્રીને ભૂલમાં બે હાથ નથી આપ્યાને! ખરેખર તો દસ હાથ હોવા જોઈએ.

કારકિર્દીની સાથે પત્ની અને માતા તરીકેની ભૂમિકા ભજવવામાં સામાન્ય સ્ત્રીઓ કેટલી કંતાઈ જાય છે તેનો તો કોઈને વિચાર સુધ્ધાં આવતો નથી.

શ્વાસ લેવામાં તકલીફ થવી, ખભા અને ગરદનના ભાગ જકડાઈ ગયા હોવાની પ્રતીતિ થવી. આ બે તો અતિશય સામાન્ય ચિહ્ન હૃદયરોગ આપે છે.

પરંતુ સામાન્ય મહિલાઓ બિચ્ચારી કામમાં એવી તો ગળાડૂબ હોય છે કે પેઈનબામ લગાવી લગાવી, શેક અને બાફ લઈ ભાર વેંઢારે જાય છે. અચાનક જ હૃદયરોગ પોતાની વિકરાળતા ફેલાવે ત્યારે ખ્યાલ આવે છે પણ ત્યારે ઘણું જ મોડું થઈ ચૂક્યું હોય છે.

અલબત્ત, આ સામે એવી દલીલ પણ થાય છે કે સ્ત્રીઓ આજકાલ શરાબ અને સિગારેટની શોખીન થઈ હોવાથી આ વ્યાધિ ઉપાધિ થાય છે પણ એ આખો તર્ક માત્ર તુક્કો છે. આજે પણ મોટાભાગની સ્ત્રીઓ સિગારેટ કે દારૂ જેવાં વ્યસનોથી મુક્ત જ છે તો પછી આ વ્યાધિની વ્યાપકતાનું કારણ શું છે?

વાસ્તવિકતા છુપાયેલી છે સુપર વિમેન સિન્ડ્રોમમાં જે રીતે શિક્ષણનો વ્યાપ વધ્યો છે તે રીતે આજે દરેક ઉંમરની સ્ત્રીને પોતે આત્મનિર્ભર છે, ટેલેન્ટેડ છે, કમાઈ શકે છે તે સાબિત કરવાની ઝંખના વત્તેઓછે અંશે હોય જ છે. જે કંઈ ખોટું પણ નથી, પરંતુ એક તરફ સક્સેસફુલ કારકિર્દી અને બીજી તરફ પરિવારની જવાબદારી. મોટાભાગની સ્ત્રીઓ આ બે ફ્રન્ટ પર કામ તો કરે છે પણ વહેલી, મોડી પણ નિચોવાઈ જાય છે. સ્ટ્રેસ હૃદયરોગનો પહેલો સાગરીત પછી તો જુદાં જુદાં કારણો ભેગાં થતાં જાય છે.

નવાં-નવાં પરણેલાં વરઘોડિયાંઓને પોતાની કારકિર્દી માટે, તંદુરસ્ત લગ્નજીવન માટે થોડો સમય બાળકની જંજાળમાંથી મુક્તિ જોઈતી હોય છે. એવા સંજોગોમાં ફેમિલી પ્લાનિંગ માટેની જવાબદારી પણ સ્ત્રી પર આવી જાય છે. આડેધડ થતો ગર્ભનિરોધક ગોળીઓનો વપરાશ પણ હૃદયરોગને નિમંત્રણ આપે છે. ગર્ભનિરોધક ગોળી લેનાર મહિલાઓમાં કોરોનરી આર્ટરી ડિસીઝ (સીએડી)નું પ્રમાણ અન્ય મહિલાની સરખામણીમાં દસ ગણું અધિક વધી જાય છે. કદાચ આ જ કારણ છે કે હવે તો ત્રીસીમાં પ્રવેશેલી સ્ત્રીઓ પણ હૃદયસંબંધી રોગનો ભોગ બને છે.

સૌથી મહત્ત્વની વાત આ મહિલાઓ ભૂલી જાય છે તે છે ખુશ રહેવાની વાત. ફરજને નામે, શિસ્તને નામે, આદર્શને નામે નિચોવાતી રહેતી સ્ત્રીઓને એક જ વ્યક્તિ મદદ કરી શકે છે તે છે પોતે.

થોડી બાંધછોડ, થોડું જતું કરવાની વૃત્તિ અને ‘ટેક ઈટ ઈઝી’ મંત્ર આ સિન્ડ્રોમ માટે એકમેવ કોકટેલ વેક્સિન છે, અજમાવી જોવા જેવું ખરું.

છેલ્લે છેલ્લેઃ
સ્ત્રીઓ પુરુષની જેમ હંમેશ સફળ કેમ નથી હોતી?
– કારણ કે તેમની પાછળ સફળ પુરુષની (સફળતા માટે જવાબદાર હોય તેવી) સાથે હોય તેવી સ્ત્રી નથી હોતી.

– અનામી

20131022-093147.jpg

Advertisements

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

w

Connecting to %s