Mann Woman

તમે આમાંના એક તો નથી ને?

20140403-223105.jpg

“ઓહો ચારુબેન, શું થયું કેમ આટલું બધું શરીર વધી ગયું? ને આ આંખો નીચે કાળાં કુંડાળાં તો જુઓ, તબિયત તો ઠીક છે ને ?”

અચાનક પોતાની જૂની યોગાટીચર મળવા આવી તે પણ કોઈ પ્રયોજન વિના એટલે બિચારી ચારુ તો ખુશ થઇ ગયેલી પણ આ યોગીની તો આવ્યાં ને વર્તાયા. ખરેખર ચારુની તબિયતમાં કોઈ સમસ્યા નહોતી પણ જો આખી વાતના છેડાં મેળવીયે નહીં તો યોગાભ્યાસ કરાવતી આ શિક્ષિકાના બોલવા પાછળનું તાત્પર્ય સમજાય નહી.

ચારુ આમ તો વર્કિંગ વુમન . આખી જિંદગી પગે પૈડાં બાંધીને દોડાદોડ જ કરી હતી.જોઈન્ટ ફેમિલીમાં પતિનું ખાસ ઉપજે નહીં એટલે ચારુએ ઘરમાં અને ઓફિસમાં બધે ઘસાવાનું જ રહે. સંતાનમાં એક માત્ર દીકરી, કુટુંબ વધતું ગયું એમ સાસરિયાં બધાં દિયર જેઠ જુદાં થતા રહ્યાં , રહ્યાં ચારુનાં પતિ , સાસુ ને એક દીકરી.સાસુ ને પતિ પણ સ્વર્ગે ગયા ને દીકરી વિદેશ ભણવા ગઈ તે ગઈ પાછાં ફરવાની વાત કરે પણ નક્કર કંઇ નહી.ચારુને કોઈ ફર્ક ન પડે, સફળ કારકિર્દી તો હતી જ , આઠ કલાક તો ઓફિસમાં જાય, વળી અન્ય પ્રવૃત્તિઓ પણ ખરી ને પાછી સોશિયલ પણ એટલી જ. સમય મળે તો કોઈ એકલતા સાલે ને, પણ અચાનક થવાકાળ થયું ને ચારુ કામ કરતી હતી તે કંપની આર્થિક કટોકટીમાં આવી ગઈ. સારી એવી ગ્રેજ્યુટી ને પીએફ લઇ ચારુ ઘરે બેઠી . એવી કોઈ નાણાકીય તકલીફ પણ નહીં ને આમ પણ રીટાયર થવામાં પાંચ વર્ષ તો બાકી હતા તો હવે માત્ર ગમતી પ્રવૃત્તિ જ શા માટે ન કરવી એવું કૈક વિચારી ચારુએ પહેલી વાર જિંદગીમાં ફુરસદની પળ માણવા માંડી , પચાસીએ પહોંચતા શરીરનો ઘેરાવો પણ થોડો વધેલો એટલે વોક, યોગ, હેલ્થ ક્લબ બધું ચાલુ કર્યું, પણ આખરે આખી જિંદગી રગશિયા ગાળા ખેંચ્યા હોય તેને ચેન પડે?

થોડાં જ સમયમાં ચારુ કંટાળી ગઈ.જે મળે તે કહે હવે તન્વી પછી આવશે એટલી જ વાર.ફરી મારે તો ચક્રમાં જોડાવાનું જ છે.
ત્યાં એક સ્ફોટ થયો.તન્વીએ માને જણાવ્યું કે પોતે વિદેશમાં જ લગ્ન કરી સ્થાયી થવા માંગે છે.છોકરો પાછો વિદેશી,ગોરો, લગ્નમાં કંઈ કરવાનું પણ નથી , નથી સરનેમ બદલવાની , ન તો ઘર બદલવાનું.લીવ ઇન કરતા હતાં ચાર વર્ષથી એટલે હવે નક્કી કર્યું કે ઓફિશિયલી સાથે રહીએ, બાકી ફરક તો કોઈ પડવાનો જ નથી.તન્વીની વાત આજના જમાનાની પ્રેક્ટીકલ કહી શકાય એવી હશે પણ ચારુ અંદરથી હલબલી ગઈ.

દીકરી એક દિવસ તો લગ્ન કરીને પારકે ઘરે જવાની જ હતી એ બધી માનસિક તૈયારી તો હતી જ પણ છતાં કોને ખબર કેમ આ સમાચારે ચારુની નિંદર હારી લીધી. એને એમ જ લાગતું રહ્યું કે તન્વીએ પોતાની માનો વિચાર જ ન કર્યો, દીકરી આવી સ્વાર્થી?
ચારુને ખ્યાલ પણ ન આવ્યો કે એ ડીપ્રેશનમાં સારી રહી છે.યોગ કરે, ક્લબમાં જાય,ફ્રેન્ડઝ સાથે હરે ફરે પણ કંઇક અંદર કોરાયા કરે. રાત્રે ન ઊંઘ આવે ન ચેન વર્તાય , ત્યારે આ યોગ ટીચર થોડી સલાહ આપે રાખે. અલબત્ત, આ ફેઝ ટેમ્પરરી હતો, જ્યાં સુધી મને સ્વીકાર્યો નહોતો ત્યાં સુધી જ . ચારુ એક વાર પોતે જ વિદેશમાં વસતી દીકરીને થનાર જમાઈને મળી આવી પછી પરિસ્થિતિનો સ્વીકાર કરી લીધો,પણ એ દરમિયાન આ યોગ ટીચરની છુટ્ટી થઇ ગયેલી . વાત કેટલી નાની છે પણ કેટલી કડવી . યોગ ટીચર જયારે જયારે મળે જેને મળે તેને ચારુ કેટલી મેન્ટલી તૂટી પડી હતી તે અને પોતે એને કઈ રીતે ઇમોશનલ સપોર્ટ આપી ઉભી કરી એવી પોતાની સેલ્સટોક આપે.એટલે યોગ ક્લાસ બંધ થયા પછી જયારે જયારે ચારુને મળે ચારુ કેટલી જાડી થઇ ગઈ, બીમાર જેવી લાગે છે, અશક્ત લાગે છે કે લાઈફલેસ લાગે છે એવું જતાવવું ન ભૂલે . યોગ ટીચર ભૂલી ગઈ કે ચારુ માત્ર તેમની દુઝતી ગાય નહીં જીવતી સ્ત્રી છે.
યોગ્ ટીચરના મનમાં હતું કે જો એ પોતે આવી વાત કરશે એટલે ચારુ બીજે જ દિવસથી યોગાભ્યાસ શરુ કરશે ને તે માટે પોતાને બોલાવશે.પોતાની દુકાન ચાલુ થાય એટલે બીજાને વિના કોઈ કારણ દુખી કરવાની આ માનસિકતાને શું કહેવું?

યોગ ટીચરની રીમાર્ક પછી ફરી ડીપ્રેશનમાં સરી પડતી ચારુએ હવે આ યોગ ટીચરને મળવું જ નહીં અને મળે તો લટકતી સલામથી વધુ બોલવું હળવું ભળવું નહીં એવું મન બનાવી લીધું છે અને માનવામાં ન આવે તેવી વાત છે કે એનાથી ચારુ બહેતર ફીલ કરે છે.
આવા ઉદાહરણ તો તમારી સામે પણ હશે.શક્ય છે તમારી આસપાસ .
એમાં પણ આ ખાસિયત સ્ત્રીઓમાં જ વધુ જોવા મળશે. એ પછી અભણ અલ્પશિક્ષિત હોય કે વિદુષી .

થોડાં સમય પહેલા જ એવી વાત જોઈ હતી. એક બહેનને તેમની કોઈ સિદ્ધિ માટે બિરદાવતો ન્યુઝ રીપોર્ટ અખબારમાં છપાયો. પેલાં બહેન તો રાજી રાજી , સવારથી ફોન પર ફોન, એવામાં એક ફોન આવ્યો જેને એ ભારે આદરણીય માને તેવા સન્નારીનો . એમણે પણ અભિનંદન તો આપ્યા પણ પછી હળવેકથી કહ્યું,” હેં , પણ આવો ખરાબ ફોટો કેમ છપાયો છે?
જોને એમાં તું કેટલી કાળી લાગે છે ને ચહેરો તો બંદર જેવો લાગે છે, આ છાપાવાળાઓએ હાથે કરીને તને નીચી પાડવા આવું કર્યું હશે કે?”

સવારથી અભિનંદન અને શુભેચ્છાના ફોનથી ખુશખુશાલ ફરી રહેલાં બેનના મૂડ પર સાવરણી ફરી ગઈ. એમણે સામેથી તેમના ખરેખરાં શુભેચ્છ્કોને સામેથી ફોન કરી પૂછવા માંડ્યું કે સાચે ફોટો આટલો ખરાબ છે? જે ફોટોગ્રાફમાં એમને કોઈ દોષ નહોતો જણાયો એ ફોટો અચાનક તેમને ખરાબ લાગવા લાગ્યો ને પેલાં સળગાવી ને રાજી થનાર બેન મનોમન હરખાતા હતા જોયું કેવું પંક્ચર કર્યું, બહુ ચગી તી ને !!

આવું દૂધપાકમાં મીઠું નાખવાનું કામ મોટાભાગના લોકોનો સહજ સ્વભાવ હોય છે.
પેલી યોગ ટીચરે તો પોતાના પાપી પેટથી પ્રેરાઈને આ મીઠું ઘોળવાનું કામ કરેલું પણ આ નામી સાહિત્યકાર કક્ષાના બહેન, એમની આ રોગીષ્ટ માનસિકતાને શું કહેવું?આવા ઉદાહરણ તો તમારી સામે પણ હશે.શક્ય છે તમારી આસપાસ પણ આવા લોકો હશે જ, જે પોતે તમારી કેટલી ખેવના કરે છે તે જતાવી તમને પીડતી વાતના ઘાવ તાજાં રાખવા મથે છે.
આવાં શુભેચ્છકોને પિછાણી એમનાથી અંતર રાખવું જ સારું પણ એ ય ચેક કરી લેજો કે તમે તો આ દૂધપાકમાં મીઠું ઘોળનાર સ્પેશીયાલીસ્ટ પૈકી એક તો નથી ને ?
picture courtsey: Siona Benjamin

છેલ્લે છેલ્લે : હર શખ્શ મુઝે એક અખબાર સમઝ કર
અપને મતલબ કી ખબર કાટ લેતા હૈ

Advertisements

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

w

Connecting to %s