Mann Woman

ઇષ્ટાપત્તિ જે થાય તે સારું, ન થાય તે વધુ સારું

20140330-174519.jpg
થોડા દિવસ પૂર્વે એરપોર્ટની લાઉન્જમાં ચાર કલાક લેટ થયેલી ફ્લાઇટને કારણે મનોમન ધૂંધવાતી બેઠી હતી ને ત્યાંથી એક મહિલાને પસાર થતી જોઈ. લાઉન્જ સ્થળ જ એવું કે જાણે અલાહાબાદનો કુંભમેળો. કોઈ ને કોઈ જૂના જોગી, પાડોશી કે ઓળખીતાં ન ભટકાય તો જ નવાઈ, પણ આ મહિલાનો ચહેરો થોડો અપરિચિત છતાં પરિચિત લાગ્યો હતો. પચાસેકની ઉંમર હશે, પણ લાગતી હતી લેટ ફોર્ટીઝ ક્લબની. વસ્ત્રપરિધાન પરથી અટકળ સહેજે કરી શકાય કે ક્યાં ટોપ મેનેજમેન્ટ ક્લાસ ઓફિસર હશે કે પછી બિઝનેસ વુમન.ળ

સામાન્ય રીતે ચહેરો ઓળખીતો લાગે એટલે પાસે જઈને નામ કે ગામની પૃચ્છા તો હવે ટ્રેન કે બસમાં પણ થતી નથી, પણ મારી કુતૂહલવૃત્તિએ મને પરેશાન કરી દીધી હતી. નાના બાળકને ધમકાવીને બેસાડી દઈએ તેવું વર્તન મનોમન કરીને મેં મારું ધ્યાન સામે ટીવી. સ્ક્રીન પર ચાલી રહેલા સમાચાર પર કેન્દ્રિત કરવાનો પ્રયાસ કર્યો. હજી થોડી મિનિટ માંડ થઈ હશે અને મેં જોયું કે એ માનુની તો સસ્મિત ચહેરે મારી તરફ જ આવી રહ્યાં હતાં.

એ જ સ્મિત… એક જ ફ્લેશ. અને યાદ આવ્યું કે આ નક્કી મધુરા. પછી તો શું? એને પણ ઓળખાણ પડતાં થોડી વાર લાગેલી એટલે એ પણ મારી જેવી જ ગડમથલમાં હતી.

દૂબળી, પાતળી, તેલવાળા વાળની બે ચોટલી ને સ્કૂલ યુનિફોર્મવાળી બે કિશોરીઓ સાડાત્રણ વર્ષના એક બ્રેક પછી મળે તો આ સીન તો થાય જ ને! એક જ ક્ષણમાં ફ્લાઇટ મોડી થવાનો વસવસો આનંદ બની ગયો ને ઉપર ડબલ બોનસ એ કે બંને જવાના પણ એક જ ફ્લાઇટમાં હતાં.

સાડા ત્રણ દાયકાના અંતરાલ પછી મળનાર બે વયસ્ક મહિલાઓ પાસે વાતના સ્ટોકની કલ્પના કદાચ પુરુષ વાચકો ન કરી શકે, પણ એક શબ્દમાં કહેવું હોય તો વાતોનું તોષાખાના.

મધુરાને એસએસસી પાસ થયા પછી માંડ બે-પાંચ વાર જોઈ હતી. એનાં મા-બાપ બંને શિક્ષક. અતિશય આદર્શવાદી, મૂલ્યનિષ્ઠ કુટુંબ. માતા-પિતાએ આખી જિંદગી નોકરી કરેલી અને સ્ત્રી સ્વતંત્રતા ને શિક્ષણના હિમાયતી પણ ખરાં એટલે મધુરાએ પણ એજ્યુકેશન ફિલ્ડમાં જ આગળ વધવું તેવી તેમની ઇચ્છા હતી. અલબત્ત, ઇચ્છાને બદલે દુરાગ્રહ કહેવું વધુ બહેતર. મધુરાની માતાને શિક્ષણક્ષેત્ર એટલે પણ વધુ ગમે કે એમાં સૌથી વધુ રજા અને સુવિધા મળે. કામના કલાક અને પ્રેશર પણ તકલીફ ન આપે, પણ મધુરાએ સ્કૂલમાં નહીં પણ કોલેજમાં લેક્ચરર કે પ્રોફેસર બનવું તેવો જડ મત.

મધુરા પતંગિયાં જેવી. એને સ્કૂલમાં પોતે ભણવું પડે તે જ ન ગમે તો બીજાને શું ભણાવવાની હતી? અને આ તમામ વાતથી હું વિદિત હતી.

બાકી હતું તેમ અમને સૌથી મોટો ચસકો હતો તે હિન્દી ફિલ્મોનો. આજની પેઢી એ સરખામણીમાં ઘણી લેવલહેડેડ છે, પણ ત્રણ દાયકા પૂર્વે જો કોઈ છોકરી કે છોકરો કોલેજમાં આવતાંવેંત પ્રેમમાં ન પડયાં તો બિચ્ચારો, બિચ્ચારી ગણાતાં, તે હિન્દી સિનેમાના પ્રતાપે.

મધુરા પણ પડી એવા જ એક રોમિયોના પ્રેમમાં. કોઈ હિન્દી ફિલ્મના હીરોથી ઓછો દેખાવડો નહીં. જાતે પંજાબી. ટોલ, ફેર એન્ડ હેન્ડસમ. વળી, ટેક્સ્ટાઇલ મિલવાળાનું ફરજંદ. કોલેજમાં કર્ન્વન્ટેબલ

કાર લઈને આવે. ડોટ્સવાળા શર્ટ્સ, ફ્લેરી બેલબોટ્સ ને ગળામાં રિશિ કપૂર જેવો સ્કાર્ફ. રોજ મેટિનીની ટિકિટ સાથે હાજર. એ પછી શાંત રેસ્ટોરાંમાં એક ખૂણે ગુટરગૂં. બિચ્ચારી મધુરા ભણે તો ક્યારે ભણે? એટલે જે થવાનું હતું તે જ થાય ને. મધુરા ફેઇલ. પેલો રોમિયો પણ ફેઇલ, એટલે એ તો બેસી

ગયો બાપના બિઝનેસમાં. મધુરાનાં મા-બાપના જીવ પડીકે. મધુરા ગામ આખું લઈને ઉઘાડેચોક ફરે હરે, જે એ જમાનામાં આંખો ફાટી જાય તેવી હેરતની વાત રહેતી.

મિ. રોમિયો દિલફેંક તો ખરો પણ હિંમતવાન પણ… એને તો પોતાનાં મા-બાપ પાસે મધુરાને પરણવાની હઠ પકડેલી. એ માટે ઉપવાસ પર આદરેલા ને એટલે છોકરા પક્ષે મા-બાપ માની ગયાં. હવે વાત આવી મધુરાના ઘરે. મધુરાનાં માતા-પિતાને લગ્નનો વાંધો નહોતો, પણ મધુરા માત્ર અભ્યાસ પૂરો કરી લે તેટલી જ વાત, પણ એ બધું ન મધુરાને માન્ય હતું કે ન પેલા રોમિયોને. એને ડર એ હતો કે માંડ માનેલાં મા-બાપ ત્યાં સુધી કોઈ પંજાબી કુડી સાથે ફેરા ન ફરાવી દે.

એટલે એક દિવસ મધુરા માથે રાત લઈને ભાગી ગઈ. બીજે દિવસે મોડી સાંજે મા-બાપને ફોન કરીને કહ્યું કે મંદિરમાં ફિલ્મી ઢબે લગ્ન કરી લીધાં છે.

આટલી કહાણી સર્વવિદિત હતી. કોલેજમાં ટોક ઓફ ધ ટાઉન કહાણી. એ પછી મધુરા ક્યાં ગઈ એ કંઈ જાણવા જ ન મળ્યું ને પછી તો બધા બિછડે સભી બારી બારી ન્યાયે છૂટાં પડી ગયા. એ જ મધુરા આજે મારી સામે હતી. અલબત્ત, કિશોરીની અલ્લડતા તો નહોતી પણ પચાસ વર્ષે મોહક અને લાવણ્યમયી એટલી કે કોઈની પણ નજર એક વાર તો ખેંચે જ.

એરપોર્ટની કોફીશોપમાં વર્ષોના તાર સંધાતા હતા ત્યારે જાણવા મળ્યું કે મધુરા ‘સિંગલ’ છે, ત્રીસ વર્ષથી. ક્ષણભર માટે લાગ્યું કે મારા હાથમાંથી કોફીનો કપ છટકી જશે. જે છોકરીએ પોતાનાં મા-બાપના લાગણીભર્યાં દિલનો ખ્યાલ સુધ્ધાં ન કર્યો એણે પાંચ જ વર્ષમાં ડિવોર્સ લઈ લીધા?

“પાંચ વર્ષમાં નહીં, ત્રણ વર્ષમાં…” મારી ભૂલ સુધારતાં મધુરાએ કહ્યું.
લગ્નના વર્ષમાં જ ખ્યાલ આવી ગયો આ રોમિયો-જુલિયટને કે એમનો માનેલો પ્રેમ પ્રેમ તો હતો જ નહીં, એ તો નર્યું આકર્ષણ હતું.

“વિશાલ અને તેનાં મા-બાપને જોઈતું હતું બેબી મેકિંગ મશીન. એક રસોયણ, કામવાળી ને તે પણ પોતાની સાથે દલ્લો લઈને મજૂરી કરવા આવે તેવી. ને વિશાલ તો બાપ સામે હરફ કાઢી શકવાની સ્થિતિમાં નહીં, પછી થાય શું?” આજથી ત્રીસ-પાંત્રીસ વર્ષ પૂર્વે આવી વાત કરનાર સ્ત્રીઓને ‘હલકી’ કહી ઉતારી પડાતી હતી તે કદાચ આજે આપણને યાદ પણ નથી.

ત્રણ જ વર્ષમાં કહેવાતાં લગ્નમાંથી પરવારી રહી એટલે મધુરાએ મા-બાપને ત્યાં જ પાછાં ફરવું પડયું. હવે જિંદગી સામે હતી નવી ચુનૌતી.

“પપ્પાએ કહ્યું કે હું મારું ભણવાનું પૂરું કરું તો બધું થઈ રહેશે, પણ એ તો મારો રસનો વિષય જ નહોતો. એટલે મને રસ પડે તે જ કર્યું. બ્યુટીશિયનનો કોર્સ… પહેલાં નાનકડી હેલ્પરની નોકરી. પછી વધુ અભ્યાસ, મુંબઈ જેવા મહાનગરોમાં અપમાર્કેટ પાર્લરમાં નોકરી કરવી તે વખતે એક ક્વોલિફિકેશન હતું. પછી તો નામાંકિત બ્યુટીશિયનની ફ્રેન્ચાઇઝના ભાગરૃપે પોતાનું પાર્લર જ શરૃ કર્યું ને આજે એ જ પાર્લરની ચેઇનરૃપે લગભગ તમામ મહાનગરો અને સિટીમાં ત્રીસ જેટલાં પાર્લર્સ છે.” મધુરા બોલતી રહી જાણે કોઈ પોપકોર્ન મશીનમાં મકાઈ ફૂટતી હતી.

કદાચ જીવનમાં એકાકી રહી જવાનો વસવસો આવી સફળતાનો નશો કરકરો કરી નાખતો હશે? મારો એ વિચાર એણે પકડી પાડયો હોય તેમ બોલી, “નો… વે….”

જે થયું તે બહુ જ સારું થયું.
માન કે હું વિશાલ સાથે પ્રેમમાં પડી આમ જીદ કરી પરણી જ ન હોત તો? કે પછી પરણીને સુખી ગૃહિણી, માતા બની ગઈ હોત તો?

તો…? મારાથી પૂછયા વિના ન રહેવાયું. “અરે! તો હું મારી પોતાની જ શક્તિથી અપરિચિત ન રહી જાત?” મધુરાએ હળવાશથી કહેલું એ વાક્ય આજે પણ વિચાર કરવા પર મજબૂર કરી દે છે.

વાત તો ખોટી નથી જ. વાત અભિગમની છે. સ્ત્રીએ પોતે બિચારી રહેવું છે કે પાવરવુમન થવું છે તેનો મુખ્ય આધાર જ તેની વિચારવાની શક્તિ પર છે.

20140330-174855.jpg
છેલ્લે છેલ્લે
લુક લાઇક અ ગર્લ
એક્ટ લાઇક અ લેડી
થિંક લાઇક અ મેન
વર્ક લાઇક અ બોસ.
>

Advertisements

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out / Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out / Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out / Change )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out / Change )

Connecting to %s