Mann Woman

સપનાં જોવાનો અધિકાર માત્ર આપણને જ હોય?

20131203-094728.jpg

થોડા સમય પહેલાં જ ફેમિલીફ્રેન્ડ સાથે શોપિંગ પર જવાનું થયું. દિવાળી માથા પર હતી. માર્કેટમાં ચાલવાની જગ્યા નહીં. ખરીદીની યાદી ખૂબ લાંબી હતી. દીવા, કેન્ડલ્સથી લઈ પૂજાપાનો સામાન, ગિફટ્સ વગેરે…

વિચાર થયો કે મોલમાં જઈએ એક જ જગ્યાએ બધું મળી જશે. થોડે ઘણે અંશે સાચું પણ ખરું. લગભગ તમામ ખરીદી એક જ જગ્યાએથી પતી ગઈ. દીવા, કેન્ડલ્સથી લઈ રેડીમેઇડ રંગોળી ને ગિફટ્સ બધું આવી ગયું, પણ પરંપરાગત મહારાષ્ટ્રીયન વિધિ, પૂજામાં વપરાય તે અષ્ટગંધ ને ધૂપ, ઉબટન મોલમાં ન જડયા એટલે ફરી ફરીને એ ધક્કો તો રહ્યો જ. પાછાં ફરતાં હતાં ને અચાનક જ મોલની એક તરફ ફૂટપાથ પર બેઠેલા ફેરિયાઓ જોયા. રંગબેરંગી ઢગલીઓ, ચિરોટીનો મોટો ઢગ, કંકુ, હળદરનાં તૈયાર પેકેટ દૂરથી ઇન્ડિકેશન આપતાં હતાં કે અહીં નક્કી પેલા ધૂપ, ઉબટન ને અષ્ટગંધ મળી જશે.

પાસે ગયા તો અમારી આશા સાચી હતી. એ ઉપરાંતનો પણ ઘણો સામાન પડયો હતો. ત્યાં અમારી નજર ગઈ દીવા પર. ખૂબ સુંદર રીતે આભલાં, પેઇન્ટ ને ઝીક, જરીથી શણગારેલા દીવડાના સેટ પ્લાસ્ટિકમાં પેક પડયા હતા. એવા જ જે થોડી વાર પહેલાં અમે મોલમાંથી ખરીદ્યા હતા. શું ભાવ? અમે પૂછયું એટલે પેલા ફેરિયા સાથે એક સ્ટુલ પર બેઠેલાં તેનાં માતા કે કોઈ સંબંધ હશે તેણે કહ્યું પાંચસોના છ દીવા છે. મોંઘા છે, પણ આજકાલ બહુ ચાલે છે.

“પાંચસો રૂપિયા? હોય કંઈ?” મારી સાથે આવેલી મારી મિત્ર બોલી.
“ચારસો હોય તો બોલ, બે પેકેટ લઈશું.” “બાઈ, એ તો ખરીદીય નથી. ઘરમાં પણ નથી પડતા. સાડા ચારસો ખરીદી છે. ચાલો તમે વીસ રૂપિયા ઓછા આપજો, બસ?દિવાળીનું સપરમું ટાણું છે.” વયોવૃદ્ધ બહેન બોલ્યાં. કદાચ દિવાળીમાં આ વસ્તુઓ ન ગઈ તો એને સંભાળીને મૂકવા જેટલી જગ્યા પણ નહીં હોય તેની પાસે. એટલે કે સાડા ચારસોની ખરીદીવાળી વસ્તુ આ આઇ માત્ર ત્રીસ રૂપિયાનો નફો રાખીને અમને વેચી દેવા તૈયાર હતી.

મારી મિત્ર હજુ ભાવ કરવા જતી હતી. મારાથી ન રહેવાયું એટલે મેં જરા હળવેથી તેના કાનમાં કહ્યું, “બરાબર જો, આ આપણે રૂ. ૯૦૦ના છ લીધા છે એ જ છે. ફરક એ છે કે આ રસ્તા પર મળે છે.” મારી મિત્રે મારી સામે ઠપકાભરી નજરે જોયું. એની નજર જાણે કહેતી હતી કે, “બુદ્ધિ વગરની, એ તો મને પણ ખબર છે.”

વયોવૃદ્ધ આઈ અમારી આ આંખો આંખો મેં વાળી વાતચીત પામી ગઈ હોય એમ એણે કહ્યું કે લેવું હોય તો લો, નહીંતર જવા દો. આખરે અમે બે પેકેટ લીધા ને કારમાં ગોઠવાયાં એ સાથે જ મારી ફ્રેન્ડ તાડૂકી, “તેં બધો ખેલ બગાડયો, એ ચારસોમાં આપી દેત.”

આ આખી વાત આમ તો સાવ નજીવી અને નગણ્ય છે, પણ મને ખરેખર વિચારતી કરી ગઈ. જે ચીજના વિના કોઈ બાર્ગેઇન પૂરા રૂ. ૯૦૦ ચૂકવ્યા તે જ વસ્તુ તેનાથી અડધી કિંમતમાં પડાવી લેવાની આપણી આ માનસિકતાનું શું કહેવું?

આ વાત કોઈ નવી નવાઈની નથી, અતિશય સામાન્ય છે. આપણાં રોજબરોજના જીવનમાં વણાયેલી છતાં એ વિષે આપણને બીજો વિચાર સુધ્ધાં આવતો નથી. એક તરફ છે ઝાકઝમાળવાળું મોલ કલ્ચર, ડિઝાઇનર્સ વસ્ત્ર, પરિધાનો, પગરખાં, માલસામાન. બીજી બાજુ છે માત્ર ને માત્ર જીવનનિર્વાહ માટે પાતળા નફા પર ટકી રહેવાનો પુરુષાર્થ અને ત્યાં જ આપણને બાર્ગેઇન, કસાવીને ખરીદી કરવાનો આનંદ લૂટતા આવડે છે.

મોટાભાગના લોકોનો શાકમાર્કેટનો અનુભવ હશે. શાકભાજી લીધા પછી આદું, મરચાં, લીંબુ, કોથમીર, લીમડો લેવાનો વારો આવે. સામાન્યપણે આ ખરીદી સૌથી છેલ્લી જ હોય છે. તેમાં ગૃહિણી લીંબુના પૈસા ચૂકવશે, ફુદીનાના ચૂકવશે, જરૂર પડે આદુંના પણ ચૂકવશે પણ લીલાં મરચાં, કોથમીર ને લીમડો તો તેનો જન્મસિદ્ધ અધિકાર હોય એમ મફત જ લેવાનો આગ્રહ રાખશે. જેને લીલો મસાલો કહેવાય છે તે કોથમીર, લીમડામાં પહેલાં તો ટુકડો આદું ને મરચાં પણ આવતાં હતાં, જેમાંથી હવે આદું બાકાત થઈ ગયું છે.ળઆ લીલો મસાલો જો મફત ન મળે તો ગૃહિણીને દાળનો વઘાર જ બગડી ગયો હોય એવું લાગે છે. જ્યાં જુઓ ત્યાં આ જ સ્થિતિ છે. શાકભાજી હોય, તૈયાર કપડાં હોય, નાની-મોટી ઇલેક્ટ્રોનિક ચીજવસ્તુ વેચતાં ફેરિયા, એ લોકોની નિયતિ જ જાણે ભાવતાલ કરનારા સાથે જોડાયેલી હોય છે.

દિવાળી દરમ્યાન જ નહીં, વર્ષભર આ ચક્ર અવિરત ચાલતું જ રહે છે. આ વખતે કોઈ સહૃદયીએ એવો જ કોઈ મેસેજ મોકલ્યો હતો. આખરે કંકુ, ઉબટન, પીન, ફૂલપાંખડી, રંગ કે પછી મોબાઇલ માટેનાં કવર્સ વેચતાં લોકો સાથે મગજમારી કરીને આખરે આપણા કેટલા પૈસા બચે છે તેનો આપણે હિસાબ કરીએ છીએ ખરા?

આપણા જેવી રકઝક, બાર્ગેઇન લગભગ તમામ સામાન્ય ભારતીય કરતા હશે અને એટલે જ રસ્તા પર પાથરણું પાથરીને માલ વેચતો માણસ, વર્ષો પછી લાઇસન્સ ધરાવનાર ફેરિયો કે પછી નાનકડી દુકાનનો માલિક બની શકે છે. આ લોકોને નાના નફા, નાનાં સપનાં રાખવાનો કોઈ અધિકાર નહીં? વાત માત્ર વાંચવાની નથી, જરા વિચારી જોજો.

આ દિવાળી પછી શરૂ થતાં નવા વર્ષમાં બાર્ગેઇન કરો ત્યારે મોલમાં, શોપિંગમાં, મલ્ટિપ્લેક્સમાં ફટાક દઈને સ્વાઇપ કરેલા ક્રેડિટ કાર્ડવાળી ક્ષણ યાદ કરી લેજો. વાત માત્ર તહેવારો, પ્રવાસ, યાત્રા દરમિયાન થતાં ખર્ચ કે વ્યવહારની નથી. આખા વર્ષ દરમિયાન આવા અવસર તો ઉપસ્થિત થયા જ કરે છે. એ પછી ઘરગૃહસ્થી માટે થતી ખરીદી હોય કે પછી જીવન જરૂરિયાતની ચીજોની.

માત્ર ખરીદદાર અને ઉત્પાદક વચ્ચેની કડી સમાન વચેટિયા વર્ગ પણ ઘણાં પ્રકારના હોય છે. સામાન્ય રીતે જનમાનસમાં આ લોકો બધી મલાઈ ખાઈ જતાં હોવાની માન્યતા ઘર કરી ગઈ હોય છે, જે સંપૂર્ણપણે ખોટી તો નથી જ. છતાં આ પ્રકારોમાં એક પ્રકાર જેમ જથ્થાબંધ વેપારી પછી રિટેઇલરોનો છે તેનાથી કેટલાય ગણા નીચા સ્તરે ફેરિયા અને તદ્દન પાતળા નફે ધંધો કરતો આ વર્ગ આવે છે. જેમની સંખ્યા મામૂલી નથી પણ કિંમત મામૂલી છે. જે દિવસે આ માધ્યમ આપણી વચ્ચેથી ગાયબ થઈ જશે તે દિવસે જ તેમની ઉપસ્થિતિની અહેમિયત ઉપભોક્તાને, વપરાશકારને અને ગ્રાહકને જણાશે, કારણ કે આ લોકોના અસ્તિત્વની સરખામણી કરવી હોય તો માત્ર હવા સાથે થઈ શકે જેનું હોવાપણું છતું ન થાય, પણ તેની આવશ્યકતા માત્ર ને માત્ર તેની ગેરહાજરી દરમિયાન જ અનુભવી શકાય.

છેલ્લે છેલ્લે
જિંદગી જાણે કેટલા વળાંક આપે છે,
દરેક વળાંક પર સવાલ આપે છે.
શોધતાં રહીએ આપણે જીવનભર,
જવાબ મળે ત્યારે સવાલ બદલાઈ જાય છે.
– અનામી

Advertisements

3 thoughts on “સપનાં જોવાનો અધિકાર માત્ર આપણને જ હોય?”

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

w

Connecting to %s