Dear Me, mann mogra

જો ભી હૈ બસ યે હી એક પલ હૈ

20140101-142716.jpg

પહેલી જાન્યુઆરી , સમય સવારના ચારનો , એટલે કે બ્રાહ્મ મુર્હર્તનો . મરીન ડ્રાઇવ જુઓ તો માનવ મહેરામણ ઉમટેલો. જાણે સમી સાંજ હોય ? કેમ ન હોય , હેપ્પી ન્યુ યરને વેલકમ કરવાનું ટાણું હતું .
એ વખતે અમસ્તી જ ગણતરીઓ મને કરી નાખી એ જાણવાં છતાં કે આ બધું જાણ્યા પછી પણ દિલ તો પોતાની જ મનમાની કરવાનું છે. દિમાગની ગણતરી ને દિલની મનમાની વચ્ચે સંધિ થઇ જાય તો?
તો ૨૦૧૪ વિક્રમી વર્ષ બની રહે , પણ એવું કંઇ બનવાનું નથી છતાં એક વાર ફરી વાત બી પોઝીટીવની …..

માની લો રોજ સવારે તમારા ખાતામાં ૮૬,૪૦૦ જમા થઈ જાય છે. જે માત્ર તમારા અને તમારા માટે જ છે. તો તમે શું કરો? શૉપિંગ, ઈન્વેસ્ટમેન્ટ, ગેમ્બલિંગ એવા વિચારો આવતા હોય તો એક મિનિટ, આ ૮૬,૪૦૦ રૂપિયા કે ડોલર નથી. આ છે ૮૬,૪૦૦ સેકંડ. સમય. જે જિંદગી રોજ તમને મફત ભેટ આપે છે. તેનો ઉપયોગ કઈ રીતે કરવો તે આવડે છે?

એક સરસ પ્રસંગ ક્યાંક વાંચવા મળ્યો. એક તિકડમબાજને જિંદગીએ ઘણી તક આપી. આ સ્કેમસ્ટર રહેતો હતો વૈભવશાળી ફલેટમાં, ફરતો હતો પોશ કારના કાફલામાં. એણે કદીએ સ્વપ્ને કલ્પના નહોતી કરી કે એક દિવસ એનો વારો પડી જશે. વકીલોની ફોજ હતી છતાં એ કાયદાના સાણસામાં સપડાયો. સજા થઈ. જેલમાં જવાનો વારો આવ્યો. બે, પાંચ વર્ષ નહીં પૂરાં પંદર વર્ષ. એ જ્યારે પંદર વર્ષે બહાર આવ્યો ત્યારે ઘણા બધા એને ભૂલી ચૂકયા હતા. નહોતા ભૂલ્યા મિડિયાવાળા. આ માણસે એક પત્રકારને કહ્યું, મને મારા ગુનાની સજા મળી ચૂકી છે. અલબત્ત, બચી ગયેલાં મારાં વિલા, બંગલો, કાર, સાહ્યબી આજે પણ મારાં જ છે, એની પર કોઈ ન તો ટાંચ મારી શકે છે કે લઈ શકે છે, પરંતુ જો સૌથી મોટી નુકસાની મને થઈ હોય તો તે છે મારાં અમૂલ્ય વર્ષોની. એ હવે મારી પાસે નથી, એ વહી ગયાં છે. એનો વસવસો જ હવે બચ્યો છે કે હું ન તો મોટાં થતાં મારાં સંતાનોની નિર્દોષતા જોઈ શકયો કે ન મારી પત્નીનું સ્મિત. એ વાત સજારૂપે ચૂકવવી પડી.

આ છે વાત સમયની. એકમાત્ર સમય એવું ધારદાર હથિયાર છે જેની તીક્ષ્ણતામાં સ્થળ, સંજોગ, પરિસ્થિતિ, માણસ સૌ કોઈ વહેરાઈ જાય છે.

ઉદાહરણ તો ઘણાં છે. એકદમ બંધબેસતું ઉદાહરણ છે બાળદિન. છેલ્લાં કેટલાંય વર્ષોથી પંડિત નેહરુનો જન્મદિવસ ભારતમાં બાળદિન તરીકે ઊજવાતો રહ્યો છે. અચાનક બાળદિનને એક ભૂરા પ્રકાશે ઢાંકી દીધો. આ ભૂરો પ્રકાશ કોનો? તો કહે ડાયાબિટીસનો. ૧૪ નવેમ્બરે ઊજવાતો બાળદિન ડાયાબિટીસ ડે ક્યારથી બની ગયો? તો જણાવવાનું કે જ્યારથી ભારતમાં ડાયાબિટીસના પ્રમાણે ભયજનક સપાટી સ્પર્શી ત્યારથી. અયોગ્ય ખાણીપીણી, વ્યાયામરહિત, અવ્યવસ્થિત શિડયુલ, વધુ પડતી માનસિક તાણને કારણે વણનોતર્યા મહેમાનની જેમ આવી ચડતા આ રોગ પર પણ પુરુષોની મોનોપોલી હતી. હાર્ટ ટ્રબલ, ડાયાબિટીસ, પ્રેશર આ બીમારી પુરુષજન્ય મનાતી. હવે એમાં પણ સ્રીઓએ મેદાન મારી લીધું. બાકી હોય તેમ જુવેનાઈલ ડાયાબિટીસ એટલે કે નાની ઉંમરનાં બાળકોને થતો ડાયાબિટીસ, જેને લીધે બાળદિનને કારણે સ્થાન લઈ લીધું ડાયાબિટીસ ડેએ.

આવી તો કેટકેટલી વિસંગતતાઓ રોજ-બ-રોજના જીવનમાં જોવા મળશે જેણે સમયાનુસાર લપકીને ક્યાંકને ક્યાંક સ્થાન ગ્રહણ કરી લીધું છે.

યાદ છે, શમ્મી કપૂરની ફિલ્મોવાળું કાશ્મીર? જેની ઉપર આપણે ભારતીય નાગરિકો સમરકંદ-બુખારા ઓવારી જતા તે કાશ્મીર, અચાનક જ ફિલ્મોમાંથી ગુમાઈ ગયું. ત્યાં આવીને બેસી ગયું સ્વિટ્ઝરલેન્ડ. અને શું થયું કાશ્મીરનું? પૃથ્વીના જન્નતને નજર લાગી ગઈ હોય તેમ થોડા જ દાયકામાં જહન્નમ બની ગયું. એવું જહન્નમ જ્યાં ભારતીય સૈન્યએ દિનરાત, વર્ષોનાં વર્ષો પહેરેદારી કરવી પડે અને તે પણ ત્યાંના (સ્થાનિક) એટલે કે પોતાના જ ભાઈભાડું નાગરિક એવા લોકોના પથ્થરમારાને સહન કરીને…

એક સમય હતો જ્યારે ટ્રેનમાં ત્રણ વર્ગ રહેતા, ફર્સ્ટ કલાસ, સેકન્ડ કલાસ, થર્ડ કલાસ. થર્ડ કલાસ તો ક્યારનોય છૂટો પડી ગયો. વાત રહી ફર્સ્ટ અને સેકન્ડની. એની સામે આવી ગઈ એરટેક્સીઓ જેવી પ્રાઈવેટ એરલાઈન્સ. જો અગાઉથી વ્યવસ્થિત પ્લાનિંગ કરો તો ટ્રેનના ભાડામાં એર ટ્રાવેલ કરી શકો. એવી જ વાત કારની. પહેલાં કાર એટલે એક સ્ટેટસ સિમ્બોલ ને હવે? હવે હેચબેક અને નેનો કારે સ્ટેટસ અને લકઝરીની વ્યાખ્યાઓ બદલી નાખી છે.

આ જાદુ છે સમયનો છતાં તેની કિંમત સમજાતી નથી.

તાજેતરમાં જ એક રસપ્રદ સર્વે થયો હતો. દરેક વ્યક્તિ પોતાના દિવસની શરૂઆત કઈ રીતે કરે છેઃ ‘ફર્સ્ટ થિંગ ઇન ધ મોર્નિંગ’. ઘણા બધા દેશો, ઘણાં બધા ભૌગોલિક, સામાજિક પ્લેટફોર્મ દ્વારા મૂલવતાં એક તારણ તો એવું જ નીકળ્યું કે માણસ અલાસ્કામાં વસતો હોય કે અમદાવાદમાં, દિવસની શરૂઆત તો મૂળભૂત નિયમોને આધારે જ કરે છે.

હવે એક પ્રશ્ન પોતાની જાતને. શું આપણે કદર કરી શક્યા છીએ રોજ મળતી કુદરતની મિરાત એવી ૮૬,૪૦૦ સેકન્ડ્ઝની? આ પ્રશ્નનો ઉત્તર મેળવવા માટે સૌથી પહેલી ટેસ્ટ તો આપણે આપણી જાતની જ લેવી પડે. જે જિંદગી મળી છે તેને માણવાની દરકાર કરી છે ખરી? શરૂઆત સવારથી થાય છે.

પ્રશ્ન એ છે કે તમારી સવાર કઈ રીતે પડે છે? દુનિયાભરમાંથી મળેલાં ઉત્તરો માત્ર નવ કક્ષામાં ફિટ થાય છે.

(૧) પ્રાર્થના – ઊઠતાંવેંત પ્રભુસ્મરણ.

(૨) ઊઠીને બેસી રહેવું, આળસ મરડવી.

(૩) આંખો ઊઘડે કે ચોળતાં ચોળતાં બાથરૂમ ભેગા.

(૪) ઊઠીને સીધા કિચનમાં જઈ કચરાનો નિકાલ.

(૫) ઊઠતાંવેંત મોડું ઊઠવા બદલ પોતાની જાતને દોષી માની જીવ બાળવો.

(૬) આંખો ઊઘડતાંવેંત બાજુમાં નિદ્રાધીન જીવનસાથીને ઢંઢોળવાં.

(૭) બાજુમાં પડેલા મોબાઈલ ફોન લઈ મિસ્ડ કોલ્સ, એસએમએસ, સ્ટેટસ રિપોર્ટ તપાસવા.

(૮) ફેરિયાએ નાખેલાં છાપાં અને એક હાથમાં બ્રશ લઈ હાઈપર એક્ટિવ હોવાનો સંતોષ લેવો.

(૯) સવારના સૌંદર્યને જોઈ પ્રફુલ્લિત થયા ન થયા કે બોસ, ઓફિસ, પેન્ડિંગ કામને યાદ કરી જિંદગીને કોસવી.

તમે જો આ ઉપરાંત કંઈ નવીન રીતે દિવસ ચાલુ કરતા હો તો તમે ખરેખર યુનિક છો. અલબત્ત, સમયને માણી શકો તેવું કામ કરતા હો તો.

વાત તો માત્ર સમયની છે. ૮૬,૪૦૦ સેકન્ડ્ઝમાં કેટલી તમે માણી ને કેટલી તમે બગાડી એનો હિસાબ રાખતાં આવડે તો જિંદગીમાં મઝા પડી જાય. તેની પાછળનાં કારણ બહુ સીધાં સરળ છે. કારણોમાં એટલું જ કે સમયને પોતાની પાંચ વિશિષ્ટતા છે.

(૧) કોઈ સમયને બાંધી શકતું નથી, સમયના તાલે બંધાવું પડે છે.

(૨) જગતમાં સૌથી મૂલ્યવાન કોઈ ચીજ હોય તો તે છે સમય. આપણા દિવસનો ૮૦ ટકા સમય એવી વાતોમાં વેડફાય છે જેમાંના માત્ર બે ટકા લોકો કે વસ્તુઓ કોઈ નક્કર પરિણામ આપે છે, બાકીના ૯૮ ટકા બિલકુલ વ્યર્થ હોય છે.

(૩) સમય ‘પેરિશેબલ કોમોડિટી’ છે. એને સાચવી ફરી રી-સાઈકલ કરી શકાતો નથી.

(૪) સમય માટે કોઈ શ્રીમંત નથી, કોઈ ગરીબ નથી. રાજા હોય કે રંક સમય સૌ સાથે એક સરખો વર્તાવ કરે છે.

(૫) સમય સૌથી અગત્યની પ્રાથમિકતા છે. કહેવાની જરૂર ખરી કે સમયની આ વિશિષ્ટતા કહો કે વિષમતા, તેને હેન્ડલ કરવાની ચાવી જેને હાથ લાગી જાય તે જ હોય છે મુકદ્દર કા સિકંદર!!

છેલ્લે છેલ્લે…

વકત રહેતા નહીં કહીં ટીક કર

ઇસ કી આદત ભી આદમી સી હૈ.

-ગુલઝાર

20140101-142915.jpg

Advertisements

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

w

Connecting to %s