WOW ( world of woman)

દિલ કી બસ્તી અજીબ બસ્તી હૈ, લૂટનેવાલેં કો તરસતી હૈ

20140304-004710.jpg

સામાન્ય રીતે વર્કિંગ વિમેનને એક સ્ટાન્ડર્ડ પ્રશ્ન પૂછાય છે : કરિયર અને ઘરની સર્વાંગી ગતિવિધિ વચ્ચે સમતુલન કઈ રીતે જાળવી શકો છો?
ન પુછાય તો નવાઈ લાગે છે. એક સ્ત્રી હોવું એટલે તમે તંત્રી હો કે બૅન્કના સીએમડી, અવકાશયાત્રી કે અૅરહોસ્ટેસ, બૅન્કના ક્લર્ક કે પછી ટ્રેનમાં નાસ્તાના પેકેટ્સ કે હેરક્લિપ વેચનાર, સ્ત્રી એટલે જેને માથે પોતાના કાર્યક્ષેત્રની જવાબદારી ગમે તેટલી હોય ઘરની જવાબદારીની અવગણના કરે તો તેનો જન્મારો વ્યર્થ છે, તેના જીવતરમાં ધૂળ પડી, માતા- પત્ની- પુત્રવધૂ તરીકે તે નિષ્ફળ છે, આવું માનવું છે સમાજના કહેવાતા માપદંડોનું અને તે બનાવનારનું.

શિક્ષિત, ભદ્ર સમાજનો વાચક કદાચ આ વાત સાથે સહમત નહીં થાય, પરંતુ આ વાત વાસ્તવિકતા છે. ૨૧મી સદીની વાસ્તવિકતા, જ્યાં સ્ત્રી અવકાશયાત્રી કે પ્રેસિડન્ટ સંભવી શકે, પરંતુ એ સ્ત્રી પોતાના પરિવાર માટે રાંધે, પીરસે, જમાડે તો વાહ, સોનામાં સુગંધ ભળે, તેવી માનસિકતા આજે પણ અસ્તિત્વમાં છે.

વાત છે ભારતીય મહિલાની. જેમની પાસે હવે ડિગ્રી અને ક્વોલિફિકેશનોનો ઢગ હોય છે. પોતાની કાબેલિયતથી સ્વતંત્ર ક્ષેત્રમાં કે પછી કોર્પોરેટ દુનિયામાં કદમ મૂકવાની હામ છે. પગ ભલે જમીન પર હોય આંખ અને મગજ આસમાન પર છે, પણ શું કોર્પોરેટ ક્ષેત્રે મોટા ભાગની સ્ત્રીઓ એ શિખર સર કરી શકે છે, જેના સ્વપ્ન તે જુએ છે?

આઇસીઆઇસીઆઇ બૅન્કનાં ચંદા કોચર અને એક્સીસ બૅન્કનાં શિખા શર્મા જેવી સક્સેસ સ્ટોરી નથી બનતી તેવું નથી, પરંતુ તેનું પ્રમાણ નહીંવત્ છે.

ખાસ કરીને બૅન્કિંગ અને આઇટી ક્ષેત્રમાં. ૨૦૧૧ના અહેવાલો જ આ વાત સાબિત કરે છે. એ અહેવાલો તો એવી વાત કહે છે કે ભારતમાં સ્ત્રીઓને રોજગારની તક ભલે વધુ હોય પણ ટોચ પર બિરાજવાની તક જ મળતી નથી. તેનું કારણ છે જાતિભેદ. આજે પણ ટોચની પોસ્ટ માટે સ્ત્રી કરતાં પુરુષોને વધુ પ્રાધાન્ય અપાય છે. ૨૦૧૧ના વર્ષમાં ભારતભરમાં માંડ ૩ ટકા સ્ત્રીઓ ટોચની પદવી હાંસલ કરી શકી જ્યારે મધ્યમ અને નીચલા વર્ગમાં એ પ્રમાણ ૮૧ ટકા હતું. આ સર્વેક્ષણો, અહેવાલો તો આથી પણ ચોંકાવનારી વાત કરે છે. એ તો કહે છે કે ગમે તેટલી ટેલન્ટેડ હોય કે પછી મહત્ત્વાકાંક્ષી પણ ૫૦ ટકા મહિલાઓ લગ્ન પછી, ખાસ કરીને સંતાનોના આગમન પછી નોકરીને જ તિલાંજલિ આપી દે છે.

મહાનગરોની પરિસ્થિતિ ગમે તેટલી જુદી હોય, માનસિકતા ભલે ઉદાર હોય, છતાં આ હકીકતો બદલાતી નથી તેમ આંકડા પુરવાર કરે છે. વિશેષ કરીને આઈટી, બૅન્કિંગ, પત્રકારત્વ જેવાં ક્ષેત્રમાં પણ આ જ હાલત છે.

તાજેતરમાં સ્થાનિક અને મલ્ટિનેશનલ કંપની મળીને ૨૪૦ મોટી કંપનીને ધ્યાનમાં લઈ થયેલા સર્વેક્ષણ પ્રમાણે માત્ર મોટી પોસ્ટ પર રહેનાર સ્ત્રીઓનું પ્રમાણ હતું ૧૧ ટકા. એટલે કહેવાયું કે ભારતમાં તો સ્ત્રીઓની આ સ્થિતિ ઘણી સારી છે, વિદેશોની ટકાવારી પ્રમાણે તો અમેરિકામાં મોટી કંપનીઓના ટોચના સ્થાન પર બિરાજતી મહિલાઓની ટકાવારી છે ૩ ટકા.

આ સરખામણી બહુ કુનેહથી કરાઈ રહી છે. હવે આ પરિસ્થિતિ કેમ ઊલટી ગંગા જેવી છે તેનું કારણ સમજાય તેવું સાફ છે. ભારતમાં જે ૧૧ ટકા પ્રમાણ છે તે ફક્ત મહિલા વ્યાવસાયિકો નથી, એ તો બેકસીટ ડ્રાઈવિંગ કરતાં સફળ વ્યાવસાયિકો, ઉદ્યોગપતિઓની પત્ની, મા, દીકરી છે.

એટલે કે મહિલા વ્યાવસાયિકોની હાલત અમેરિકા હોય કે ભારત બધે જ સરખી છે.

એવું કેમ? એવો જો પ્રશ્ન થાય તો તે પૂર્વે સામાજિક, આર્થિક અને ભાવાત્મક પરિબળો સમજી જવાં જોઈએ.

કારકિર્દીમાં સૌથી જરૂરી છે પરફોર્મન્સ. જો પોતાના કાર્યક્ષેત્રને સો ટકા આપવાની, એક્સ્ટ્રા માઈલ ચાલવાની તૈયારી ન હોય તો સફળતા લટકાવેલા ગાજર જેમ દૂર જ ભાગે છે. પુરુષો માટે પોતાનું કાર્યક્ષેત્ર, કારકિર્દી જીવનમાં એક અને માત્ર એક ધ્યેય હોય છે. તેની સામે સ્ત્રીએ દીકરી, પત્ની, માતાની ડ્યુટી નિભાવવાની હોય છે. પુરુષ માટે રવિવાર રજાનો દિવસ હોય છે, જ્યારે સ્ત્રી કામ કરતી હોય કે ન હોય, તેના માટે ઓવરટાઈમનો દિવસ હોય છે.

એક વૈશ્વિક એનજીઓ હેલ્થબ્રિજ દ્વારા કરાયેલાં સંશોધન કહે છે કે સરેરાશ ભારતીય સ્ત્રીઓ દિવસના ૧૬ કલાક કામ કરે છે. જેમાં ઘરકામ ઉપરાંત બાળકોને ભણાવવાથી લઈ નાનાં, મોટાં, બહારનાં કામ સામેલ હોય છે. ઘરમાં બેસીને ટ્યુશનો કરતી, ફોલબિડીંગ કરતી, ખાખરા બનાવતી મહિલાઓ પતિને, પરિવારને મદદરૂપ થવા જે અર્થોપાર્જન કરે છે તેની તો કોઈ નોંધ જ લેવાતી નથી. ઘરમાં બેસીને પોતાની રીતે કાર્યરત રહેતી સ્ત્રીઓ વધુ ખુશ હોય છે કે નોકરી, ધંધામાં કાર્યરત, ઑફિસ-ઘર વચ્ચે દોડાદોડી કરતી સ્ત્રીઓ? એ પ્રશ્નના ઉત્તરમાં જ ખ્યાલ આવે છે કે સ્ત્રી ગમે તેટલી સક્ષમતાથી સંતુલન બનાવે રાખે, પરંતુ પછી આર્થિક જરૂરિયાત ન હોય તો આર્થિક સ્વાતંત્ર્યને જતું કરવા તરફ મન ઝૂકે છે.

૫૫ વર્ષનાં અનુપમા વર્મા (નામ બદલ્યું છે) હોમમેકર છે (હા, ગૃહિણી શબ્દ સુશિક્ષિત અને આધુનિક સ્ત્રીઓને આઉટડેટેડ લાગે છે). અનુપમા પોતે કૉલેજમાં લેકચરર હતાં. પોતાના શોખ, રસ માટે નોકરી કરતાં. અનુપમા માટે શિક્ષિકા હોવું એ બિરુદ સંતોષની લાગણી આપતું રહેતું, પરંતુ અનુપમાનાં લગ્ન પછી પરિસ્થિતિ બદલાઈ. પતિ, બાળકોના ટિફિનવાળાથી માંડી ઘરકામ, રસોઈ કરવાવાળી બાઈ ન આવે તો બ્લડપ્રેશર થઈ જાય તેવી પરિસ્થિતિ ઊભી થતી. રવિવાર સૌ માટે રજા ને મજાનો દિવસ ત્યારે અનુપમાએ અઠવાડિયાના છ દિવસ પતિની જેમ જ કામ કર્યા પછી અનવાઈન્ડિંગ થવાને બદલે ઘરનાં અગણિત નાનાં નાનાં કામમાં પૂરો કરવો પડતો.

નોકરી દરમિયાન અનુપમાને ક્યારેય હાશ નામના શબ્દની વ્યાખ્યા જ નહોતી સમજાઈ. એટલે એક દિવસ મનેકમને નોકરી છોડવાનો નિર્ણય કરવો પડ્યો હતો.

આજે અનુપમાના બંને દીકરા વિદેશ વસી ગયા છે. પતિ અતિશય હાઈ-પ્રોફાઈલ સીટ પર પહોંચ્યા છે. બધા માને છે કે તેમની પાછળ પાયાનો પથ્થર અનુપમા છે, પણ અનુપમા ક્યાં છે? અનુપમાને પહેલાં હાઈ બ્લડપ્રેશરનો ડર લાગતો હતો તે હવે ડિપ્રેશનનો ભોગ બની છે. લાગે છે પોતે જ માત્ર એક નકામી વ્યક્તિ છે. સૌને પોતપોતાનાં કામ છે, ધ્યેય છે, હવે અનુપમા પાસે કોઈ લક્ષ્યાંક જ નથી.

હોમમેકર્સ એટલે નોનવર્કર્સ? ગૃહિણીઓની કોઈ ભૂમિકા જ નથી હોતી?

ગયા વર્ષે સુપ્રીમ કોર્ટે તેની પર ખૂબ સરસ વાત કરી હતી. સુપ્રીમ કોર્ટમાં જસ્ટિસ ગાંગુલીએ કહ્યું હતું કે સ્ત્રીઓ જે ઘર બનાવે છે, ઘરકામ કરે છે, બાળકો ઉછેરે છે, પરિવાર માટે જે કામ કરે છે તે સેવાઓ બજારમાંથી ખરીદી શકાતી નથી, પણ સૌથી ખેદજનક વાત તો એ છે કે આ સેવાનું કોઈ મૂલ્યાંકન જ થતું નથી.

૨૦૧૧માં થયેલી જનગણનામાં કહેવાયું કે ભારતમાં ૫૮ કરોડ ૬૫ લાખ સ્ત્રીમાં ૪૦ કરોડ જેટલી સ્ત્રી નોનવર્કર્સ છે. અગાઉ સુપ્રીમ કોર્ટે કહ્યું તેમ હોમમેકર્સની ગણના નોનવર્કર્સ તરીકે કરવી તે માત્ર અન્યાયી વાત જ નહીં અપરાધ જેવી વાત છે.

એ વાત જુદી છે કે ગૃહિણીના કામને કદીય નાણાકીય આંકમાં મપાતું નથી, પરંતુ જો તેનો હિસાબ લગાવાય તો સેન્સસના જ આંક પ્રમાણે ભારતીય સ્ત્રીઓ પતિની આવકના ૧/૩ હિસ્સા જેટલું કામ સામાન્ય ગૃહિણીઓ કરે છે, જે આંક સદંતર ખોટો છે. ગ્રામીણ ક્ષેત્રે પ્રમાણ લગભગ ઘણું વધુ એટલે કે પતિની આવકની સમાન કે અડધું કે તેથી પણ વધુ હોય છે. જો આ કામનું મૂલ્યાંકન નાણાકીય માપદંડથી કરાય તો ભારતીય સ્ત્રીઓ (નોનવર્કર્સ) જે કામ નથી કરતી, ઑફિસમાં નથી જતી એવી સ્ત્રીઓ વર્ષેદહાડે લગભગ ૬૧૨.૮ બિલિયન ડૉલર્સનું કામ કરે છે.

છતાં, કહેવાય છે કે ઓહ તમે તો ગૃહિણી છો, જલસા છે તમને તો!! વરસાદ ને વહુને જશ ન હોય તેમ એમ જ કહેવાય છે?

છેલ્લે છેલ્લે…

દિલ કી બસ્તી અજીબ બસ્તી હૈ,

લૂટનેવાલેં કો તરસતી હૈ

– ઈકબાલ

Advertisements

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

w

Connecting to %s