Mann Woman, People

હસને કી ચાહને ઇતના રૂલાયા હૈ

20140204-100701.jpg

કરોડો દિલોની ચાહત બની રહેલી વ્યક્તિના દિલમાં આવો ભેંકાર ખાલીપો હોઈ શકે ખરો? જો એવો પ્રશ્ન ઊભો થાય તો જવાબ હોય, નિઃશંકપણે એ વ્યક્તિ સાવ એકાકી જ હોવાની. ટોચના બિંદુ જેટલી એકાકી…

કોઈ ને કોઈ કારણે વિવાદને આમંત્રી લેતાં નામાંકિત રાજકારણી શશી થરૂરનાં પત્ની. એક સામાન્ય માણસની નજરમાં આ માનુની એટલે ગોલ્ડન હેર ફ્લિક્સ, હેવી મેકઅપ, ભારતીય રાજકારણીની પત્ની સ્વપ્નેય ન વિચારે એવી ડિઝાઇનર સાડી, સનગ્લાસીસમાં સજ્જ આધુનિક મહિલા અને આ તો થયો બહારી દેખાવ. આંતરિક જીવનમાં એક નહીં બે ભંગ રિલેશનશિપ અને ત્રીજાં લગ્નમાં ત્રીજી વ્યક્તિનું આગમન. ડિપ્રેશનને ડામવાની દવાના ઓવરડોઝને કારણે ફાઇનલ એક્ઝિટ લીધી. ચર્ચાનાં વમળ વચ્ચે. ડિપ્રેશન આવવાનું કારણ અંતરંગ મિત્રોના કહેવા પ્રમાણે સૌથી મોટું દુઃખ ત્રિકોણનો ત્રીજો ખૂણો અને હેલ્થ પ્રોબ્લેમ.

સુનંદા પુષ્કર-થરૂર કંઈ નવીનવાઈનું નામ નથી. એક નજર ભૂતકાળમાં નાખીએ તો આવી ડિપ્રેશનમાં મેડિસિનના ઓવરડોઝથી દુનિયાને અલવિદા કહી દેનારીઓની નામાવલી ભારે લાંબી છે.

સંગીતની દુનિયામાં અલ્ટિમેટ લેખાતો એવો ગ્રેમી એવોર્ડ એક વાર નહીં, છ વાર જીતનાર, ૩૦ બિલબોર્ડ એવોર્ડ, ૨૨ અમેરિકન મ્યુઝિક એવોર્ડ અને નાના-મોટા મળીને કુલ ૪૦૦ એવોર્ડની વિજેતા એવી મ્યુઝિક સ્ટાર વ્હીટની હ્યુસ્ટને પોતાના છેલ્લા ગીત ‘જિસસ લવ્ઝ મી’ને જાણે આત્મસાત્ કરી લીધું હોય તેમ ગ્રેમી એવોર્ડની આગલી રાતે જ દુનિયાને ગૂડબાય કરી દીધું. કારણ કહેવાયું ‘અનનોન’, પરંતુ આખી દુનિયા જાણતી હતી વ્હીટનીના મોતનું કારણ હતું ડ્રગ્ઝનો ઓવરડોઝ. ચોમેર પ્રખ્યાતિ, દોમદોમ સાહ્યબી અને કરોડો દિલોની ચાહત બની રહેલી વ્યક્તિના દિલમાં આવો ભેંકાર ખાલીપો હોઈ શકે ખરો? જો એવો પ્રશ્ન ઊભો થાય તો જવાબ હોય, નિઃશંકપણે એ વ્યક્તિ સાવ એકાકી જ હોવાની. ટોચના બિંદુ જેટલી એકાકી.

નામ, દામ, ચાહતની રોશનીના ઝળાંઝળાંમાં ડિપ્રેશન, ડ્રગ્ઝમાં ડૂબી જનારાઓની યાદી લાંબી છે. ગયા વર્ષે માત્ર ૨૭ વર્ષની ઉંમરે મરણ પામેલી બ્રિટિશ સિંગર એમી વાઇનહાઉસ, પોપસ્ટાર તરીકે અસાધારણ નામના પામેલા માઇકલ જેક્સન, વીસરાતા જતા યુગના ફ્રેડી મર્ક્યુરી, એલ્વિસ પ્રેસ્લી સુધી વાત જાય છે. માત્ર મ્યુઝિક ક્ષેત્રે જ નહીં, ગ્લેમર, ફિલ્મ અને બિઝનેસ માંધાતા પણ આમાંથી બાકાત નથી.

આ અપમૃત્યુનાં કારણો તપાસો તો ખ્યાલ આવે સુખ મળ્યા પછી થતો સંતાપ. સુખની તમામ સીમા વટાવ્યા પછી આવતું પૂર્ણવિરામ જે કદાચ તમામ ડિપ્રેશનનું કારણ કે પછી ટોચ પર પહોંચ્યા પછી ત્યાં ટકી રહેવાની ઘેલછા કે પછી કશુંક હાંસલ કર્યા પછી એ ઝૂંટવાઈ ન જાય એની સતત ચિંતા,ડર. એ પછી કારકિર્દી હોય કે મેરિડ લાઇફ,પતિ કે પત્ની તરફથી. વ્હીટની હ્યુસ્ટન હોય કે એમી વાઇનહાઉસ કે આ સુનંદા પુષ્કર-થરૂર. તેમનાં મૃત્યુ તો એ જ વાત સિદ્ધ કરે છે. અલબત્ત, માત્ર સ્ત્રીઓ જ આવી ઘેલછામાં રાચે છે એવું જરૂરી નથી. ઉદાહરણ તો બ્રુસ લી, માઇકલ જેક્સન, એલ્વિસ પ્રેસ્લી અને ગુરુ દત્તનાં પણ નજર સામે જ છે.

વ્હીટની હોય, એમી હોય કે ગુરુ દત્ત, એલ્વિસ પ્રેસ્લી હોય કે માઇકલ જેક્સન. તમામનાં મોતમાં વિલન એક જ છેઃ ડ્રગ્ઝનો ઓવરડોઝ. એક જમાનામાં વિંગ ચૂન કુંગફુ માસ્ટર અને પછી હોલિવૂડમાં માર્શલ આર્ટ ફિલ્મોને જગમશહૂર બનાવનાર બ્રુસ લીની કહાણીનો અંજામ પણ આવો જ હતો.

જરૂરી નથી આ વાત માત્ર હોલિવૂડ સ્ટાર કે ક્રિએટિવ લોકોને જ લાગુ પડે છે. જગવિખ્યાત ઇટાલિયન ટાયકૂન ઓનેસીસની દીકરી ક્રિસ્ટિનાએ પણ ૩૭ વર્ષની વયે આપઘાત કર્યો હતો. ઓનેસીસના વારસાની એકમાત્ર વારસ, ચાર નિષ્ફળ લગ્ન, એક દીકરીની માતાએ જ્યારે આપઘાત કર્યો ત્યારે તેણે પોતાની અંતરંગ વાતો નોંધતાં લખ્યું હતું, બોઝિલ, બેરંગ જિંદગી વિશે, જ્યાં કશુંય જીવવાલાયક બચ્યું જ નથી. ન તો પૈસા કમાવાનો સંઘર્ષ, ન લગ્નજીવનમાં આનંદ કે સંતોષ, ધનકુબેરની દીકરીને તો પોતાના અંશસમી દીકરીના કિલ્લોલમાં પણ આનંદ કે લાગણી ન દેખાયાં અને કદાચ પરમ સુખનું કિરણ દેખાયું મૃત્યુના અંધકારમાં.

આ કેવો પરિતાપ? એ તો કદાચ પરિવારજનો માટે અઢારથી વીસ કલાક કામ કરનારાને ક્યારેય નહીં સમજાઈ શકે. એ પરિતાપ જે ક્યાં તો વ્યક્તિને મોત તરફ ખેંચી જાય કે ગાંડપણ તરફ. પશ્ચિમી જગતમાં જ આવા કેસ જોવા મળે તેનું સાંત્વન લઈ શકાય નહીં. ભારતીય ગ્લેમર વર્લ્ડમાં ઝાંકો તો સંખ્યાબંધ મોડેલોના કિસ્સા દર્જ છે,જે કદાચ અલ્પ પ્રસિદ્ધિને કારણે યાદ રહી શકતા નથી. બાકી તો હિન્દી ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં દમદાર નામ ગુરુ દત્ત, મીનાકુમારી, પરવીન બાબી આ જ પરિતાપનો ભોગ બનેલાં છે.

ક્યારેક એવું પણ બને કે લાઇફલાઇન જ એટલી લાંબી હોય કે મૃત્યુ સુધીના અંતિમ ચરણ સુધી પહોંચી મોતને હાથતાળી આપી ફરી જિંદગીના દાવ રમવા પડે.

રંગ, રૂપ, અવાજનો જાદુ તો કોઈનો બરકરાર રહેતો નથી તે સત્ય છે, પરંતુ થોડાં વર્ષના જીવનમાં એવું તો શું બની જાય કે જિંદગી એક બોજ બની જાય?

ડિપ્રેશન નામનો વ્યાધિ સામાન્ય રીતે નેમ-ફેમવાળા લોકો પર પોતાની પહેલી પસંદગી ઉતારતો હોય એમ લાગે છે. તાલેવંત ફેમિલીના સભ્ય હોવું, આરામદાયક ઉચ્ચ રહન-સહન અને અભ્યાસ, ઢગલાબંધ અફેર્સ, સફળતાની સોનેરી છડીની સાથે સાથે નિષ્ફળતાના મુક્કા અને છેવટે મર્યાદાહીન શિસ્તવિહીન લાઇફસ્ટાઇલ અને તેનું પૂરક આલ્કોહોલનું બંધાણ.

સમય સાથે ચહેરા પર ઉઝરડા કરી જતાં માનસિક ઘાવ અને તેને ભરવા માટે થતી અસંયમી વર્તણૂક.

એટલે કે સુનંદા પુષ્કર હોય કે પરવીન બાબી, ક્રિસ્ટીના ઓનેસીસ કે સુલક્ષણા પંડિત, વ્હીટની હોય કે એમી, માઇકલ જેક્સન હોય કે બ્રુસ લી… સંતાપ, ખાલીપો અને નકામા હોવાની લાગણી પર નિયંત્રણ કરવું કોઈના વશની વાત નથી.

પ્રશ્ન તો એ છે કે એવું કયું તત્ત્વ છે જે માણસમાંથી જિજીવિષા જ ખતમ કરી દે છે? પ્રશ્નનો ઉત્તર છે સુખના અતિરેકમાં જન્મતા અસુખમાં. ક્યારેક કોઈ કહેવાતા ધર્મધુરંધર, પરમપૂજ્ય, સંત, મહાત્મા, બાબા, સ્વામીઓના પ્રવચનમાં જઈ ચઢો તો આ વાતના જીવંત ઉદાહરણરૂપ નમૂના જોવા મળશે જ મળશે. શાંતિની શોધમાં તરફડિયાં મારતા આ અસ્વસ્થ આત્માઓના શરીર પર હશે મોંઘાંદાટ વસ્ત્રપરિધાન, પરફ્યૂમથી નહાતાં હાડમાંસનાં શરીર પર લાખો રૂપિયાનું ઝવેરાત. સુખના અપચાથી ગ્રસ્ત આ બિચારા જીવોની એકમાત્ર ફરિયાદ હોય છે તે છે શાંતિની શોધ. આ એવી શોધ છે જેનો કોઈ અંત જ નથી. આ પરિસ્થિતિની સામે ઊભો છે એક ગરીબ બાપ. તેની અશાંતિનું કારણ છે આવતી કાલે દીકરાની ફી કેમ કરીને ભરવી? તેની શાંતિ છે દીકરાને ભણાવી, ગણાવી સેટલ કરવાની. તેની શાંતિની શોધ અંતહીન નથી. તેને છેવાડો છે. એક વાર જરૂરી નાણાંનો બંદોબસ્ત થતાં ફી ભરાઈ જશે કે શાંતિ. એટકે કે લક્ષ્યાંક નક્કી છે. આવી તો કેટકેટલી નાની, મોટી ચિંતાઓ ગરીબ, મધ્યમવર્ગીય કુટુંબોની સદાની સાથે હોય છે, પરંતુ તેને ઉકેલવા ન તો કોઈ ફેમિલી ગુરુની જરૂર પડે છે ન ધ.ધૂ.પ.પૂ ઓની.

વાત તો એક સરળ લોજિક પર આવીને થંભે છે. જેને અતિશિક્ષિત, ભદ્ર સમાજ જે કોઈ નામ, લેબલ આપવાં હોય તે આપે. એક અદના આદમીની ભાષામાં તો એ છે છતના ચાળા. જેના ગુલામ થવું કે ન થવું એ તો માણસની પોતાની ફિતરત પર નિર્ભર છે.

છેલ્લે છેલ્લે

તુમ ક્યા કરોગે સુનકર મુઝસે મેરી કહાની કિસ્સેં,

બેલુત્ફ જિંદગી કે કિસ્સે હૈ ફિક્કે ફિક્કે

-મીનાકુમારી

Advertisements

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

w

Connecting to %s