Mann Woman

ખુશી પ્રાઇસટેગ સાથે આવે?

happiness-in-perpetuity-paul-bond

સુનીતા ને કાનન એક જ બિલ્ડિગમાં રહે. બેઉ વચ્ચે સખીપણાં અહીં રહેવા આવ્યા પછી જ થયેલાં. બિલ્ડિંગ હતું એક ખાનગી કંપનીની માલિકીનું. સુનીતા ને કાનન બંનેના પતિ આ કંપનીમાં સારા પદે હતા એટલે જ તો આ આવાસ મળેલા.બંને વચ્ચેના મૈત્રી સંબંધો પતિદેવો વચ્ચે પણ વિસ્તર્યા. જો કે એ બંનેની જોબ પ્રોફાઇલ જુદી પણ ક્લાસમાં ફર્ક નહોતો. બંને સારો પગાર, સારી સગવડો, કંપની તરફથી મળતાં વેકેશન, પકર્સ,રજાઓ બધું સરખું પણ સુનીતાના અને કાનનના ઘરમાં પ્રવેશો તો આસમાન-જમીનનો ફરક નજરે ચઢયા વિના ન રહે.

સુનીતા અને કરણે કંપનીના ફ્લેટને ભવ્ય રીતે સજાવેલો. ફોલ્સ સીલિંગ, ફ્લોરિંગ, સ્પ્લિટ એરકંડિશનર્સ, ર્ફિનચર, બાથરૂમનાં મોંઘાંદાટ ફિક્સર્સ. કરણનો હોદ્દો જે રીતનો છે તે રીતે તો રહેવું જ રહ્યુંને! આ સુનીતાનું રટણ. કરણ એમાં સંપૂર્ણપણે સહમત. કંપની દ્વારા અપાયેલી એક કાર તો હતી પણ સુનીતાને અલાયદી કાર તો જોઈએ જને વળી, સુનીતાને ટ્રાફિક ને ર્પાિંકગથી ભારે ત્રાસ થાય જે દરેક મહાનગરનો સિટીઝન ભોગવે છે તે જ પરેશાનીઓ. એટલે કરણે લેટેસ્ટ લોંચ થયેલી કાર સુનીતાને ગિફ્ટ કરેલી ને સુનીતા માટે અલાયદો ડ્રાઇવર પણ રાખેલો. બાળકો સ્કૂલે જતાં ત્યારની એક કાર હતી પણ એ કંઈ થોડી વપરાય? ને બાકી હતું તેમ બાળકો મોંઘીદાટ બોર્ડિંગમાં ભણવાં ગયાં. સુનીતાનો સમય કેમેય કરી પસાર ન થાય એટલે જ્યારે કિટ્ટી ન હોય ત્યારે બધી બપોર ક્યાં તો મોલમાં આંટા મારવામાં જાય કે પછી બ્યુટીપાર્લર અને શોપિંગના આંટાફેરામાં.જે કરણ-સુનીતાની લાઇફસ્ટાઇલ જુએ તેને અહોભાવ થઈ આવે. વર્ષમાં એક વિદેશમાં અને એક દેશમાં ગમે ત્યાં સહકુટુંબ વેકેશન તો લેવાનું જ, એને કહેવાય ક્વોલિટી ટાઇમ.

 

તેની સામે કાનન ને બિમલ તદ્દન જુદાં જ. કાનન પોતે ડબલ ગ્રેજ્યુએટ બિમલ પણ મેનેજમેન્ટની તગડી ડિગ્રી ધરાવે, હોદ્દો,સેલેરી, પર્કસ કરણ જેવાં જ પણ કાનન-બિમલના ઘરમાં એકેય વસ્તુ સુનીતા-બિમલના ઘર જેવી નહીં.કંપનીએ આપેલો ફ્લેટ કાનને સજાવેલો ખૂબ કુનેહથી પણ સાદગીનો વૈભવ ઊડીને આંખે વળગે તેવો. કાનન ને બિમલની મેન્ટાલિટી આંગળા ચાટી પેટ ભરવાની હરગિજ નહીં પણ, સાદગીભરી, કુનેહભરી સજાવટ અને જે પોતાનો ફ્લેટ જ નથી તેમાં મોંઘાંદાટ ફ્લોરિંગ કે ફિક્સર્સ લગાડવાની વાત ખોટાં ખર્ચા જેવી કહેવાય તેવી તો ખરી જ. બિમલ કાનનના ઘરમાં જ્યાં જુઓ ત્યાં સામ્રાજ્ય કલરફુલ. હેન્ડલુમના પડદા, બેડશીટ, કુશન કવર્સ અને વનરાજીનું. બાલ્કનીમાં, કિચનમાં, બાથરૂમમાં, લિવિંગ રૂમના ખૂણે-ખાંચરે જ્યાં જુઓ ત્યાં સુંદર-તંદુરસ્ત ઝાડ-પાનનું રાજ. બાકી હોય તેમ સદા ગુંજતું રહેતું સંગીત ને કાનન-બિમલનાં પરમ મિત્રો એવાં પુસ્તકો. લિવિંગરૂમ, બેડરૂમ, પેસેજ એકેય ખૂણો પુસ્તક વિનાનો નહીં.

 

જોવા જઈએ તો ઘરના ઉંબરે પગ મૂકતાંવેંત જ આ બંને કપલની માનસિકતા અને લાઇફસ્ટાઇલ સમજાઈ જાય.બંને પોતાની દુનિયામાં ખુશ. કાનન ને સુનીતાનાં સખીપણાંમાં આ બધાં પરિબળો ક્યારેય વચ્ચે પણ ન આવે.

 

થોડો સમય વીત્યો ને બંને કપલ પર એક અણધારી આફત ઊતરી આવી. કંપની હતી નામાંકિત આઇટી ફર્મ. પણ અમેરિકામાં થયેલી આર્િથક ડામાડોળને કારણે આ કંપનીએ પોતાના સ્ટાફ પર કોસ્ટ કટિંગની કાતર ચલાવ્યા વિના છૂટકો નહોતો. કંપનીએ ટોપ મેનેજમેન્ટ કર્મચારીને આપેલા આવાસ ખાલી કરવાનો નિર્દેશ આપી દીધો જેથી કંપની એ આવાસ બીજાને લીઝ પર આપી આવક ઊભી કરી શકે ને કર્મચારીઓને લિમિટેડ હાઉસિંગ અલાઉન્સ આપી દે. બાકી હતું તેમ મળતી સેલેરીમાં ત્રીસ ટકા કટ, જેથી કંપનીના માથેથી થોડું ભારણ ઓછું થઈ શકે.

 

એક વાર હાથમાં આવતાં પગારમાં વૃદ્ધિ થાય તો તો હરખનાં તેડાં થાય પણ તે જ સેલેરીમાં કટ આવે તો નોકરિયાત વર્ગની હાલત શું થાય તેનાથી સૌ વિદિત જ છે. એ જ હાલ થાય લગભગ તમામ કર્મચારીના સુનીતા-કરણની હાલત તો જે બગડી તેની વાત કરવી જ નકામી છે. મોંઘીદાટ કાર ખરીદેલી તેના હપ્તા ચાલુ, બાળકોને દૂર બોર્ડિંગ સ્કૂલમાં ભણે તેમના ખર્ચ ચાલુ, ઘરમાં જે સ્પ્લિટ એરકંડિશનર લગાડેલાં તેને કારણે આવતું અસાધારણ ઇલેક્ટ્રિક બિલ. ઘરમાં ડ્રાઇવરથી લઈ નોકર-ચાકરનો કાફલો રાખેલો તેનું મીટર ચઢે અને સૌથી મોટી, હૃદય બેસી જાય તેવી વાત તો એ કે જે ખર્ચ ઘરના ડેકોરેશન માટે કર્યો તે તો બધો પાણીમાં ગયો, ને તે માટે લીધેલી લોન માથે બોલે.

 

કરણને તો આખી પરિસ્થિતિએ હલબલાવી નાખ્યો. બ્લડપ્રેશર હાઈ થઈ ગયું ને પેનિક એટેક આવવા શરૂ થયા. અડધી રાત્રે ઊંઘ ઊડી જાય. સુનીતાની પરેશાનીનો પાર નહીં. હજી એક સાંત્વન એટલું હતું કે કરણની નોકરી ચાલુ હતી, પણ જો એ જાય તો?

 

બીજી બાજુ કાનન અને બિમલ. સેલેરીકટ એમને પણ સૌની જેમ આવકાર્ય નહોતો લાગ્યો પણ તેમની જીવનશૈલી એવી હતી કે તેમના માટે સેલેરીકટનો અર્થ થતો હતો થતી બચતમાં ટકાવારીનું ઘટવું.કાનન અને બિમલના કોઈ ખર્ચા જ એવા નહોતા કે તેમને મન મારવું પડે કે બોજથી કચડાઈ જવું પડે, પણ હા, થતી ભારેખમ બચતમાં થોડી કપાત આવી તે વાત તો હતી.

 

જ્યારે બંને કુટુંબોએ સ્થળાંતર કરીને બીજે જવાનું આવ્યું ત્યારે સુનીતાનું હૃદય બેસી ગયું હતું. પોતે કેટલાં કોડથી સજાવેલા લિવિંગરૂમ, કિચન, બેડરૂમ, બાથરૂમનાં મોંઘાં ફિક્સર્સ સાથે નહોતાં લઈ જઈ શકાતાં, એ તમામ પાછળ ખર્ચેલાં નાણાં, જહેમત અને સૌથી મોટી વાત તેની સાથે જોડાયેલી ભાવના બધું છોડીને જવાનું હતું ને તેની સામે કાનને નાનામાં નાનું કૂંડું સુધ્ધાં માલસામાન ભરીને લઈ જતી ટ્રકમાં મુકાવેલું.

 

ઘર છોડતી વખતે બંને પરિવાર વચ્ચે ઊભા થયેલાં અંતરની ઉદાસી પણ હતી. છતાં, બેઉ કપલમાંથી સુખી કાનન-બિમલ હતાં,કારણ કે તેમની દુનિયા તેમની સાથે જઈ રહી હતી.આપણામાં કહે છે બચત માણસનો સૌથી મોટો ભાઈ છે. આજના સમયમાં વડીલો દ્વારા કહેવાતાં વચનોની આપણે હાંસી જ ઉડાવીએ છીએ. હવે સમય પ્લાસ્ટિક મનીનો છે. સ્વાઇપ, સ્વાઇપ… શોપ ટિલ યુ ડાઈ… દિલ માગે મોર…આસ્ક ફોર મોર… આવાં બધાં સ્લોગનો ‘કૂલ’ને ‘હેપનિંગ’ લેખાવાય છે.ખરેખર પ્રશ્ન તો એ છે કે માણસના મૂળભૂત આનંદ સાથે જોડાયેલું તત્ત્વ શું છે? ખુશી પ્રાઇસટેગની મોહતાજ છે?દરેકના આનંદની, ખુશીની વ્યાખ્યા તેની પોતાની હોય છે તેની ના નહીં, પરંતુ સંતોષના અભાવના પાયા પર બનાવેલી ઇમારત કેટલી ખોખલી હોય છે તેની અનુભૂતિ ત્યારે જ થઈ શકે કે કંપનીના એકાદ-બે ઝટકા અનુભવાય.

 

આજે પણ સુનીતા ને કાનન થોડા અંતરે હોવા છતાં નિયમિતપણે મળે તો છે જ, પરંતુ હવે સુનીતાની દૃષ્ટિ થોડી બદલાઈ છે, એ હવે કાનનની ફૂટપટ્ટીથી આનંદ માણતાં શીખી રહી છે.

 

છેલ્લે છેલ્લે

 

સંતોષમ્ પરમમ્ સુખમ્!

 

 

 

Advertisements

2 thoughts on “ખુશી પ્રાઇસટેગ સાથે આવે?”

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

w

Connecting to %s