Mann Woman

પાનખર આપણને પણ લાગે?

20131217-105627.jpg

શાલિનીનું જવું ને કેનેડાની વિન્ટરનું બેસવું. થોડા જ દિવસ પૂર્વે કેનેડાની ઓટમના,પાનખરના ભાત ભાતના રંગવાળાં પાનના ફોટા પોસ્ટ કરતી ને કવિતાઓ લખતી શાલિની ફેસબુક પરથી ગાયબ. ન તેનો કોઈ મેઇલ, ન વોટસએપ પર મોકલેલા સંદેશનો જવાબ.

પચાસીમાં પ્રવેશેલી શાલિનીને જુઓ તો કોઈ સમસ્યા જ નહીં. એક સુખી ઘરની ગૃહિણી. પતિ બિઝનેસમેન, સફળ, ચારિત્ર્યવાન ને પ્રેમાળ પણ. સાસરિયાં ઉદાર દિલ, વળી ભેગાં રહેવાનું ભાગ્યે જ થયેલું. સંતાનમાં એક દીકરો, એક દીકરી. દીકરો મેડિકલ કરતો હોવાથી દૂર કોઈ રેસિડેન્શિયલ કોલેજમાં ને દીકરી આગળ ભણવા ગઈ કેનેડા.

શાલિનીની પાસે દુઃખી થવા, સમ ખાવા પૂરતું એક પણ કારણ નહીં. પણ દર શિયાળામાં શાલિની એ શાલિની જ નહીં. એવું માત્ર પતિ નહીં, બાળકો, મિત્રો, પાડોશીઓ પણ કહે.

દિલ્હીના સારા, પોશ એરિયામાં રહેતાં શાલિનીબહેનને પોતાના પિયર મુંબઈ આવી જવાથી થોડી રાહત લાગે પણ મા-બાપ ગયા પછી ભાઈ-ભાભી એવો કોઈ આગ્રહ કરે નહીં એટલે એ દુઃખ બેવડાય, ત્રેવડાય ને નીકળે પતિ અને બાળકો પર.

બાળકો પણ બહારગામ ગયાં એટલે મરો પતિદેવનો, પછી વારો પડે નોકરોનો. પડોશીઓનો ને મિત્રોનો.
કપમાંથી જો ચા છલકાઈ તો ખલાસ. ગેસની નીચે જો ચીકાશ જોવા મળી તો ખલ્લાસ. મિત્રોએ મજાકમાં કહી દીધેલી વાતનો પોતે ખોટી રીતે અર્થ તારવ્યો તો બસ થઈ રહ્યું.

મિત્રો શાલિનીના પતિને ચેતવે ને હંમેશ કોઈ સારા સાઇકિયાટ્રિસ્ટ પાસે જવાની વાત કરે. હા… ના… હા.. ના ચાલે ને પછી બધું કોરાણે રહી જાય. બે-ચાર મહિના નીકળી જાય ને લ્હોરી, હોળી આવી જાય ને બધું નોર્મલ. શાલિનીને કશું થતું જ નહોતું.

એવું નથી કે શાલિનીનો પતિ આવું ખોટું બોલી પત્નીની સારવાર નથી કરાવતો. નોકર, ચાકર, મિત્ર, પાડોશી અને ખુદ સંતાનો આ વાતનાં સાક્ષી પણ, આ વર્ષે કમાલ થઈ. શાલિનીની દીકરી ભણવા ગઈ કેનેડા. જરા સેટ થઈ જાય એટલે પાછી આવીશ એમ કરીને શાલિની ગઈ દીકરી પાસે. શાલિનીનું જવું ને કેનેડામાં વિન્ટરનું બેસવું. થોડા જ દિવસ પૂર્વે કેનેડાની ઓટમના, પાનખરના ભાત ભાતના રંગવાળાં પાનના ફોટા પોસ્ટ કરતી ને કવિતાઓ લખતી શાલિની ફેસબુક પરથી ગાયબ. ન તેનો કોઈ મેઇલ, ન વોટસએપ પર મોકલેલા સંદેશનો જવાબ.

અલબત્ત, તેની દીકરી ટચમાં હતી એટલે ખ્યાલ તો આવ્યો કે શાલિની ડિપ્રેશનમાં સરી ગઈ છે. જેવું દિલ્હીમાં આવતું તેવું જ ડિપ્રેશન પણ, માત્ર સો ગણું વધુ.

શાલિનીના પતિ તાબડતોબ દોડયા કેનેડા અને ત્યાં થોડી સારવાર પછી ખબર પડી કે શાલિનીને કોઈ તકલીફ જ નથી. એ માત્ર ‘સેડ’નો ભોગ બને છે.

આ સેડ એટલે શું? એવો પ્રશ્ન થાય કદાચ, કારણ કે આપણાં માટે આ સિન્ડ્રોમ એટલો જ વિદેશી છે, જેવી ત્યાંની ઠંડી. સિઝનલ અફેક્ટિવ ડિસીઝ એનું મૂળ નામ. ટૂંકું નામ જીછડ્ઢ, સેડ.

શિયાળો હોય તો શરદી, સળેખમ,તાવ તો થાય જ ને એવી એક સાવ કપોળકલ્પિત માન્યતા. થાય, ન પણ થાય, પણ એક એવી વાત તો જરૂર થાય જેનો ભોગ બન્યા પછી પણ ન સમજાય ને ન તેના ઉપચાર થાય.

એ છે આ સેડ, સિઝનલ અફેક્ટિવ ડિસઓર્ડર. જેનું ટૂંકું ને ટચ નામ છે ‘સેડ’. વિદેશોમાં આ વિષે ભારે સંશોધનો થતાં રહે છે, પણ સામાન્યપણે એવા દેશોમાં જ્યાં શિયાળો વિષમ હોય છે. આપણે ત્યાં એ સમસ્યા એટલી વિકટ નથી એટલે એ વિષે જાગૃતિ પણ નથી.

ખાસ કરીને પશ્ચિમ ભારત એટલે કે મહારાષ્ટ્ર, ગુજરાત, ગોવા કે પછી દક્ષિણ ભારતમાં તો શિયાળા જેવી કોઈ ઋતુ જ હવે અસ્તિત્વમાં નથી.

ગુજરાત, કચ્છમાં શિયાળો ખરો પણ, એ આવે તો લાગે કે વાહ! શું રોમેન્ટિક સીઝન છે!! પરંતુ ઉત્તરીય ભારતમાં શિયાળો જ્યાં જામે છે ત્યાં ખરેખર ‘સેડ’નું આધિપત્ય છે. આ સિન્ડ્રોમની નવાઈ વિદેશમાં, ખાસ કરીને અતિશય ઠંડા અને સૂર્યપ્રકાશની કમી ધરાવનાર દેશમાં વસતાં લોકોને જરાય નથી લાગતી. પણ ભગવતી કુમાર શર્મા કહે છે તેમ આપણે તો તડકાના માણસ. જો કેદ હિમપ્રદેશે મળે તો હેમાળો ગાળવા જેવી પરિસ્થિતિ થઈ જાય.

બાકી આપણે ત્યાં શિયાળાની શરૂઆત થવાની હોય ત્યારે વાતાવરણ તો જોવા જેવું હોય. સવારની માદક ઠંડી, અચાનક જ સૌને તંદુરસ્ત રહેવાનો વા ચઢે. ચમકારો થોડો વધે એટલે ટ્રંકમાંથી કાઢેલાં સ્વેટર, મફલર કે પછી નવાંનક્કોર ટ્રેકસૂટ પહેરીને ચાલવા, દોડવા જવાનું ભગીરથ અભિયાન. ભલેને એ પછી બે જ મહિના ચાલવાનું હોય. ઘરે આવીને જાલિમ હોય કે ગુલાબી પણ ઠંડીના નામે અડદિયા, મેથીપાક, ખજૂર પાકનાં ચકતાં ઉડાડવાની મોજ.

આ બધું પહેલા બે-ચાર અઠવાડિયાં તો જલસો પડાવી દે પણ પછી? પછી જો ઠંડી લાંબી ચાલી તો.. વાત તોની છે.

અચાનક જ લાગે ડોક્ટરોના ક્લિનિકની લાઈનોમાં વધારો.સેડનાં મુખ્ય લક્ષણો જ તેનાં ટૂંકાંટચ નામ જેવાં. સેડ, દુઃખી, દુઃખીના દાળિયા કરી નાખે. રોગીને બિચારાને ન સમજાય તો તેની આસપાસના લોકોને ક્યાંથી સમજાય?

સૌથી પહેલું લક્ષણ હતાશા, આળસ, નિષ્ક્રિયતાનું દેખા દેવું. ગમે તેટલો એનર્જેટિક માણસ હોય ચીત થઈ જાય. રોજ સવારે પાંચ કિમી દોડવાના પ્લાન પર વીસ કિલો રૂની રજાઈ પડે. રજાઈમાં ઢબુરાઈ શું જાય, ઊઠે તે બીજા. ઓછામાં ઓછું હલનચલન, ઓછામાં ઓછો માનસિક પરિશ્રમ. વાંક નીકળે ટાઢનો, પણ ગમે તેટલાં ગરમ કપડાં પહેર્યાં પછી ઠંડી ન લાગે પણ મનની ઠંડક ઊડે જ નહીં. એનર્જી તો ન લાગે પણ ઉત્સાહ અને પ્લાનિંગ જેવી પ્રવૃત્તિમાં પણ મન ન લાગે. મન લાગે તો માત્ર ખાઈને રજાઈમાં ભરાઈ જવાનું.

આ લક્ષણો સામાન્ય રીતે કોઈ બીજી ઋતુમાં જણાતાં નથી. જો એ ડિપ્રેશનનો કિસ્સો ન હોય તો. જોવાની ખૂબી તો એ વાતની છે કે મોટા ભાગના ભારે સંવેદનશીલ લોકો આ સિન્ડ્રોમનો ભોગ બન્યા વિના રહેતાં જ નથી. વિદેશોમાં આ સિન્ડ્રોમ માત્ર શિયાળામાં દેખા દે છે તેનું મુખ્ય કારણ છે સૂર્યપ્રકાશની ગેરહાજરી. પણ, હવે ભારતમાં થતા રિસર્ચ પ્રમાણે અસલ ગરમી અને ઉકળાટ પણ માનવમગજને આ જ અશાંત, ઉદાસ મોડમાં ધકેલી શકે છે. એટલે સેડ માત્ર શિયાળામાં નહીં, આકરા ઉનાળામાં પણ તેનો હુમલો થઈ શકે છે.

તે છતાં શિયાળામાં થતાં કિસ્સાઓની સંખ્યા એટલી મોટી હોય છે કે સારવાર તે જ રીતે ઘડાય છે.

સામાન્યપણે સેડમાં આળસ, પ્રમાદ, ઊંઘ, સુસ્તીનું પ્રમાણ અસાધારણ રીતે વધે છે. બ્લડ સર્ક્યુલેશન અને હલનચલન ઘટવાથી તેની સીધી અસર પડે છે ડાયટ પર. બાકી હોય તેમ ઠંડીમાં શરીરની ભૂખ, એટલે કે બાયોલોજિકલ અને ઈમોશનલ અવસ્થા કાર્બોહાઈડ્રેટ હોય તેવો ખોરાક ઝંખે છે. શિયાળામાં સામે ફળ અને સલાડ પડયાં હોય અને બીજી બાજુ વિવિધ વસાણાં, પાક, ગરમાગરમ ફરસાણ પડયાં હોય તો મન ક્યાં ઢળે?

એટલે મનની આ અવસ્થા શરીરને જે ઓવરહોલિંગ માટેના ત્રણ મહિના મળે છે તેના બાર વગાડી દે છે. સેડનાં લક્ષણો માત્ર આટલાં જ નથી. એ ઘણી વાર વ્યક્તિના માનસિક બંધારણ પ્રમાણે બદલાતાં જોવા મળે છે. છતાં સામાન્ય રીતે શરદીથી થતી શરૂઆત, કળતર, માથાનો દુખાવો, આંખની સમસ્યાથી લઈ ઊબકા સુધી પહોંચે છે. જેમાં સૌથી અક્યુટ સમસ્યા મૂડ-સ્વિંગ્ઝની હોઈ શકે. કભી હા, કભી ના ઘડીમાં ખુશ ઘડીમાં નારાજ.

અલબત્ત, આ વાત અહીં સુધી સીમિત હોત તો પણ સમજાય એવી છે. હવે સાઇકોલોજિસ્ટ, થેરાપિસ્ટ તેની આડઅસર પણ શોધી લાવ્યા છે. તે તો સિન્ડ્રોમ કરતાં કંઈ ગણી વધુ ખતરનાક છે. એમાં સૌથી મોટી ખતરનાક વાત છે ઈમ્પ્લસિવ શોપિંગની. શોપિંગ કરવાથી જરા મૂડ સુધરે, સારું લાગે એ લોજિક. તમે ધ્યાનથી જોશો તો મોટા ભાગનું શોપિંગ સ્ત્રીઓ મૂડ ખૂબ ખરાબ હશે તો કરશે કે પછી ખૂબ સારો હશે તો પણ કરી નાખશે. આ લોલક કેમેય અટકવાનું નથી એટલે તેને મારીમચડી અટકાવવાના પ્રયાસ કરવાને બદલે સમજાવટથી કામ લેવું જરૂરી છે.

બીજી એક વાત છે ભંગાણની. સામાન્ય રીતે એ જોવામાં આવે છે કે સૌથી ડિવોર્સના કેસ શિયાળામાં જ ફાઈલ થાય છે. આ અમારું મૌલિક સંશોધન નથી. અખબારમાં છપાતાં અહેવાલો કહે છે.

એટલે કે આ તમામ અપ્સ એન્ડ ડાઉનમાં વિલન કે વેમ્પ ગણો તો તે છે ઋતુ અને તેને કારણે આવતાં ઈમોશનલ તરંગો.

જો કે આ વ્યાધિ એવી કોઈ મોટી ઉપાધિ નથી કે જેને સારી રીતે હેન્ડલ ન કરી શકાય. આ વિલનને ફાઈટ આપી શકે તે છે સૂર્યપ્રકાશ, બીજું, સારી ખાણીપીણી અને ત્રીજો સૌથી મોટો અને જેના વિના આખી સ્ક્રીપ્ટ ઝીરો થઈ જાય તેવો સપોર્ટ આર્ટિસ્ટ વ્યાયામ, એક્સરસાઇઝ.

જો આ ત્રણ નિશ્ચયપૂર્વક રીતે ભેળાં થાય તો સેડની શું બેન્ડ વાગી જાય તે જોવા, અનુભવવા જેવી વાત છે.

છેલ્લે છેલ્લે
પહુંચ હી જાયેંગે અબ સૂરજોં કી દુનિયા તક
ચટ્ટાન રાત કી અપની જગહ સે હટને લગી.

Advertisements

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

w

Connecting to %s