musafir hun yaaro

ગાતાં , સુગંધી જંગલોના દેશમાં

20131201-003824.jpg
ઓકે, અમે જયારે આ ઈશ્વરના પોતાના પ્રદેશની મુલાકાત લેવાનો પ્લાન બનાવ્યો ત્યારે વેનિસની યાદ અપાવતાં બેક વોટર, પોર્ટુગલની યાદ અપાવતું કોચી ને તેનું મટાનચેરી , અને ગાતાં સુગન્ધી જંગલોના દેશ એવા ઠેક્કડી ને પેરિયાર લીસ્ટ પર હતા.

કોચી એરપોર્ટ પર ઉતરાણ કરો ને અનુભવાય કે આપણે કોઈ કલોનિઅલ ટાઈમમાં પહોંચી ગયા , એ સમય જયારે હિન્દુસ્તાનના મરીમસાલા , તેજાનાં સમગ્ર પશ્ચિમી વિશ્વમાં જતા હતા. એ સમય જયારે પોર્ટુગીઝ વાસ્કો દ ગામાએ કલીકટની ભૂમિ પર ડગલું માંડતા જ આ સોનાની ખાણને પિછાણી લીધી હતી. એ સમયની નિશાનીઓ આજે પણ ક્યાંક ક્યાંક સચવાઈ રહી છે , નામશેષ થવાના ભયે…

જો પસંદગી માત્ર ઠેકકડી ને પેરિયાર પર હોય તો પણ કોચીની મુલાકાત તો આવે જ કે પછી મદુરાઈ કે ત્રિવેન્દ્રમની પસંદગી કરવી પડે. એ ન્યાયે કોચી વધુ બહેતર ચોઈસ, કોચીથી ઠેક્કડી પહોંચતા પાંચથી સાડા પાંચ કલાક સહેજે થશે.
જો ઇતિહાસમાં રસ પડતો હોય તો એક આખો દિવસ કોચીને નામે કરી દેજો। એક જમાનામાં અરબી સમુદ્રનું સૌથી વધુ ધમધમતું બંદર, જે આજે ઇન્ડિયન નેવી સધર્ન કમાન્ડનું હેડ ક્વાર્ટર છે.

અલબત્ત, સમયે કોચીને ઘણું બદલી નાખ્યું છે. છતાં તેના મટાનચેરી , જેને ગુજરાતીઓ મટનચેરી કહે છે તેની બજારમાં ફરવાનો રોમાંચ 500 વર્ષ પૂર્વેના કાળમાં પહોંચી ગયા હોવાનો આભાસ કરાવે। 5 સદી પૂર્વેનો સ્પાઈસ ટ્રેડ જે માટે મટાનચેરીની બજારમાં ગ્રીક,રોમન,યહૂદી,આરબ,ચીની પ્રજાનો મેળો જામતો। એ જ જૂની પોર્ટુગીઝ શૈલીની દુકાનો,ગોદામો। .. લાલ,પીળી , નીલી, વ્હાઈટ રોશનદાન હાંડીઓ।.. બારણાં જેટલી મોટી , બે ભાગમાં વહેંચાયેલી બારીવાળાં મકાનો। ઈ.સ.1504માં બનેલું સેંટ ફ્રાન્સીસી ચર્ચ તે પણ એકદમ વ્યવસ્થિત હાલતમાં, જ્યાં ઈ.સ 1524માં ત્રીજી અને છેલ્લીવાર હિન્દુસ્તાન આવીને પોઢી ગયેલા વાસ્કો દ ગામાની કબર… બધું જ યથાવત છે.

કોચીના દરિયાકિનારે જશો તો વિશાળકાય ફિશિંગ નેટની હાર જોવા મળશે। સ્થાનિકો એને કહે છે ચાઇનીઝ નેટ. મૂળ ચીનની એવી આ માછલી પકડવાની આ જાળ હવે ચીનસહિત આખી દુનિયામાં ક્યાંય વપરાતી નથી,માત્ર ને માત્ર કોચીમાં જ જોવા મળે છે અને એટલે હવે એ કોચીની સિગ્નેચર જેવી ઓળખ બની ગયી છે.

એક ન સમજાય તેવી વાત છે કોચીમાં મળતાં એન્ટીકની. કોચીની મુલાકાતે જતાં તમામ સહેલાણીઓ પોતાની સાથે આ અવનવાં એન્ટીક પીસ ખરીદી લાવે છે. મ્યુઝિયમ અને આર્કિટેક્ચરના ચાહક હો તો કોચી માટે એક પૂરો દિવસ ઓછો પડશે પણ સમયનો અભાવ હોય તો ઠેક્કડી ને પેરીયારને ભોગે એ વાત પણ યોગ્ય નથી.
એક ન સમજાય તેવી વાત છે કોચીમાં મળતાં એન્ટીકની. કોચીની મુલાકાતે જતાં તમામ સહેલાણીઓ પોતાની સાથે આ અવનવાં એન્ટીક પીસ ખરીદી લાવે છે. મ્યુઝિયમ અને આર્કિટેક્ચરના ચાહક હો તો કોચી માટે એક પૂરો દિવસ ઓછો પડશે પણ સમયનો અભાવ હોય તો ઠેક્કડી ને પેરીયારને ભોગે એ વાત પણ યોગ્ય નથી.

તમિલનાડુ ને કેરલાની બોર્ડર પર આવેલાં ઠેક્કડીની ઓળખ જ છે સ્પાઈસ વિલેજ તરીકેની। એવરગ્રીન, ઘનઘોર કહેવાય તેવા જંગલો વચ્ચે આ હતું મૂળ પ્લાન્ટેશન પોઈન્ટ। રબર, ચા,કોફીની સાથે તેજાનાંની ખેતી। એટલે આજે પણ હોટેલના રૂમ કે કોટેજની બહાર ફેલાયેલી વનરાજીમાં એલચી કે મરીના છોડ મળી આવે. એલચી, મરી ,જાયફળ, જાવંત્રી, લવિંગના છોડ, તજના ,તેજપત્તાના ઝાડ પોતાની હાજરી પુરાવતા હોય તેમ જંગલના ઘણા ભાગ મઘમઘતાં લાગે। અલબત્ત, કમર્શિયલ હવા અહીં પણ આવી ચુકી છે. ઠેકકડી માત્ર વનરાજી માટે નહિ તેની વાઇલ્ડ લાઈફ માટે પણ પંકાય છે. 62 જાતના પ્રાણી , 320 જાતના પંખી, 45 જાતના રેપટાઈલ્સ ,40 જાતની માછલીઓ ને 160 પતંગિયાની જમાત, બાકી હોય તેમ સરકારી અહેવાલ માની લઈએ તો 900 થી 1000 હાથીઓનું આ ઘર. ને આ વાત ન માનવાનો પ્રશ્ન જ નથી કારણ કે રોકાણ દરમિયાન આ બધા યજમાનોની હાજરી સતત વર્તાતી રહે. જે અદભૂત જીવોને આપણે એનિમલ પ્લેનેટ કે નેશનલ જીઓગ્રાફી પર જોઇને સંતોષ માણી લીધો હોત તે આમ સાચુકલાં જોવા મળે તે પણ એક લહાવો જ.

કિંગફિશર, ગ્રેટ ઇન્ડિયન હોર્નબિલ , મૂનિયા નામે ઓળખાતી રંગબેરંગી ચકલીઓ , એવા જ પોપટ, એક ખાસ પ્રકારની ખિસકોલી આબેહુબ દ્રવીડમ , નામે જાયન્ટ મલબાર સ્ક્વીરલ, અલમસ્ત પઠ્ઠા જેવી , કાળી ભરાવદાર પૂંછ . કોઈથી ડરે તે બીજા .
આખું વન પાંદડાની સરસરાહટ ને પંખીના ચહેક વચ્ચે ગાતું હોય એવી જ પ્રતીતિ થાય.

20131201-004123.jpg

ઠેક્કડીમાં ચારે તરફ હરિયાળીથી ઘેરાયેલી હોટેલ કે રિસોર્ટ જ ગ્રેટ એસ્કેપ .. છતાં નિરુદ્દેશે ભટકવું ગમતું હોય તો બેસ્ટ ઓપ્શન છે જંગલ સફારી। થેક્કડી આવો ને ઇકો સિસ્ટમ ગાવી જંગલટુર ન કરો ન ચાલે।

એ છે 40 કી મીની રઝળપાટ। 15 કી મી નાનાં નાનાં ગામોમાં ને બાકીના 25 કી મી ખરેખરાં વનમાં।.. આ દરમિયાન આપણાં યજમાનમિત્રો જેવા કે હાથી, ગૌડ,નીલગાય,હરણાં , કૂતરાની જેમ ભસતાં હરણ એ બાર્કીંગ ડિયર , મોટા ઉંદર જેવાં હરણ , માઉસ ડિયર , લંગુર, લોમડી। …. જો આ બધા વારે વારે આપણો રસ્તો ન ચાતરે તો આપણે તેમના મહેમાન છીએ કેમ જણાય ?
જો આખા દિવસનો કાર્યક્રમ હોય તો કેમ્પિંગ , બોટિંગ,ટ્રેકિંગ પણ શામેલ ને સવારથી સાંજ જ ઘુમવું હોય તો જીપની સેર ને બોટિંગ। જંગલમાં કેમ્પીંગ કરવું એક લહાવો છે અને એના પેકેજ પણ મળે છે. સૌથી સસ્તું કેટીડીસીનું છે. જંગલ સફારી જેવું બીજું એક અસામાન્ય આકર્ષણ છે એલીફન્ટ પાર્ક। એટલે હાથીઓને નહાતાં , જમતાં , ગેલ ગમ્મત કરતાં જોવાનો લ્હાવો।
અને એ બધાથી સહુથી હટ કે ઓપ્શન છે આયુર્વેદિક મસાજ જે લગભગ બધી સારી હોટેલોમાં ઉપલબ્ધ હોય છે.

જડીબુટ્ટી ને ઔષધિથી ભારોભાર , તીવ્ર સુગંધવાળા તેલથી માલિશ। …. તેલનું પ્રમાણ ન્હાવાની બાલદીમાં લેવાતાં પાણી જેટલું। …ને કેળવાયેલા હાથ ની કમાલ। .. મસાજ ચાલતો હોય ત્યારે રીલેક્સ થવા સાથે ફડક એ પણ લાગે કે વાળમાંથી ટીપે ટીપે નીતરી રહેલું અને તેલ લથબથ શરીર પરની ચીકાશ જશે કઈ રીતે?
એ ચિંતાનો મોક્ષ કરે કેરાલાના ટ્રેડીશનલ ઉબટન। પીસેલી અડદની ડાળ સાથે મિક્ષ સુખડનો વ્હેર, કપૂરકાચલીનો પાઉડર , રક્તચંદન , હળદર, કપૂર મિશ્રિત લેપ તેલ તો દૂર કરે જ પણ અઢી કલાકની આ પ્રક્રિયા મસાજ ને સ્નાન આખા શરીરને રૂ જેવું હળવું ફૂલ બનાવી દે.અને ચહેરાની કાંતિ? કોઈ મોંઘાડાટ ફેશિયલ કરતાં સો ગણી વધુ.
બપોરે આ મસાજ પછી હોત ગ્રીન ટી હોય કે કોકમનું શરબત …. ખરેખર નિર્ભાર હોવાની અનુભૂતિ કરાવે।

ઠેક્કડીમાં બે દિવસના સ્ટે સાથે વચ્ચે એક દિવસ પેરિયાર વિઝીટ કરી લેવાય।
છે માત્ર 45 મિનીટના અંતરે। પેરિયાર નદી કેરળની સૌથી લાંબી નદી છે,ને સ્ટેટની લાઈફ લાઈન પણ. ઈ.સ. 1895માં બ્રિટીશ આર્કિટેકટે ડેમ બાંધ્યો જે હવે મલ્લપેરિયાર તરીકે ઓળખાય છે। આ ડેમ ને કારણે જે આર્ટિફિશીયલ લેક અસ્તિત્વમાં આવ્યું તે આ પેરિયાર . જેમાં ડૂબમાં ગયેલા વૃક્ષો કોઈ ભગ્ન કલાકૃતિની જેમ હજી ઉભા છે.

પહેલા એ હતું બ્રિટીશરો માટે ગેમ રીઝર્વ જે પાછળથી વાઇલ્ડ લાઈફ સેન્ચ્યુરીમાં ફેરવાયું અને 1978થી ટાઈગર રીઝર્વ જાહેર થયું।

777 કી મી વિસ્તારમાં ફેલાયેલી આ વાઈલ્ડ લાઈફ સેન્ચ્યુરીમાં 360 કી મી ઘનઘોર જંગલ છે. જેમને માત્ર નિસર્ગમાં રસ હોય તેમને માટે એક બહેતરીન જગ્યા છે કેરલા ટુરીઝમ દ્વારા ચાલતી રિસોર્। લેકના હાર્દમાં જ્યાં સુધી પહોંચવા જમીન માર્ગ જ નથી બોટનો ઉપયોગ કરવો પડે. અલબત્ત સુવિધાને નામે ગ્રેડિંગ માઈનસમાં છે છતાં , પસંદ અપની અપની।

પેરિયારની વિશિષ્ટતા છે બોટ રાઈડ। ચાહો તો સામાન્ય બોટિંગ ને ગમે તો બામ્બુ રાફટીંગ। સાહસી હો તો 8 ફૂટ મોટા સુંડલા જેવા તરાપામાં બેસીને હલેસા મારવાની શેખી કરી શકાય।..
આ દરમિયાન પાણી પીવા આવતા હાથીઓના ધણ ઉપરાંત ઠેક્કડીવાળા દોસ્તો અહીં પણ દેખાશે। હવે આ બધા માનવવસ્તી થી હેવાયા થઇ ગયા છે.
પેરિયારની વન ડે ટ્રીપ કરીને ઠેક્કડી આવશો ત્યારે પણ ઘણા આકર્ષણો રાહ જોતા હશે.

ઠેક્કડીમાં કરવા જેવું ઘણુબધું છે નેચરવોક , એલીફન્ટ રાઈડ, પ્લાન્ટેશન ટુર,ટ્રેકિંગ, મસાજ,શોપિંગ …. અને આ બધું કરતા કરતા કૈંક ઓફબીટ કરવું હોય તો કલ્લરીપયટ્ટુ સેન્ટર કદાથંડાન જોવા જવું પડે. બ્રુસ લી એ જેને દુનિયાભરમાં જાણીતી કરી તે કરાટે કળા નો બીજમંત્ર એ આ કલ્લરીપયટ્ટુ …નજીકમાં એક ગામ છે મુરીકેડી જેને વોટરફોલ વિલેજ કહેવાય છે પણ એ લહાવો ચોમાસે જ મળે.

એક થોડી રહસ્યમય લોકેશન છે પંચીમેડું , કોઈક કહે છે પાન્ચાલીમેડું।

ઠેક્કડીથી દોઢેક કલાકને અંતરે આ સ્થળ માટે એવી વાયકા છે કે પાંડવો પોતાના ગુપ્ત વનવાસ દરમિયાન અહીં રહ્યા હતા. હજી થોડી વિચિત્ર આકારની શિલાઓ છે , એને માટે કહેવાય છે કે આ શિલાઓ પાંડવોનું ફર્નીચર હતી.આ વાત કેટલી માનવી ન માનવી એ વિવાદનો વિષય છે પણ સ્થાનિકો નક્કરપણે માને છે કે પાંડવો હજી આજની તારીખે અહીં અદ્રશ્યપણે રહે છે જેની પુષ્ટિ કરતાં ભીમના પગલાં એક ગુફામાં હોવાનું મનાય છે। જો કે હવે આ પાંડવોની જગ્યા પણ ઉદ્યોગપતિ જમી જવાના હોય તેમ ઠેકઠેકાણે વિન્ડમિલ આવી રહી છે.

કુદરતી સૌન્દર્ય , હેલ્થ ટ્રીપ, રીટ્રીટ માટે જે ચાહો તે રીતે આ વેકેશનને નવાજી શકો પણ સૌથી મોટો માઈનસ પોઈન્ટ છે ( પતિદેવો માટે અલબત્ત.) શોપીંગનો।…

કદાચ સહુ શોપિંગ ફ્રીક નથી હોતા પણ કેરાલાની ટ્રીપ પૂરી થવાની હોય ત્યારે એક નજર સમાન પર નાખજો।…

ઓર્ગેનિક મધથી લઇ , તેજાના , મસાલા, મસાજ ને અરોમા ઓઈલની બોટલો, ધૂપ, ઉબટન , અગરબત્તી, નેચરલ સાબુ શેમ્પુથી લઇ આયુર્વેદિક દવાઓ।.. અ ધ ધ ધ ધ …
આ જોખમ માત્ર તમારે ને તમારે જ લેવાનું છે , પછી કહેતા નહીં અમે ચેતવ્યા નહોતાં। …..

20131201-004755.jpg
( Published in Chitralekha dt. 2 Dec.2013)

Advertisements

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

w

Connecting to %s