Mann Woman

કેવી હશે આવતી કાલ?

20140225-084321.jpg

આ છે આઝાદ ભારતની આવતી કાલ. અત્યારે મોટાં શહેરોમાં જે રીતે જુમલો આવે છે તે જોતાં લાગે છે કે વસતી વિસ્ફોટ આપણે વાંચીએ તે આંકડા કરતાં કંઈ ગણો વધુ છે અને તેને પહોંચી વળવાની અસમર્થતા આપણી સમજની બહાર છે

બાર વર્ષની નાનકડી એ છોકરી. અતિશય ગરીબ મા-બાપનું ફરજંદ. એનો વાંક એટલો કે એને વારેવારે ભૂખ લાગી જાય. મા-બાપ પાસે એટલી પણ ત્રેવડ નહીં કે એક ટંક રાંધી ખાય, ને આને તો ચાર કલાક થયા નહીં કે ભૂખ લાગે. એક સામાન્ય, તંદુરસ્ત બાળક જેવું હોય તેવી આ દીકરી. એટલે મા-બાપે રસ્તો શોધી કાઢયો, દીકરીને વેચી દેવાનો. જે ઘરમાં ઘરનોકરી કરે ત્યાં ખાવાની જોગવાઈ તો થઈ જ જાય. વળી, ઉપરથી મા-બાપને ઢગલો પૈસા મળે તે નફો. માત્ર બાર વર્ષની છોકરીને સગાં મા-બાપે રૂ. ૧૫,૦૦૦માં એક કપલને વેચી દીધી.

કોણ કહે છે ગુલામપ્રથા નાબૂદ થઈ ગઈ છે? કોણ કહે છે બાળમજૂરીને રોકવા માટે નક્કર કાયદા છે?
આ છોકરીનું કામ હતું કપલની ચાર વર્ષની દીકરીનું ધ્યાન રાખવાનું અને ઘરકામ કરવાનું. એક બેબીનું ધ્યાન રાખવા બીજી બેબી. બાર વર્ષની આ છોકરી લગભગ તમામ ઘરકામ પણ કરતી ને બાળકને પણ સંભાળતી. થોડા દિવસ બધું ઠીક ચાલ્યું. અચાનક જ આ કપલના પાડોશીઓએ એક વાત નોંધી અને તે હતી ટીવી.ના અતિશય લાઉડ વોલ્યૂમની. ઘણી વાર તો એ અવાજ એટલો મોટો હોય કે પાડોશીઓને બારીઓ સુધ્ધાં બંધ કરી દેવી પડે. ત્યારે કોઈને પૃચ્છા કરવા જેવી કે વોલ્યૂમ ઓછો રાખવાની તાકીદ કરવા જેવી વાત લાગી નહીં.

એક દિવસે હદ થઈ ગઈ. પેલી બાર વર્ષની છોકરી જેનું અસ્તિત્વ પાડોશીઓથી ગોપિત હતું, બહાર આવી હૈયાફાટ આક્રંદ કરવા લાગી ત્યારે કંઈક અઘટિત થઈ રહ્યું હોવાનો ખ્યાલ આવ્યો.

વાત હતી માલિક યુગલની ક્રૂરતાની. બાર વર્ષની છોકરીનું પેટ નાના નાના ઘાવથી ઈજાગ્રસ્ત હતું. જોવાની ખૂબી એ કે એ ઘાવ એવા સિફતથી કરાયેલા કે લોહી વહી ન જાય કે પાકી ન જાય, ન એને સારવારની જરૂર પડે ને આ છોકરીને શિક્ષા બરાબરની મળે.

ભલા પાડોશીએ છોકરીની હાલત જોઈને તરત જ બાજુમાં ચાલતી એક બિનસરકારી સંસ્થાનો સંપર્ક કર્યો. પોલીસ ફરિયાદ થઈ ત્યારે ખબર પડી કે છોકરીના પ્રાઇવેટ ભાગમાં શિક્ષારૂપે મરચાં ભરવાની ચેષ્ટા આ નરાધમ કપલે કરેલી. પોતે દીકરીનાં મા-બાપ હોવા છતાં એક દીકરી સાથે આવો વ્યવહાર! અને છોકરીનો ગુનો હતો એ જ જેને માટે તેને પોતાનાં સગાં મા-બાપે જ વેચી મારેલી, ભૂખ.

કપલને એવો વહેમ હતો કે બાળકીનું દૂધ ને નાસ્તો આ છોકરી ખાઈ જાય છે. ઘરકામ પણ સરખું કરતી નથી એટલે તેને સીધીદોર કરવા આ ‘શિક્ષા’ કરેલી.

અત્યારે તો આ વાત પોલીસને ચોપડે છે. બહુ થશે ને જો એનજીઓ યોગ્ય રીતે ફાઇટ આપશે તો કદાચ પેલાં અધમ, દયાહીન દંપતીને સાત વર્ષની જેલ થશે, પણ આ આખી વાત ‘જો અને તો’માં ઝોલા ખાય છે.

આ છે આઝાદ ભારતની આવતી કાલ. અત્યારે મોટાં શહેરોમાં જે રીતે જુમલો આવે છે તે જોતાં લાગે છે કે વસતી વિસ્ફોટ આપણે વાંચીએ તે આંકડા કરતાં કંઈ ગણો વધુ છે અને તેને પહોંચી વળવાની અસમર્થતા આપણી સમજની બહાર છે.

એક બાજુ સરકારે બાળકોની સુરક્ષા માટે ઘણાં કાયદા અમલી બનાવ્યા છે, જેનું કારણ છે બાળમજૂરી રોકવાનું પણ એ ખરેખર અમલી બને છે ખરા? કે માત્ર થોથાં સુધી જ સીમિત છે? તે જોવાની જવાબદારી કે જાગૃતિ પણ લોકો સુધી પહોંચી નથી.

નાનાં બાળકોને ઘરકામ માટે કે પછી દુકાન, ફેક્ટરી, ખેતરમાં બાળમજૂરીને નામે રાખવા માટે બે વર્ષની જેલ પણ થઈ શકે છે. આ વાત સૌ કોઈ જાણે છે છતાં આજે નાનકડી ચાની ટપરી હોય કે જરીકામ, ભરતકામથી લઈ મિકેનિકના ગેરેજમાં આ નાના હીરોલોગ જોતરાયેલા જોવા મળશે. જેમને પોતાને પણ ખબર છે કે પોલીસ આવે કે દીદી કે આન્ટી આવે તો છુપાઈ જવાનું. આ દીદી કે આન્ટી એટલે એનજીઓની કાર્યકર્તા બહેનો. નહીંતર પોલીસ પકડી જાય ને રિમાન્ડ હોમમાં જઈ રહેવું પડે ને પૈસા મળતાં બંધ થઈ જાય.

આ સમસ્યા એટલી ગંભીર છે કે એના પ્રત્યાઘાત વીસ વર્ષ પછી સામાજિક ઢાંચા પર પડતા જણાશે, પણ આજનો લહાવો લૂંટવામાં મસરૂફ પ્રજાને તેની કોઈ ચિંતા નથી.

સામાન્યપણે એ પણ જોવામાં આવે છે કે કારખાનાં અને હોટેલોમાં તો આ બાળકોને ઓછી પણ મજૂરી રોજના હિસાબે ચૂકવાય છે. એટલે જ્યારે બાળકને લાગે કે હવે અહીં કામ નથી કરવું તો કદાચ તેને માટે માર્ગ મોકળો હોય છે, પણ ઘરકામ અને ભીખ આ બે કામ એવાં છે જેમાં બાળક બિચારા ગુલામની જેમ વેચાઈ જાય છે. આ બાળક ક્યાં તો મા-બાપ દ્વારા જ વેચાયેલું હોય છે કાં તો અપહરણ કરનાર ટોળકી દ્વારા અપહ્યત કરાયેલું હોય છે.

મહાનગરોમાં વ્યવસ્થિત તંત્ર ચલાવતાં બેગર્સ માફિયાનું નેટવર્ક કેટલું પેચીદું ને જડબેસલાક હોય છે તે તો કોઈ પોલીસ અધિકારી જ સમજાવી શકે, પણ જ્યાં વાત ઘરગથ્થુ કામગારની છે ત્યાં તો ગૃહિણી પોતે જ આ બાળકો માટે તારણહાર બની શકે, પણ ના. જે સ્ત્રી દયા ને અનુકંપાનો અવતાર મનાય તે સ્ત્રીનું રૂપ આ કમભાગીઓ સાથે ખૂબ જુદું હોય છે તે વાત પણ હકીકત છે.

પ્રશ્ન તો એ છે કે આપણી દયા, અનુકંપા, ધર્મ, સેવા, દાન-સખાવત માત્ર મંદિર, મસ્જિદ, ચર્ચ, ઉપાશ્રય કે પછી જ્ઞાતિ સુધી સીમિત હોય છે?
સૌપ્રથમ વાત તો છે આ બાળકો પાસે મજૂરી કરાવવાની જે કોઈ પણ સંજોગોમાં માન્ય ન રાખવી જોઈએ. એ માટે સરકારી કાયદા નહીં પોતાના દિલથી કામ લેવું રહ્યું. ઘણી વાર પરિસ્થિતિ એવી નાજુક હોય છે કે બાળક કામ ન કરે તો તેનું સર્વાઇવલ જ શક્ય ન બને. તેવા સંજોગોમાં પણ જો દરેક નાગરિક એક નૈતિક ફરજ બજાવે તો જ કંઈ હલ નીવડે.

બાકી જ્યાં સુધી સસ્તી મજૂરીની એકમાત્ર લાલચ હાવી થયેલી રહેશે તો ત્યાં સુધી આ સમસ્યાનો કોઈ ઉકેલ પણ નથી.

દલીલ કરવા માટે તો ઘણી બધી શક્યતા છે. સગાં મા-બાપ જ પોતાનાં બાળકોને વેચી દે તો… ત્યાંથી શરૂ થઈ અમે તો એમને રોજગાર આપીએ છીએ ત્યાં સુધીની… પણ આ જ લોજિક બે ટંક પેટ ન ભરી શકનારા લોકોને વધુ એક મોઢું આ પૃથ્વી પર લઈ આવવા પ્રેરે છે. આ ગરીબ, અભણ લોકોને માટે એક છોકરું એટલે એક નવી આવકનો સ્રોત, એટલી જ વ્યાખ્યા છે. વાત બે, પાંચ, દસ લાખ નહીં, બીપીએલ (ગરીબીરેખા હેઠળ) આવતાં કરોડો લોકોની છે. આજે આ જઠરાગ્નિની આગ માત્ર મહાનગરોના વધતા જતા ક્રાઇમરેટ પૂરતી સીમિત છે. શક્ય છે વીસ વર્ષ પછીનું ભારત લાલ રંગે ભડકે બળતું હોય…

છેલ્લે છેલ્લે
જિંદગી ઘણાં લોકો માટે સ્વપ્ન, મૂર્ખ માટે રમત, પૈસાદાર માટે કોમેડી, જ્યારે ગરીબ માટે ટ્રેજેડી હોય છે.

20140225-084527.jpg

Advertisements

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

w

Connecting to %s