Mann Woman

આંધી ચાના કપમાંથી જ ઊઠે છે, જોઈ શકો તો…!!

20140128-084957.jpg
અત્યાર સુધી પત્ની પતિ સામે ભરણપોષણની અરજી કરે એવું જાણ્યું, સાંભળ્યું હતું પણ કોઈ પતિ પત્ની સામે છૂટાછેડા કેસમાં ભરણપોષણની માગણી કરે એવું સાંભળ્યું નહોતું.

પણ હા, હવે આપણે એકવીસમી સદીમાં છીએ. આપણાં આચારવિચાર, રહેણીકરણી, વિચારધારા આધુનિક છે તેમ માની રહ્યા છીએ તો પછી છૂટાછેડાના વિષયે આવી ક્રાંતિ કેમ નહીં? વાત માનવામાં નહીં આવી હોય તોય માનવી પડે. આ બોમ્બે હાઈકોર્ટમાં ચઢેલો કિસ્સો છે.

માનસી અને અંકિત ગળાડૂબ પ્રેમમાં હતાં. માનસી મૂળ મુંબઈની ને અંકિત ગુજરાતના એક શહેરમાં ઉછરેલો. નોકરી માટે મુંબઈ આવેલો. બંનેની ઓળખાણ થઈ. ઓળખાણ પરિણયમાં પરિણમી. બંને પક્ષે ના પાડવાનું કારણ જ નહોતું, બંને સાદગીથી પરણી ગયાં. ખુશહાલ જિંદગી. બંનેની કારકિર્દી જામતી જતી હતી. અંકિતને શું સૂઝ્યું કે તેને માનસીને આગળ ભણવાનો સુઝાવ આપ્યો. માનસી વધુ ને વધુ ભણતી રહી અને અંકિત આર્થિક સધ્ધરતા પામવા વધુ ને વધુ પોતાના વેપારધંધામાં ખૂંપતો ગયો.ળબંનેને સફળતા મળે જતી હતી. અંકિતને થતું કે ઇન્વેસ્ટમેન્ટ માટે કોઈ પ્રોપર્ટી લઈ લેવાય તો સારું. મુંબઈમાં પોતાનું ઘર જે લોકોનું જીવનભરનું સ્વપ્ન હોય તે પણ હવે પોતીકું થઈ ગયું. જીવન તો જાણે કોઈ ફિલ્મની લવસ્ટોરી હોય તેમ જઈ રહ્યું હતું અને બાકી હોય તેમ ડિગ્રીઓના ચંદ્રકોથી અભિભૂત માનસીએ નોકરી લીધી. કોર્પોરેટર વર્લ્ડનો દબદબો, આંખો આંજી દે તેવી ચમકે માનસીને આંજી દીધી. હવે તેને અંકિત નાનો, ગામડિયો, ફિનેસ વિનાનો બિઝનેસમેન લાગવા માંડયો.

રોજ નાની નાની વાત માટે મોટા મોટા ઝઘડા, દિવસો સુધીના અબોલા, માનસીના લાંબા લાંબા નોકરીના કલાકો. અંકિત એ બધું ન સમજી શકે તેવો ભોટ નહોતો. લગ્ન બચાવવા પ્રયત્નો કરતાં કરતાં એ ડિપ્રેશનનો શિકાર બની ગયો. એટલી હદે કે ન બિઝનેસમાં ધ્યાન આપી શકતો ન કોઈ ઘરની વાતોમાં. સ્વાભાવિક છે કે એનું પરિણામ જબ્બર ખોટ જ હોય. ડિપ્રેશન બેવડાયું, તબિયત ઔર લથડી.

અચાનક જ અંકિતનાં મા-બાપે પોતાનાં દીકરા-વહુની પર્સનલ મેટરમાં માથું મારવું પડયું. વીસ સ્લીપિંગ પીલ્સ લઈને હોસ્પિટલને ખાટલે પડેલો

અંકિત બચી તો ગયો, પણ અત્યારે પોતાનાં મા-બાપ સાથે ગુજરાતમાં રહે છે ને માનસી હજી તેમના મુંબઈના ફ્લેટમાં. હવે અંકિતને માનસીના છાનગપતિયાં ચલાવવામાં રસ નથી એટલે છૂટાછેડા સિવાય કોઈ વિકલ્પ બચ્યો નથી, પણ કરવું શું?

અંકિત પાસે ન માથે છાપરું છે કે ન કમાણીનું સાધન અને છોગામાં માનસી દ્વારા અપાયેલી બીમારી, ડિપ્રેશન કાયમી થઈ ગયું.

સામા પક્ષે માનસી પોતાની ડિગ્રી દ્વારા મળેલી નોકરીમાં મહિને છ આંકડાનો પગાર પાડે છે, પણ એ ઘર છોડવા તૈયાર નથી.

આ આખો કિસ્સો આજના સમયનું, સામાજિક પરિસ્થિતિનું બેરોમીટર છે. પરિસ્થિતિની કરુણતા એ છે કે એક હોનહાર વ્યક્તિએ સ્વમાન નેવે મૂકીને પત્ની પાસે ભરણપોષણની રકમ કે પછી પોતાના જ ઘરમાં રહેવા મળે તે માટેનો જંગ લડવો પડી રહ્યો છે.

સામાન્ય રીતે છૂટાછેડાના કિસ્સાઓમાં પ્રચાર માધ્યમો, લોકો કે સગાં-વહાલાંનો અભિગમ સ્ત્રી માટે સહાનુભૂતિભર્યો જ હોય છે. અલબત્ત, હોવો પણ જોઈએ પણ દરેક ડિવોર્સ કેસની પોતાની એક આગવી કહાની હોય છે તે જાણ્યા વિના?

ભારતીય સંસ્કૃતિ એક એવા ત્રિભેટે આવીને ઊભી રહી છે કે જ્યાં સમસ્યાનાં ગૂંચળાં એટલાં ગૂંચવાયાં છે કે તે સામાન્ય લોજિકની ફૂટપટ્ટીથી મપાય, ઉકેલાય તેમ નથી.

જે સંસ્કૃતિમાં લગ્નને એક બંધન નહીં પણ સંસ્કાર માનવામાં આવે છે તે સમાજમાં આ સમસ્યા બહુઆયામી અણિયાળા પ્રશ્નોવાળી બની રહી છે.

જ્યારે જ્યારે લગ્નની વાત થાય એ સાથે જોડાયેલી એક કહેવત કાને અથડાયઃ લગ્ન તો સ્વર્ગમાં નક્કી થતાં હોય છે. એ સાંભળીને કોઈને એવો પ્રશ્ન કેમ નહીં થતો હોય કે તો ડિવોર્સ ક્યાં નક્કી થતા હશે? આ પ્રશ્નનો જવાબ મને કોઈ પાસે મળ્યો નથી.

હકીકત તો એ છે કે લગ્નની રેખા જ્યાં નિયત થતી હશે ત્યાં પણ ડિવોર્સની કુંડળી તો સાથે રહેવા સાથે જ મંડાય ને! સામાન્યપણે મોટાભાગના કેસમાં જેમ થાય છે તેમ ડિવોર્સ માટે પુરુષનો જ વાંક કઢાય છે. પતિ કમાતો ન હોય, આઉટલાઇન હોય, પુરુષમાં ન હોય એટલે નિર્દોષ છૂટાછેડા લીધેલી સ્ત્રીને બીજો મૂરતિયો શોધવામાં તકલીફ ઓછી પડે તેવું લોજિક છોકરીનાં મા-બાપનું હોય.

હવે જ્યારે શિક્ષણ અને આર્થિક સ્વતંત્રતાનું પ્રમાણ એટલી હદે પહોંચ્યું છે કે સ્ત્રી પોતે જ પોતાની સ્વેચ્છાએ, નાનાં ક્ષુલ્લક કારણો માટે છૂટાછેડા લેવા ઇચ્છતી હોય ત્યારે દોષનો ટોપલો પુરુષના માથે ઓઢાડવાની દોગાનીમાંથી છૂટીને પ્રામાણિકતાપૂર્વક વાસ્તવિકતાને જાહેર કેમ ન કરી શકે?

તમામ છૂટાછેડામાં માત્ર પુરુષનો જ વાંક નથી હોતો એ સમજતાં સમાજને થોડો સમય લાગશે, બલ્કે હવે થોડો થોડો પ્રકાશ એ પ્રશ્નો પર પડે છે, પણ ભરણપોષણના મામલે તો કોઈ સ્પષ્ટીકરણ થાય તેવી શક્યતા જ નથી.

પતિ-પત્ની બંને કમાતાં હોય છતાં છૂટાછેડાની નોબત આવે તો પુરુષ જ ભરણપોષણની રકમ આપવા બંધાયેલો રહે છે. આમ કેમ?

અલબત્ત, દરેક કિસ્સો સંબંધની એક આગવી પરિભાષા હોય છે. દરેક માટે સમાન ફૂટપટ્ટીથી કામ લેવું યોગ્ય પણ નથી, છતાં સ્ત્રીને મદદગાર એવા કાયદા, પરિસ્થિતિ, માનસ એક બહુ મોટી વાત નજરઅંદાજ કરી દે છે અને તે છે પુરુષની નિર્દોષતા.

માની લઈએ કે ૯૦ ટકા છૂટાછેડાના કેસમાં માત્ર ને માત્ર પુરુષ જ દોષી હશે અને સ્ત્રી ‘બિચ્ચારી’ હશે પણ બાકીના દસ ટકા કે પછી ૯૯:૧નું પ્રમાણ હોય તો એક ટકા લોકોને અન્યાય કરવો ઉચિત છે?

એક તરફ સ્ત્રી સમાનતાની મોટી મોટી બડાશો મારનારા એ ભૂલી જાય છે કે પરિણીત સ્ત્રીની સાથે સંબંધ બનાવનાર પુરુષ જ સજાપાત્ર બને છે, એ સ્ત્રી નહીં. એ સ્ત્રી પોતાની મરજીથી પર પુરુષ સાથે ગઈ હોય છતાં સજામાં આવો પક્ષપાત કેમ?

દરેક યુગ તેમાં આવનાર બદલાવ પ્રમાણે કાયદા અને અનુશાસનમાં પરિવર્તન માગે છે, એવું જ કંઈક પરિવર્તન આ ક્ષેત્રે માગે છે.

સ્ત્રી હોય એટલે નિર્દોષ જ અને પુરુષ હોવું દોષી એ આખી માનસિકતા માંદી છે, ઇલાજ માગે છે.

છેલ્લે છેલ્લે
ન્યાય વિનાનું જ્ઞાન નર્યું કપટ જ હોય.

Advertisements

1 thought on “આંધી ચાના કપમાંથી જ ઊઠે છે, જોઈ શકો તો…!!”

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

w

Connecting to %s