Mann Woman

સાસુ બને એટલે સ્ત્રીના DNA બદલાઈ જાય?

20140217-234358.jpg(તસ્વીર માત્ર પ્રતીકાત્મક છે)

ચાલીસીએ પહોંચેલા અપૂર્વ અને તેની છત્રીસ વર્ષની પત્ની કિન્નરી વચ્ચે હવે કોઈ સમાધાન શક્ય લાગતું નથી. બાર વર્ષનું લગ્નજીવન અચાનક જ કોઈ કાચનું વાસણ હોય તેમ નંદવાયું. અપૂર્વનાં માતા કહે છે કે, હવે થાય શું? મન, મોતી ને કાચ એમ તૂટયાં સંધાય છે?

વાત દીવા જેવી સ્પષ્ટ છે. કિન્નરીને પતિ અપૂર્વ પાસે છૂટાછેડા સિવાય કંઈ ખપતું નથી. ન કોઈ ભરણપોષણની રકમ, ન કોઈ સાસરેથી આપેલું જરઝવેરાત, એને માત્ર છૂટાં થવું છે.

આખી વાત હેરત પમાડે તેવી અમને પણ લાગી હતી. એક સુસંસ્કારી ઘરની દીકરી અને પછી એવા જ કુલીન કુટુંબની પુત્રવધૂ આવી વાત કેવી રીતે કરી શકે? તે પણ આમ બિલકુલ શરમાયા વિના, ખુલ્લેઆમ બેધડક…??

કિન્નરીએ પહેલાં બેડરૂમના બંધ બારણે અપૂર્વને કહ્યું ને પછી અપૂર્વનાં માતાથી લઈ તેનાં માતા-પિતા, મિત્રો, સગાંસંબંધીને તમામ આ વાતથી માહિતગાર કરવા ઈ-મેઇલ લખી નાખી હતી .

એક ‘સેન્ડ’ના ઓપ્શન પર ક્લિક કરવાથી શું તારાજી આવવાની છે તેનો અપૂર્વને અંદાજ કદાચ ગુસ્સામાં અંધ થઈ જવાથી ત્યારે નહોતો આવ્યો. હવે આખા જગતને જાણ થઈ જ ગઈ છે તો પછી બીજો વિચાર કરવાની જરૂર પણ નથી એ ન્યાયે કિન્નરી પોતાના સરસામાન સાથે ભાડાના એક નાનકડા ફ્લેટમાં રહે છે. બસ, વાર છે કાયદેસરની ડિવોર્સ ડિક્રીની. એ પછી એ પોતાના સંગીત સર કુમારને પરણવા માગે છે.

પહેલી નજરે લાગે કે આ ફિલ્મકથા જેવી વાત કંઈ સત્ય હકીકત હોઈ શકે?
પણ છે, હકીકત છે.
કિન્નરી અને અપૂર્વનાં તમામ પરિચિતો, મિત્રોની નજરમાં કિન્નરી ગુનેગાર છે. કિન્નરીનાં માતા-પિતા સુધ્ધાં માને છે કે દીકરીએ કુળનું નામ બોળ્યું છે, પણ કિન્નરી અવહેલનાને મૂંગેમોઢે સ્વીકારી રહી છે. ન તેને કોઈ બચાવ કરવો છે ન પ્રત્યુત્તર આપવો છે.

આ જ વાત કશુંક જુદું હોવાની પ્રતીતિ કરાવતી રહી છે.
મ્યુચ્યુઅલ કન્સેન્ટથી થતાં છૂટાછેડાની અવધિ પણ હવે ઘટી ગઈ છે, એટલે એ સમય પણ પૂરો થવામાં છે ત્યાં અચાનક જ કિન્નરીને મળવાનું થયું. એ મિત્ર તો ખરી પણ એવી અંતરંગ મિત્ર તો નહીં કે એનું હૈયું ખોલે. છતાંય સાવ એકલી પડી ગઈ હોય તેવી કે ખબર નહીં પણ શોપિંગ મોલમાં ભટકાઈ ગયેલી કિન્નરી કોફી શોપમાં બેઠક જમાવતાં જ તૂટી પડી.

વાત એવી જ હતી જે લાગતી નહોતી. પૂરા છ મહિનાથી સદંતર એકલવાયી જિંદગી જીવી રહેલી કિન્નરીએ રોકેલો બંધ તેની મરજી વિરુદ્ધ જ તૂટી ગયો, ત્યારે જાણ થઈ મૂળ કારણની.

અપૂર્વ અને કિન્નરીને બાળકો નહોતાં એ તો ખબર હતી, પણ બાર વર્ષથી પરિણીત દંપતી એ માટે દુઃખી હોય કે બાળક અડોપ્ટ કરવા માગતું હોય તેવો તો કોઈને ખ્યાલ પણ નહોતો. કિન્નરી ને અપૂર્વ બંનેને માતા-પિતા ન બન્યાં એટલે અધૂરાં રહી ગયાં તેવી કોઈ લાગણી પણ નહોતી, પરંતુ અપૂર્વનાં માતા શીલાબહેનને પોતાના એકના એક દીકરાના ઘરે પારણું બંધાય તેના કોડ એવા ભારે હતા કે તેમાં દીકરા-વહુનું દાંપત્યજીવન જ નંદવાઈ ગયું.

કિન્નરી પાસેથી જાણવા મળ્યું કે એ માટે થઈને પોતે કેટકેટલા મેડિકલ ટેસ્ટ તો કરાવેલા જ, પણ સાસુ જે બાધાઆખડી, સાધુ, સંત, બાવા પાસે લઈ ગયેલા ત્યાં પણ ગઈ હતી અને હા, શીલાબહેન પોતે ડોક્ટરેટ થયેલાં એટલે સ્વાભાવિક છે કે કોઈ તેમના વિષે આ વાત માની પણ ન શકે. સાચી વાત તો એ જ હતી કે કિન્નરી માતા બની શકે તેવી શક્યતા ઓછી હતી. તમામ ટ્રીટમેન્ટ પછી પણ પરિણામ ન આવ્યું ત્યારે સાસુની ઇચ્છાને માન આપવા કિન્નરીએ પોતાની મરજી ન હોવા છતાં બાળક દત્તક લેવાની તૈયારી બતાવેલી. પણ ના, શીલાબહેનને તો પોતાના કુળનો જ વારસદાર ખપતો હતો. આખરે શીલાબહેન તો ખરેખરો ફિલ્મી રસ્તો શોધ્યો, સરોગેટ મધરના વિકલ્પરૂપે.

કિન્નરીને આ સમાધાન નહીં અપમાન લાગ્યું અને શરૂઆત થઈ પતિ-પત્ની વચ્ચે તિરાડ પડવાની.
સખત તાણ અને ડિપ્રેશનમાં રહેનાર કિન્નરીનું મન હળવું થાય એટલે મ્યુઝીક શીખવાનું સૂચન પણ અપૂર્વને શીલાબહેનનું જ હતું. જાણે દાંપત્યજીવનના નંદવાતા સૂર સંગીત સજીવન કરી નાખવાનું હોય તેમ! પણ વાત કંઈ બની નહીં. અપૂર્વ અને કિન્નરી વચ્ચેની ખાઈ વધુ ને વધુ પહોળી થતી ગઈ અને ખબર જ ન પડી કે પોતાથી આઠ વર્ષ નાના મ્યુઝીક સરના પ્રેમમાં કિન્નરી ક્યારે પડી ગઈ?

ખરેખર આ પ્રેમ કહેવાય કે ? એ વાત તો સૌથી મોટો પ્રશ્નાર્થ છે. કારણ કે કોઈક પ્રકારની અવહેલનાની વેદનાએ કિન્નરીને બીજી તરફ વાળી છે. એ સાચૂકલો પ્રેમ કહેવાય કે રિબાઉન્ડ કહેવાય તેવી ધક્કેબાજ લાગણીનું જાળું તે તો સમય જ કહેશે પણ એક વ્યક્તિના હઠાગ્રહે ત્રણ વ્યક્તિઓની જિંદગીના પ્રવાહ પલટી દીધા છે.

અપૂર્વને કિન્નરીએ પોતાની સાથે વિશ્વાસઘાત કર્યા હોવાનો રોષ છે. શીલાબહેનને તો લાગે છે કિન્નરીમાં પહેલાં એક ખોટ તો હતી જ (મા ન બની શકવાની) અને બાકી હતી તે આવી ચરિત્રહીનતા કરી પૂરી કરી છે. કિન્નરી પોતે નિર્ણય તો લઈ બેઠી છે પણ ક્યારેક ક્યારેક યુવાન કુમાર તેને પાછળથી દગો તો નહીં દેને તેવા કાલ્પનિક ડરથી ડરે પણ છે.

આ સિચ્યુએશન ખરેખર તો આઉટ ઓફ કંટ્રોલ નથી. કોઈ એક સમજદારીભર્યો નિર્ણય ફરી નવી શરૂઆત કરાવી શકે છે, પણ વાત હવે ઈગો પર આવીને અટકી છે. શરૂઆત કરે કોણ? ઈગો અને રિજેક્શનનો ડર જેટલો કિન્નરીને છે એટલો જ અપૂર્વને પણ છે.

જો કંઈક કરી શકે તો તે છે મિત્રો અને શીલાબહેન પોતે…
આ કેસમાં નિયતિએ શું ધાર્યું છે તે તો એ પોતે જ કહેશે, પણ આવી શીલાબહેન જેવી સાસુઓ પુત્રવધૂને દીકરી ન સમજે તો કંઈ નહીં પણ એ માણસ છે એટલું ન સમજી શકે!

શીલાબહેન પોતે સ્ત્રી હશે? અમને તો એમાં પણ શક છે.
છેલ્લે છેલ્લે
કોઈ પણ સમાજની પ્રગતિનો ગ્રાફ તેમની સ્ત્રીઓએ હાંસલ કરેલી સિદ્ધિ પણ નિર્ભર હોય છે.

– બાબસાહેબ ભીમરાવ આંબેડકર

Advertisements

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

w

Connecting to %s