વિસ્તાર બેલાર્ડ એસ્ટેટ : વાત ઉજાસ તળેના અંધકારની

20140220-161423.jpg
માની લો અંધારિયા રૂમમાં એક માત્ર દીવાનો ઉજાસ છે જેમાં રૂમમાં રહેલી તમામ ચીજવસ્તુ દેખાતી નથી. તો એનો અર્થ એવો થયો કે એ તમામ વસ્તુઓનું અસ્તિત્વ જ નથી? આજની તારીખે જયારે મોડર્ન સાયન્સ અને ટેક્નોલોજીનો જમાનો છે તેવા સમયમાં પણ મધ્યકાલીન યુગનો આ અંધકાર લોકમાનસમાં છે, જે લાલચ અને સ્વાર્થ જેવી વૃત્તિને પોષવા વિકૃત્તિ બની સામે આવે છે.
વિચાર માંગી લે તેવી વાતને બીજ બનાવી તદ્દન નોખો વિષય પસંદ કર્યો છે પ્રોડ્યુસર અમી ત્રિવેદી , કિરણ ભટ્ટે .

અમીત સૌમિલ અને ફોરમ એક અકસ્માતમાં પોતાનું બાળક ગુમાવી ચુક્યા છે. પરાંનો એક બેડરૂમનો ફ્લેટ છોડીને બેલાર્ડ એસ્ટેટ વિસ્તારમાં વારસામાં મળેલાં પાંચ બેડરૂમના ફ્લેટમાં આ કપલ રહેવા આવે છે. પતિપત્ની વચ્ચે પ્રેમ તો છે પણ બાળકને ગુમાવવાનું દુખ હૃદયમાં ફાંસની જેમ પીડ્યા કરે છે. ફોરમ ઈચ્છે છે કે જો બીજું બાળક આવે તો તેની કિલકારીઓ આ રંજ હળવો કરી નાખે પણ એ માટે અમીત હરગીઝ રાજી નથી.એ હજી પણ બાળક પારસને ગુમાવવા માટે પોતાની જાતને જ દોષી માનીને કોષે રાખે છે. અધૂરામાં પૂરું અમીત આર્થિકરીતે નિષ્ફળતાનો સામનો કરી રહ્યો છે. બિઝનેસમાં નસીબ યારી નથી આપતું એટલે પણ ભારે વ્યગ્ર છે.

આ બધા વચ્ચે કુટુંબના કલ્યાણમિત્ર એવા કૌશલ અંકલની અવરજવર દંપતીનો એક માત્ર ભાવાત્મક સહારો છે. કૌશલ અંકલને સૌમિલદંપતીનું સ્થળાંતર રુચ્યું નથી. એમને લાગે છે કે ભલે આ બંને અહીં મોટા ફ્લેટમાં આવ્યા છે પણ કશુંક બરાબર નથી, કૈંક અઘટિત છે.પણ એ શું છે એ વિષે ઝાઝો પ્રકાશ પાડી શકતાં નથી છતાં પોતાની સિકસ્થ સેન્સથી આ ઘરનું વાસ્તુ અને વાતાવરણ બરાબર નથી એટલું તો કહે જ છે , એમના માટે આ ઘર કૈંક અમંગળ એંધાણ આપતા હોય તેવાં નેગેટીવ વાઈબ્રેશન આપે છે જે માત્ર ને માત્ર વિયોગ અને વિનાશની નિશાની છે.

આ તમામ ગડમથલ વચ્ચે સૌમિલ દંપતીનો પરિચય પોતાનાં પાડોશી કાકા કાકી સાથે થાય છે. નિસંતાન કાકા કાકી વ્યવહારમાં ભારે ઉદાર છે એવું ફોરમને એક યુવતી જણાવે છે જે કુંવારી મા બની હોય છે. કાકા કાકી આવી પરિસ્થિતિમાં સહારો બની ને તેના બાળકને પણ સ્વીકાર્યું એવા ગુણગાન ગાતી યુવતી અને બાળક અચાનક ગાયબ થઇ જાય છે.

ફરી એકવાર અમીતના હાથમાંથી એક તક સારી જાય છે, અમીતનું ટેન્ડર પાસ થવાને બદલે તેના પ્રતિસ્પર્ધીનું ટેન્ડર પાસ થાય છે એટલે એ પછાડથી અમીત ભયંકર અપસેટ છે. ત્યાં જ કાકાકાકીની એન્ટ્રી થાય છે.કાકા અમીતને સાંત્વન આપે છે ને બીજે જ દિવસે અમીતને રીજેક્ટ થયેલા ટેન્ડર પાસ થઇ ગયાના ન્યુઝ મળે છે. એક રાતમાં કૈંક તો એવું થઇ ગયું છે જેનાથી અમીતની સફળ બિઝનેસમેન બનવાના અરમાન આગની જેમ ભભૂકી ઉઠે છે.

હવે પરિસ્થિતિ નાટકીય રીતે બદલાતી જાય છે. બીજા બાળક માટે કાયમ ના પાડનાર અમીતને હવે બાળક જોઈએ છે. અમીતના આ નિર્ણયથી ફોરમને આશ્ચર્ય તો થાય છે પણ એ સુખદ હોવાથી બાળકની પધરામણીના ખ્યાલ માત્રથી ખુશખુશાલ છે.અમીત બિઝનેસમાં નવી ઉંચાઈઓ સર કરતો જાય છે, હવે પહેલી પ્રેગ્નન્સીમાં જે અછોવાનાં કરતો એ અમિત નથી.એને હવે સમય જ નથી. ફોરમનો ખ્યાલ રાખવાની જવાબદારી પાડોશી કાકી પોતાને માથે લઇ લે છે.અને શરુ થાય છે નાટકમાં વળાંકોની વણઝાર. જમાનાના ખાધેલ કૌશલ અંકલ આખી પરિસ્થિતિ પામી જાય છે પણ એ ફોરમને જણાવી શકે તે પહેલાં જ અકાળમૃત્યુ પામે છે.

એવું તો શું રહસ્ય છે જે કૌશલ અંકલ જાણી ગયા હતા?

પ્રો જ્યોતિ વૈદ્યની વાર્તા પક્કડ સાથે આગળ વધે છે. ડાયરેક્ટર હોમી વાડિયા વાર્તાના સસ્પેન્સને અંત સુધી બરકરાર રાખવામાં સફળ રહ્યા છે. ફોરમની ભૂમિકામાં અમી ત્રિવેદી હમેશની જેમ લાજવાબ. પ્રેમાળ પત્ની અને પછી પ્રગટ થતી સ્વયંશક્તિ તરીકે બળકટ, અમીત સૌમિલની ભૂમિકામાં કલ્પેશ ચૌહાણ અને મહેન્દ્ર કાકા તરીકેભૂમિકામાં નિમેષ દિલીપરાય જામે છે.કૌશલ અંકલની ટચુકડી ભૂમિકામાં છાપ મૂકી જાય છે. અન્ય કલાકારો પાત્રને યથાશક્તિ ન્યાય જરૂર આપે છે પણ એક સ ને બદલે ફ બોલનાર વોચમેનની કોમેડી હસાવવાનો સરેઆમ નિષ્ફળ પ્રયત્ન કરે છે. આ નાટકના વિષય જોડે સદંતર આઉટ ઓફ પ્લેસ ખરી.

તાજેતરમાં જ અંધશ્રદ્ધા સામે લડનાર ડો.નારાયણ દાભોલકરની હત્યા ભુલાઈ નથી ત્યારે તેમના અભિયાનોને અંજલી આપતું આ નાટક ચીલાચાલુ બે ડૂસકાં ને ચાર ટુચકાની ફોર્મ્યુલાવાળું નથી , ન વાહિયાત કોમેડી અને સામજિક જાગૃતિ ઉજાગર કરતુ આ નાટક ચીલાચાલુ ભજવાતાં નાટકથી તદ્દન જુદું તો પડે જ છે પણ સૌથી સારી વાત તો એ છે કે ગુજરાતી રંગભૂમિ પર ફરી એકવાર સસ્પેન્સ, સામાજિક જાગૃતિ અને બુદ્ધિનું અપમાન ન કરતાં નાટકોનો યુગ ફરી આવશે તેવી આશા જગાવે છે.

4 thoughts on “વિસ્તાર બેલાર્ડ એસ્ટેટ : વાત ઉજાસ તળેના અંધકારની

Leave a comment