opinion

નવા વર્ષનું સંકલ્પટાણું

image

સ્કૂલમાં ભણતા હતા ત્યારે દિવાળી વેકેશન પછી સ્કૂલ ખૂલવા સાથે પહેલા જ ક્લાસમાં નિબંધનો વિષય અનિવાર્યપણે રહેતોઃ નવા વર્ષના સંકલ્પો. 

જોવાની ખૂબી તો એ હતી કે કોઈ પણ વર્ગના, કોઈ પણ કક્ષાના એ પાંચમા ધોરણના વિદ્યાર્થી હોય કે સાતમાના, તમામના નિબંધો એકદમ બીબાઢાળ રહેતા. વર્ગમાં રહેલા ચાલીસેચાલીસ વિદ્યાર્થીઓના સંકલ્પ (નકલ ન કરીને પણ) એક જ સરખા, નવા વર્ષથી વહેલા ઊઠવાની આદત રાખવી, નિયમિત મંદિર જવું, વર્ગમાં ગૂટલી ન મારવી, રાત્રે વહેલા સૂઈ જવું. નિબંધના અંતે પૂંછડીએ સુવાક્યઃ રાતે વહેલા સૂઈ, વહેલા ઊઠે વીર, બળ, બુદ્ઘિ, ધન બહુ વધે સુખમાં રહે શરીર. 

હા, તમામ વિદ્યાર્થીઓએ લખેલા નિબંધો જાણે સાઈક્લોસ્ટાઈલ કરાવેલા પેપર. શિક્ષકો બિચ્ચારાઓને એમાં કંઈ અજુગતું જ ન લાગે. એ તો એમ જ હોય ને! એ તકિયાકલામ સાથે. 

વર્ષો પછી આ વાત યાદ આવવાનું કારણ એ જ, નવા વર્ષનું સંકલ્પ ટાણું

. માત્ર પ્રશ્ન એ થયો કે ધારો કે હવે જાત સાથે પ્રામાણિકતાપૂર્વક સંકલ્પ લેવાના હોય તો કેવા સંકલ્પ લેવા? ત્યારે એ વાત સમજાઈ કે ભોળી કિશોરાવસ્થામાં સંકલ્પયાત્રાની લાંબીલચ્ચ યાદી લખી લેવી તો આસાન હતી પણ એક સંકલ્પ પ્રામાણિકપણે અમલમાં મૂકવો હાંફી જવાય તેવી ઊંચાઈએ છે. 

છતાં, માની લો કે આ નવા વર્ષે દસ કા ઝટકા જેવા સંકલ્પ લેવા જ હોય તો કેવા સંકલ્પ લેવા? (એકના તો ઠેકાણાં નહીં ને દસ, દસ સંકલ્પ? એવો વિચાર આવે સ્વાભાવિક છે એટલે જ દસનો આંકડો રાખ્યો છે. ધારો તે એક ફિગરને ઉડાવી શકાય, ક્યાં ઝીરોને કે પછી એકને…)

જે પણ નવા વર્ષે સંકલ્પ લેતા હશે તેમાંના મોટા ભાગના લોકો અચૂક સૂર્યવંશી હશે જ તેવી ખાતરી અમે આપીએ છીએ. એટલે કે રાત્રે મોડે સુધી ઘુવડની જેમ જાગવું અને સવારે મોડે સુધી ઘોરવું. એ લોકો માટે નવા વર્ષનો સૌપ્રથમ સંકલ્પ સવારે વહેલા ઊઠવું. 

સવારની બ્યુટી શું ચીજ છે તેનું વર્ણન રોજ વહેલી સવારે ગાર્ડનમાં કે મરીન ડ્રાઈવની પાળ સાથે સંવાદ કરનારાઓ મહાકાવ્યની જેમ ગાઈને બતાવશે. જેણે સૂર્યનું પહેલું કિરણ પૃથ્વીને સ્પર્શતાં જોયું નથી તેનું જીવન વ્યર્થ છે તેવું કહેનારા તમારા વહેલા ઊઠવાના સંકલ્પને બુસ્ટર ડોઝ આપશે. એવા લોકો સાથે ઊઠ-બેસ રાખવી સારી, કમસે કમ જ્યાં સુધી (પંદર દિવસ) સંકલ્પ ટકે ત્યાં સુધી તો ખરી જ…

વહેલા ઊઠવાનો સંકલ્પ સિદ્ધ થઈ ગયો તો સમજો એક કાંકરે ત્રણ-ચાર પંખી પડ્યાં. વહેલા ઊઠીને દેશભરનો કકળાટ વાંચવાને બદલે સ્નિર્ક્સ પહેરીને માંડવું દોડવા એટલે એક પંથ ને દો કાજવાળી થશે. વહેલા ઊઠવા સાથે શરીરને વ્યાયામ પણ મળશે જ મળશે. 

કલાક – દોઢ કલાકે પરસેવો પાડીને ઘરે આવશો ત્યારે ગૃહલક્ષ્મી મલપતે ચહેરે ગરમાગરમ ચા આપશે તે તમારો મેડલ (સ્ત્રીઓએ આવા મેડલની આશા રાખવી નહીં, દિલ્લી અભી દૂર હૈ). હાસ્તો, વહેલા ઊઠે, નિયમિત વ્યાયામ કરે, ઊઠતાંવેંત ઊંધે માથે ઓફિસે ભાગવાને બદલે સવારમાં પરિવાર સાથે થોડી ગોઠડી માંડનાર ‘ફેમિલીમેન’ કોને ન ગમે? 

એક પંથ દો કાજના ન્યાયે વહેલા ઊઠવા સાથે વ્યાયામ એ એક કાજ અને નં. ટૂ એટલે યોગ્ય ડાયેટ. આજકાલ તો હેલ્થ કોન્શિયસ હોવું ભારે ફેશનેબલ મનાય છે. એટલે સવારનો નાસ્તો હવે ટ્રેડિશનલ મટીને ફેશન સ્વરૂપે સ્વીકાર્ય છે. ખાખરા, પૌંઆ, ઉપમા આઉટ ઓફ ડેટ મેનુ છે, હવે હેલ્થ કોન્શિયસ લોકો કૉર્નફ્લેક્સ, ટોસ્ટથી કામ પતાવે છે. હા, મૂસલી અને હોલ વ્હીટ બ્રેડ એવા બધા ફેશનેબલ વિકલ્પ પણ ખરાં, વળી વધુ વરણાગી હોય તો અંજલિ મુખરજીના સ્પેશિયલ ડાયેટ ફૂડ સાથે ટેબલ પર કેલરી ચાર્ટ પણ અને ડાયેટિશિયન કહે તે પ્રમાણે ચમચા ગણી ગણીને કોળિયા ભરવાના. 

આ બધી વાતથી સંતોષના ઓડકાર જબરદસ્ત આવશે, પણ સંકલ્પોની યાદી હજી લાંબી છે, ત્રણ પોઈન્ટમાં પતે તો સંકલ્પયાત્રા ન કહી શકાય ને. 

હવે આવે છે ચોથો અને મુખ્ય એવો મુદ્દો. મોડા ઊઠનારાઓ જ્યારે નવા નવા ‘અર્લી રાઈઝર’ ક્લબમાં આવે ત્યારે તેમને લાગે છે કે અચાનક જ દિવસ લાં…બો થઈ ગયો છે. દક્ષિણ ધ્રુવ પર હોય તેટલો લાંબો. એટલે આ મહાશયો અને સન્નારીઓ પોતાની જાતને પાર્ક કરે છે કમ્પ્યુટર સામે. સવારના પહોરમાં ફેસબુકની વોલ પર જાતજાતના ને ભાતભાતના ન્યુઝ, વ્યુઝ, કોમેન્ટ્સ ચીપકાવે તેનાથી તેમને સંતોષ ન થાય એટલે પોતાના ફ્રેન્ડ્ઝ લિસ્ટમાંથી થોડા બકરાઓ શોધી તેમને ‘ટેગ’ કરે. આ ટેગ થનારા લોકો એ હોય જેમની વોલ પર એક્ટિવિટી પ્રમાણમાં વધુ હોય એટલે માનો પોતાની કમેન્ટ કે વ્યુઝ ન વાંચવાની પરવા કરનારા પેલા ફલાણા, ઢીકણાની વોલ પર તો તેમને નોટિસ કરે જ કરે. 

ફેસબુક પર મોરની કળા કર્યા પછી લાગે કે આ તો ‘જંગલ મેં મોર નાચા’ જેવો ઘાટ થઈ રહ્યો છે એટલે વારો પડે ટ્વીટર, ગૂગલ પ્લસ ને છેલ્લે ઈ-મેઈલનો. 

ઘણા વીર લોકો ચેઈન મેઈલ ફોરવર્ડ કરવાના એટલા રસિયા હોય છે કે દિવસમાં જો દસથી ઓછી મેઈલ તમામેતમામ કોન્ટેકટ્સને ફોરવર્ડ ન કરી શકે તો તેમને છાતીમાં મૂંઝારો થાય છે. 

અલબત્ત, આ તમામ વિશિષ્ટતા ધરાવનારા લોકો સહ્ય હોય છે. કદાચ ઈ-મેઈલ રિસીવર પોતાની મેઈલ વાંચ્યા વિના જ ડિલિટ કરી નાખશે તો? એવો ડર તેમને સતત સતાવતો હોય છે એટલે વળી એવું સેટિંગ પણ રાખે છે કે રિસીવર મેઈલ ઓપન કરે તેનું ઈન્ડિકેશન પણ તેમને મળી જાય. પણ, વાત ત્યાંથી અટકતી નથી. 

રિસીવર મિત્ર ઈ-મેઈલ ખોલે કે ન ખોલે એ મનોમંથનમાં ન પડવા ઈચ્છનારા તો સવારના પહોરમાં ગાંઠના ગોપીચંદન કરતા મોટિવેશન ગુડમોર્નિંગ મેસેજના મારા ચાલુ કરી દે છે. પર્સનાલિટી ડેવલપમેન્ટથી માંડી આત્મવિશ્વાસ વધારતા, સંબંધોની જાળવણી માટે સોનેરી સલાહ-સૂચનો આપતા, જીવનમાં પોઝિટિવિટીનું મહત્ત્વ સમજાવનારા મોટિવેશન મેસેજીસ દરેક વ્યક્તિને દિવસમાં દસથી પંદર વાર તો અચૂક મળે જ છે. 

એ મોટિવેશન મેસેજ એક વાર મળે તો તો સમજ્યા. એકનો એક મેસેજ સેન્ડર જ્યારે પાંચ વાર મોકલાવે ત્યારે એ માણસની પોઝિટિવિટીના અમાનુષી શિકાર આપણે થઈ રહ્યા છીએ તેવી અનુભૂતિ અને કશુંય કરવા અસમર્થ હોવાની કાયરતા આપણી રહીસહી પોઝિટિવિટી ને આત્મવિશ્વાસ પર પણ પાણી ફેરવી દે. 

છતાં મનને કહી મનાવવું રહ્યું કે પ્રભુ, તેમને માફ કરજે, 

તેઓ જાણતા નથી કે અજાણતાં તેઓ કોઈને કેટલી પીડા આપી રહ્યા છે. 

આ તમામ ફીચર્સ ધરાવનારા ‘સ્વજનો’ મિત્રો તો બિનઉપદ્રવીની કક્ષામાં મૂકી શકાય, પરંતુ ખરેખર ઉપદ્રવી અને ઉત્પાતિયા જીવોથી તો કદાચ ભગવાન પણ ન બચાવી શકે. 

ઘણા લોકોનો વહેલી સવારે ઓફિસમાં પહોંચી જઈ અન્યને ડિસ્ટર્બ કરવાનો ભવ્ય કાર્યક્રમ સેટ હોય છે. આ લોકો પોતે દિવસ વહેલો શરૂ કરી વહેલો પૂરો કરતા હોય છે એટલે સવારના પહોરમાં તમને ફોન કરીને ઊંઘતા પકડી પાડે છે. તેમની બેટિંગનું ઓપનિંગ હોય છેઃ ‘ડિસ્ટર્બ તો નથી કર્યાને!’ બચ્ચારો સૂર્યવંશી, આંખો ચોળતાં ચોળતાં પરાણે હસવાનો, નમ્ર ડોળ કરતો અર્લી રાઈઝરની બર્બરતાનો શિકાર મૂક રહીને ગામ-ગોસિપ સાંભળી લે છે. એ વાત જુદી છે કે ઊંઘરેટા મન પર પ્રતિબિંબિત થયા વિના ગોસિપના ગુબ્બારા એક કાનથી પ્રવેશી બીજા કાન વાટે નીકળી જાય છે.

આ ઉપદ્રવી લોકોની આખેઆખી જમાત હોય છે. કોઈને માત્ર તમારી સવાર બગાડવાથી સંતોષ થઈ જાય છે, કોઈ વળી દિવસભર તમને ગમે ત્યાં પકડી પાડવાની હોશિયારીમાં પોતાનો વટ પાડતા રહે છે. 

તમે ગમે તેવી મહત્ત્વની મીટિંગમાં હો, ડ્રાઈવિંગ કરતા હો કે વેકેશન માટે ન્યુ ઝીલેન્ડ ગયા હો અને મધરાતની ગાઢ નીંદરમાં હો, તમારા મોબાઈલ પર ફોન કરનારા એ ઉપદ્રવી માત્ર માર્કેટિંગ કોલ એ હોય જરૂરી નથી (જોકે, એ ઉપદ્રવ હવે નિર્મૂળ થઈ ગયો છે) એ તમારા સાઢુભાઈના બનેવીના સાળાના ભત્રીજા પણ હોઈ શકે. તમે જેને વર્ષમાં વચલે દહાડે પણ ન મળતા હો તેવી વ્યક્તિ પણ તમારો મોબાઈલ નંબર હાથે ચઢ્યો તો બેઝિઝક ફોન મોબાઈલ પર જ કરી દે છે. સમય ઓફિસના કલાકોનો હોય છતાં લેન્ડલાઈન પર કોણ ફોન કરે? 

દુનિયાભરની સૌથી વધુ મેનર્સલેસ પ્રજા (મોબાઈલ માટે) કદાચ ભારતીય જ છે. એટલે નવા વર્ષનો સંકલ્પ જરા મેનર્સ શીખવાનો, સામેનાને મોબાઈલ પર હેરાન ન કરવાનો પણ જરૂરથી લઈ શકાય.

એટલે કે ટૂંકમાં જો આ નવા વર્ષે દસ સંકલ્પ લેવા જ હોય તો તે આ હોઈ શકે. 

૧) સવારે વહેલા ઊઠવું.

૨) નિયમિત વ્યાયામ. 

૩) યોગ્ય ડાયેટ. 

૪) ફેસબુક પર ચોંટી જવાને બદલે પ્રમાણસર ઉપભોગ. 

૫) ચેઈનમેઈલના મારા ચલાવીને સામેનાને પરેશાન કરવાને બદલે થોડા સહિષ્ણુ થવું. 

૬) રોજ સવારે આસ્થા ચેનલ પર આવતા ઉપદેશકારીઓની જેમ મોટિવેશન મેસેજ સામેનાને માથે ન મારવા. 

૭) સવારના પહોરમાં કોઈને ગોસિપભર્યા ફોન કરતાં પહેલાં બે વાર વિચાર કરવો. આખરે જીવદયા જેવી પણ કોઈ ચીજ હોય છે.

૮) લેન્ડલાઈન નામની ચીજ હજી પણ અસ્તિત્વમાં છે તે જાણવું. સીધા મોબાઈલ પર ફોન કરીને તમે સામેની વ્યક્તિની પ્રાઈવસી ભંગ કરી રહ્યા છો. 

૯) આ તમામ સંકલ્પ સંપૂર્ણપણે પાળવા અસમર્થ હો તો પણ પેલી ઉપદ્રવી કેટેગરી (ક્રમાંક ૬, ૭, ૮)માં આવતા હો તો થોડા ખમૈયા જરૂર કરજો. 

૧૦) કોઈ પણ સંકલ્પ પાળી શકવા અશક્તિમાન હો તો આવતા વર્ષે સંકલ્પ લેશો તેવો પોકળ વાયદો પણ જાત સાથે કરી લેવો. કાલ કોણે દીઠી છે? 

છેલ્લે છેલ્લે…

કલ ઉસ કે દિલ પે કિસ કા હો કબ્જા, ખબર નહીં

અબ તક તો યે ઈલાકા હમારે અસર મેં હૈ..

Advertisements

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

w

Connecting to %s