opinion

તમે મારાં દેવનાં દીધેલ છો

image

image

વહેલી સવારે કે ઢળતી સાંજે બ્રીચ કૅન્ડી, હેંગિન્ગ ગાર્ડન, મરીનડ્રાઈવ પર
ચાલવા જતા હશો તો એક નઝારો તો જરૂર જોયો હશે મોડર્ન બેગપાઈપરનો. એક માણસ
સાતથી દસ કૂતરાને લઈ જતો હોય. પગ, પોમેરિયન, સ્ટ્રીટ ડૉગ જેવાં લાગતાં
કૂતરાઓનો એક બેચ. ક્યારેક આલ્સેશિયન, જર્મન શૅફર્ડ, ડોબરમેન જેવા ચહેરા
પર મિલિટરી મિજાજ છલકાવતા શ્વાનનો બીજો બેચ. હા, આ છે આજની નીપજ. નવી
કારકિર્દી છે ડૉગવૉકરની. સવારના પાંચ, સાત કે બિનલડાકુ હોય તો દસનો બેચ
અને સાંજે એ જ રીતે બીજો બેચ. ઘરેથી ડૉગ પિક-અપ ઘરે ડ્રોપ. વૉકની અવધિ એક
કલાક, દસ મિનિટ આગળ-પાછળ. વૉકરની ફી કૂતરા દીઠ મહિને રૂ. ૩૦૦૦.

એટલે કરી લો સવારના, સાંજના બેચમાં કૂતરાની સંખ્યા ગણી વૉકરની મહિને કમાણીની ગણતરી.

પરપોટાની જેમ ફૂટી નીકળેલી આ કારકિર્દી માટે કોઈ ક્વોલિફિકેશનની જરૂર જ
નથી એટલે મહિનેદહાડે રૂ. ૨૫થી ૫૦ હજાર સુધી કમાઈ લેતા આ ડૉગવૉકરનો ધંધો
પુરજોશમાં છે. અચાનક જ આ ટ્રેન્ડ ફૂટી નીકળ્યો છે તેવું તો ન કહી શકાય,
પણ એક સમય હતો કે કૂતરાપ્રેમી પોતે જ સવારે, સાંજે પોતાના
મોર્નિંગ-ઈવનિંગ વૉક માટે પાળેલા કૂતરાને ફેરવવા લઈ જતા. હવે જિમ કલ્ચર
વધ્યું છે. બિઝનેસ મીટિંગ પતાવ્યા પછી કે કિટ્ટી પાર્ટી પહેલાં કે પછી
વર્કઆઉટ માટે સીધા જિમની વાટ પકડતા લોકોનાં પાળતું પ્રાણીઓની સેહતનું
શું? ખરેખર તો તમામ ઉપાધિનું કારણ છે શ્રીમંતોનાં અછોવાનાં. મોંઘાદાટ પૅટ
ખરીદવાની રીતસર હોડ લાગે છે. પગ નામના ડૉગને કોઈ પૂછતું નહોતું. રૂ.
૩૦૦૦માં મળતું ગલૂડિયું અને એક મોબાઈલ નેટવર્કની એડમાં એવું ઝળક્યું કે
હવે એની કિંમત રૂ. ૩૫થી ૫૦,૦૦૦ થઈ ગઈ છે.

ડોબરમેન, આલ્સેશિયન, બોક્સર જેવા ડૉગની પેડિગ્રી (વંશાવલિ) જોયા પછી
ખરીદી થાય છે. શિયાહુવાહા નામના શિયાળ જેવા ગલૂડિયાની કિંમત પેડિગ્રી
પ્રમાણે લાખની આસપાસ છે. લાખેણા મિત્રોની ખરીદી પછી તેને પેટના જણ્યાની
જેમ લાલનપાલન કરવાની વૃત્તિ સારી તો ખરી, પણ એ જ વાત આ મૂક જીવો માટે
જીવલેણ પુરવાર થાય છે.

જાણીને નવાઈ લાગે પણ તાજેતરમાં જ પ્રકાશિત થયેલા અહેવાલ પ્રમાણે આ જિગરના
તારાઓ કિડની પ્રોબ્લેમથી લઈ હાર્ટ એન્લાર્જમેન્ટ, અલર્જી, મેદસ્વિતા જેવા
રોગોથી પીડિત છે.

એવું મનાય છે કે પળાતા આ પ્રાણીઓમાં વિશેષ કરીને બોક્સર, જર્મન શૅફર્ડ,
ડોબરમેન જેવી પ્રજાતિમાં સ્થૂળતા અને હાર્ટને લગતી બીમારી જોવા મળે છે.
જેનું મુખ્ય કારણ માત્ર ને માત્ર જેનેટિક આપી ન શકાય. જે ખોટી લાઈફસ્ટાઈલ
માણસજાતને હેરાનપરેશાન કરી નાખે તેવી જ લાઈફસ્ટાઈલ આ મૂક પ્રાણીઓને પણ
ત્રસ્ત કરી નાખે છે. ફરક એટલો છે કે વાચાળ માણસ પોતાની ફરિયાદ માટે
તાબડતોબ ડૉક્ટરી સહાય માટે દોડી જઈ શકે જ્યારે આ જીવે તો એ માટે પણ
માલિકની દયા પર નભવાનું હોય છે. વાત માનવામાં આવે તેવી નથી, પરંતુ એક
સમયે જેમ દક્ષિણ પેરિસમાં માણસ કરતાં કૂતરાની સંખ્યા વધી રહી હતી તેવો જ
ઘાટ હવે આપણે ત્યાં પણ જોવા મળી રહ્યો છે.

તેની પાછળનું કારણ છે ઓછી સંતતિનું. અપર મિડલ કલાસમાં હવે ચાલેલા વન
ચાઈલ્ડ ટ્રેન્ડને કારણે ઊછરતા બાળકના સાથી તરીકે ‘પૅટ’ રાખવાની સલાહ ઘણા
કાઉન્સિલર આપે છે. નાનાં શહેરો અને કસબામાં આ ટ્રેન્ડ સામાન્ય છે, તેનું
કારણ છે આવાસની અનુકૂળતા. લો લેવલનાં બંગલા ટાઈપ મકાનો કે પછી વિશાળ
ફ્લેટ ‘પૅટ’ સમાવી શકે, પણ મુંબઈ જેવા મહાનગરમાં જ્યાં બે બેડરૂમના
ફ્લેટમાં ચાર માણસ હાલતાં ચાલતાં અથડાઈ પડે તેવો ઘાટ હોય ત્યાં પાળતું
પ્રાણીઓની શારીરિક અને માનસિક હાલત માત્ર કલ્પી લેવાની રહી. તે છતાં
પરિસ્થિતિ અને જીવના હાલ-હવાલ જાણ્યા સમજ્યા વિના પ્રાણીપ્રેમ પોષવાનો
ટ્રેન્ડ જોર પકડી રહ્યો છે.

બજારમાં જઈ પેડિગ્રી જોઈ સમજી, ગાઈડબુક સાથે આ નવા મહેમાનની પધરામણી તો
થઈ જાય છે પણ નાના બાળકની જેમ તેની માવજત અને સંભાળ જરૂરી બની જાય છે.

મહિને મહિને વૅટ પાસે લઈ જઈ જરૂરી વેક્સિન, ઈન્જેકશન તો ખરાં જ, પરંતુ
તેમને નવડાવવાથી લઈ જમાડવાની કામગીરી ભારે જહેમત માગી લે છે. હવે
મુંબઈમાં જ ઠેકઠેકાણે આ પ્રાણીઓ માટે પણ સ્પા ફૂટી નીકળ્યા છે. શેમ્પૂથી
લઈ હેર ટ્રિમિંગ સુધીની તમામ મગજમારી તેમને માથે, પરંતુ રોજના ખોરાકનું
શું?

મોટા ભાગના માલિકો ભૂલી જાય છે કે પ્રાણીઓને પણ માનવજાતિ જેવા જ રોગનો
ભોગ બનવું પડે છે, જો લાઈફસ્ટાઈલ અયોગ્ય હોય તો…

પરેલમાં આવેલી પ્રાણીઓ માટેની વિશિષ્ટ હૉસ્પિટલ એસપીસીએમાં દર મહિને
પાંચ-છ શ્વાન તો માત્ર કિડનીની સમસ્યાની ટ્રીટમેન્ટ માટે આવે છે. જેમાંના
માત્ર ૨૫ ટકા ડાયાલિસિસ પછી જીવે છે. કિડનીની સમસ્યાનું કારણ ઓછું પાણી
પીવામાં છે. કૂતરાના માલિકોની બેદરકારી આ જીવો માટે અસાધ્ય બીમારી લાવે
છે.

એવી જ વાત અલર્જી, ઓવરવેઈટને કારણે થતી હૃદયની બીમારીની પણ ખરી.

માલિક પોતે રાત્રે ટીવી સામે બેસીને આઈસક્રીમના ચટાકા લે એટલે ડૉગી પણ
લે. માલિક થ્રિલર જોતાં જોતાં કુરકુરેના પેકેટ ખાલી કરી નાખે એટલે નીચે
લપાયેલા

પેલા બિચ્ચારા મૂક જીવ પણ એ જ અનુકરણ કરે.

વેટ ડૉક્ટરો કહે છે કે ગળ્યું, ઘી, ચોકલેટ આ પદાર્થો ખાસ કરીને શ્વાન
માટે જીવલેણ પુરવાર થાય છે. છતાં, ડૉગીને ચોપડ્યા વિનાની રોટલી ન દેવાય
તેવી અનુકંપા ઘણાને થતી હોય છે. પોતે મોઢામાં ચોકલેટનાં ચોસલાં ઓરતા જાય
તેમ પોતાના અદકેરા દીકરાના મોઢામાં પણ મૂકતા જાય એટલે અલર્જી રીએકશનરૂપે
રુવાંટી ખરી જવી, લાલ ચકામાં પડી જવાં, ત્વચારોગ જેવી નિશાની દેખા દે છે.

આજકાલ મુંબઈના આ પાળતું જીવમાં સૌથી અસાધ્ય રોગ હોય તો તે છે હાર્ટ
ડિસીઝ, કિડની પ્રોબ્લેમ, ઓબેસિટી. જે માનવજાતને સૌથી વધુ કનડે છે તે જ
રોગ આ જીવોને પણ નડે છે. એટલે સીધી આંગળી ચીંધાય છે અયોગ્ય લાઈફસ્ટાઈલ
તરફ. માણસ હોય કે શ્વાન, પ્રકૃતિ પાસે કોઈ બાકાત નથી.

‘ચાલો અને ચલાવો’ એ સૂત્ર દરેક શ્વાનપ્રેમીએ આત્મસાત્ કરી લેવાની શીખ હવે
વેટ ડૉક્ટરો આપે છે. હવે સમજાય છે કે ડૉગ ટ્રેઈનર કરતાં ડૉગવૉકરની ગાડી
કેમ પૂરપાટ દોડે છે?

છેલ્લે છેલ્લે…

તમે મારાં દેવનાં દીધેલ છો,

તમે મારાં માગી લીધેલ છો,

આવ્યાં ત્યારે અમર થઈને રો’

Advertisements

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out / Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out / Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out / Change )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out / Change )

Connecting to %s