Mann Woman

દુનિયા ચાર દીવાલ ભીતરની

20131028-205959.jpg
વિદેશની જેમ હવે આપણે ત્યાં પણ લેડિઝનાઇટ આઉટનો ટ્રેન્ડઆવકાર્ય બની રહ્યો છે. ખાસ કરીને મહાનગરોમાં હાઇ ઇન્કમ ગ્રૂપની વ્યાવસાયિક કે પછી ગૃહિણીઓ અઠવાડિયે,પંદર દિવસે એકાદ વાર મળે, ખાય-પીવે ને ટોળટપ્પા કરીને છૂટી પડે. આ પાર્ટી માત્ર ને માત્ર જનાના, લેડિઝ પાર્ટી. નો મેન્સ આર અલાઉડ. એવા સંજોગોમાં છે કે સ્વાભાવિકપણે સ્ત્રીઓનું આપસી બોન્ડિંગ વધે જ. પતિને, સાસરિયાંને, સંતાનોને ન કહી શકાતી હોય કે પછી તેમના દ્વારા થતી જ સંતાપભરી પરિસ્થિતિ કે પછી વ્યાવસાયિક ધોરણે ઉદ્ભવતી સમસ્યા ચર્ચે. એમાંથી ફળદાયી એવું તો કોઈ સમીકરણ નીપજવાનું ન હોય, પરંતુ દિલ તો જરૂર હળવું થાય જ.

એવા જ એક જૂથમાં વાતચીતનો દોર ચાલી રહ્યો હતો. આ એપિસોડનું કેન્દ્રબિંદુ હતી નીના, નામાંકિત ઉદ્યોગગૃહના ઘરની પૂત્રવધૂ. કાનમાં, આંગળીમાં સોલીટેર ઝળક ઝળક થાય. મોંઘાંદાટ વસ્ત્ર-પરિધાન. ‘બિચ્ચારી’ તાજેતરમાં જ એક જાણીતા હેલ્થસ્પામાં ટ્રીટમેન્ટ લઈને આવેલી. એટલી દુઃખી, દુઃખી કે તેની કરમકહાણી સાંભળીને બિચારી બીજી માનુનીનાં દિલ કચવાઈ ગયાં.

આ શ્રીમતી નીનાની સમસ્યા હતી પતિ દ્વારા થતી મારપીટ. પૈસેટકે, નામના, સંતાનો તરફથી કોઈ સમસ્યા નહીં, પણ પતિને દારૂની લત. બે ડ્રિંક પેટમાં જાય એટલે બકવાસ શરૂ થાય ને પછી નસીબ પાધરાં હોય તો ગાળાગાળી ને ધોલધપાટથી વાત પતી જાય, પણ વાત વણસે તો નીનાબહેનનો ચહેરો બીજા દિવસે જોવા જેવો હોય. ઘરના સભ્યો જ નહીં, નોકરો પણ સમજે ને મિત્રો પણ જાણી જાય.

નીના પોતે સુશિક્ષિત, ધારે તો છૂટાછેડા લઈ ભરણપોષણની રકમ પર જીવી શકે કે પછી એ રકમને લાત મારી પોતાની સ્વતંત્ર આવક રળી શકે તેટલી સક્ષમ, પણ એવું કરવાની તૈયારી નહીં. કારણ આપે, વિદેશ ભણતી યુવાન દીકરીઓ, સમાજ, ઇજ્જત…

મૂળ કારણ તો કદાચ હશે લક્ઝરીની આદત, પણ વાત બીજી છે. માની લઈએ કે નીના પતિની અઢળક સંપત્તિને કારણે તેનો માર, ત્રાસ વેઠતી હશે, પણ આપણે ત્યાં કેટલીય બહેનો તો એવી છે કે પોતે મહેનત, મજૂરી કરીને બેકાર પતિને કોળિયા ભેગો કરતી હોય છતાં માર ખાતી હોય. એવી કેટલીય કહાણીઓ આપણે આપણી આસપાસ, પાડોશમાં, સગાં-સંબંધીને ત્યાં જોતાં જ હોઈએ છીએ અને ‘ડિસન્સી’, બીજાની વાતમાં ચંચુપાત કેમ કરવો એવી ભાવનાથી નિર્લેપભાવે ખેલ જોયે રાખીએ છીએ. એ જાણવા છતાં કે આપણી આ ઉદાસીનતા ભોગ બનેલી સ્ત્રી માટે કયામત બની રહેશે.

યુનાઇટેડ નેશન્સના એક રિપોર્ટ મુજબ ભારતમાં બે તૃતીયાંશથી પણ વધુ મહિલાઓ ઘરેલું હિંસાનો ભોગ બને છે. કારણ છે કે આપણે ત્યાં મહિલા પર થતાં આ પ્રકારના અત્યાચાર ગંભીરતાથી લેવામાં આવતા જ નથી. સૌ કોઈ માટે એ બીજાના ઘરની વાત છે. આ માટે સમાજશાસ્ત્રીઓનો મત મહત્ત્વનો છે. એમનું કહેવું છે કે ૨૧મી સદીમાં સ્ત્રીઓનું કાર્યક્ષેત્ર વિશાળ થઈ ગયું છે. તે ઘર સંભાળવાની સાથે સાથે નોકરી કે અન્ય રીતે અર્થોપાર્જન કરે અને ઘરમાં નાણાંકીય સહયોગ આપે એવી માગણી, અપેક્ષા સાસરિયાંઓની હોય છે, જે પૂરી ન થાય તો પછી શારીરિક કે માનસિક તાડનના ભોગ બનવાની તૈયારી રાખવી પડે છે. અલબત્ત, આ વાત દરેક કિસ્સાને લાગુ નથી પડતી છતાં એક સામાન્ય વાત બનતી ચાલી છે.

એક બીજું સજ્જડ કારણ દહેજનું. પિયરમાંથી પૈસા, દાગીના, વાહન લઈ આવવાની માગણીથી લઈ દીકરો ન જણવા માટે અત્યારની શિકાર સ્ત્રી, પરંતુ આ તો થઈ શારીરિક હિંસા, જે નિશાની છોડી જાય. પુરવાર થાય તો સાસરિયાંને જેલ કરાવી શકે એટલે શાણા, સ્માર્ટ લોકો શારીરિક નહીં બલ્કે માનસિક, ભાવાત્મક હિંસા આચરે છે,જેને પુરવાર કરવી લગભગ અશક્ય છે.

વાતે વાતે ગુસ્સો કરવો, મહેણાં-ટોણાં મારવાં, તિરસ્કાર, ઉપેક્ષા કરવી. બીજી વહુઓ સાથે સરખામણી કરવી. આ તમામ ક્રૂર હિંસા એટલી વેધક છે કે તેની ધાર કોઈને પણ આરપાર છેદી જાય છતાં પોલિસ કે કોર્ટ સમક્ષ પુરવાર કરવી અશક્ય છે, પરંતુ તેની ભયાનક અસરો મન, મગજ પર પહોંચે છે.

સૌથી પેચીદો પ્રશ્ન તો એ છે કે આ બધી સ્થૂળ, સૂક્ષ્મ હિંસા સ્ત્રીઓ ચૂપચાપ સહન કેમ કર્યે જાય છે?
કારણ છે આપણી સમાજવ્યવસ્થા. સમાજશાસ્ત્રીઓ તો કહે જ છે, પણ સૌ કોઈને જ્ઞાત છે કે બાળકીને નાનપણથી સંસ્કારને નામે શું બ્રેઇન વોશ કરવામાં આવે છે.

પતિ તો પરમેશ્વર કહેવાયથી લઈ, ડોલી પછી અર્થી તો સાસરામાંથી જ એવા મીડિયોકર હિન્દી ફિલ્મના ડાયલોગથી મગજ સડાવી દેવાય છે. લગ્ન શું થાય પિતાનું બારણું જડબેસલાક વસાઈ ગયું હોય એવી માનસિકતા સૌથી મોટું જવાબદાર કારણ છે ઘરેલું હિંસા સહન કરવાનું.

આજે પરિસ્થિતિ એવી છે કે કાયદાકીય રક્ષણ આપવાના ઉદ્દેશથી ઘરેલું હિંસામાં લગભગ દરેક પ્રકારના ત્રાસને આવરી લેવાયા છે. શારીરિક ઈજા પહોંચાડવી એ તો ખરું જ, પણ એવો પ્રયાસ સુધ્ધાં કરવો, મહેણાં-ટોણાં મારવાં, ધાકધમકીથી ભયભીત રાખવી કે દહેજ માટે સીધી કે આડકતરી વાતો કરી પરેશાન કરવી, યૌનશોષણ કે સ્ત્રી આત્મસન્માનને ઠેસ પહોંચે એ વાત પણ માનસિક ત્રાસમાં ગણના પામે છે.

જોવાની ખૂબી એ છે કે આજે સ્ત્રીઓ માટે જે ધારદાર, જડબેસલાક કાયદાઓ રક્ષણ માટે અસ્તિત્વમાં આવ્યા છે તેમાં કાયદા પહેલાં હયાત નહોતા, જેનો ઉપયોગ ઘરેલું હિંસાનો ભોગ બનેલી સ્ત્રી રક્ષણ માટે ચોક્કસપણે કરી શકે. છતાં, જે ખરેખર પીડિતા છે તે આ બધી કાયદાકીય જંજાળમાં પડવા માગતી નથી કે પછી એ સમજી શકે તેટલી સક્ષમ હોતી નથી. તેના બદલે માથાભારે માનુનીઓ આ કાયદા કલમોનો ઉપયોગ ભરપટ્ટે કરી પોતાનાં સાસરિયાંઓને સર્કસના લીડરની જેમ ઊભાઊભ નચાવે છે. તાજેતરમાં જ એક જાણીતી બ્યુટીક્વીને પોતાના પતિ સામે જાતજાતના અને કલ્પનાતીત કેસીસ કરીને બિચ્ચારાને પગે પૈડાં ભરાવડાવી દોડતો કરી દીધો છે અને એક સામાન્ય, રાંક સ્ત્રી પોતાની મુક્તિનો માર્ગ આત્મદહનમાં શોધે એ પણ એક કેવી વિટંબણા છે!!

છેલ્લે છેલ્લે :
લગ્ન પવિત્ર હોઈ શકે, પણ સુરક્ષિત હશે જ એની ખાતરી નથી હોતી.

Advertisements

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

w

Connecting to %s