Mann Woman

ઇચ્છા જરૂરિયાત બની જાય ત્યારે…?

image

“મારા મનમાં વર્ષોથી માર્બલવાળાં કિચન અને બાથરૂમની ઇચ્છા હતી તે આજે હવે પૂરી થશે ખરી.” મહિને રૂ. પચીસ હજારની નોકરી કરતા પાંડેની શ્રીમતીના આ શબ્દો. પાંડેજી વર્ષો પહેલાં દોરી-લોટો લઈને મુંબઈ રોજીરોટીની શોધમાં આવેલા. થોડાં સંઘર્ષનાં વર્ષો પછી બે પાંદડે થયેલા. રૂ. પંદર હજારની નોકરી અને કમિશન એજન્ટ તરીકે થોડી ઉપરની ઇન્કમ ખરી એટલે દૂરના એક પરામાં એક બીએચકે ફ્લેટ લીધો. પાંડે આ દૂ…રના પરાની પસંદગીથી ભારોભાર નાખુશ પણ શ્રીમતીજી પાસે હથિયાર હેઠાં મૂકી દીધાં વિના છૂટકો નહોતો, કારણ માત્ર એટલું જ કે આખી જિંદગી ચાલીમાં રહીને ભૈયાણી ભૈયાણી સાંભળી ત્રસ્ત થઈ ગયેલાં શ્રીમતીજીને એક તો ચાલી જેવા મકાનમાં જવું નહોતું, બીજું પતિને ભલે ને થોડી અગવડ વેઠીને નોકરીધંધે જવું પડે, પણ પછી આવવાનું તો સ્વર્ગ જેવા ઘરમાં જ હોયને એ કંઈ જેવી તેવી વાત કહેવાય?

સ્વર્ગ જેવું ઘર એટલે કે કિચનમાં પણ માર્બલ ને બાથરૂમમાં પણ. આ બધું થયું પણ ખરું, પણ પાંડેજીથી અપડાઉન કરવાથી વાજ આવી ગયા. છેલ્લે છેલ્લે એનો તકાજો તબિયત પર આવતો ગયો ત્યારે પાંડિતાણીને થતું કે આટલે દૂર માત્ર માર્બલ મઢેલાં કિચન ને બાથરૂમ માટે જવાની હઠ લીધી. તેને બદલે થોડી ઓછી દૂર જગ્યા અને ઓછા ભપકાદાર ફ્લેટનો વિચાર કર્યો હતો તો વધુ બહેતર, પણ હવે…!

આ તો હતી એક લોઅર મિડલ ક્લાસની ગૃહિણીની વાત, પણ અપર મિડલ ક્લાસ જ્યાં પતિ-પત્ની બંને સુશિક્ષિત હોય, બંને કમાતાં હોય અને તેવા સંજોગોમાં વૈભવશાળી લાઇફસ્ટાઇલ શા માટે ન રાખવી એ વાત મુદ્દાનો પ્રશ્ન બની જાય છે.

અમીત અને સાધના આ વર્ગમાં ફિટ થાય. અમીત પોતાની ક્વોલિફિકેશન અને આવડતથી નજીવા સમયમાં ટોચના સ્થાને પહોંચેલો. સાધના પહેલાં પ્રાઇમરી સ્કૂલમાં ટીચર હતી ત્યાંથી જુદાં જુદાં ઇન્ટરનેશનલ કોર્સ ઈ-ર્લિંનગથી કરીને શહેરની ઇન્ટરનેશનલ સ્કૂલો પૈકીની એક સંસ્થામાં નોકરી મેળવી ચૂકેલી. બંનેના પગાર પાંચ આંકડામાં આવે. એવા સંજોગોમાં સ્વપ્ન કેમ ન આવે? માત્ર સ્વપ્ન જ નહીં, એને સાકાર કરવાની યોજના માત્ર કાગળ પર ન રહી જાય એવી સાવધાની સાથે આગળ વધવું એવું અમીતનું મંતવ્ય, પણ સાધના માને તોને!

મોટીબહેન પરણીને ઠરીઠામ થયેલી તે જીજાજીનો બંગલો અને કારના કાફલા સાધનાની તમામ સમસ્યાનું મૂળ. અમીત અને સાધના સાધનસંપન્ન નહોતાં એવું તો નહીં પણ સારા વિસ્તારમાં ફ્લેટ, સારી કારના માલિક. મોટીબહેનની જેમ મારે પણ બંગલો હોય તેવું સાધનાનું સ્વપ્ન.

જ્યારે પોતાની નોકરી ઇન્ટરનેશનલ સ્કૂલમાં લાગી ત્યારથી સાધનાના સ્વપ્નને પાંખ ફૂટી. જ્યારે જુઓ ત્યારે અમીત ને સાધના દર વીક એન્ડ પર ગુજરાત-મહારાષ્ટ્ર બોર્ડર પરના વિસ્તારોમાં બંગલા માટે પ્લોટ જોવા જ ઉપડેલાં હોય.

કોઈક જમીનના ટાઇટલ ક્લિયર ન હોય, કોઈક જમીન નોન-એગ્રિકલ્ચરમાં ફેરવી શકાય તેવી ન હોય. સાચું પૂછો તો સાધનાનો આશય સારો, પણ થકવી નાખનારો. આખરે મહેનતનાં ફળ મીઠાંને ન્યાયે પ્લોટ પણ મળી ગયો ને નાનું સરખું કોટેજ બનાવાય તેવી જોગવાઈ પણ અમીતે કરી રાખેલી. ત્યાં તો બોમ્બ ફૂટયો. સાધના કહે કે ના, એવું ઝૂંપડી ક્લાસ કોટેજ બાંધીને હું ફ્રેન્ડસર્કલમાં મારી જાતને ડાઉન માર્કેટ સાબિત કરું કે શું? નો વે, આપણે તો સરસ પાંચ બેડરૂમની વિલા જ બનાવીશું. અમીતની શું તાકાત કે સાધના સામે દલીલો કરે?

બંનેના પગાર પણ ધરખમ એટલે લોન માટે મુશ્કેલી પડે તેવી શક્યતા તો નહીંવત્ હતી. લોન પણ પાસ થઈ ગઈ. ભવ્ય વિલાના પાયા પણ નંખાઈ ગયા ને તેની સાથે શરૂ થયા બીજાં ન ધારેલાં બિલોની વણઝાર.

સામાન્ય રીતે ઘરમાં નાનું મોટું ફર્નિચર કરાવવાનું હોય, ઇન્ટીરિયર કે પછી ફોરેન ટૂર્સ, ધારેલાં બજેટ કરતાં જો વીસથી ત્રીસ ટકા ખર્ચ ન વધે તો જ નવાઈ, પણ મોટાભાગના લોકો અતિશય ઉત્સાહ ને આશાવાદને કારણે આ બધાં પાસાં અવગણી નાખે છે. સાધના-અમીતના કેસમાં પણ એ જ થતું. પોતાની વિલાનું સ્વપ્ન જોવામાં એ બંને ભૂલી ગયાં કે દીકરીને મેડિકલમાં જવું છે તે જોગવાઈ રાખવાની છે અને દીકરાને તો ઇન્ડિયામાં રહેવું જ નથી. એને ભણવા વિદેશ જવું છે.

છોકરાંઓ પણ માના નકશેકદમ પર. આજે પરિસ્થિતિ એવી છે કે હોમલોન માટે લીધેલા હપતા તો હજુ ચાલુ જ છે ને ત્યાં મોટી દીકરીની અને દીકરાના વિદેશ અભ્યાસ માટે લીધેલી એજ્યુકેશન લોનના હપતા શરૂ થઈ ગયા છે. જે હોંશથી વિલા બાંધેલી તેમાં રહેવા જવાનો યોગ નહીં બરાબરો થયો છે, કારણ કે અમીતે ફુલટાઇમ નોકરી સાથે સાઇડ બિઝનેસ તરીકે કન્સલ્ટન્સી ખોલી રાખી છે. એટલું જ નહીં સાધનાએ પણ પોતાની નોકરીના કોન્ટ્રાક્ટમાં લખાયેલી કલમોને ચાતરીને ખાનગી ટયુશનોની હાટડી ખોલી રાખી છે. સવારના આઠ કલાકની ડયુટી પછી બપોરે અને સાંજે બે બેચમાં લગભગ બાર જેટલા સ્ટુડન્ટ્સને ટયુશન આપે છે.

જોવાની ખૂબી તો એ છે કે આ અઢાર કલાકની મજૂરી છતાં અમીત ને સાધના બે છેડા મેળવી શકતાં નથી, મોટાભાગની રકમ લોનના હપતા ચૂકવવામાં જ જાય છે.

હવે બંનેને રહી રહીને થાય છે કે હૃદયની બધી વાતો સાંભળવાના બદલે થોડું મગજનું કહ્યું પણ સાંભળ્યું હોત તો… કદાચ આ દિવસ ન આવત… પણ હવે પાછાં ફરવાનો કોઈ વિકલ્પ નથી. હવે એકમાત્ર વિકલ્પ છે વધુ એક સ્વપ્ન જોવાનો કે જે દિવસે આ બધા હપ્તાની કેદ પૂરી થશે ત્યારે તો જલસા જ છેને!

ઓછું ભણેલી ભૈયાણી પતિની તબિયત ખાતર, સગવડતા ખાતર પોતે કરેલી જીદ માટે વસવસો કરી કમસે કમ ભૂલ કબૂલવા જેટલી હિંમત ધરાવે છે, પણ સુશિક્ષિત સાધનાને આ ભૂલ છે એવું સ્વીકારવામાં પણ નાનમ લાગે છે.

સ્વપ્ન જોવાનો અધિકાર સૌને છે, હોવો જ જોઈએ, પણ સ્વપ્નપ્રદેશ વાસ્તવિકતાને ગળી જાય ત્યાં સુધી વિસ્તરવા દેવાની વાત નર્યું ગાંડપણ નથી?

જ્યારે જ્યારે આવા કિસ્સા જોવા જાણવા મળે ત્યારે એક વાર્તા યાદ આવી જાય ખરી.
એક ધનાઢય કુટુંબમાંથી આવતાં બાળકને ગરીબી પર નિબંધ લખવાનો હતો. એણે લખ્યું કે મારા ઘરે કામ કરતો નોકર એટલો બધો ગરીબ છે કે એની કાર પણ નાની છે. એનો મોબાઇલ પણ જૂનો છે. આખરે વાત ઇચ્છા અને જરૂરિયાત વચ્ચેની ભેદરેખા સમજીને વર્તવાની છે.

આજે જે એડ વર્લ્ડમાં આપણે સૌ જીવી રહ્યા છીએ તે માનસ ઘડતર કરે છે. એ જાહેરખબરોની ગ્લેમરમાં અચાનક શેઠાણી હોય કે નોકરાણી સૌને લાગે છે કે ફલાણાં ફલાણાં ફેસવોશથી ચહેરો ધોઈશ તો સિન્ડ્રેલા બની જઈશ. થોડા સમય પછી જાહેરખબરની અસર એવી હાવી થઈ જાય છે કે તેમને લાગે છે, જો આ હું નહીં વાપરું તો હું કદરૂપી બની જઈશ.

આખરે આ વર્ચ્યુઅલ વર્લ્ડમાં પોતાનું સત્ય તો સૌએ પોતે જ ખોજી કાઢવાનું હોય છે.
છેલ્લે છેલ્લે
હમ પઢ રહેં થે ખ્વાબ કે પૂર્જોં કો જોડ કે
આંધી ને યે તિલસ્મી ભી રખ ડાલા તોડ કે.
– શહરયાર

Advertisements

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

w

Connecting to %s