Mann Woman

દિલ્હી બહોત દૂર હૈ!

20140121-005709.jpg

થોડા સમય પૂર્વે વહેલી સવારે એરપોર્ટ જવા માટે ટેક્સી બુક કરી. જાણવામાં આવ્યું હતું કે હવે તો લગભગ મોટાં મહાનગરોમાં, ખાસ કરીને મુંબઈમાં લેડી શોફર હોય છે એટલે કે મહિલાઓ માટે, મહિલાઓ દ્વારા ચાલતી ટેક્સીસેવાઓ ઉપલબ્ધ છે, એટલે થયું કે સુરક્ષા માટે કે કોઈક એવી ભીતિથી નહીં પણ એક સ્ત્રી થઈને પણ આવી સેવાને સહયોગ તો આપવો જ જોઈએને, એ માટે ફોન કર્યો એટલે સૌ પ્રથમ લાગલો જ જવાબ મળ્યો કે ઓડ અવર્સ એટલે કે રાતના અગિયારથી સવારના પાંચ સુધી મહિલા ડ્રાઈવરો ટેક્સી ચલાવવા રાજી નથી. ત્યારે તો એ વાત ત્યાંથી જ પતી ગઈ, પણ એ દરમિયાન થોડા જ દિવસોમાં ફરી ટ્રાવેલિંગનો પ્રસંગ ઉપસ્થિત થયો. આ વખતે ફલાઈટ હતી સવારના દસની, એટલે ટેક્સી ભળભાંખળું થાય પછી જ લેવાની હતી. સવારનો પહોર, લગભગ છ વાગ્યાનો સુમાર અને મહિલા ટેક્સી સેવા દ્વારા હાયર કરેલી ટેક્સી ને ટેક્સી ડ્રાઈવર હાજર. આ આખી વાત જ એટલી અજબ છે કે હજી આ વાત પર હસવું કે વસવસો કરવો એ મને સમજાયું નથી.

ટેક્સી ડ્રાઈવર બહેને વહેલાં ઊઠવું પડયું હશે કે રાત્રે મોડે સુધી જાગ્યાં હશે. જે હશે તે પણ એમનું મોઢું ચઢેલું હતું કે તેનો ભાર તેમના એક-એક શબ્દ પર પડતો રહ્યો. સામાન્યપણે ડ્રાઈવરની ફરજ હોય છે કે તે ભારે સામાન ડિકીમાં ગોઠવે. પણ અહીં તો ભારે સમસ્યા થઈ. ટેક્સી ડ્રાઈવર હતી યુવાન પણ ફૂંક મારે તો ઊડી જાય તેટલી પાતળી, એણે અમને સામેથી જ કહ્યું કે તમે તમારો જે સામાન હોય તે ઊંચકીને મૂકો ડિકીમાં, એ કામ અમારું નથી. ઓહ, અમને મનમાં વિચાર આવ્યો, તો કહ્યું હોત તો બીજો માણસ પણ હાજર રાખત! પણ જે હોય તે, સામાન તો અમે જાતે જ ખડક્યો ડિકીમાં ને બેઠાં. હવે ચાલુ થઈ ખરી મહિલા ટેક્સીની સફર.

સવારનો સમય એટલે રસ્તા પર ટ્રાફિક ખાસ નહોતો, વળી થોડું મોડું પણ થઈ ગયેલું એટલે થતું કે આ કાબેલ ડ્રાઈવર બહેન પરિસ્થિતિ સંભાળી લેશે. પણ,ના. એ તો જાણે સુહાના સફર ઔર મોસમ હસીન… ગાવાના મૂડમાં હોય તેમ પિસ્તાળીસ પચાસની સ્પીડે ટેક્સી હાંકતાં રહ્યાં. આમ પણ બેકસીટ ડ્રાઈવિંગ કરવાની આદત તો ખરી જ, એટલે અમે કહ્યું બહેન, જરા જલદી લો, ફલાઈટ ચૂકી જઈશ. ઓહ ભગવાન, પછી એ બહેને એમનો કરતબ દેખાડવો શરૂ કર્યો, પહેલાં ડ્રાઈવિંગની કુશળતા. જે રીતે એ બહેન ક્લચ, ગિયર ને બ્રેક ઓપરેટ કરતાં હતાં, અમને થતું નક્કી મર્યા, એરપોર્ટ પર એક પીસમાં પહોંચ્યા તો પ્રભુકૃપા.

અમે તેમને શાંત પાડતાં કહ્યું કે “ક્લચ, ગિયરના મેનુવરિંગને કારણે કાર ડચકાં ખાય છે. પણ તમારી પાસે લાઇસન્સ છેને!!”

ખલ્લાસ. એક બોંબ વિસ્ફોટ. અમે શું કહી દીધું તે આખા રસ્તે જે એ બહેને પોતાના રેશ ડ્રાઈવિંગથી જે કાળો કેર વર્તાવ્યો અને અમારો જીવ પડીકે બંધાયેલો રહ્યો ઠેઠ એરપોર્ટ આવ્યું ત્યાં સુધી . વધુમાં આખા રસ્તે એમણે જે કકળાટ કર્યો તેનાથી તો મને એમના પરિવારના સભ્યો પર દયા આવતી રહી અને હા, એરપોર્ટ પર આ આખી કેક જેવી વાત પર આઈસિંગ મુકાયું. આ માનસિક ત્રાસ આપ્યા પછી ટેક્સી ડ્રાઈવર બહેને અમને કહ્યું કે અમારામાં કોઈ મેનર્સ છે ખરી કે? ટિપ પણ નથી આપતાં?

જોવાની ખૂબી એ છે કે આપણે ત્યાં ટિપ સામાન્યપણે ખુશ થઈને અપાતી ચીજ છે, તેમાં પણ ટેક્સી ડ્રાઈવરને ટિપ આપવાનો વિદેશી રિવાજ હજી આપણે ત્યાં સંપૂર્ણપણે આવકાર્ય નથી બન્યો છતાં પ્રવાસી પોતાની મરજીથી જે આપે તે અને એરપોર્ટ પરની ટેક્સી સેવાઓમાં ટિપને બદલે ફેસિલિટી ચાર્જ તરીકે રૂ.૨૦થી ૫૦ લેવાતાં જ હોય છે. સામાન્ય ટેક્સીઓ માટે રૂ.૨૦ અને એ.સી. અને મહિલા ટેક્સી સેવા માટે તેમના નિયમો પ્રમાણે.

આ આખો એપિસોડ અત્યારે યાદ આવવાનું કારણ તાજેતરમાં જ એરપોર્ટ્સ અને સ્ટેશનો પર મહિલા ટેક્સી ડ્રાઇવર સેવા હોવી જ જોઇએ તેવો કોર્ટનો આદેશ.

એ વાત સાચી છે કે નિર્ભયા કેસ પછી જે રીતે ભારતને “રેપકન્ટ્રી” તરીકે ચિતરાયું છે, નારી સુરક્ષા માટે આવી વ્યવસ્થા બિલકુલ હોવી જોઈએ પણ પ્રશ્ન એ છે કે માત્ર કહેવાતાં સુરક્ષાનાં પગલાં કે પછી પુરુષોની બરાબરી કરી શકીએ છીએ તેવા આડંબરથી આ તૂત શરૂ કરવાનાં? તે માટે કોઈ તાલીમ, વ્યવસ્થા, સિસ્ટમ ગોઠવવી જરૂરી નથી લાગતી?

આ માટે મહિલા ટેક્સી સંગઠન દ્વારા કોર્ટમાં ભારે રડારોળ સાથે જણાવાયું હતું કે તેમની સાથે કેટલું ઓરમાયું વર્તન કરવામાં આવે છે. સાદી ટેક્સીઓ માટે રૂ.૨૦ ફેસિલિટેશન ચાર્જ ને મહિલા ટેક્સી માટે રૂ.૫૦? એવું કેમ? સ્ત્રીઓને આ માટે પ્રોત્સાહન નથી મળતું, સ્ત્રીઓ જ સ્ત્રીઓની સેવાનો લાભ નથી લેતી પણ આ બધી દલીલો પાછળ મુખ્ય અને સૌથી મહત્ત્વની દલીલને દરગુજર કરાઈ કે સ્ત્રીચાલકો પોતાની ડ્રાઈવિંગ એબિલિટી અને એક પ્રોફેશનલ ડ્રાઈવરની જેમ કેમ નથી વર્તી શકતી?

વાત માત્ર ટેક્સીસેવાના દાયરા પૂરતી સીમિત નથી. ક્ષેત્ર ગમે તે હોય, સરકારી નોકરી, ખાનગી કંપનીની નોકરી ને તેમાં રહેલાં અનિયમિત કામકાજના કલાકો. જો એ પરિબળ સામે આવે કે સ્ત્રીઓ પોતે સ્ત્રી , પોતે અબળા, પોતે બિચારી કહીને જવાબદારીમાંથી આબાદ રીતે ખસકી જાય છે.

ઉદાહરણ તરીકે પત્રકારત્વ કે એવિએશન ક્ષેત્ર, આવાં તો ઘણાં ક્ષેત્ર છે. જેવાં કે પોલીસતંત્ર, કોલ સેન્ટર. સ્ત્રીઓને તમામ ક્ષેત્રે સરખાં અધિકાર જોઈએ છે. પુરુષ જેવી જ ડેઝિગ્નેશન, પુરુષ જેવી જ સેલેરી, પુરુષ જેવી જ ટ્રીટમેન્ટ પણ કમ્ફર્ટ ઝોનમાં રહીને. પુરુષોની જેમ ઓડ અવર્સ પર કામ ન કરાય, અમે સ્ત્રી છીએ. પુરુષો જેવાં રફ, ટફ કામ ન કરાય. અમે સ્ત્રી છીએ… અલબત્ત, આ તમામ ક્ષેત્રે અપવાદો છે જ તેમાં ના નહીં પણ મોટે ભાગે સ્ત્રીઓને ચેલેન્જ વિનાની બાંધેલી નોકરી, બાંધેલા ફરજના કલાકો, ફિકસ્ડ રજાઓ અને તે પણ બધું પોતાના કમ્ફર્ટ ઝોનમાં કાણાં ન પડે તે રીતે જોઇએ છે.

‘પુરુષસમોવડી’ લેખાવતી સ્ત્રીઓ એક મુખ્ય વાત ભૂલી જાય છે કે જે ક્ષણે તે સમોવડી બનવાની વાત કરે છે તે જ ક્ષણે પુરવાર થાય છે કે આપણે હજી પુરુષોના સમકક્ષ નથી. દિલ્હી બહોત દૂર હૈ!

આ માનસિકતા બદલાશે ?

છેલ્લે છેલ્લે
કલ જો ગુજરા વહ ફિર સે ન ગુજરે,
આનેવાલા વો કલ ઐસા ન હો.

Advertisements

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

w

Connecting to %s