જુનિયર કોલેજમાં આવેલી તન્વીને પોતાની આસપાસના માહોલને જોઈ ભારે રોમાંચક અનુભૂતિ થતી. લેટેસ્ટ ફેશનનાં કપડાં, બેગ્ઝ, જૂતાં ને સનગ્લાસીસ તો ઠીક પણ સૌથી હોટ ટોપિક એટલે સ્માર્ટ ફોન ને એપ્લિકેશનની ચર્ચા. એવું તો નહીં કે તન્વી આ સર્કલમાં ફિટ થઈ ન શકે તેવી અબુધ પણ ઘરમાં વાતાવરણ થોડું પરંપરાવાદી. રૂઢિચુસ્ત નહીં પરંપરાવાદી, મર્યાદાશીલ, વિવેકી, મૃદુભાષી અને સૌથી મહત્ત્વની વાત આદર્શથી ચાલનારું કુટુંબ. તન્વી કોલેજમાં આવી એટલે સ્વાભાવિકપણે નવો રંગ ધીરે ધીરે ચઢવા લાગ્યો.
પોતાના ગર્વ લેવા જેવા કુટુંબીજનો વધુ પડતાં શિસ્તપ્રિય લાગવા માંડયા. ઘરનો નિયમ એવો હતો કે સાંજે સૌની સાથે જમવું. પણ હા, જમતી વખતે વાતો ન કરવી. આમ પણ તન્વીના પપ્પા સનતભાઈને વગર જોઈતી વાત કરે તે લોકો પસંદ નહીં. સનતભાઈ સાથે પરણીને પતિના રંગમાં ઢળી જનાર ઉષાબહેનને તેમાં કોઈ વાંધો વિરોધ પણ નહીં એટલે માત્ર પતિ-પત્ની અને બે બાળકો તન્વી અને દીપ્તી સાથે ચાર વ્યક્તિનું કુટુંબ પણ ન તો કોઈ ટંટાનો ઊંચો સ્વર કાને પડે ન હસી-મજાક ઠઠ્ઠાની છોળ ઉછળી કાને પડે.
જ્યારે જુઓ તો આ કુટુંબમાં દેખીતી કોઈ સમસ્યા જ નહીં. દેખીતી કે વણદેખીતી વાત ત્યારે થાય જ્યારે સમસ્યા સર્જાય, પણ એ માટેનાં મૂળિયાં ક્યાંક ને ક્યાંક તો રોપાતાં જ હોય છે. પત્ની અને દીકરીઓ સાથે ઓછો સંવાદ રાખનાર સનતભાઈના મનમાં એવી થોડી માન્યતા ખરી કે વધુ પડતો સંવાદ, વ્યવહાર ઔચિત્ય ન જાળવે. ફેમિલિયારિટી બ્રીડ્ઝ કન્ટેમ્પ્ટ એ તકિયાકલામ. વધુ પડતી પરિચિતતા, આત્મીયતા અનાદર અને અવજ્ઞા જ જન્માવે તે હવે તે વહેમથી પીડિત ન પત્ની સાથે મુક્તમને વાતચીત કરે તો દીકરીઓની વાત જ શું કરવી? અને આમ જોવા જઈએ તો પોતાની જડ માન્યતા માટે સનતભાઈને પસ્તાવું પડતું હોય તેવો એકેય દાખલો બન્યો નહોતો. ઓફિસમાં પણ સ્વભાવે સૌજન્યશીલ સનતભાઈને સૌ પૂછે, ને સનતભાઈ કોઈ પૂછે તો જ પોતાનો મત કે સલાહ આપે. ખરેખર જોવા જઈએ તો આ વાત ગુણ લેખાવી રહી, પણ આ જ વર્તન ઘરમાં પણ.
તન્વી કોલેજમાં આવી અને આખી દુનિયા બદલાઈ ગઈ.મનમાં ઘણાં તરંગો ઊડે ને તે શેર કરવા માટે કોઈ નહીં, કારણ કે પપ્પાની સલાહ અને આજ્ઞા પ્રમાણે કોઈ ખાસ સહેલીઓ જ નહીં, જે બે-ત્રણ સ્કૂલ ફ્રેન્ડઝ હતી તેમની સામે પણ દિલ ખોલીને વાત કરવાની આદત નહીં. યુવાનીના ઉંબરે પગ મૂકતાં બાળકો માટે આ કેટલી મોટી સમસ્યા હોઈ શકે તે મા-બાપ ભૂલી જાય છે. ઉષાબહેન પાસે પણ દીકરી તન્વીની કોઈ વાત સાંભળવાનો સમય નહીં. તન્વીથી દીપ્તી તો છ વર્ષ નાની. એની સાથે તન્વી શું વાત કરે?
એકલતાનું જાળું વધુ મજબૂત થાય તે પહેલાં જ તન્વીને મિત્રોનું એક નવું ગ્રૂપ મળી ગયું. ત્રણ છોકરીઓ પોતાના જેવા જ મિડલક્લાસ, સિદ્ધાંતવાદી ઘરમાંથી આવતી ને સાથે ત્રણ-ચાર છોકરાંઓ. પહેલાં તો થોડો ડર લાગતો, સંકોચ પણ. ધીરે ધીરે એ સંકોચ ઊડવા લાગ્યો. પહેલાં નવા થયેલાં બહેનપણાં કોલેજની કેન્ટીન પૂરતાં હતાં, એ પછી વિસ્તર્યાં બહાર રેસ્ટોરાં અને મેટિની શો સુધી. એમાં હળવેકથી છોકરાંઓની પણ એન્ટ્રી થતી રહી. તન્વી ભારે મૂંઝાતી પણ ખરી. એક ગુનાઈત ભાવનાથી પીડાતી પણ બોલે તો ક્યાં જઈ કહે? અરે, કેન્ટીનમાં, રેસ્ટોરાંમાં કે ફિલ્મ જોવા જવું ગુનો થોડો છે? સહેલીઓ તન્વીની ભીરૂતા ભાંગવા પાનો ચઢાવતાં બોલતી ત્યારે તન્વીને લાગે કે હા, એ વાત પણ સાચી જ છેને, આમાં કંઈ ગુનો થોડો છે?
ગુનો નિદોર્ષ આનંદમાં હરગીઝ નથી. પણ કોલેજના ક્લાસીસ બંધ કરવા, એ વાત તો ગુનો ખરીને! જે ગુનો મા-બાપ, વાલી બનેલાં લોકોએ પોતાના વિદ્યાર્થીકાળ દરમિયાન કર્યો હોય એટલે સૌને સ્વાભાવિક લાગે તેવી વાત છે, પરંતુ ક્યારેક સાહજિક વાતો હદ વટાવે ત્યારે સમસ્યા સર્જાતી હોય છે. મિત્રોના વાદે તન્વી ક્યારે સિગારેટના કશ મારતી થઈ ગઈ તે તન્વીને પણ ન સમજાયું. બે-ચાર કશમાં કોઈ એડિક્ટ નથી થતું. આ એક સામાન્ય દલીલ એડિક્ટ બનાવનારા કરતાં હોય છે. તમાકુ તો ઠીક, આજકાલ કોલેજોમાં ખાસ કરીને યુવાધનને ખોખલું કરી નાખતાં ડ્રગ્સનો જે વ્યાપ વધ્યો છે તેમાં માત્ર તાલેવંતનાં સંતાનો જ સપડાય તેવું માની લેવું ભૂલભરેલું છે. તન્વીની કહેવાતી સખીઓ અને ક્યારેક સાથે આવતાં છોકરાંઓમાંનાં ઘણાં ‘હેશ’ના શોખીન હતાં. જેમાં તમામ પૈસાદાર ઘરમાંથી આવતાં નહોતાં. એક વાર આ નશીલા બંધાણને રવાડે ચઢયા પછી જરૂરિયાતને પોષવા ઘરમાંથી ચોરી કરીને કે પછી નવાં બકરાં શિકાર શોધી લાવીને આપવા જેવી કામગીરી આ બંધાણીઓએ કરવી પડતી હોય છે.
તન્વીને પોતાને ખબર ન પડી કે પોતે એક વ્યવસ્થિત કાર્ટેલનો શિકાર બની ગઈ છે. પહેલા મહિનામાં બે વાર પછી અઠવાડિયે એકાદ વાર ને ધીમે ધીમે આ નાગચૂડ વધતી રહી. પોકેટમની ઓછા પડવા લાગ્યા ત્યારે પણ સનતભાઈ ને ઉષાબહેનને તન્વીને પાસે બેસાડી વાત જાણવાની જરૂર ન લાગી. આમ તો આ આખી વાત કદાચ પ્રકાશમાં આવત પણ નહીં જો ઉષાબહેનનાં ભાઈ-ભાભી, એટલે કે તન્વીનાં મામા-મામી લગ્નપ્રસંગે બહેનને ત્યાં ન ઊતર્યાં હોત. ચતુર મામા-મામીએ પોતાના પર્સમાંથી ચોરાયેલી પાંચસો-પાંચસોની નોટનો તાળો મેળવવા જરા લોજિક લગાડયું ને ખ્યાલ આવ્યો તન્વીની નશાબાજીનો. સનતભાઈ ને ઉષાબહેનને તો આખી વાત હાડોહાડ લાગી ગઈ પણ વાત ખોટી નહોતી. તન્વી ખોટે રસ્તે ચઢી ગઈ હતી પણ હજી ધીટ, જૂઠી, નશેબાજ નહોતી થઈ ગઈ. એણે પોતાનો ગુનો કબૂલ્યો ને જોશી કુટુંબ પર વજ્રઘાત થયો.
સનતભાઈ અને ઉષાબહેન હજી પણ અત્યંત આઘાતમાં છે. પોતાનાં ભાઈ-ભાભીને ખોટાં માનનાર ઉષાબહેન કદાચ તન્વીએ સાચી કબૂલાત ન કરી હોત તો કદીય માની પણ ન શકત કે પોતાની દીકરી નશેબાજી કરવા માટે ઘરમાં જ ચોરી કરી શકે. સનતભાઈ આખી પરિસ્થિતિથી અવાચક છે. તેમને રહી રહીને એકમાત્ર અજંપો થયા જ કરે છે કે પોતાની પરવરીશમાં એવી તો શું ખામી રહી ગઈ કે દીકરી આ માર્ગે ચઢી ગઈ? તન્વી ડ્રગ રિહેબિલિટેશન સેન્ટરની તથા મેડિકલ, સાઇકિયાટ્રિક સારવારથી લગભગ નોર્મલ છે. સૌથી જમા બાજુ એ છે કે નશો કરવાના શરૂઆતી સ્ટેજમાં જ આ આખી વાતનો પર્દાફાશ થયો, જો મામા-મામી લગ્નપ્રસંગે આવ્યાં જ ન હોત અને તેમને પોતાના પૈસા ચોરાયા છે તે વિષે બાંધી મુઠ્ઠી લાખની કરી ચૂપકીદી સેવી હોત તો પરિણામ વધુ ખરાબ થઈ જાત, પરંતુ આજે પણ સનતભાઈ અને ઉષાબહેનને આખી વાતમાં પોતાનો તો કોઈ દોષ જ જણાતો નથી.
હકીકત એ છે કે સનતભાઈ-ઉષાબહેનની કોઈ ભૂલ હોય તો તે છે દીકરીઓ સાથે સંવાદમાં અંતર રાખવાની. વત્તેઓછે અંશે સનતભાઈની એ વાત સાચી પણ ખરી કે વધુ પડતી ઘનિષ્ઠતા, પરિચિતતા, અનાદર કે અવજ્ઞા નોતરે પણ એ વાત પરિવાર કે બાળકો સાથેના વ્યવહારમાં લાગુ પડતી નથી. જો બાળકો સાથે ખુલ્લા મનથી સંવાદ કરવામાં આવે તો એ પણ ખૂલીને પોતાની મૂંઝવણ, ચિંતા કે પ્રશ્નો બેઝિઝક કહેશે, જો ઘરમાં જ એવું મૈત્રીભર્યું વાતાવરણ મળે તો એને બહાર કહેવાતા, સાઉન્ડિંગ બોર્ડની શોધમાં નહીં જવું પડે. સંતાનોને તેમના હમઉમ્ર મિત્રો તો હોવા જ જોઈએ તે વાત સાચી પણ છે અને તંદુરસ્ત અભિગમ પણ. છતાં, આ મિત્રો કેવા છે અને કયાં બેકગ્રાઉન્ડમાંથી આવે છે તેની પૂરી માહિતી હોવી મા-બાપની ફરજ બની જાય છે.
તન્વી જેવી ભૂલ કોઇ પણ માસૂમ કરી શકે છે. જો એ ન થાય તેવું ઇચ્છતાં હો તો મા-બાપે પોતે જ તરૂણ સંતાનોના વાલી કમ મિત્રો બનવાની ભૂમિકામાં આવવું જ પડશે.
(ફોટોગ્રાફ પ્રતીકાત્મક છે ).
છેલ્લે છેલ્લે
૧૫ વર્ષના સંતાનને સમજવાનો પ્રયત્ન સફળ થતો લાગે ત્યાં સુધીમાં તે સત્તરનાં થઈ ગયાં હશે.
– જર્મન કહેવત