Mann Woman

બિંધ ગયા વહ મોતી રહ ગયા વહ સીપ

20131210-081440.jpg

થોડા દિવસ પહેલાં એક જાણીતી સુપરમાર્કેટમાં ડાયટ કોન્શિયસ બહેન ‘કિન્વા’ની શોધ કરી રહ્યાં હતાં. આજ કાલ જ્યાં જુઓ ત્યાં આ કિન્વા વેવ ચાલ્યો છે. જોવાની ખૂબી તો એ છે કે બોલિવિયા જેવા ગરીબ દેશનો આહાર આજકાલ યુરોપ અમેરિકાની માર્કેટમાં સૌથી વધુ ખપતો આહાર બનતો ચાલ્યો છે એટલે કે ડાયટિંગવાળી જમાતની નવી ફેશન. હવે અમેરિકા ને યુરોપમાં દેકારો મચ્યો તો આપણાં ડાયટવીરો આ ઝનૂનમાંથી બાકાત રહે? એટલે આ ફીવર આવી રહ્યો છે આપને ત્યાં!

જો કદાચ કિન્વા વિષે ઝાઝું ન જાણતાં હો તો જાણી લો કે આ એક પ્રકારનું જાડું ધાન્ય છે, આપણે ત્યાં મળે તે જુવાર, બાજરો, મકાઈ ને રાગી જેવું, પણ ઊગે છે સાઉથ અમેરિકાના બોલિવિયા ને આજુબાજુના પ્રદેશોમાં જે સાત હજાર વર્ષથી અત્યાર સુધી આ પ્રજાનો ખોરાક છે, અચાનક જ વિદ્વાનોની નજર આ જાડા ધાનના ફાયદાઓ પર શું પડી ને સાવ સસ્તું, પશુ અને ગરીબોનો ખોરાક ચારો લેખાતું ધાન ધન્ય થઈ ગયું.

એની ખૂબી છે, એક તો ઝડપથી રંધાય, પ્રોટીનની પ્રચુર માત્રા અને ગ્લુટેન ફ્રી. જે ઓળખાય છે ‘ઘૂઝ ફૂટ’ તરીકે. હવે તેની ખપત વિકસિત દેશોમાં એટલી વધી ગઈ છે કે બોલિવિયાએ તેની નિકાસ ૫૦% વધારી દીધી છે એટલે ગરીબ લોકોનો આહાર તેમનાથી ખરીદાય તેવો રહ્યો નથી. આ ધાન્યની વધુ એક ઓળખ છે ઈન્કા સંસ્કૃતિ સાથેની. એ લોકોએ મેંગેનીઝ, ફોસ્ફરસ, ઝીંક, વિટામિન ઈ, વિટામિન ‘બી’ ૬થી ભરપૂર આહારની ખેતી શીખવી હતી. માત્ર આ ગુણકારી આહાર હેલ્થ કોન્શિયસ લોકોની જાણબહાર હતો પણ માર્કેટિંગની કરામતે એના અસ્તિત્વની જાણ દુનિયાને કરાવી. આ ધાન્ય છે ખરેખર કસદાર તેની ના નહીં પણ જે રીતે એના માર્કેટિંગના ઢોલ પીટાય છે તે જ દર્શાવે છે કે કેટલીક કંપનીઓ માટે આ એક મલાઈદાર પ્રોડક્ટ છે.

આપણે ત્યાં સુપરસ્ટોરમાં ખરીદી કરવા જતી આધુનિક ડાયટ કોન્શિયસ મહિલાઓ જ્યારે આ ધાન્ય શોધતી હોય ત્યારે ખરેખર તો રમૂજ થાય, કારણ કે આ કિન્વા જેવાં જ તેને આગળ પાછળ મળતાં આવતાં ઘરઆંગણાનાં ધાન્યની તો સામે પણ આપણે જોતાં નથી. એ ભાઈ, ભાઈબંધુઓ એટલે આપણાં જુવાર, બાજરી, રાગી પર કોઈનું ધ્યાન નથી. બિહારના બથુઆને એકદમ મળતું આવતું ધાન્ય છે.

થોડા સમય પહેલાં એક કિસ્સો જાણમાં આવ્યો હતો. ૧૭ વર્ષના છોકરાને કંઈ જ પચે નહીં, શરીર સુકલકડી. કંઈ પણ પોષક ચીજ ગઈ કે બહાર. ડાયેરિયા જ થઈ જાય. એક વિદ્વાન ડોક્ટરને સમજાયું કે સમસ્યા બીજી કોઈ નથી પણ છોકરાને એલર્જી ગ્લુટેનની છે. એ ગ્લુટેન જે ઘઉંમાં મળે છે. સાદી ભાષામાં સમજાવવું હોય તો એ પ્રોટીન જે ધાન્યને એક સોફટ્નેસ આપે છે. જેમ કે, લોટ બાંધ્યા પછી આવતી સ્થિતિસ્થાપકતા. લોટની કણક મસળતી વખતે રબરની જેમ ખેંચાય. રોટલી શેકતી વખતે દડાની જેમ ફૂલે તે દર્શાવે ગ્લુટેનની ઉપસ્થિતિ. મકાઈમાં પણ ક્યારેક ગ્લુટેનનું પ્રમાણ હોય છે પણ ઘઉં, જવ તો ગ્લુટેન ફ્રી હોઈ જ ના શકે, જે પેટના વ્યાધિ ધરાવનારને માટે શાપરૂપ છે. અલબત્ત, હવે આ વિષે લોકો જાગૃત થયા છે પણ થોડા સમય પહેલાં એવી કોઈ જાગૃતિ નહોતી છતાં જો યાદ હોય તો આપણાં વડીલો હંમેશ જાડાં ધાનના હિમાયતી રહેતા હતા. જાડું ધાન ખાવાનું રાખો એમ કહેતાં વડીલો પોતે તેનાં સાયન્ટિફિક કારણો નહોતા આપી શકતા પણ એમને એટલી ખબર હતી કે જાડું ધાન ખાવાથી વૈદને દૂર રાખી શકાય.

હવે જ્યારે ઘરમાં જ સાંજે વેરાઇટી ફૂડને નામે પીઝા, પાસ્તા ને પાંઉંભાજીની ભીડમાં ભાખરી-શાક અદૃશ્ય થતા જાય છે તો રોટલાની ક્યાં વાત માંડવી?

પરંતુ હવે ડાયટિશિયનો માને છે કે આહારમાં બાજરાને સ્થાન આપવું ઇચ્છનીય જ નહીં અનિવાર્ય છે, કારણ કે જે જાડાં ધાન્યને આપણે સસ્તાં માની તેની ઉપેક્ષા કરીએ છીએ તે બાજરામાં ૯થી ૧૩% પ્રોટીન, સભર માત્રામાં આયર્ન, વિટામિન ‘બી’ થાયામિન જેવાં તત્ત્વ હોય છે. સૌથી મોટો ગુણ તે ગ્લુટેન ફ્રી હોવાનો એટલે પેટની તકલીફવાળા માટે સુપાચ્ય ઈઝી ટુ ડાયજેસ્ટ.

એવું જ રાગીનું, જુવારનું પણ છે. રાગી તો ખરેખર કન્નડ નામ છે જે હવે આખા ભારતમાં પ્રસિદ્ધ થઈ ગયું છે, ગુજરાતીમાં નામ છે નાચણી. જેને આપણે આદિવાસીઓનો ખોરાક માનીએ છીએ. વિટામિન ‘એ’ પ્રોટીન, કેલ્શિયમ, વિટામિન ‘બી’૧, વિટામિન ‘બી’૨, નાયાસિન, ફાઈબરથી સભર.

ખાસ કરીને એનિમિયા એટલે કે હિમોગ્લોબીનની ઉણપ ધરાવનાર માટે આશીર્વાદ પણ, આયર્નની ટેબ્લેટ, ઈન્જેક્શન, સિરપ લેનારા બંધકોશ જેવી આડઅસર સહન કરશે પણ નાચણી જેવું સસ્તું પોષકદ્રવ્ય ખાવાની વાત નહીં વિચારે કેમ? કારણ કે નાચણી, કોદરી, જુવાર તો બધાં ગરીબડાં ધાન્ય, હવે આ ગરીબ ધાન્યો વિદેશી નામ સાથે માર્કેટિંગ ગતકડાં સાથે જો માર્કેટમાં આવશે ત્યારે એના ઠાઠ જોવા જેવા હશે.

કદાચ એટલે જ કહેવત છે કે ‘ઘર કી મુરઘી દાલ બરાબર’. કિન્વાની જેમ બાજરો, કોદરી, જુવાર, રાગી વિદેશી સુપરમાર્કેટની શેલ્ફ પર મળતાં થશે ત્યારે જ આપણને એ તમામની કિંમત સમજાશે અન્યથા હરગિજ નહીં.

છેલ્લે છેલ્લે
દૂર કે ઢોલ સુહાવને
– એક કહેવત

Advertisements

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

w

Connecting to %s