Mann Woman

તરીને ડૂબવું કે ડૂબીને તરવું?

20131225-101404.jpg
થોડાં સમય પહેલાં જાણીતા કવિની ફેસબુક પોસ્ટ વાંચી. તેમાં તેમણે લખ્યું હતું કે ‘અખંડ સૌભાગ્યવતી’ આશીર્વાદ આપતાં મા-બાપ દીકરીને શું કહેવા માગે છે? કે તે જમાઈના મરણ પૂર્વે જ ઉપર સિધાવી જાય? એ વાત ખરી કે કવિનો મુદ્દો ખોટો પણ નથી. એમાં પણ જ્યારે સમય હવે બરાબરીનો હોય. પરંપરાગત રીતે ચાલી આવતી રીતિ- નીતિમાં વણાઈને આ પ્રથા હવે જીવનનો એક ભાગ બની ગઈ છે. એટલે કન્યા જ્યારે પરણે તેને સૌ એ આશીર્વાદ આપે જ, એક, અખંડ સૌભાગ્યવતી ભવઃ અને બીજા પુત્રવતી ભવઃ એટલે કે પતિ પહેલાં ઉપર સિધાવજો અને બીજું માતા તો પુત્રની જ હોજો, અલબત્ત,ચોખ્ખે-ચોખ્ખું બોલવાનું નહીં પણ માતા પુત્રીની હોજો તે વાત આશીર્વચન ન કહેવાય, એવું કેમ?

આ વાત પાછળ ઝાઝો વિચાર હોઈ જ ન શકે. સદીઓથી પુરુષપ્રધાન સમાજમાં આર્થિક વટવ્યવહાર પુરુષોના હસ્તગત રહ્યો છે. એ સંજોગો, કાળ, માહોલમાં વિધવા સ્ત્રીની શું પરિસ્થિતિ હતી તે કંઈ કોઇથી અજાણી નથી. કાં તો સતીના નામે બળી મરીને ટળો કે પછી એક ખૂણામાં છાનામાના પડી રહીને આયખું ટૂંકાવી નાખો, આ જ હતાં સમાજધોરણો. એવા સંજોગોમાં મા-બાપ કે સ્નેહી દીકરીને અખંડ સૌભાગ્યવતીની આશિષ ન આપે તો કરે શું? જેનો વર જીવિત હોય તેનો સિક્કો ચાલે તેવી સમાજરચનામાં આ અનિવાર્ય કહેવાય. જે પાછળથી રીતિ-રિવાજને નામે ચીલો થઈ પડયો છે. એ પછી વાત પુત્રવતી ભવઃ ની આશિષની ફરી એ જ આર્થિક ધોરણોની વાત. હજી થોડાં વર્ષો પૂર્વે સુધી હિંદુ જોઇન્ટ ફેમિલી (એચયુએફ)માં કર્તા તો પુરુષસભ્ય જ હોય તેવી જોગવાઈ હતી જેમાં પાછળથી કર્તા સ્ત્રી હોય શકે તેવો સુધારો અમલી બનાવાયો છે.

એટલે કે પહેલાં પિતા પછી પતિ અને છેલ્લે પુત્ર આ ત્રણ પુરુષોના આધિપત્ય હેઠળની જિંદગી એ સ્ત્રીની નિયતિ. એવા સંજોગોમાં આશીર્વચનો પણ તે જ કાળ ને પરિસ્થિતિ આધીન હોયને.

હવે આજનો સમય. જ્યાં સ્ત્રી પુત્રી હોય ત્યારે જ પિતા એને પુત્રસમાન ગણી સમકક્ષ શિક્ષણ આપે, પગભર બની શકે તે પ્રકારની તાલીમ અને યોગ્યતા કેળવે ને એટલે જ્યારે લગ્ન થાય ત્યારે એ આર્થિક કે સામાજિક રીતે કોઈ સંજોગોમાં પતિ કે સાસરિયાંની મોહતાજ ન હોય. સ્વાભાવિક છે એ સંદર્ભમાં અખંડ સૌભાગ્યવતીવાળાં આશીર્વચન અપ્રસ્તુત લાગે, અને પુત્રવાળી વાતમાં પણ એવી જ પરિસ્થિતિ છે. આજે એવું જોવા મળે છે જ્યાં વૃદ્ધ, અશક્ત મા-બાપની મિલકતનાં દાવેદાર પુત્ર-પુત્રવધૂઓ જ્યારે આ વડીલોની સેવાનો સમય આવે છે ત્યારે પુત્રીઓને ખો આપતાં હોય છે. એ વાત પણ ઉચિત છે કે જો પુત્રીઓ માતા-પિતાની મિલકતમાં સરખેસરખી હિસ્સેદાર કાયદાકીય રીતે બનતી હોય તો જવાબદારીમાંથી શા માટે બાકાત રહે?

દી’વાળે તે દીકરો જેવી પરિસ્થિતિ હવે તો રહી નથી. દી’ વાળનાર દીકરી પણ હોય છે. એટલે સમય છે હવે આ આશીર્વચનોને મોડિફાઈડ કરવાનો.

એવી તમામ શક્યતાઓ છે કે આવનારાં થોડાં જ વર્ષોમાં ભારતીય લગ્નસંસ્થામાં બંધારણ અને નિયમનોમાં ઉપરતળે પરિવર્તન આવશે. આશિષ અને શુભેચ્છાઓની વાત જવા દઈએ પણ લગ્નલાયક પુત્ર-પુત્રી માટે યોગ્ય મુરતિયા, કન્યા શોધવામાં જરૂરી એવા આશીર્વાદ, નિયમનો બનાવવાં પડે તેવી પરિસ્થિતિ હાલ જ ઊભી થઈ હોય તેવું લાગે છે. દીકરી માટે મુરતિયો જોનારાં મા-બાપ મોટે ભાગે ધર્મ, જ્ઞાતિ, કુંડાળાં પછી છોકરાના શિક્ષણ અને આવકને જ ધ્યાનમાં લે છે. એક જ ધર્મના, એક જ જ્ઞાતિના હોવાથી લાઈફસ્ટાઈલ કે આચાર-વિચાર સરખાં જ હોય તેવું જવલ્લે જ બને. ખરેખર તો દીકરી આપવાની હોય તે પરિવારમાં ત્રણ પરિબળ તો ખાસ જોવાં જોઇએ. એક ઘરનાં બાથરૂમ, ટોઇલેટ ને કિચન બીજું, ઘરમાં ઉપસ્થિત પુસ્તકો, મેગેઝિન, અખબાર અને ત્રીજું ઘરના નોકરો.

આ વાતની ગડ ન બેસતી હોય તો સમજીને બેસાડવા જેવી વાત છે. પોતાના કાળજાનો ટુકડો એવી દીકરી જે ઘરમાં આખી જિંદગી વિતાવવાની છે તે ઘરમાં સૌ પ્રથમ તો ઘરના સભ્યોની હાઇજિન આદતો કેવી છે તેનો સ્પષ્ટ ચિતાર જ મળશે તે ઘરનાં બાથરૂમ, ટોઇલેટ પરથી, કિચન પરથી. બાથરૂમ-ટોઇલેટ્સ ગંદાં હશે કે કિચનમાં વાંદા ફરતાં હશે તે ઘરમાં સ્વચ્છતાનું સ્ટાન્ડર્ડ વિચારી લેવા જેવું ખરું. એ જ રીતે ઘરમાં આવતું હલકું(સાહિત્ય?) વાંચન, સનસનાટી ફેલાવનારાં અખબાર કે પછી પુસ્તકોને ચોપડી કે પસ્તી સમજનારા ઘરમાં વસતાં માણસો માણસ હશે ખરાં કે? એવો પ્રશ્ન તો જરૂર થવો જોઇએ. ત્રીજો, સૌથી અગત્યનો ઘટક છે ઘરના નોકરોનો, જે ફેક્ટર આપણને ક્યારેય અગત્યનું લાગતું નથી.

અમારા એક મિત્રની આ તાકીદથી સલાહ હતી કે જે ઘરમાં નોકર ન ટકે તે પરિસ્થિતિ ઘરના સભ્યોના, ખાસ કરીને સ્ત્રી સભ્યના ટેમ્પરામેન્ટનું બેરોમીટર છે. જો ધંધાદારી નોકરો આ લોકોથી ત્રસ્ત થઈ ભાગી જાય તો એવા ઘરમાં દીકરીના શું હાલ થાય?

વાત જરા હસવું આવે તેવી ખરી પણ નિશંકપણે ઠોસ પણ ખરી. પણ બધા દુઃખના દહાડા દીકરીને જ હોય? હવે તો અહીં પણ પરિસ્થિતિ બદલાઈ ચૂકી છે. પહેલાં કહેવાતું ‘સો દહાડા સાસુના તો એક દહાડો વહુનો’. આજે પરિસ્થિતિ એવી છે કે જ્યાં જુઓ ત્યાં સાસુ-વહુના મોરચા મંડાયેલા નજરે ચઢે છે. દરેક ઘરમાં ટ્વેન્ટિ ટ્વેન્ટિ અર્હિનશ ચાલે છે. જો જીતા વો એક દિન કા સિકંદર, બીજે દિવસે નવી ગિલ્લી નવો દાવ. ખરેખર તો દીકરાની મા માટે પરિસ્થિતિ દીકરીની મા કરતાં વધુ વિષમ હોય છે, એવું અમને સદા લાગતું રહ્યું છે. દીકરીને દુઃખ, મનદુઃખ થાય તો ઘરે તેડી લવાય, પાછું સમાધાન કરી-કરાવી મોકલી અપાય પણ વહુના કિસ્સામાં પરિસ્થિતિ કાબૂ બહાર હોય છે. એક તો પારકી જણી ને બીજી બાજુ કાયદાઓની ધાર. ખાસ કરીને આજકાલ ‘૪૯૮ એ’ કલમનો દુરુપયોગ જે હદે થઈ રહ્યો છે. સાસુએ કોફી પીવાની ના પાડી, માનસિક હિંસા, સાસુએ બહેનપણીને ત્યાં જવાની ના પાડી, માનસિક ક્રૂરતા અને એ કહેવાતી માનસિક ક્રૂરતાને નામે ફરિયાદ કરીને પતિથી લઈ, હાઈ બ્લડપ્રેશર,ડાયાબિટીસવાળાં સાસુ-સસરા કે સાસરવાસી નણંદને લોકઅપ ભેગાં કરવાની રૂગ્ણ માનસિકતા. આ જ કારણોસર દીકરી આપવા કરતાં કોઇની દીકરી લેવામાં છાશ ફૂંકીને પીવી પડે તેવી સાવધાની વર્તવી પડે છે.

હાઈજિન ફેક્ટર તો દીકરીને આપતાં જોવાય તે વહુની પસંદગીમાં જોવાય તે વધુ જરૂરી છે, કારણ કે કામચોર, ફૂવડ માની દીકરી કેળવાઈ હશે તેવું માની લેવું ભૂલ હશે. બીજી મુખ્ય વાત છે પરિવારની વૃત્તિ. પહેલી થોડી જ મુલાકાતોમાં પરિવારજનોની ચંચુપાતવૃત્તિનાં લેવલ સમજી લેવાં જરૂરી છે. જો રોજ લાડકી દીકરીના ઘરમાં શાક શું બન્યું તે હદ સુધી માતાજી જાણવા ઇચ્છે એટલી તાલાવેલી રાખતાં હોય તો તેવા સંબંધને દૂરથી જ નમસ્કાર સારા.

લગ્નસંબંધની વાતમાં એક અવલોકન ભારે રસપ્રદ છે. કોઇકે વર્ષો પૂર્વે વાતવાતમાં કહેલું કે ‘જાણીતી જુવાર ખાવી સારી પણ અજાણ્યા ઘઉં નહીં.’

ત્યારે તો આ વાતના સંદર્ભો સમજાયેલા નહીં પણ આજકાલ વધી રહેલા ડિવોર્સ કેસના થપ્પા જોઈએ લાગે છે કે હા, એ વાત તો સો ટચની જને!

છેલ્લે છેલ્લે
નહીં આરો કે નહીં ઓવારો
સંસારસાગર ખારો ખારો
તરીને ડૂબવું કે ડૂબીને તરવું?
વારાફરતી વારો.
-અનામી

Advertisements

1 thought on “તરીને ડૂબવું કે ડૂબીને તરવું?”

  1. થોડી મહિલા વર્ગની રીતો શરૂ થઈ. નવવધૂના કાનમાં ‘અખંડ સૌભાગ્યવતી’ ની શુભેચ્છાની શરૂઆત થતી હતી. આદિત્યે એ રીત અટકાવી દીધી. અણે કહ્યું બહેનો, માતાજીઓ, અજાણ પણે તમે પતિ કરતાં નાની ઉંમરની નવવધૂઓને વહેલી મરવાનો શ્રાપ આપી રહ્યા છો. જમાનો બદલાયો છે. કાનમાં નહિ પણ મોટેથી અમને બન્નેને સુખદ દાંપત્ય સાથેના દિર્ઘાયુષ્યના આશિર્વાદ આપો. જુનવાણી સ્ત્રીઓ, ખાસ કરીને પાર્વતિબા, સુંદરભાઈના જમાઈની વાતથી ડગાઈ ગયા. પાર્વતિબાએ શિવ શિવ કરતા કળીયુગને દોષ દીધો. યુવતિઓએ તાળીથી નવો વિચાર વધાવી લીધો.
    *****
    મારી નવલકથા “શ્વેતા” માં થી…..

    Like

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

w

Connecting to %s