Mann Woman

આ માઇન્ડસેટનું શું કરવું?

20140211-004400.jpg

પ્રશ્ન ઊભો થાય છે માઇન્ડસેટનો. આમ તો આપણી સંસ્કૃતિ પિતૃપ્રધાન, પુરુષપ્રધાન લેખાય છે. એ સમાજમાં ઓળખ બનાવવા સ્ત્રીએ પોતાની આગવી ઓળખ બનાવવા જે મહેનત કરવી પડે છે તે પુરુષને કરવી પડતી મહેનતના પ્રમાણમાં લગભગ બમણી હોય છે

ધારો કે કોઈક ઇન્દિરા ગાંધીની ઓળખ સોનિયા ગાંધીનાં સાસુજી તરીકે આપે તો તમારું રિએક્શન શું હોઈ શકે? કે પછી મૌલાના અબ્દુલ કલામ આઝાદની ઓળખ ફિલ્મ એક્ટર આમિર ખાનના પિતામહ તરીકે આપે તો?

વાત નવાઈની છેને?
પણ એવી જ કંઈક વાતો બની રહી છે ઓળખ આપવાના મામલે. થેન્ક્સ ટુ અવર મીડિયા. આજે જે પોપ્યુલર છે તેની વાત કરો, એ માટે થઈને ભલે આગળ-પાછળના સંદર્ભો, કનેક્શન વિસરાઈ જાય તો ચાલે.

આ વાત એટલે યાદ આવી કે હમણાં થોડા સમય પૂર્વે એક ફંક્શનમાં જવાનું થયું. ચીફ ગેસ્ટ તરીકે હતાં જાણીતા ફિલ્મમેકર સંજય લીલા ભણસાલીનાં મધર લીલા ભણસાલી. મુંબઈના કલાપ્રેમીઓમાં આ નામ અજાણ્યું નથી. ‘રામલીલા’ હોય કે ‘હમ દિલ દે ચૂકે સનમ’, દીપિકા ને ઐશ્વર્યાને પોપટિયું ને હીંચ લેવડાવી આખા ઇન્ડિયાને તેનાથી અવગત કરાવનાર સંજય લીલા ભણસાલીને આ ગુજરાતી ગરબા નૃત્યમાં આટલી ઊંડી રુચિ જન્માવનાર બીજું કોઈ નહીં પણ તેમની મા જ હતાં. મુંબઈમાં ચાલતાં નામાંકિત ગરબા નૃત્ય મંડળ સાથે વર્ષો સુધી સંકળાયેલાં રહેનાર લીલાબહેન કોઈને યાદ ન હોય તેવું નથી, પણ હવે તેમની ઓળખાણ જુદા સ્વરૂપે અપાય છે અને તે પણ સંજય લીલા ભણસાલી તરીકે. અલબત્ત, પોતાનાં સંતાનોની સફળતા પર મા-બાપ તરીકે પોરસાવાના કોડ તો સૌને હોય અને ગમે પણ ખૂબ, પણ વાત જ્યારે પોતાની આગવી ઓળખ માત્ર સંતાનો સાથે જોડાઈ જાય ત્યારે ક્યારેક ખુશીનાં ગુલાબ નીચે ચુભાઈ જતાં કાંટા જેવી કંઈક સંવેદના તો થતી હશેને!

આ વાત આપણાં સમાજમાં થોડી નવી તો જરૂર છે પણ અસામાન્ય નથી. અત્યાર સુધી ખાસ કરીને સ્ત્રીઓ માટે તો પરિસ્થિતિ જ એવી હતી. ફલાણાની દીકરી, ઢીંકણાની પૌત્રી, કોઈકની ભાણી, કોઈકની ભત્રીજી ત્યાં સુધી તો ઠીક પણ પછી આવે વાત પત્ની, પુત્રવધૂ સ્ટેટસની. વાહ! એટલે કે પહેલાં પિતા, પિતાના પરિવારની ઓળખ પછી પતિ ને સાસરિયાંની ઓળખ. પોતાની સ્વતંત્ર ઓળખ કે વ્યક્તિત્વ જ નહીં. હજી બે-ત્રણ દાયકા પૂર્વે જ આ સ્થિતિ સર્વસામાન્ય હતી. કોઈકની પત્ની, કોઈકની પુત્રવધૂ એવી ઓળખ સ્ત્રીને ખુશી ખુશી માન્ય પણ રહેતી. હજી પણ એમાં કોઈ સંપૂર્ણપણે બદલાવ નથી. આજે પણ લગ્ન થતાં સાથે સરનેમ બદલાઈ જાય. ઘણી સ્ત્રીઓને મૂળ ઓળખ ન ગુમાવવી હોય તે વળી સરનેમ એડ ઓનની જેમ બબ્બે સરનેમ લઈને ફરે. હવે તો સંપૂર્ણપણે સ્વીકાર્ય પ્રથા બની ગઈ છે.

આ બધું તો ઠીક પણ જેણે પોતાની કોઈક સ્વતંત્ર ઓળખ ઊભી કરી હોય એવી પ્રતિભાઓને તેમનાં સંતાનોની સિદ્ધિથી મૂલવવી એમનું અવમાન નથી?

એવા જ એક સમાચાર ક્યાંક ધ્યાનમાં આવ્યા. રાજકોટની નામાંકિત કોલેજના વર્ધાપન દિનની ઉજવણીના. જે નિમિત્તે થયેલી પ્રવૃત્તિઓના ઉલ્લેખ સાથે હતો એક પ્રભાવશાળી મહિલાનો ફોટો અને નીચે કેપ્શનમાં લખાયેલું કે આ પ્રસંગે જાણીતી અભિનેત્રી વિદ્યા બાલનનાં સાસુ સલોમી રોય કપૂર ઉપસ્થિત હતાં.

વાંચીને થયું આ તે કેવી ઓળખ? આ સલોમી રોય કપૂરની પોતાની પણ ઓળખ છે. આ સલોમી રોય કપૂર એટલે ૧૯૭૨નું મિસ ઇન્ડિયા ટાઇટલ જીતેલાં. સિત્તેરના દાયકામાં જ્યારે સુપર મોડેલનો કન્સેપ્ટ જ નહોતો ત્યારની સુપર મોડેલ સારી ડાન્સર પણ, ઘણી ફિલ્મો માટે કોરિયોગ્રાફી કરેલી, જેમાં એક યાદગાર ગીત ‘બોબી’નું મૈં શાયર તો નહીં… થિયેટર સાથે વર્ષો સુધી સંકળાયેલાં રહ્યાં હોવાથી સલોમી કોલેજોમાં ડ્રામા વર્કશોપ પણ કરે છે ને તેમની કોઈ ઓળખ નહીં?

પ્રશ્ન ઊભો થાય છે માઇન્ડસેટનો. આમ તો આપણી સંસ્કૃતિ પિતૃપ્રધાન, પુરુષપ્રધાન લેખાય છે. એ સમાજમાં ઓળખ બનાવવા સ્ત્રીએ પોતાની આગવી ઓળખ બનાવવા જે મહેનત કરવી પડે છે તે પુરુષને કરવી પડતી મહેનતના પ્રમાણમાં લગભગ બમણી હોય છે. અલબત્ત, એમાં ઘણા અપવાદો પણ હશે અને ઘણા એ મત સાથે સહમત નહીં થાય, પરંતુ એ વાતથી વાસ્તવિકતા બદલાઈ નથી જતી એ જાણ્યા, સમજ્યા પછી પોતે જ જતનથી સીંચેલી વેલને પાંગરેલી જોઈ પોતે જ બેકગ્રાઉન્ડમાં સરી જવું એ વાત જેટલી સાહજિક દેખાય છે એટલી હોતી નથી.

આ આખા પ્રકરણમાં ન તો કોઈનો વાંક છે ન કોઈ જાણીબૂઝીને થતી સાઝિશ છે, પણ જો કંઈક ખોટ રહી જતી હોય તો તે છે ટૂંકી દૃષ્ટિની.

જે પોપ્યુલર છે તેને નામે ગાડાં ગબડાવવાની, આગળ-પાછળનાં સંદર્ભ પરિબળોનો અભ્યાસ કર્યા વિના ઓવર લુક કરી નાખવાનો, કામચોરી કે દૃષ્ટિના અભાવનો જે એક ટ્રેન્ડ બની જાય ને ક્યારે તે રસમપ્રથા પરંપરાનું રૂપ લઈ લે ખબર જ ન પડે. આ જ કારણ બને પ્રથા બનવાનું કે મિટાવવા માટેનું.

એ વાત જુદી છે કે સ્ત્રી કોઈ એવી ઓળખ અને સંબંધમાં પહેલી પસંદગી પોતાની ઓળખને ન આપતાં સંબંધને આપે. તેને માટે સંબંધ સૌ પ્રથમ સ્થાને હોય છે, પણ તેનો અર્થ એ થયો કે તે માટે આપણે તેમની પાસે તેમની સિદ્ધિઓ આંચકી લઈ એક ક્ષણમાં તેમને તેમનાં પુત્ર-પુત્રીઓ, વહુ, જમાઈ સાથે ટેગ કરી નાખીએ?

આ લખતાં લખતાં જ વિચાર સ્ફુર્યો કે આ લખનારને કોઈ ફલાણા ફલાણીની સાસુ તરીકે ઓળખે તો? તો પ્રતિભાવ શું હોઈ શકે? અમને તો લાગ્યું કે તો તો નક્કી મુઠ્ઠીઓ વળી જાય ને દાઢી ફૂટી આવે. તમે પણ વિચારજો, તમારું રિએક્શન કેવું હોય?

છેલ્લે છેલ્લે
સ્ત્રીએ માત્ર બે વાતથી જ્ઞાત થવું રહ્યું,
એક એ કોણ છે અને બીજું, એને જિંદગીમાં શું જોઈએ છે?

Advertisements

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out / Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out / Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out / Change )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out / Change )

Connecting to %s