Mann Woman, opinion

સૌથી વધુ નડતો ગ્રહ કયો?

20140114-100021.jpg

તમારો મંગળ તમને નડે છે. લગ્નમાં બાધા કરાવે છે. તમારો રાહુ વક્ર છે, લગ્નજીવનમાં તકલીફનું કારણ છે.

આવું બધું તો આપણે રોજેરોજ સાંભળીએ છીએ. વાત શ્રદ્ધા અંધશ્રદ્ધાની હોઈ શકે પણ જીવનમાં સૌથી વધુ નડતર કોણ ઊભું કરે છે તે ગ્રહ વિષે આપણે ખરેખર વિચારતા જ નથી.

નથી માનવામાં આવતું?
આ વિચારી જોજો તમને નડતા નડતરનો ખ્યાલ આવશે.

પારુલને અચાનક જ પેટમાં દુખાવો ઉપાડયો. નિદાન થયું એપેન્ડિક્સ. તાબડતોબ ઓપરેશન જરૂરી હતું. પારુલ અપરિણીત ને વળી એકલી રહે, પણ એનો સ્વભાવ એવો કે તેના એક જ ફોનકોલ પર સગાંસંબંધી, મિત્રો આવીને ઊભાં રહી જાય. આ વખતે પણ એમ જ થયું. પારુલનાં ભાઈ-ભાભીએ તાબડતોબ પારુલને નર્સિંગ હોમમાં દાખલ કરી ને સર્જરીની વ્યવસ્થા થઈ ગઈ. દુખાવો એટલો અસહ્ય હતો કે ઊંહકારા સિવાય પારુલ બીજું કંઈ કરી શકે એમ પણ નહોતી, છતાં પારુલે બે-ચાર મિત્રોને મેસેજ મૂકી દીધા હતા. બસ, પછી ન કોઈ મેસેજ ન ફોન. એ પછી થોડા દિવસ નર્સિંગ હોમમાં રહેવું જરૂરી હતું. પારુલે પોતાનો મોબાઇલ ફોન સાથે રહેલી મિત્રના પર્સમાં મૂકવા આપી દીધો હતો. મિત્રે સાચવીને એક ખાનામાં મૂકી દીધો ને વાત ભૂલી ગઈ.

થોડા દિવસ પછી પારુલ ઘરે આવી ગઈ ત્યારે એને ખ્યાલ આવ્યો કે થોડી ખાસ મિત્રોના ન તો ફોન આવ્યા ન એ મળવા આવી. પારુલે સામેથી ફોન કર્યા તો નો રિપ્લાય.

પારુલને થયું કૈંક તો ખોટું થયું છે, પણ શું? એકાદ મિત્ર એવું કરે તો સમજાય કે કોઈ સમસ્યા હશે, પણ ત્રણ મિત્રો એકસાથે એવું કરે તો? એનો સીધો અર્થ એ થાય છે કે જા કિટ્ટા, નથી બોલવું. આ વાત ન સમજી શકે એટલી નાદાન તો પારુલ નહોતી જ. પણ એ વાત સમજી નહોતી શકતી કે કોઈ અણબન નથી થઈ તો આવું વર્તન શા માટે?

ચારેક દિવસ પછી એ વાતનો ટાળો મળ્યો એક બીજી કોમન ફ્રેન્ડ પાસે.

“ઓહ, તેં એ લોકોના ફોન પણ એટેન્ડ ન કર્યા? બિચ્ચારીઓને કેટલી ચિંતા થઈ હતી ને વળી તારું ઓપરેશન તો સોમવારે હતું, બે દિવસ પછી તો ફોન રિટર્ન કરાયને?”

ત્યારે પારુલના મગજમાં આવ્યું કે ઓહ! વાત આ હતી કે અમારા ફોન કેમ ન લીધા? “અરે, પહેલાં પેઇનમાં હતી પછી માનસિક સ્થિતિ જ એવી નહોતી.” પારુલને કહેવું હતું પણ કોઈ સાંભળે તોને? પારુલ કોને શું શું કહે? પણ આ આખી વાત આપણને વિચારતા કરી દે એવી છે. પચાસે પહોંચેલી મેચ્યોર્ડ સ્ત્રીઓ આવી બાલિશ હરકત કરી શકે? જવાબ છેઃ યસ, બિલકુલ કરી શકે, બેશક કરી શકે.

આપણામાં કહે છે ને કે વાતમાં હિંગનો વઘાર નહીં ને…

એવું જ થયું સલોની સાથે. આજકાલ તો સોશિયલ થવાનું વળગણ સ્ત્રી હોય કે પુરુષ સહુને ઉપડયું છે. એવું જ એક વોટ્સ એપ પર બનેલું ગ્રૂપ. એ સખીઓ વચ્ચે જિગરજાન બહેનપણા એવું તો કંઈ નહીં, પણ ગામ ગોસિપ ને જોકની હેલીઓ ચાલે. વળી પોતાના ક્ષેત્રની પંચાત કરવાનો ચોતરો. સલોનીએ એક દિવસ બધી મિત્રોને પોતાને ત્યાં નિમંત્રી. એમાં બે સખીઓને ફાવે એમ નહોતું તે ન આવી. વાત પતી. સલોનીને થયું હશે કોઈ સમસ્યા. બંનેને કોઈ પ્રોબ્લેમ હશે. ન કોઈ ફોર્સ કર્યો ન કારણ પૂછયું. એ વાતને થોડો સમય થયો ને પેલી ન આવેલી એક સખીની મેરેજ એનિવર્સરી આવી. મોટી જાજરમાન પાર્ટી રાખેલી એટલે આ ગ્રૂપની ફ્રેન્ડ્ઝને પણ બોલાવેલી. સલોની જવા તૈયાર થતી હતી ને લાગ્યું કે બ્લડપ્રેશરમાં જરા ગરબડ છે. પોતે ન જાય તો પાર્ટી અટકી નથી પડવાની એવા વિચાર સાથે સલોનીએ પાર્ટીમાં જવાનો વિચાર પડતો મૂક્યો. બસ ખલાસ, જેને પાર્ટી આપેલી તે પલ્લવીને થયું સલોનીએ આમ જાણી બૂઝીને કર્યું, કારણ કે એ સલોનીની પાર્ટીમાં નહોતી ગઈને. પોતે કરેલા અનુમાનને સત્ય વચન માની પલ્લવીએ રૂસણું લેતી હોય એમ સંબંધ જ તોડી નાખ્યો. આ વાત જાણીને હસવું આવી ગયુંને? પણ પચાસે પહોંચેલી માનુનીઓ આવી બાલિશ હરકતો કરી શકે છે એ પણ હકીકત છે. પોતે ધારે એ જ સાચું, પોતે કરે એ જ સાચું અને આ લોજિક સ્ત્રીવર્ગમાં જ વધુ જોવા મળે છે.

આ વાત તો એવી સખીઓની હતી જેમને આખી જિંદગી સાથે કાઢવાની નહોતી. બોલે તો સારું ને ના બોલે તો વધુ સારું જેવી વાત. પણ ઘરમાં પતિ-પત્ની વચ્ચે, સાસુ-વહુ, નણંદ-ભાભી, દેરાણી-જેઠાણી સાથે આવો અટિટયૂડ આખા કુટુંબની શાંતિ, એકતા તહસનહસ કરી નાખે છે.

એવા એક કુટુંબને હું જાણું. સાસુ-વહુની જોડી. બંને સ્વભાવે સાલસ પણ સાસુજી મનોરમાબહેનને પોતે જ સાચાં હોય એવો વહેમ, પોતે બોલે એ સત્ય વચન. આમ જોવા જાવ તો કોઈ સમસ્યા પણ નહીં પણ આ જક્ક વહુ પૂજાની માનસિક ત્રસ્તતા બનતી ગઈ. મમ્મી કહે તે કામ ત્યારે જ થવું જોઈએ. કિચન કેબિનેટ સાફ આજે જ કરો એમ કહેવાય પછી કોઈ દલીલ નહીં. ભલેને બે દિવસ પહેલાં કેમ સફાઈ થઈ ન હોય! મનોરમાબહેનને થાય શેલ્ફ ચીકણી તો છે જ, ન હોય તોપણ હાએ હા કરે જ છૂટકો નહીંતર આવી બને.

પૂજા જેવી સમસ્યા ઘણી બધી વહુ-દીકરીઓને નડતી હશે જ. માત્ર ઉંમરમાં નાની હોય કે પછી ઘરમાં નવી આવેલી ભાભી પર નણંદ બોસિંગ ન કરે તો કેમ ચાલે? આ કનડગત એક પ્રકારની માનસિક વિકૃતિ છે એ વાત સામાન્ય સ્ત્રીઓને સમજાતી નથી.

આ દાખલો તો નજર સામે હતો. એકના એક દીકરાની વહુના મનને સમજવાનો-પામવાનો પ્રયત્ન જ મનોરમાબહેને ન કર્યો બલકે પોતાને શું ગમે છે, પોતાના ઘરમાં શું નીતિનિયમો છે તેની જ ધોરાજી હાંકે રાખી. પરિણામ એ આવ્યું કે લગ્નનાં બે જ વર્ષમાં પૂજાએ જુદા થવાની જીદ્દ પકડી.

એના મનમાં એવા પૂર્વગ્રહ બંધાઈ ગયો છે કે સાસુ મનોરમાબહેન તેમની કોઈ દુશ્મની જ કાઢે રાખે છે.

હવે મનોરમાબહેન જ્યોતિષો, બાબાઓ પાસે ટુચકા ઉપાય કરવા દોડે છે કે એકના એક વહુ-દીકરો પોતાથી છૂટાં રહેવા ન જાય. લેભાગુ જ્યોતિષો મનોરમાબહેનને લૂંટવામાં કોઈ કસર રાખતા નથી. કોઈકે કૈંક કરી નાખ્યું છે, નજર લાગી છે, ફલાણા ગ્રહનું નડતર છે. એવાં બધાં વાહિયાત કારણો આપીને પૈસા પડાવે રાખે છે. હવે મનોરમાબહેનના મનમાં એવું ઠસી ગયું છે કે આ કોઈ ગ્રહદશા કારણભૂત છે જેનો ઉપાય કરવાથી નડતર દૂર થઈ જશે ને પૂજા માની જશે.

જોવાની ખૂબી તો એ છે કે ખરેખરું નડતર જો કૈંક હોય તો તે કોઈ ગ્રહ કે બાધા નથી બલકે પૂર્વગ્રહ છે. પૂજાના મનમાં ઘર કરી ગયેલો પૂર્વગ્રહ પૂજાને પીડે છે પણ એ પૂર્વગ્રહ નિર્માણ કેમ કરીને થયો તે કારણ મનોરમાબહેનને સમજવું નથી. પોતે જ હંમેશાં સાચા એવો હઠાગ્રહ આ પૂર્વગ્રહની જનની બન્યો છે.

આ બધા કિસ્સા જ્યાં જોશો ત્યાં આપણી આસપાસ જોવા મળશે ‘ઘેર ઘેર માટીના ચૂલા’ને ન્યાયે. વાત તો અતિશય નાની છે પણ અસાધારણપણે ગંભીર પણ. આખરે વાત થોડી સમજદારીની છે. પૂર્વગ્રહો બાંધતા પહેલાં બે વાર વિચારી લેજો એ આખી જિંદગી નડતર સર્જી શકે છે, આખરે તમારી મરજી.

છેલ્લે છેલ્લે
લડકપન મેં કિયે વાદે કી કુછ કીમત નહીં,

અંગૂઠી હાથ મેં રહતી હૈ મંગની તૂટ જાતી હૈ.

Advertisements

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

w

Connecting to %s