Mann Woman

‘સ્ત્રીજ સ્ત્રીની દુશ્મન હોય છે.’ સાચું કહેજો કે આ વાક્ય તમે આખી જિંદગીમાં કેટલી વાર સાંભળ્યું? અને હા, એ કોના મોઢે સાંભળ્યું?

20131126-100925.jpg
પોતાના સ્વાર્થ માટે કંઈ પણ કરવા તૈયાર થઈ જતી, સાસુ-બહૂની સિરિયલ જોઈ જોઈને કે પછી માત્ર સ્ત્રીના હક્ક વિષે બણગાં ફૂંકતી સ્ત્રીઓ ખરેખર જ્યારે પોતાની શક્તિ ને કૌશલ્યનું પ્રદર્શન કરવાનું આવે ત્યારે ભારે વામણી પુરવાર થતી હોય છે

‘સ્ત્રીજ સ્ત્રીની દુશ્મન હોય છે.’ સાચું કહેજો કે આ વાક્ય તમે આખી જિંદગીમાં કેટલી વાર સાંભળ્યું? અને હા, એ કોના મોઢે સાંભળ્યું? સામાન્ય રીતે ઉત્તર મળશે કે સ્વાભાવિકપણે સ્ત્રીઓ જ આ વાક્યનો મહત્તમ ઉપયોગ કરે છે. એ પછી પાંચ ધોરણ ભણેલી અશિક્ષિત સ્ત્રી હોય કે મોટી કંપનીમાં વ્હાઇટ કોલર જોબ કરતી આર્થિકપણે સ્વતંત્ર સ્ત્રી. ઘર સાચવતી ગૃહિણી હોય કે પછી વેલ ક્વોલિફાઇડ હોવા છતાં પોતાની ક્ષમતા અને શિક્ષણનો સદુપયોગ ન કરતી સ્ત્રી.

સાચી વાત હંમેશાં કડવી હોય છે પણ તેથી તેની બુનિયાદ નથી બદલાતી. સ્ત્રી જ સ્ત્રીની દુશ્મન જેવી અસૂયાથી ચકચૂર માઇન્ડસેટથી ઉપર ઊઠેલી સ્ત્રીઓ શું કરી શકે તે જોવા માટે માયોપિયાવાળી ફૂટપટ્ટી ન ચાલે.

તાજેતરમાં જ અમેરિકાના શટડાઉન પ્રકરણની ગરમાગરમી અને તેનાથી વિશ્વભરની આર્થિક હાલત કેવી ગગડી શકે તેવાં તમામ પ્રકારનાં લેખાંજોખાં, વિશ્લેષણો સામાન્ય અક્ષરજ્ઞાન ધરાવતા તમામ લોકોએ વાંચી, જાણી, સમજી લીધા છે, પરંતુ અમેરિકામાં આ સરકારી ખર્ચ અને ઋણમર્યાદા અંગે થયેલી એક સપ્તાહથી લાંબી ચાલેલી મડાગાંઠ તોડવાની પ્રક્રિયા શરૂ કરવાનો યશ કોઈ પુરુષ સેનેટરને નહીં બલ્કે મહિલા સેનેટરોને જાય છે. વીસ મહિલા સેનેટરો આ પરિસ્થિતિને ટાળવા કટિબદ્ધ થઈ હતી. જેમાં ચાર રિપબ્લિકન અને સોળ ડેમોક્રેટિક પક્ષની હતી.

આમ જોવા જાવ તો સામસામેની છાવણી. એટલે બંને પક્ષના સેનેટરો એક મત પર સહમત થાય એ આખી પ્રક્રિયા જ કેટલી જટિલ હોય તે માત્ર વિચારી લેવાનું. આપણે ત્યાં રેણુકા ચૌધરી ને સુષ્મા સ્વરાજ કોઈ એક મુદ્દે સહમત થઈ શકે? બસ, એવી જ વાત.

પણ અહીં અમેરિકન મહિલા સેનેટરોએ પોતાના પક્ષીય હિતોને, પોતાના ઈગોને બાજુએ રાખી આ કટોકટી અને તેના પરિણામ કઈ રીતે ઉકેલી શકાય એવા મુદ્દા પર જ ધ્યાન કેન્દ્રિત કર્યું અને પછી જે થયું તે પરિણામ નજર સામે છે.

વિશ્વભરની સ્ત્રીઓએ આ અમેરિકન સેનેટરો પાસે પાઠ ભણવા જેવો તો ખરો, કારણ કે જો આ સેનેટરોની આંતરિક આચારસંહિતા અને તેમના આપસી સંબંધના પોત તપાસીએ તો ઘડી વાર માટે એવું લાગે કે સાચે સ્ત્રીને અપાયેલી આ બધી ઉપમાઓ અને વિશેષણો યથાયોગ્ય છે ખરાં?

સૌથી રસપ્રદ વાત તો એ છે કે અમેરિકન મહિલા સેનેટરો એકબીજાની ટીકા અને પીઠ પાછળ કુથલી નહીં કરવાના વણલખાયેલા નિયમનું સખતાઈથી પાલન કરે છે. એવું મનાય છે કે ભારતના રૂઢિચુસ્ત બંધિયાર મગજ અને આચારવિચાર ધરાવતાં મનુવાદીઓ અમેરિકાની સેનેટમાં બેસે છે. એટલે ત્યાં મહિલાઓ કોઈ હિસાબે, ધોળે ધરમે પણ આગળ ન નીકળી તેની ચોંપ આ પુરુષ સેનેટરો રાખે છે. એ પછી ડેમોક્રેટિક પક્ષનો હોય કે રિપબ્લિકન પક્ષનો, પણ સૌ પ્રથમ એ પુરુષ છે એવો કંઈક સિન્ડ્રોમ આ સેનેટરોને પીડે છે. આ તમામ પરિસ્થિતિમાં પહેલી વાર પુરુષોથી થોડી જુદી અને મહત્ત્વની કામગીરી મહિલા સેનેટરોને સોંપવી જોઈએ એવા અધ્યાયનો પ્રારંભ થયો છે. જે માટે બનેલી જુદી જુદી સમિતિઓમાં દરેકના અધ્યક્ષ સ્થાને મહિલા છે. આ સમિતિઓ આ વર્ષે બજેટ સહિત ઘણા ખરડા પસાર કરાવવા જવાબદાર છે. નાણાકીય સુધારા, સૈન્યમાં મહિલા સૈનિકોની જાતીય સતામણી જેવા મુદ્દાઓ વિષે મહત્ત્વની ભૂમિકા ભજવી ચૂક્યા છે. આ મહિલા સેનેટરોની સંખ્યા ૨૦ છે જો ૫૦ હોય તો?

આ સ્ત્રીઓ પોતાની ડયુટીથી સભાન છે, પણ ખોટાં ગીતડાં ગાવાં નથી બેસી જતી. પોતાથી વિરુદ્ધ કોઈનો મત હોઈ જ ન શકે એવી મમત સામાન્યપણે સ્ત્રીઓને વામણી બનાવી દે છે. સામસામા પક્ષના એજન્ડા ગમે તે હોય પણ વાતે વાતે તલવાર કાઢી અસહમતિ દર્શાવવા ખાતર દર્શાવવી એ વાતમાં કોઈ શાણપણ છે ખરું?

એક તર્ક એવો પણ છે કે યુએસ સેનેટમાં પુરુષ સેનેટરો મહિલા સેનેટરોની હાજરી જ સ્વીકારવા માગતા ન હોય એવું વર્તન કરે છે. વિશ્વના સર્વ સત્તાધીશ, આધુનિક રાષ્ટ્રમાં સ્ત્રીઓ સાથે એવી ભેદભાવવાળી વર્તણૂક થાય છે કે ઘડીભર આપણને હરિયાણા, રાજસ્થાનની ખાપ પંચાયતો યાદ આવી જાય.

વ્હાઇટ હાઉસ અને કેપિટલ હિલ જ્યાં સરકારી કચેરીઓ છે ત્યાં લિફ્ટમાં પ્રવેશવા જેવી ક્ષુલ્લક વાતમાં પણ પુરુષો તેમને નડી જાય છે. ‘સ્ત્રી દાક્ષિણ્ય’ જેવો શબ્દ તો આ લોકોની ડિક્શનરીમાં જ નથી પણ સૌથી વધુ માનસિક માંદગી છે સ્ત્રી તેમનાથી આગળ નીકળી જાય તેનો ડર.

આ આખી વાતની આડઅસર કહો કે પોઝિટિવ બાજુ પણ રિપબ્લિકન હોય કે ડેમોક્રેટ મહિલા સેનેટરો આખી પરિસ્થિતિ પામીને પોતાના પક્ષના પુરુષોની રહેમ નજર મેળવવા તેમની આગળપાછળ તેમને રીઝવવા લટૂડાંપટૂડાં કરી ફૂદરડી ફરવાને બદલે પોતાના આત્મસન્માન અને ગરિમા વધે તેવાં કામ કરવા આપસમાં ખાનગી મેળ-મેળાપ ગોઠવી દે છે. સેનેટ હાઉસમાં, એકબીજાનાં ઘરે, કોર્ટની મહિલા ન્યાયાધીશોની સાથે, રાષ્ટ્રીય સુરક્ષા સાથે જોડાયેલી મહિલા અધિકારીઓની નિયમિત મીટિંગો થતી રહે છે. જેને કારણે પક્ષ ગમે તે હોય પણ મહિલા સેનેટરો વચ્ચે જે રાજકીય ગઠબંધન થાય છે તેમાં જરૂરી મુદ્દા માટે પક્ષના સ્વાર્થી હિતોને નજરઅંદાજ કરી દેવાય છે. એટલે કે વિરોધી પક્ષને ફક્ત ભિડાવા પૂરતા જ મુદ્દા ને ચર્ચાનાં આયોજન હોય તો આ મહિલાઓ પોતે પોતાની રીતે રજૂઆત કરી રાષ્ટ્રના હિતને મહત્ત્વ આપવું જ એવી ઠોસ રજૂઆત કરી ચૂકી છે.

આ આખી વાત જ આ મુદ્દે પ્રકાશમાં આવી હતી જ્યારે પ્રેસિડન્ટ ઓબામાએ ‘શટડાઉન’ની જાહેરાત કરી હતી. તે વખતે રિપબ્લિકન મહિલા સેનેટરોએ આવી કપરી ઘડી રાષ્ટ્ર પર ન આવે તે માટે ઓબામાને સહયોગ આપવા પોતાના પક્ષના કદાવર નેતાઓને મનાવ્યા હતા.

વાત અમેરિકાની કે ભારતની નથી. વાત છે સ્ત્રીશક્તિની અને તેની સાથે ભળતાં સત્ય, તટસ્થતા અને રાષ્ટ્રપ્રેમની, પણ આ ભાગ્યે જ જોવા મળતું કોમ્બિનેશન છે.

પોતાના સ્વાર્થ માટે કંઈ પણ કરવા તૈયાર થઈ જતી, સાસુ-બહૂની સિરિયલ જોઈ જોઈને કે પછી માત્ર સ્ત્રીના હક્ક વિષે બણગાં ફૂંકતી સ્ત્રીઓ ખરેખર જ્યારે પોતાની શક્તિ ને કૌશલ્યનું પ્રદર્શન કરવાનું આવે ત્યારે ભારે વામણી પુરવાર થતી હોય છે અને ખાસ કરીને જ્યારે સ્ત્રીની દુશ્મન સ્ત્રી, સ્ત્રીની દુશ્મન સ્ત્રી… એવું રટતી કોઈ સ્ત્રી મળી જાય તો જરા ધ્યાનથી જોશો, સમજશો તો ખ્યાલ આવી જશે કે બહેનને દુખે છે પેટ અને કૂટે છે માથું. કહે છે બધે પીળું તો જ દેખાય જો તમે પોતે કમળાના શિકાર હો.

છેલ્લે છેલ્લે
પુરુષ દલીલબાજીમાં જીતે ખરો,
સ્ત્રીને મૌન રહીને જીતતા આવડે છે.

Advertisements

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

w

Connecting to %s